Home તાજા સમાચાર gujrati અમેરિકામાં પૂર્વ સૈનિકને મળેલી મોતની સજાનું લાઇવ પ્રસારણ બતાવવાનો નિર્ણય કેમ લેવાયો?

અમેરિકામાં પૂર્વ સૈનિકને મળેલી મોતની સજાનું લાઇવ પ્રસારણ બતાવવાનો નિર્ણય કેમ લેવાયો?

5
0

Source : BBC NEWS

હસનની એક અપ્રકાશિત તસવીર, જેને અધિકારીઓએ 2012માં જારી કરી હતી

અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે જણાવ્યું છે કે લોકો અમેરિકાના પૂર્વ મેજરને ફાયરિંગ સ્ક્વૉડથી અપાનારી મૃત્યુદંડની સજાનું જીવંત પ્રસારણ (લાઇવ પ્રસારણ) જોઈ શકશે.

રક્ષા મંત્રાલયના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે 2009માં ફોર્ટ હૂડ સૈન્ય મથક પર 13 નિઃશસ્ત્ર અમેરિકન સૈનિકોની ગોળી મારીને હત્યા કરનાર નિદાલ હસનને આપવામાં આવનારી મૃત્યુદંડની સજાનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

માનવામાં આવે છે કે અમેરિકામાં લગભગ એક સદી બાદ પહેલી વખત કોઈ વ્યક્તિને જાહેર રીતે આપવામાં આવતી મૃત્યુદંડની સજાનું પ્રસારણ કરવામાં આવશે.

મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ સાથે કામ કરતા વકીલ જૉન મિલ્સે જણાવ્યું હતું કે આ પ્રકારનું લાઇવ પ્રસારણ “આધુનિક સમયમાં અભૂતપૂર્વ” છે અને તેની કાનૂની સ્થિતિ પણ સ્પષ્ટ નથી.

હેગસેથે કહ્યું, “લોકોએ સમજવું જોઈએ કે આ પ્રકારનાં કૃત્યોનાં ગંભીર પરિણામો હોય છે.”

ડેમૉક્રેટિક પાર્ટીના સૅનેટર ક્રિસ મર્ફીએ સીએનએન સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મૃત્યુદંડની સજાનું લાઇવ પ્રસારણ કરવું “ઘૃણાસ્પદ” છે અને તેનાથી ઇસ્લામિક સ્ટેટની પદ્ધતિઓની યાદ આવે છે.

પેન્ટાગને આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે હસનને મોતની સજા અપાશે. 60 વર્ષથી વધુ સમય બાદ કોઈ અમેરિકન સૈનિકને મૃત્યુદંડ આપવામાં આવી રહ્યો હોય તેવી આ પહેલી ઘટના છે.

વર્જિનિયાના રહેવાસી અને અમેરિકન સેનામાં મનોચિકિત્સક તરીકે સેવા આપનારા નિદાલ હસને ફોર્ટ હૂડ સૈન્ય મથકની એક ભીડભાડવાળી મેડિકલ ઇમારતમાં 13 નિઃશસ્ત્ર સૈનિકોને ગોળી મારીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ હુમલામાં સાત ગોળીઓ વાગવાથી ઘાયલ થયેલા અમેરિકન સેનાના પૂર્વ સાર્જન્ટ અલોન્ઝો લૅન્સફોર્ડે બીબીસીના ટુડે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેઓ હસનને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ આપવાના સમર્થનમાં છે.

તેમના જણાવ્યા અનુસાર, “હસને જે કર્યું છે, તેના માટે આ જ સજા આપવાનો યોગ્ય માર્ગ છે.”

હુમલામાં ઘાયલ થયેલા સૈનિકે શું કહ્યું?

અલોન્ઝો લૅન્સફોર્ડ નથી ઇચ્છતા કે આ લાઇવ પ્રસારણ દરેક વ્યક્તિ જુએ. તેમને ખાસ કરીને ચિંતા છે કે તેનો અસર ઓછી ઉંમરના લોકો પર કેવી પડી શકે. જોકે, તેમનું માનવું છે કે ગોળીબારથી પ્રભાવિત થયેલા લોકોને આ પ્રસારણ જોવાની તક મળવી જોઈએ.

તેમણે કહ્યું, “માર્યા ગયેલા સૈનિકોના પરિવારજનો, હુમલામાંથી બચી ગયેલા લોકોના પરિવારજનો અને પોતે બચી ગયેલા લોકોને કોઈ પણ પ્રકારની સેન્સરશિપ વિના આ જોવાની તક મળવી જોઈએ.”

લૅન્સફોર્ડે જણાવ્યું કે હસનને મૃત્યુદંડ આપતી વખતે તેઓ ત્યાં હાજર રહેવાની યોજના બનાવી રહ્યા છે. ગોળી ચલાવવામાં આવે તે પહેલાં તેઓ ઇચ્છે છે કે નિદાલ હસન તેમની આંખોમાં જુએ.

તેમણે કહ્યું, “હું ઇચ્છું છું કે તેને ખબર પડે કે તે નિષ્ફળ ગયો હતો. હું આજે પણ જીવિત છું.”

અમેરિકાના રક્ષામંત્રીએ શું કહ્યું?

અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે જણાવ્યું છે કે લોકોએ સમજવું જોઈએ કે આ પ્રકારનાં કૃત્યોનાં ગંભીર પરિણામો હોય છે

પીટ હેગસેથે રૂઢિચુસ્ત ટીવી ચૅનલ ‘રિયલ અમેરિકાઝ વૉઇસ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નિદાલ હસનને સૈનિકોની ફાયરિંગ સ્ક્વૉડ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવશે.

તેમણે કહ્યું, “આ જ રીતે થવું જોઈએ.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું હસને પોતાની કોઈ અંતિમ ઇચ્છા વ્યક્ત કરી છે અથવા તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કર્યો છે, ત્યારે હેગસેથે જવાબ આપ્યો, “મને તેનાથી કોઈ લેવાદેવા નથી. અમે તેને 3 ડિસેમ્બરે મળીશું.”

પેન્ટાગનના એક પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે ટ્રમ્પે રક્ષામંત્રીની ભલામણને મંજૂરી આપી દીધી છે. બીબીસીએ વ્હાઇટ હાઉસને પૂછ્યું છે કે શું ટ્રમ્પ જાહેરમાં મૃત્યુદંડના લાઇવ પ્રસારણને સમર્થન આપે છે?

ગયા વર્ષે 17 દેશોમાં કુલ 2,700થી વધુ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. જોકે, તેમાંથી માત્ર બે દેશોમાં જ જાહેરમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના જણાવ્યા અનુસાર, 2025માં ઈરાનમાં 11 લોકોને જાહેરમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. જ્યારે અફઘાનિસ્તાનમાં આવા છ કેસ નોંધાયા હતા.

નિદાલ હસનને 3 ડિસેમ્બરે ટૅક્સાસના ફોર્ટ હૂડ સૈન્ય મથક ખાતે મોતની સજા અપાશે. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત કોઈ સૈનિકને ફાયરિંગ સ્ક્વૉડ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવશે.

અદાલતમાં હસને “કોઈ પણ ભૂલ” માટે માફી માગી હતી. વર્ષ 2013માં સૈન્ય અદાલતમાં સુનાવણી દરમિયાન તેણે કહ્યું હતું કે તેને લાગતું હતું કે તે અફઘાનિસ્તાનમાં મુસ્લિમો અને તાલિબાનનું રક્ષણ કરી રહ્યો હતો.

અમેરિકામાં જાહેરમાં મોતની સજા આપવાના કેસ

અમેરિકાના સૈન્ય કાયદા અનુસાર, કોઈ સૈનિકને મૃત્યુદંડ આપવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે.

ઉપરાંત, ઉચ્ચ અદાલતમાં ચુકાદાની સમીક્ષા અને સજાની કાનૂની માન્યતા અંગેનો અંતિમ નિર્ણય પણ જરૂરી હોય છે.

વકીલ જૉન મિલ્સે જણાવ્યું હતું કે નિદાલ હસનના કેસમાં અપીલની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. હસન ફેડરલ અદાલતમાં પોતાની સજા અને દોષિત ઠરાવવાને પડકારી શકે છે. જો આવું થાય, તો મૃત્યુદંડના અમલ પર રોક લાગી શકે છે.

મિલ્સે કહ્યું કે આવી સ્થિતિમાં જો હસનને નક્કી કરાયેલી તારીખે મૃત્યુદંડ આપવામાં આવે તો તેમને આશ્ચર્ય થશે.

તેમણે આગળ કહ્યું, “ફાયરિંગ સ્ક્વૉડ દ્વારા આપવામાં આવનારી મૃત્યુદંડની સજાનું લાઇવ પ્રસારણ કરવાનો પ્રયાસ ટ્રમ્પ પ્રશાસનનો માત્ર લોકોનું ધ્યાન ખેંચવાનો એક માર્ગ છે. આવું ખરેખર થશે તેવી સંભાવના પણ ઓછી છે અને તેનાથી ન્યાય થશે એવી વાત તો તેનાથી પણ વધુ દૂર છે.”

અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં મૃત્યુદંડ અમલમાં મૂકતી વખતે લોકોની હાજરી જરૂરી માનવામાં આવે છે. અનેક રાજ્યોમાં પત્રકારોની હાજરી ફરજિયાત હોય છે અને મૃત્યુદંડ પામનાર વ્યક્તિ પણ કેટલાક લોકોને હાજર રહેવા આમંત્રિત કરી શકે છે. કેટલાંક રાજ્યોમાં સામાન્ય નાગરિકો પણ સાક્ષી તરીકે હાજર રહેવા માટે પોતાનું નામ નોંધાવી શકે છે.

જોકે, અમેરિકામાં આજ સુધી ક્યારેય મૃત્યુદંડના અમલનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું નથી. અમેરિકામાં મૃત્યુદંડની પદ્ધતિઓ પર સંશોધન કરતી ફોર્ડહેમ યુનિવર્સિટીની કાનૂન પ્રોફેસર ડેબોરા ડેનોના જણાવ્યા અનુસાર, આવું પ્રથમ વખત થશે.

તેમના મતે, મૃત્યુદંડનું લાઇવ પ્રસારણ “આ દેશમાં પારદર્શિતાનું એવું સ્તર રજૂ કરશે, જે કદાચ અમે અગાઉ ક્યારેય જોયું નથી.”

તેઓ કહે છે, “અડધાથી વધુ અમેરિકનો હજુ પણ મૃત્યુદંડનું સમર્થન કરે છે, જોકે હવે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એવી દલીલ થઈ શકે છે કે જો તમે મૃત્યુદંડ ઇચ્છતા હો, તો અમે તમને બતાવીશું કે દેશમાં તે કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે. ત્યાર બાદ લોકોને સમજાશે કે વાસ્તવમાં શું થાય છે, જેને ઘણા લોકો અવગણતા રહે છે.”

ડેનોના જણાવ્યા મુજબ, લાઇવ પ્રસારણને લઈને કેટલાક મહત્ત્વના પ્રશ્નો પણ ઊભા થાય છે. ઉદાહરણ તરીકે, શું આ પ્રસારણ જોવા માટે ઉંમરની કોઈ મર્યાદા હશે? અને જે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર તેનું પ્રસારણ થવાનું હશે, તેની નીતિઓ આવા પ્રસારણને મંજૂરી આપશે?

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના આંકડા મુજબ, ગયા વર્ષે સૌથી વધુ લોકોને ચીનમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈરાન, સાઉદી અરેબિયા, યમન અને અમેરિકાનો ક્રમ આવ્યો હતો.

અમેરિકાની સંઘીય સરકારે 17 વર્ષ સુધી કોઈને મૃત્યુદંડ આપ્યો નહોતો. આ સ્થિતિનો અંત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના અંતિમ વર્ષમાં આવ્યો હતો, જ્યારે સરકારે એક પછી એક 13 લોકોને મૃત્યુદંડ આપ્યો હતો.

બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે તેમના પૂર્વવર્તી જો બાઇડન દ્વારા સંઘીય મૃત્યુદંડની સજાઓ પર મૂકવામાં આવેલી રોક પણ ઝડપથી હટાવી દીધી હતી.

અમેરિકામાં સેનાના કોઈ સભ્યને છેલ્લે 1961માં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકી સેનાના એક સૈનિકને 11 વર્ષની ઑસ્ટ્રિયન બાળકી પર બળાત્કાર કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

તત્કાલીન રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહાવરે આ સજાને મંજૂરી આપી હતી. પીડિતાના પરિવારે તેમના અનુગામી રાષ્ટ્રપતિ જૉન એફ. કૅનેડીને સજા માફ કરવાની અપીલ કરી હતી, પરંતુ તેમ છતાં તે સૈનિકને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

અમેરિકી સેનામાં ફાયરિંગ સ્ક્વૉડ દ્વારા છેલ્લે જાન્યુઆરી 1945માં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધના અંતિમ મહિનાઓ દરમિયાન અમેરિકી સેનાના યુવા સૈનિક એડી સ્લોવિકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેમને સેનામાંથી ભાગી જવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ક્વાસી ગ્યામ્ફી અસિયેદુ અને કાલી હેઝના વધારાના ઇનપૂટ્સ સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS