Home તાજા સમાચાર gujrati ‘પાકીઝા’ ફરી એક વાર પડદા પર આવી રહી છે, આખરે આ ફિલ્મ...

‘પાકીઝા’ ફરી એક વાર પડદા પર આવી રહી છે, આખરે આ ફિલ્મ બનતાં 15 વર્ષ કેમ લાગ્યાં હતાં?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઑક્ટોબરમાં યોજાનારા પ્રતિષ્ઠિત ‘બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલ’માં હિન્દી સિનેમાની ક્લાસિક ફિલ્મ ‘પાકીઝા’ નવા 4K રેસ્ટોરેશન સાથે મોટા પડદા પર પાછી આવી રહી છે.

18 ઑક્ટોબર 2026ના રોજ સેન્ટ્રલ લંડનના બીએફઆઈ આઈમૅક્સમાં યોજાનારા આ ખાસ સ્ક્રીનિંગની તમામ ટિકિટો લગભગ એક મહિના પહેલાં જ વેચાઈ ગઈ છે. ટિકિટોનું ‘સોલ્ડ આઉટ’ થવું એ વાતનો પુરાવો છે કે રિલીઝનાં 54 વર્ષ પછી પણ ‘પાકીઝા’નો જાદુ જળવાઈ રહ્યો છે. વીતેલો સમય તેની ચમકને ઝાંખી કરી શક્યો નથી.

દિગ્દર્શક કમાલ અમરોહીની આ ક્લાસિક ફિલ્મનું સંરક્ષણ ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’ દ્વારા અમરોહી પરિવારના સહયોગથી કરવામાં આવ્યું છે. આ નવા વર્ઝનનું વર્લ્ડ પ્રીમિયર ફ્રાન્સના લિયૉનમાં ‘ફેસ્ટિવલ લ્યુમિયેર’માં થશે, ત્યાર પછી તેને ‘બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલ’માં બતાવવામાં આવશે.

‘પાકીઝા’ અને તેનાં ‘સાહિબજાન’ અભિનેત્રી મીનાકુમારી સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ છે, જેમાંથી કેટલીક આપણે સૌએ ક્યારેક ને ક્યારેક સાંભળી છે. તેમ છતાં તેને વારંવાર યાદ કરવામાં આવે છે, જેથી સમયની ધૂળમાં એ વાતો દટાઈ ન જાય.

‘પાકીઝા’ની આખી સફર કોઈ પરીક્ષાથી કમ નહોતી

બીબીસી ગુજરાતી

‘પાકીઝા’ને પૂર્ણ થવામાં 15 વર્ષનો લાંબો સમય લાગ્યો. તેની શરૂઆત 1957માં થઈ હતી. પરંતુ ફિલ્મ પહેલાં કમાલ અમરોહી અને મીના કુમારીની કહાનીની શરૂઆત થઈ હતી.

1949ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘મહલ’થી કમાલ અમરોહી મોટા દિગ્દર્શક બની ગયા હતા. તેઓ જાણીતા સ્ક્રિપ્ટરાઇટર પણ હતા અને ‘મુગલ-એ-આઝમ’ના લેખકોમાં સામેલ હતા.

બીજી તરફ, મીના કુમારી ઊભરતાં અભિનેત્રી હતાં, જેઓ બાળપણથી જ ફિલ્મોમાં કામ કરતાં હતાં.

બંને વચ્ચે પ્રેમ થયો અને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે, 14 ફેબ્રુઆરી 1952ના રોજ બંનેએ લગ્ન કરી લીધાં.

કમાલ ઉંમરમાં મીના કરતાં મોટા હતા અને આ પહેલાં તેમનાં બે લગ્ન થઈ ચૂક્યાં હતાં. કમાલ મીનાને પ્રેમથી મંજુ કહેતા હતા અને મીના તેમને ચંદન કહીને બોલાવતાં હતાં.

કમાલે મીના કુમારી સાથે પહેલાં ‘દાયરા’ (1954) બનાવી હતી, જે સફળ રહી નહોતી.

આ દરમિયાન મીના કુમારી ‘બૈજુ બાવરા’ (1953) અને દિલીપ કુમાર સાથેની ‘આઝાદ’ જેવી ફિલ્મોથી મોટાં સ્ટાર બની ચૂક્યાં હતાં અને પહેલો ફિલ્મફેર બેસ્ટ ઍક્ટ્રેસ અવૉર્ડ પણ તેમને જ મળ્યો હતો.

કમાલ અમરોહીનો ‘તાજ મહેલ’

બીબીસી ગુજરાતી

કમાલે મીના કુમારીને ધ્યાનમાં રાખીને જ ‘પાકીઝા’ની વાર્તા લખી હતી. 17 જાન્યુઆરી 1957ના રોજ એક ભવ્ય મુહૂર્ત થકી તેમણે ‘પાકીઝા’ને લૉન્ચ કરી હતી.

‘પાકીઝા’ તેમનાં સપનાંની ફિલ્મ હતી. મીના કુમારી પર વિનોદ મહેતાએ લખેલા પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે, “શાહજહાંએ પોતાનાં પત્ની માટે તાજમહેલ બંધાવ્યો હતો. કમાલસાહેબ પણ ‘પાકીઝા’ બાબતે કંઈક એવું જ કરવા માગતા હતા.”

શરૂઆતમાં કમાલ અમરોહી ‘પાકીઝા’માં પોતે પણ અભિનય કરવા માગતા હતા. પરંતુ સમય જતાં તેમણે આ ઇરાદો છોડી દીધો.

બ્લૅક ઍન્ડ વ્હાઇટથી સિનેમાસ્કોપ સુધીની સફર

શરૂઆતમાં ‘પાકીઝા’ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મ તરીકે બનાવવાની હતી, પરંતુ પછી તેને રંગીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર પછી કમાલ અમરોહીએ તેને સિનેમાસ્કોપમાં બનાવવાનો નિર્ણય કર્યો, જેને કારણે ફિલ્મમાં વિલંબ થતો ગયો.

જોકે દેશની પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ, દિગ્દર્શક ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’ (1959), બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ ગઈ હતી, તેમ છતાં કમાલ અમરોહી અડગ રહ્યા. તેમણે લંડનના એમજીએમ સ્ટુડિયોમાંથી સિનેમાસ્કોપ લૅન્સ ભાડે લીધા. તેનું ભાડું જ દર મહિને 50,000 રૂપિયા હતું, જે તે સમયે બહુ મોટી રકમ હતી.

શરૂઆતનું શૂટિંગ

બીબીસી ગુજરાતી

સિનેમાસ્કોપ લૅન્સ આવ્યા પછી કમાલ અમરોહીએ મીના કુમારીનાં ઘણા મહત્ત્વનાં દૃશ્યોનું શૂટિંગ કરી લીધું. સંગીતકાર ગુલામ મોહમ્મદે સંગીતબદ્ધ કરેલાં અત્યંત લોકપ્રિય ત્રણ મુજરા ગીતો: ‘ઇન્હી લોગોં ને’, ‘ઠાડે રહિયો’ અને ‘ચલતે ચલતે’નું શૂટિંગ પણ કમાલે ખૂબ સુંદર રીતે કરી લીધું.

ફિલ્મનાં આ દૃશ્યોમાં જ મીના કુમારી સૌથી વધુ સુંદર દેખાય છે. જોકે, ત્યાં સુધી ફિલ્મના હીરોનો નિર્ણય થયો નહોતો.

પરફેક્શનની ઘેલછા

શરૂઆતનાં દૃશ્યોનું શૂટિંગ થયા પછી કમાલ અમરોહીને લાગ્યું કે લૅન્સનું ફોકસ કંઈક બરાબર નથી. કૅમેરામૅન જોસેફ વિર્શિંગે કહ્યું કે ફોકસ બિલકુલ બરાબર છે. પરંતુ કમાલ માન્યા નહીં.

બીજી લૅબોરેટરીમાં તપાસ કરાવવામાં આવી. રિપોર્ટ આવ્યો કે ફોકસ બરાબર છે. પરંતુ કમાલને ગળે એ વાત ઉતરી નહીં.

ફૂટેજ એમજીએમ પાસે લંડન મોકલવામાં આવ્યું. ત્યાં પણ ફોકસ બરાબર હોવાનું જણાયું. પરંતુ કમાલ માન્યા નહીં.

આખરે હૉલિવૂડની એક લૅબોરેટરીમાં જાણવા મળ્યું કે ફોકસમાં ખરેખર 1/1000 મિલિમીટરનો ફરક હતો. કમાલ અમરોહીની તેજ નજરે આ બારીક ભૂલ પણ પકડી લીધી હતી. તેમની પ્રશંસા કરતાં એમજીએમએ બાકીના શૂટિંગ માટે લેન્સનું ભાડું પણ માફ કરી દીધું.

10 લાખનો ‘બાઝાર-એ-હુસ્ન’

ફિલ્મના ‘બાઝાર-એ-હુસ્ન’ના સેટને બનાવવામાં 10 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થયો હતો. ચાર માળના આ સેટ પર 600 લોકો આઠ મહિના સુધી દિવસ-રાત કામ કરતા રહ્યા. તેને અસલી દેખાડવા માટે દેશના અલગ-અલગ ભાગોની ઘણી દુકાનોને ત્યાં લાવીને વસાવવામાં આવી હતી.

આ દુકાનો એક વર્ષથી વધુ સમય સુધી સેટ પર રહી હતી. આ સેટ પર મુજરાનું શૂટિંગ કરવા માટે સેંકડો ડાન્સર્સને ઘણા મહિનાઓ સુધી ખાસ તાલીમ આપવામાં આવી હતી.

કમાલ-મીના અલગ થયાં

સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ‘પાકીઝા’ની ગતિ ઘણી ધીમી હતી. ‘પાકીઝા’ બનતાં બનતાં કમાલ અમરોહી અને મીના કુમારીના સંબંધો પણ કથળવા લાગ્યા. માર્ચ 1964માં બંને અલગ થઈ ગયાં.

કમાલ અમરોહીથી અલગ થયા પછીના આ સમયગાળામાં મીના કુમારીએ ખૂબ વધુ દારૂ પીવાનું શરૂ કરી દીધું.

લેખક મેઘનાદ દેસાઈ પોતાના પુસ્તક ‘પાકીઝા- એન ઓડ ટુ એ બાયગોન વર્લ્ડ’માં લખે છે: “એ દિવસોમાં બૉમ્બેમાં દારૂબંધી અમલી હતી, પરંતુ આ પ્રતિબંધ પણ મીના કુમારીને પોતાની મરજી મુજબ દારૂ મેળવવાથી રોકી શક્યો નહોતો.”

મીના કુમારીના મૃત્યુ સમયે તેમની નજીકનાં મિત્ર રહેલાં અભિનેત્રી નરગિસે લખ્યું હતું, “દારૂમાં પોતાની જાતને ડુબાડતાં ડુબાડતાં, તે આત્મવિનાશના માર્ગે ચાલી નીકળી હતી. તેણે જીવનમાં પોતાનો રસ જ ગુમાવી દીધો હતો.”

પરિસ્થિતિ બગડી અને 1968માં સારવાર માટે તેમને લંડન જવું પડ્યું. ત્યાર પછી તેમણે જિનીવામાં કેટલાંક અઠવાડિયાં વિતાવ્યાં.

તેમને થોડા સમય માટે રાહત ચોક્કસ મળી, પરંતુ તેમના લિવરની બીમારીએ કદી તેમનો સંપૂર્ણપણે પીછો છોડ્યો નહીં. ‘પાકીઝા’ હજુ અધૂરી હતી.

કમાલ અમરોહીનો મીના કુમારીને પત્ર

25 ઑગસ્ટ 1968ના રોજ કમાલ અમરોહીએ પોતાનાથી અલગ રહેતાં પત્ની મીના કુમારીને એક પત્ર લખ્યો.

વિનોદ મહેતાના પુસ્તક ‘મીના કુમારી-ધ ક્લાસિક બાયોગ્રાફી’ અનુસાર કમાલ અમરોહીએ લખ્યું કે હવે માત્ર ‘પાકીઝા’ને પૂરી કરવાની બાકી છે. મીના કુમારીએ કહ્યું હતું કે જ્યાં સુધી પોતાને છૂટાછેડા નહીં મળે, ત્યાં સુધી તેઓ ફિલ્મ પૂરી નહીં કરે.

કમાલ અમરોહીએ લખ્યું કે મીના ઇચ્છે તો તેઓ તેમને છૂટાછેડા આપવા માટે તૈયાર છે. એ પછી પણ તેઓ ‘પોતાની પાકીઝા’ પૂરી કરવામાં મદદ કરશે, તો તેમને ખુશી થશે.

તેમણે આગળ લખ્યું કે ‘પાકીઝા’ સાથે ઘણા લોકોનું ભવિષ્ય જોડાયેલું છે અને ઘણા લોકોની આશાઓ પણ. તેને અધૂરી છોડવી જોઈએ નહીં. અંતમાં તેમણે લખ્યું, “ફિલ્મ ડૂબતા જહાજ જેવી છે અને તેમની મદદથી જ તેને કિનારે પહોંચાડી શકાય છે.”

જ્યારે નરગિસ અને સુનીલ દત્તે મીના કુમારીને સમજાવ્યાં

બીબીસી ગુજરાતી

નરગિસે લખ્યું હતું કે કમાલ અમરોહી ઇચ્છતા હતા કે સુનીલ દત્ત ‘પાકીઝા’માં કામ કરે. નરગિસ અને સુનીલ દત્તે ‘પાકીઝા’ના કેટલાંક ફૂટેજ જોયાં અને મીના કુમારીનાં શાનદાર દૃશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

મીના કુમારીના મૃત્યુ વખતે લખેલા પોતાના લેખ, ‘મીના, મૌત મુબારક હો’ (શમા મૅગેઝિન, જૂન 1972)માં નરગિસ કહે છે કે તેઓ પોતાની નજીકનાં મિત્ર મીના કુમારીને મળ્યાં અને તેમને કહ્યું, “મંજુ, જો આ ફિલ્મ અધૂરી રહી ગઈ તો એ બહુ મોટી કરુણ ઘટના હશે. તારા પાછા ફરવાની રાહ જોતાં જોતાં કમાલસાહેબ થાકી ગયા છે અને હવે કોઈ બીજી અભિનેત્રીની શોધ કરવા લાગ્યા છે. જો તું રાજી હો, તો હું તેમની સાથે વાત કરીને તારા પાછા ફરવાનો માર્ગ સરળ બનાવી શકું છું.”

આ વખતે મીનાએ માત્ર એટલું જ કહ્યું, “તમે કહેશો તેમ જ હું કરીશ.”

નરગિસે લખ્યું, “મેં આ બાબતે કમાલસાહેબ સાથે વાત કરી હતી. તેમનું કહેવું હતું કે મીના આ પ્રોજેક્ટ સાથે ફરી જોડાવા માટે રાજી થાય એ સૌથી સારી વાત છે, પરંતુ તેની કેટલીક શરતો હશે.”

“તેમણે પોતાની જીવનશૈલી સુધારવી પડશે, ફિટ થવું પડશે અને દારૂ છોડવો પડશે. મીના તરફથી મેં તેમને આ વાતની ખાતરી આપી હતી.”

મીના કુમારીનું ‘પાકીઝા’માં પુનરાગમન

બીબીસી ગુજરાતી

કમાલ અમરોહી અને મીના કુમારીની ભાવુક મુલાકાત થઈ. કમાલે મીના કુમારીને સોનાની એક ગિન્ની આપી અને 30 જાન્યુઆરી 1969ના રોજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સાપ્તાહિક ‘જર્નલ ઑફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી’માં તેમના પુનરાગમનની જાહેરાત થઈ ગઈ.

ફિલ્મના હીરો પહેલાં ધર્મેન્દ્ર બનવાના હતા. પરંતુ મીના સાથે તેમના અફેરની ચર્ચાઓ થતાં તેમની જગ્યાએ રાજકુમારને સાઇન કરવામાં આવ્યા.

ત્યાં સુધીમાં ફિલ્મના મૂળ સિનેમેટોગ્રાફર જોસેફ વિર્શિંગનું અવસાન થઈ ગયું હતું. તેમની જગ્યાએ નવા કૅમેરામૅન જાલ મિસ્ત્રી આવ્યા.

ફિલ્મનું અદ્ભુત સંગીત રચનાર સંગીતકાર ગુલામ મોહમ્મદ પણ પોતાના જીવનની સૌથી મોટી સફળતા જોયા વિના 1968માં અવસાન પામ્યા.

16 માર્ચ 1969ના રોજ, પતિથી અલગ થયાનાં પાંચ વર્ષ પછી, 35 વર્ષનાં મીના કુમારી ફરી ‘પાકીઝા’ના શૂટિંગ માટે પાછાં ફર્યાં.

કમાલ અમરોહીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમણે મીનાના આગમનની ખુશી અને સમાધાનના પ્રતીકરૂપે તેમને એક પેંડો ખવડાવ્યો અને તેમના સ્ટુડિયો પહોંચવાની એક નાની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવડાવી.

ત્યાં સુધીમાં હિન્દી સિનેમા ઘણું બદલાઈ ગયું હતું. રાજેશ ખન્ના પહેલા સુપરસ્ટાર બની ચૂક્યા હતા અને અભિનેત્રીઓની એક નવી પેઢી પણ પડદા પર આવી ચૂકી હતી. મીના કુમારી પોતે હવે ‘મેરે અપને’ અને ‘દુશ્મન’ જેવી ફિલ્મોમાં ઉંમરલાયક અને ગંભીર પાત્રો ભજવવા લાગ્યાં હતાં.

માર્ચ 1969થી ડિસેમ્બર 1971 સુધી કમાલ અમરોહી અને મીના કુમારીએ સતત ‘પાકીઝા’ પર કામ કર્યું. ફિલ્મનાં છેલ્લાં 3 વર્ષ ખૂબ ઝડપથી કામ કરવામાં પસાર થયાં.

લથડતી તબિયત વચ્ચે શૂટિંગ

ઘણાં વર્ષો પહેલાં શૂટ કરવામાં આવેલાં દૃશ્યોની સરખામણીએ હવે મીના કુમારીનું વજન વધી ગયું હતું.

તેમના ચહેરામાં પણ ફેરફાર સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. વર્ષોની બીમારી અને દારૂએ તેમના શરીરને ખૂબ નબળું બનાવી દીધું હતું.

અશોક કુમાર અને રાજ કુમાર સાથે મીના કુમારીનાં જે રોમૅન્ટિક દૃશ્યો ફિલ્માવવામાં આવ્યાં, તેમાં ક્લોઝ-અપ શૉટ તદ્દન ઓછા રાખવામાં આવ્યા.

કમાલ અમરોહીએ પ્રકાશ અને પડછાયાઓ સાથે લૉન્ગ શૉટ્સની મદદથી તેમને પડદા પર ખૂબ સુંદર રીતે રજૂ કર્યાં.

એ વાત જાણીતી છે કે ફિલ્મના ગીત ‘આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે’ના શૂટિંગ દરમિયાન મીના કુમારીની જગ્યાએ પદ્મા ખન્નાએ ‘સાહિબજાન’ બનીને બૉડી ડબલ તરીકે કામ કર્યું હતું. મીના કુમારીના ચહેરાના માત્ર કેટલાક શૉટ લેવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 1971માં ‘પાકીઝા’નું શૂટિંગ પૂરું થઈ ગયું. પરંતુ ત્યાં સુધીમાં મીના કુમારીનું સ્વાસ્થ્ય સતત લથડતું ગયું હતું.

વધુ પડતો દારૂ પીવાને કારણે તેમના લિવરે કામ કરવાનું બંધ કરવાનું શરૂ કરી દીધું હતું. લિવર સિરોસિસની બીમારીથી તેઓ ખૂબ નબળાં પડી ગયાં હતાં.

‘પાકીઝા’નું પ્રીમિયર

બીબીસી ગુજરાતી

‘પાકીઝા’ 4 ફેબ્રુઆરી 1972ના રોજ રિલીઝ થઈ, પરંતુ તેના એક દિવસ પહેલાં એટલે કે 3 ફેબ્રુઆરીએ બૉમ્બેના જાણીતા મરાઠા મંદિર ખાતે તેનો ભવ્ય પ્રીમિયર યોજાયો હતો. ફિલ્મની રીલ્સના ડબ્બા એક પાલખીમાં થિયેટર સુધી લાવવામાં આવ્યા હતા.

લગભગ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી, સિનેમાસ્કોપ અને ઈસ્ટમૅનકલરમાં બનેલી ‘પાકીઝા’ આખરે 15 વર્ષ પછી પડદા સુધી પહોંચી હતી.

પોતાના જીવનના છેલ્લા પ્રીમિયરમાં મીના કુમારી સફેદ સાડી પહેરીને ખૂબ સાદગી અને ગરિમા સાથે પહોંચ્યાં હતાં.

હીરો રાજ કુમારે મીડિયાના કૅમેરા સામે તેમના હાથ પર ચુંબન કર્યું અને પછી મીના તેમની સાથે ફિલ્મ જોવા અંદર ગયાં.

38 વર્ષનાં મીના કુમારી સૌથી આગળ બેઠાં હતાં. સામે પડદા પર તેમનું વર્ષો જૂનું સુંદર સપનું સાકાર થયું હતું.

‘પાકીઝા’ની સમીક્ષામાં કહેવાયું, ‘પૈસાનો ભવ્ય બગાડ’

પરંતુ ફિલ્મ સમીક્ષકોની કસોટી પર તે સફળ રહી નહીં. ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તેને ‘પૈસાનો ભવ્ય બગાડ’ ગણાવ્યો, તો ‘ફિલ્મફેર’ના સમીક્ષકે તેને 5માંથી માત્ર 1 સ્ટાર આપ્યો. ઘણા સમીક્ષકોને એક તવાયફની કહાની ‘જૂના જમાનાની’ અને સામાન્ય લાગી.

શરૂઆતનાં કેટલાંક અઠવાડિયાંમાં ‘પાકીઝા’ની કમાણી પણ ખૂબ ધીમી રહી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો તેને ફ્લૉપ કહેવાનું શરૂ કરી દીધું હતું.

“હવે સમય આવી ગયો છે”

માર્ચ 1972ના ત્રીજા અઠવાડિયામાં મીના કુમારીની તબિયત ઝડપથી બગડવા લાગી.

તેમને મુંબઈની સેન્ટ ઍલિઝાબેથ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. તેમના લિવરમાં ઇન્ફેક્શન ખૂબ વધી ગયું હતું.

તેમની હાલત સતત લથડતી જતી હતી. 25 માર્ચે દુખાવો થોડો ઓછો થયો ત્યારે મીનાએ પોતાનાં મોટાં બહેન ખુર્શીદને કહ્યું, “આપા, હવે સમય આવી ગયો છે. કદાચ આ યોગ્ય સમય પણ છે. મારું કોઈ કામ અધૂરું નથી. કમાલ સાહેબની ‘પાકીઝા’, પ્રેમજીની ‘દુશ્મન’ અને સાવનની ‘ગોમતી કે કિનારે’-બધી પૂરી થઈ ચૂકી છે. હવે કોઈ એમ નહીં કહી શકે કે મીના પોતાનું કામ અધૂરું છોડીને ચાલી ગઈ.”

પછી તેમણે બહેન અને તેમનાં બાળકોની ફિકર કરતાં કહ્યું કે જેટલું શક્ય હતું, એટલું પોતે તેમના માટે કરી દીધું છે. હવે આગળની જવાબદારી ખુર્શીદની છે.

અંતમાં તેમણે કહ્યું, “હવે હું મરવા માટે તૈયાર છું.”

“હું મરવા માગતી નથી”

29 માર્ચની રાત સુધી તેઓ દર્દથી ખૂબ પીડાઈ રહ્યાં હતાં. તેઓ જોરથી ચીસ પાડી ઊઠ્યાં. તેમની ચીસ સાંભળીને મોટાં બહેન ખુર્શીદ દોડીને અંદર આવ્યાં.

મીનાએ હાથ ફેલાવીને તેમને પોતાની તરફ બોલાવ્યાં અને રડતાં-રડતાં કહ્યું, “આપા, આપા… હું મરવા માગતી નથી.”

પરંતુ ખુર્શીદ તેમને સંભાળી શકે એ પહેલાં જ મીનાનું માથું એક તરફ ઢળી ગયું. તેઓ કોમામાં જતાં રહ્યાં.

બે દિવસ પછી, 31 માર્ચ 1972ના રોજ મીના કુમારીએ આ દુનિયા છોડી દીધી.

“મીના કુમારીની મઝાર” બની ‘પાકીઝા’

આખો દેશ તેમના મૃત્યુના સમાચારથી સ્તબ્ધ હતો, પરંતુ પોતાના મૃત્યુ સાથે મીના જાણે ‘પાકીઝા’નું નસીબ લખીને ગયાં હતાં. દેશભરનાં સિનેમાઘરોમાં લોકોની ભીડ ઊમટવા લાગી. ‘પાકીઝા’માં ગૌહર જાનનું પાત્ર ભજવનાર અભિનેત્રી નાદિરાએ કહ્યું, “સિનેમાઘરોમાં લોકોનું પૂર ઊમટ્યું હતું. એ લોકો ‘પાકીઝા’ જોવા નહીં, જાણે કે મીના કુમારીની મઝાર પર આવી રહ્યા હતા.”

‘પાકીઝા’ એટલી ચાલી કે તે 1972માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ.

આજે ‘પાકીઝા’ ભારતીય સિનેમાનો અમર વારસો છે. તવાયફો પર અસંખ્ય ફિલ્મો બની, પરંતુ તેની ઊંચાઈને કોઈ સ્પર્શી શક્યું નથી.

‘પાકીઝા’ મીના કુમારીની છેલ્લી ફિલ્મ નથી

સામાન્ય રીતે ‘પાકીઝા’ને જ મીના કુમારીની છેલ્લી ફિલ્મ પણ માનવામાં આવે છે. પરંતુ તેમની છેલ્લી ફિલ્મ દિગ્દર્શક સાવન કુમારની ‘ગોમતી કે કિનારે’ હતી, જે નવેમ્બર 1972માં રિલીઝ થઈ હતી.

તેમાં પણ તેમનું પાત્ર એક તવાયફનું જ હતું. પરંતુ આ ફિલ્મ સફળ રહી નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS