Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
દાહોદના સીંગવડ તાલુકાના એક ડુંગરાળ વિસ્તારમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાતના દાહોદ જિલ્લાના એક ગામમાં એક યુવક અને યુવતીએ પોતાનો જીવ આપી દીધો હતો. તેમણે આ બનાવનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું. આ ઘટના ચાર ઑક્ટોબરના રોજ બની હતી.
બીબીસી સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે, એકસાથે બે મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. તેથી ય વધુ ચોંકાવનારી બાબત એ હતી કે, આ યુગલે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને જીવ આપ્યો હતો.
દક્ષેશ શાહ જણાવે છે, મૃતક યુવક ફોફણ ગામનો વતની હતો અને યુવતી સગીર હોવાથી તેની ઓળખ જાહેર નથી કરાઇ.
સ્થાનિક લોકોએ ડુંગર પર મૃતદેહો જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ રણધીકપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવ્યો હતો.
દક્ષેશ શાહ જણાવે છે કે, પોલીસે પંચનામા સહિતની કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને બંને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ અર્થે દાહોદની સરકારી હૉસ્પિટલમાં ખસેડયા છે.
આ બાબતે લીમખેડાના એએસપી (આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) કરણ પન્નાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે “પ્રાથમિક ધોરણે કદાચ એવું લાગી રહ્યું છે કે, બંને પોતાને સામાજિક સ્વીકાર્યતા મળશે કે નહીં એ બાબતના ડરના કારણે આવું પગલું ભર્યું હોય.”
જોકે, યુવક-યુવતીનાં મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, તેમજ રણધીકપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કરણ પન્નાએ બીબીસી ગુજરાતીને વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં યુવતી સગીર અને યુવક પુખ્ત વયનો હતો.
શું છે સમગ્ર મામલો?
ઇમેજ સ્રોત, Getty Images
આ બંને યુવક-યુવતીએ તેમનો જીવ આપતી વખતે આ બનાવનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને તેમના ગામથી લગભગ 5 કિમી દૂર જંગલમાં હતા, જીવ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવક અને યુવતી સવારે ગામ છોડીને ગયાં હતાં. ત્યારબાદ તેઓ જંગલમાં પહોંચ્યાં અને જીવ આપવા માટે ઝાડ પર ચડી ગયાં.
“જીવ આપતા પહેલા યુવકે તેના ફોન મારફતે ઇન્સ્ટાગ્રામ પર લાઇવસ્ટ્રીમ શરૂ કર્યું હતું. અને તેમણે તેમની અંતિમ ક્ષણોનું લાઇવ કર્યું હતું.”
“તેમનું લોકેશન ટ્રેસ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહોને નીચે ઉતારી લીધા.”
“પોસ્ટમૉર્ટમ પછી, સોમવારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.”
રણધીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેએન ભરવાડે બીબીસી ગુજરાતીને માહિતી આપી હતી કે, બંને ઘરેથી ભાગી ગયાં હતાં, પણ લગ્ન નહોતાં કર્યાં.
“યુવકે તેમના ભાઈને કૉલ કરીને તેમના આ સબંધ વિશે વાત કરી હતી, અને જો તે ન થાય તો તેમણે ઇન્સ્ટાગ્રામ લાઇવ કરીને જીવ આપવાની વાત કરી હતી. “
“જોકે, યુવકના ભાઈએ આ બાબતે પોલીસને જાણ કરી હતી.”
“જીવ આપનારા યુવતી અને યુવક બંને એક જ સમુદાયમાંથી આવતાં હતાં.”
લીમખેડા પોલિસે શું જણાવ્યું?
ઇમેજ સ્રોત, daxesh shah
લીમખેડાના એએસપી કરણ પન્નાએ જણાવ્યું હતું કે “આ ઘટનામાં અજાણ્યું સ્થળ હોવાથી જેવી પોલીસને માહિતી મળી તરત જ સ્થળને શોધીને ત્યાં પહોંચી હતી.”
“પરંતુ પોલીસ પહોંચે તે પહેલા બંને મૃત્યું પામ્યાં હતાં.”
“આ બાબતે રણધિકપુર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતની એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.”
“પરંતુ તપાસમાં જો કંઈ બીજું પણ સામે આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.”
આ મામલે યુવક-યુવતીના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ હાલ શોકમાં હોવાથી કંઈ બોલવા તૈયાર નથી. તેમનો પક્ષ જ્યારે જાણવા મળશે ત્યારે અહીં ઉમેરવામાં આવશે.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




