Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Ahmedabad Crime Branch
-
પ્રકાશિત
-
વાંચવાનો સમય: 4 મિનિટ
(નોંધ: અહેવાલની કેટલીક વિગતો અને તસવીરો વિચલિત કરી શકે છે.)
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પાંચેક દિવસ પહેલાં એક વ્યક્તિ હત્યાની બાતમી લઈને આવેલી.
પોલીસે આ બાતમીદારની બાતમી આધારે તપાસ પણ હાથ ધરી પરંતુ પાછળથી ખબર પડી કે આ બાતમીદાર પોતે જ ત્રણ હત્યાના ગુનાનો આરોપી હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આરએલ ઓડેદરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ બાતમીદાર પોતાની પત્નીએ તેની ફોઈના દીકરાની સાથે મળીને પોતાની દાદીની હત્યા બાતમીદાર સામે કરી હોવાની માહિતી લઈને અમારી પાસે પહોંચ્યો હતો.”
પોલીસનું કહેવું છે કે માહિતી આવ્યા બાદ પોલીસ ઍક્શનમાં તો આવી, પરંતુ હકીકતોમાં અનિયમિતતા જણાતાં બાતમીદારની કડક પૂછપરછ કરી તો માલૂમ પડ્યું કે ‘બાતમીદારે જ પોતાની પત્ની સાથે મળીને ત્રણ હત્યા કરી હતી.’
પોલીસનો દાવો છે કે બાતમીદાર માધવદાસ સાધુ અને તેમનાં પત્ની ઉર્મિલા સાધુએ ચારેક વર્ષ પહેલાં ત્રણ-ત્રણ હત્યા કરી ‘જાણે કંઈ થયું જ ન હોય એમ’ ફરતાં હતાં.
જોકે, આખરે કંઈક એવું બન્યું કે બંને આરોપીઓ પોલીસના સકંજામાં પહોંચી ગયાં.
બીબીસી ગુજરાતીએ સમગ્ર ઘટનાક્રમ અને આખરે હત્યાના આરોપની હકીકતો કઈ રીતે સામે આવી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
બાતમીદાર જ હત્યાનો આરોપી હોવાનું કેવી રીતે ખબર પડી?
ઇમેજ સ્રોત, PSI RL Odedara
પીએસઆઇ ઓડેદરા જણાવે છે કે, “થોડા દિવસ પહેલાં ધોળકાના વાલથેરા ગામના રહેવાસી માધવદાસ સાધુએ અમારી પાસે આવીને બાતમી આપી હતી કે તેની પત્ની ઉર્મિલાએ પોતાની ફોઈના પુત્ર અફઝલ સાથે મળીને ઉર્મિલાની વૃદ્ધ દાદીની હત્યા કરી નાખી છે.”
પોલીસ અધિકારી કહે છે કે આ માહિતીને આધારે પોલીસે અફઝલને સુરતના કોસંબા ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઑફિસે લાવીને પૂછપરછ કરી હતી.
“જોકે, આ પૂછપરછ દરમિયાન આ હત્યા અંગે તેને કંઈ ખબર ન હોવાનો આભાસ થતાં અમને બાતમીદારની વિશ્વસનીયતા સામે શંકા થઈ હતી.”
પીએસઆઇ ઓડેદરા કહે છે કે, “બાદમાં અમે બાતમીદારની કડક પૂછપરછ કરી તો સંપૂર્ણ હકીકત સામે આવી ગઈ હતી.”
“બાતમીદારે પોતે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને ઉર્મિલાની સગીર બહેન, દાદી શાંતાબહેન અને માધવદાસનાં માતાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.”
“આ ત્રણેય હત્યાઓ વર્ષ 2022માં આઠ માસના ગાળામાં જ કરાઈ હતી.”
પોલીસ અધિકારી ઓડેદરા કહે છે કે, “બંને પતિ-પત્ની પાછલા અમુક મહિનાથી એકબીજાની સાથે નહોતાં રહી રહ્યાં. માધવદાસે પોતાની પત્નીને મનાવવાના ઘણા પ્રયાસ કર્યા છતાં હવે તે તેની સાથે રહેવા તૈયાર નહોતી.”
“તેમજ માધવદાસ પોતાની પત્ની તમામ દાગીના અને પૈસા લઈને ઘરેથી નીકળી ગઈ હોવાને કારણે ગુસ્સામાં હતો.”
“જેથી તેણે ઉર્મિલા અને તેના ફોઈના દીકરાને પોલીસ કેસમાં ફસાવવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો.”
પીએસઆઇ ઓડેદરા કહે છે કે બાતમીદાર માધવદાસને પહેલાં લાગ્યું હતું કે પોલીસ પોતાની મેળે તપાસ નહીં કરે અને તેઓ કહેશે એ બધી વાત માનીને પત્ની અને અફઝલની ધરપકડ કરી લેશે.
‘હત્યા’નાં ચાર વર્ષ પછી થયો નવો ખુલાસો
પીએસઆઇ ઓડેદરા કહે છે, “અમે બંને પતિ-પત્નીની કડકાઈથી પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી.”
“પતિએ ઉર્મિલાએ પોતાની દાદી અને નાની બહેનની હત્યા કરવાની વાત કહી તો ઉર્મિલાએ પણ માધવદાસે પોતાની લકવાગ્રસ્ત અને પથારીવશ માતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો.”
પોલીસ તપાસમાં લગાવાયેલા આરોપો મુજબ, ‘બંને આરોપીઓએ પ્રથમ 25 ફેબ્રુઆરી 2022ના રોજ કોસંબા ખાતે ઉર્મિલાની સગીર બહેનની ‘હત્યા’ કરી હતી, બાદમાં 19 જુલાઈ 2022ના રોજ માધવદાસનાં પથારીવશ અને લકવાગ્રસ્ત માતા મંજુલાબહેનની ધોળકા ખાતે તેમના ઘરે ‘હત્યા’ કરી હતી.’
‘તેમજ, અંતે 7 ઑક્ટોબર 2022ના રોજ વૃદ્ધ દાદી શાંતાબહેન વસાવાની ‘હત્યા’ કરીને ‘લાશને બૅરલમાં ભરી તેના પર સિમેન્ટ અને પાણી નાખીને ઘરમાં જ મૂકી રાખી હતી.’
પીએસઆઇ ઓડેદરા કહે છે કે, “ઉર્મિલા અને માધવદાસની નજર ઉર્મિલાની દાદીની સંપત્તિ પર હતી, તેથી પહેલાં તેમણે ઉર્મિલાની નાની બહેનને રસ્તામાંથી હઠાવવા માટે ટીબીગ્રસ્ત આ બહેનનું ઓશીકું મૂકીને મૃત્યુ નિપજાવી દીધું.”
“બાદમાં બંનેએ સાથે મળીને ધોળકાના પોતાના ઘરે જ માધવદાસનાં પથારીવશ માતાની સેવાચાકરી ન કરવી પડે એ હેતુથી તેમની પણ હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું છે.”
“અંતે બંનેએ શાંતાબહેન વસાવાનું કોસંબા ખાતેના તેમના ઘરે જ મૃત્યુ નિપજાવી અને તેના ત્રણ દિવસ બાદ ધોળકા ખાતે તેમનું કોરાનામાં મૃત્યુ થયું હોવાનું જાહેર કરી દીધું અને કહ્યું કે ડૉક્ટરો મૃતદેહ નથી આપી રહ્યા.”
“બાદમાં બંનેએ કોસંબા ખાતે દાદીના ઘરે પહોંચીને લાશવાળા બૅરલમાંથી લાશ અને અન્ય માલ કાઢીને ઘરમાં જ ખાડો કરીને તેને દફનાવી દીધી હોવાનું કબૂલ્યું.”
“બંને પતિ-પત્નીએ આ વૃદ્ધાના ઘરની વસ્તુઓ, દાગીના અને સંપત્તિ પણ લઈ લીધી હતી, પરંતુ બંને વચ્ચે અણબનાવ થતાં એકબીજાને ફસાવવા જતાં બંને પોલીસ સકંજામાં આવી ગયા.”
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી આરએલ ઓડેદરાનું કહેવું છે કે ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલા અંગે અહેવાલ બનાવીને આખો મામલો અને બંને આરોપીઓને સુરત ગ્રામ્ય પોલીસને મોકલી આપ્યા છે. આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે.
સુરત ગ્રામ્ય પોલીસના પીએસઆઇ એડી ધાંધલે આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “ગત બુધવારે પોલીસે વૃદ્ધાની લાશ કોસંબા ખાતેના તેમના ઘરેથી બહાર કાઢી છે. આ મામલે એફઆઇઆર દાખલ કરી દેવાઈ છે અને બંને આરોપી પતિ-પત્નીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરાયાં હતાં, કોર્ટે બંનેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ, બંને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર છે.”
આ સમગ્ર મામલે આરોપીઓનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ અફઝલનાં પત્ની દીવાન તૈમુના સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, “ઉર્મિલા મારી નણંદ થાય, પરંતુ એ બંને પતિ-પત્ની સાથે અમારું બહુ બનતું નથી, અમને એમના વિશે બહુ ખબર નથી.”
જ્યારે અમે માધવદાસ અને ઉર્મિલાબહેનને ઓળખતા અન્ય કોઈનો સંપર્ક માગ્યો તો તેમણે પોતાની ‘કંઈ ખબર ન હોવાની’ વાત કરી.
આરોપીઓનો પક્ષ જાણવાના પ્રયાસ સફળ રહ્યા નહોતા, તેમનો પક્ષ જાણવા મળે ત્યારે અહેવાલ અપડેટ કરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




