Home તાજા સમાચાર gujrati રેતાળ જમીન ને ચોતરફ ઝાડીઝાંખરાં, કચ્છના આ વેરાન વિસ્તારને પંજાબીઓએ લીલોછમ કઈ...

રેતાળ જમીન ને ચોતરફ ઝાડીઝાંખરાં, કચ્છના આ વેરાન વિસ્તારને પંજાબીઓએ લીલોછમ કઈ રીતે બનાવ્યો?

2
0

Source : BBC NEWS

આજે પણ પાણીની અછત અને જમીનના હકને લગતી સમસ્યાઓ છે

“પોતાનાં મૂળિયાં છોડવાં ખૂબ મુશ્કેલ છે, પણ અમે અહીં રોજીરોટી કમાવા આવ્યાં હતાં. શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડી, પણ ભગવાનની કૃપાથી હવે અહીં સુખ છે.”

આ શબ્દો ગુજરાતના કચ્છ જિલ્લાના નારા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતાં 75 વર્ષનાં સીતાકોરના છે.

સીતાકોર કહે છે કે જો પોતે પંજાબમાં રહ્યાં હોત, તો તેમની પોતાની જમીન ન હોત. પરંતુ અહીં સરકારે તેમને જમીન આપી અને તેમણે પોતાની મહેનતથી તેને ખેતીલાયક બનાવી.

નારા ગામ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. તેને ‘પંજાબીઓનું ગામ’ કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે આ ગામમાં મોટી સંખ્યામાં પંજાબી પરિવારો રહે છે.

ઉત્તર કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલું આ ગામ ‘કચ્છનું મિની પંજાબ’ પણ કહેવાય છે. 1970ના દાયકામાં અહીં પંજાબીઓએ વસવાટ શરૂ કર્યો હતો. સીતાકોરનો પરિવાર પણ તેમાંનો એક હતો.

આજે નારા ગામ અને તેની આસપાસનો વિસ્તાર લીલોતરીથી છવાયેલો છે. ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે આ આખો વિસ્તાર વેરાન હતો. ખારી જમીન અને સૂકા રણને કારણે અહીં ખેતી કરવી અત્યંત મુશ્કેલ હતી.

80 વર્ષના ખજાન સિંહ 1972માં પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાંથી અહીં આવ્યા હતા. સરકારે તેમને જંગલ જેવી જમીન ફાળવી હતી.

ખજાન સિંહ અને તેમના પરિવારે આ જમીનને ખેતીલાયક બનાવવા માટે લાંબા સમય સુધી ભારે મહેનત કરવી પડી હતી.

ખજાન સિંહ કહે છે કે તેઓ નારા ગામમાં આવ્યા ત્યારે અહીં પંજાબ જેવું કંઈ જ નહોતું. જમીન રેતાળ હતી અને ચારે તરફ જંગલી ઘાસ તથા ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં.

અહીં આવ્યા પછી સૌપ્રથમ તેમણે રહેવા માટે ઝૂંપડી બનાવી. ત્યાર પછી ખેતી શરૂ કરવા માટે સંઘર્ષનો સમય શરૂ થયો.

શરૂઆતમાં તેમણે પોતાના હાથે જમીન ખોદી હતી. પછી બળદ ખરીદ્યા અને તેમની મદદથી ખેતી શરૂ કરી.

આજે ખજાન સિંહનો પરિવાર ખેતી માટે ટ્રૅક્ટરનો ઉપયોગ કરે છે, પરંતુ એ જમાનામાં ખેતી માટે વપરાતાં કેટલાંક જૂનાં ઓજારો આજે પણ તેમણે સાચવી રાખ્યાં છે.

ખજાન સિંહના જણાવ્યા પ્રમાણે, સૌથી મોટી સમસ્યા પાણીની હતી. અહીં પાણીની કોઈ વ્યવસ્થા નહોતી, તેથી તેમણે કૂવો ખોદીને પાણીની વ્યવસ્થા કરી. આજે આ વિસ્તાર લીલોછમ બની ગયો છે, છતાં અહીંનું પાણી હજી પણ ખારું છે. પીવાનું પાણી મેળવવા માટે લોકો અનેક કિલોમીટર દૂરથી ટૅન્કરોમાં પાણી લાવે છે.

80 વર્ષના ખજાન સિંહ 1972માં પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાંથી અહીં આવ્યા હતા

ખજાન સિંહનાં પત્ની સીતાકોર કહે છે કે તેમનું આખું જીવન સંઘર્ષમાં વીત્યું. તેઓ અહીં આવ્યાં ત્યારે શરૂઆતમાં મન લાગતું નહોતું, પરંતુ ધીમે ધીમે કામકાજમાં દિવસો પસાર થવા લાગ્યા અને અહીં સ્થાયી થવા લાગ્યાં.

તેઓ કહે છે, “આજે અહીં સમૃદ્ધિ છે, પણ શરૂઆતના દિવસોમાં પગપાળા જ સંઘર્ષ કરવો પડતો હતો. જંગલ એટલું ગીચ હતું કે રસ્તામાં નિશાન જોતાં જોતાં આગળ વધવું પડતું. એમ ન કરીએ તો પાછા ફરતી વખતે રસ્તો ભૂલી જવાનો ડર રહેતો.”

સીતાકોરના જણાવ્યા પ્રમાણે, એ દિવસોમાં ગરીબી પણ ખૂબ હતી. ઘરમાં દૂધ ખૂટી જાય તો ગુજરાન ચલાવવા કાળી ચા પીને રહેવું પડતું. પહેલાં ઘરનાં બધાં કામ પતાવવાનાં અને પછી ખેતરમાં પતિને મદદ કરવા જવાનું.

જૂના દિવસોને યાદ કરતાં સીતાકોર કહે છે, “ગામથી શહેર જવા માટે રસ્તો નહોતો. પહેલાં 10 કિલોમીટર ચાલીને એક નાનકડા શહેરમાં જવું પડતું અને ત્યાંથી બસ પકડવી પડતી.”

આજે તેમના ઘરમાં સુખસગવડની દરેક વસ્તુ છે, પરંતુ તેઓ અહીં આવ્યાં હતાં ત્યારે તેમની પાસે કશું જ નહોતું. તેઓ લગભગ ખાલી હાથે અહીં આવ્યાં હતાં. પંજાબમાં રહેતાં સગાંસંબંધીઓનો સંપર્ક કરવો પણ સહેલો નહોતો. ક્યારેક એકાદ વર્ષ પછી પત્ર આવતો અને ત્યારે જ એકબીજાનાં સુખદુઃખના સમાચાર મળતા.

થોડા મહિનાઓ પછી પરિવારનાં બાકીના સભ્યો પણ અહીં આવી ગયા. ત્યાર પછી આ જગ્યાએ સાથે તેમનું મન લાગી ગયું. હાલમાં ગામમાં 2 ગુરુદ્વારા છે.

લગભગ 2,100ની વસ્તી ધરાવતા નારા ગામના સરપંચ જુગરાજસિંહ રાજુ પણ પંજાબી છે. તેમના પૂર્વજો પણ 1970ના દાયકામાં ફિરોઝપુરથી અહીં આવીને વસ્યા હતા.

જુગરાજસિંહના જણાવ્યા પ્રમાણે, ગામમાં સામાન્ય વાતચીત માટે પંજાબી અને ગુજરાતી બંને ભાષાઓનો ઉપયોગ થાય છે.

તેમણે કહ્યું કે નવી પેઢીના મોટા ભાગના યુવાનો પાઘડી પહેરે છે અને દિવાળી તથા ગુરુપર્વ બંને સાથે મળીને ઊજવે છે. ગામના મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે, જોકે કેટલાક યુવાનો પરિવહન અને અન્ય વ્યવસાય તરફ પણ વળી રહ્યા છે.

પંજાબીઓ ગુજરાત તરફ કેવી રીતે આવ્યા?

1970ના દાયકામાં ગુજરાત આવેલા પંજાબીઓમાં સીતાકોર પણ હતાં

ગુજરાતના કચ્છ જિલ્લામાં પંજાબીઓ મુખ્યત્વે બે રીતે આવીને વસ્યા હતા. એક વર્ગ ખેડૂતોનો હતો, જેમને એક ખાસ નીતિ હેઠળ સરકારે જમીન ફાળવીને અહીં વસાવ્યા હતા.

વાસ્તવમાં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પંજાબીઓએ ગુજરાતના કચ્છ પ્રદેશ તરફ આવવાનું શરૂ કર્યું હતું. આની પાછળ એક કારણ સરહદી વિસ્તારની સુરક્ષા અને બીજું કારણ કચ્છના આ ભાગમાં લોકોને વસાવવાનું હતું.

આ હેતુથી તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતોને અહીં જમીન ફાળવી હતી. અન્ય લોકોને પણ જમીન ખરીદવાની છૂટ આપી હતી.

બીજો વર્ગ એવા ખેડૂતોનો હતો, જેમની પાસે પંજાબમાં ઓછી જમીન હતી. ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો માટે પંજાબમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હતું. તેથી સંગરુર, મોગા, લુધિયાણા, ફિરોઝપુર અને માઝા જેવા વિસ્તારોના ખેડૂતો સસ્તી અને વધુ જમીન મેળવવાની શોધમાં કચ્છ આવ્યા હતા.

આ ખેડૂતોએ સસ્તી જમીન ખરીદી અને પોતાની મહેનતથી તેને ખેતીલાયક બનાવીને ત્યાં વસવાટ કર્યો. કહેવાય છે કે કચ્છમાં પંજાબી ખેડૂતો પાસે સરેરાશ 25 એકરથી 300 એકર સુધીની જમીન છે.

આ ખેડૂતોએ વર્ષોની મહેનતથી ટ્યૂબવેલ અને બોરવેલની મદદથી તથા આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને કચ્છની રેતાળ, ખારી અને વેરાન જમીનને લીલીછમ બનાવી દીધી.

આજે ભુજની આસપાસના પંજાબી વસવાટવાળા વિસ્તારમાં કપાસ, એરંડા, ઘઉં, મગફળી, રાઈ અને ખજૂરની ખેતી થાય છે. મોટા ભાગના ખેડૂતો ખેતરોમાં પાણી આપવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

ખેડૂતોએ 25 રૂપિયે જમીન ખરીદી હતી

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ એક મોટું શહેર છે. ભુજથી આશરે 80 કિલોમીટર દૂર કોઠારા ગામ આવેલું છે. ગુજરાતમાં આ ગામ મોટા નગર જેવું છે. તેની આસપાસનાં ખેતરો અને ઢાણીઓમાં પંજાબી પરિવારો રહે છે. કચ્છની સ્થાનિક ભાષામાં ઢાણીને ‘વાડી’ કહેવામાં આવે છે.

કોઠારાથી થોડે દૂર ગરવારા ગામમાં રમણદીપ સિંહની વાડી આવેલી છે.

રમણદીપ સિંહ પંજાબના વતની છે. તેમનું મૂળ ગામ તખરા છે. તેમના વડીલોએ 1978માં ગુજરાતના કચ્છ જિલ્લામાં 25 રૂપિયે જમીન ખરીદી હતી.

તખરા ગામ પંજાબના લુધિયાણા જિલ્લાના માછીવાડા બ્લૉકમાં આવેલું છે.

રમણદીપ સિંહ કહે છે, “અમારા વડીલોએ અહીં એક એકર દીઠ 25 રૂપિયામાં જંગલ જેવી જમીન ખરીદી હતી. પછી તેને વસવાટલાયક અને ખેતીલાયક બનાવવામાં અમારા વડીલોની એક પેઢી લાગી ગઈ. ત્યાર પછી આ જમીન ખેતીલાયક બની.”

લગભગ 120 એકર જમીનમાં ખેતી કરતા રમણદીપ સિંહ કહે છે કે તખરા ગામમાં જમીનની ભારે અછત હતી. તેથી તેમના પિતા સસ્તી જમીનની શોધમાં કચ્છ આવ્યા હતા. શરૂઆતમાં 50 એકર જમીન ખરીદવામાં આવી હતી, જે વેરાન હતી અને તેના પર જંગલ ઊગી નીકળ્યું હતું.

“વડીલોએ પોતાના હાથે ઝાડ ઊખેડ્યાં અને મહેનત કરીને જમીનને ખેતીલાયક બનાવી. આ વિસ્તારમાં પાણીની પણ અછત હતી. તે દૂર કરવા તેમણે પોતાના હાથે કૂવા ખોદીને પાણીની વ્યવસ્થા કરી.”

ખેતીની સાથે રમણદીપ સિંહ પોતાના નાના ભાઈ સાથે ડેરીનો વ્યવસાય પણ કરે છે.

તેમની પાસે આશરે 150 પશુઓ છે. તેઓ કહે છે કે ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે ડેરી ચલાવવામાં આવે છે. કચ્છમાં લગભગ દરેક પંજાબી ખેડૂત ખેતીની સાથે પશુપાલન પણ કરે છે.

જુગરાજ સિંહના જણાવ્યા પ્રમાણે, ગામમાં સામાન્ય વાતચીત માટે પંજાબી અને ગુજરાતી બંને ભાષાઓનો ઉપયોગ થાય છે

રમણદીપ સિંહના નાના ભાઈ યાદવિંદર સિંહના જણાવ્યા પ્રમાણે, પંજાબની સરખામણીએ અહીં ખેતી કરવી મુશ્કેલ છે. તેનું મુખ્ય કારણ પાણીની અછત છે. તેથી અહીંના મોટા ભાગના ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી પાકને પાણી આપે છે.

ગુજરાતમાં જન્મેલા યાદવિંદર સિંહ કહે છે કે તેઓ 120 એકર જમીનમાં ખેતી કરવા માટે 3 ટ્રૅક્ટરનો ઉપયોગ કરે છે. તેમાંથી એક ટ્રૅક્ટર 4×4 પ્રકારનું છે.

બીબીસી પંજાબીની ટીમે નોંધ્યું કે ગુજરાતમાં રહેતા મોટા ભાગના પંજાબી ખેડૂતો ખેતરોમાં બનાવેલાં ઘરોમાં રહે છે. ઘરની છત પર લેન્ટર (આર.સી.સી.નો સ્લેબ)ને બદલે સિમેન્ટની ટાઇલ્સ હોય છે અને સામાન્ય રીતે ઘરની આસપાસ દીવાલ હોતી નથી.

સંગરુર જિલ્લાના પ્રીથી સિંહ અહીં આશરે 100 એકર જમીનમાં ખેતી કરે છે.

તેમણે 1990ના દાયકામાં આ જમીન ખરીદી હતી.

પ્રીથી સિંહના જણાવ્યા પ્રમાણે, પંજાબમાં તેમની પાસે બહુ ઓછી જમીન હતી. અહીં આવ્યા પછી તેમણે પહેલાં થોડા એકર જમીન ખરીદી અને ધીમે ધીમે તેનો વિસ્તાર વધારીને આશરે 100 એકર કર્યો.

તેમના કહેવા પ્રમાણે, કચ્છનું હવામાન સૂકું હોવા છતાં પંજાબની સરખામણીએ અહીં શાંતિ છે. પંજાબની જેમ અહીં આડતિયાની વ્યવસ્થા નથી અને મોટા ભાગના વ્યવહારો રોકડમાં થાય છે. કોઈ પંજાબી ખેડૂતને પૈસાની જરૂર પડે, તો અહીં રહેતા પંજાબીઓ ભેગા મળીને તેની મદદ કરે છે.

પાકનું વેચાણ કેવી રીતે થાય છે?

ગુજરાતમાં રહેતા મોટા ભાગના પંજાબી ખેડૂતો ખેતરોમાં બનાવેલાં ઘરોમાં રહે છે

પંજાબથી વિપરીત, ગુજરાતમાં પાકના વેચાણ માટે એ જ પ્રકારની મંડી વ્યવસ્થા નથી. અહીં વેપારીઓ પોતે ખેડૂતના ઘરે આવે છે, પાક ખરીદે છે અને લઈ જાય છે.

કોઠારા ગામના સુરતા સિંહ આશરે 50 એકર જમીનમાં ખેતી કરે છે. તેઓ કહે છે કે ખેડૂત ખેતરમાંથી પાક ઘરે લાવે છે અને વેપારી પાકની ગુણવત્તા જોઈને તેની કિંમત નક્કી કરે છે.

ખેડૂતોને પાકના પૈસા રોકડમાં ચૂકવવામાં આવે છે. ખેતરોમાં કામ કરતા મજૂરોને મહેનતાણારૂપે પાકનો ચોથો ભાગ આપવામાં આવે છે.

ગુજરાતી અને પંજાબી ભાષાઓનો સમન્વય

ગુજરાતમાં જન્મેલા યાદવિંદર સિંહ કહે છે કે તેઓ 120 એકર જમીનમાં ખેતી કરવા માટે 3 ટ્રૅક્ટરનો ઉપયોગ કરે છે

કચ્છમાં લાંબા સમયથી રહેતા પંજાબીઓ ગુજરાતી અને કચ્છી ભાષા બોલે છે અને સમજે છે. કચ્છી અહીંની સ્થાનિક ભાષા છે.

પંજાબી પરિવારોનાં બાળકો સામાન્ય રીતે ગુજરાતની સ્થાનિક શાળાઓમાં ભણે છે. તેના કારણે તેમની રોજબરોજની વાતચીતની સામાન્ય ભાષા ગુજરાતી બની ગઈ છે.

કચ્છમાં રહેતા પંજાબીઓ કહે છે કે ઘરો અને ગુરુદ્વારામાં સામાન્ય રીતે પંજાબી ભાષા બોલાય છે, જ્યારે સરકારી કચેરીઓમાં અને ખેતરોમાં સ્થાનિક મજૂરો સાથે ગુજરાતી ભાષામાં વાતચીત થાય છે.

યાદવિંદર સિંહ કહે છે કે શરૂઆતમાં તેમના વડીલો અહીં આવ્યા ત્યારે ભાષાને કારણે તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી. પરંતુ સમય જતાં આ સમસ્યા દૂર થઈ ગઈ.

હવે સ્થિતિ એવી છે કે નવી પેઢીએ પણ ગુજરાતી સંસ્કૃતિ અને વારસો અપનાવવાનું શરૂ કર્યું છે.

ભુજમાં હરજિન્દરસિંહ સિદ્ધુ ગુજરાતી યુવાનોને દાંડિયા શીખવે છે. હરજિન્દરસિંહ સિદ્ધુનો જન્મ અમૃતસરમાં થયો હતો, પરંતુ પરિવારના વ્યવસાયને કારણે તેઓ નાની ઉંમરે ભુજ આવી ગયા હતા.

તેઓ કહે છે કે ગુજરાતીઓને પંજાબી ગાયકોનાં ગીતો ગમે છે. ખાસ કરીને સિદ્ધુ મૂસેવાલા અને દિલજિત દોસાંજનાં ગીતો લોકપ્રિય છે.

પંજાબી ખેડૂતોની જમીનની વર્તમાન સ્થિતિ

નવી પેઢી બંને ભાષાઓ અને સંસ્કૃતિઓ સાથે જોડાયેલી છે

ઘણા સમય પહેલાં સ્થાનિક સરકારે અહીં પંજાબી ખેડૂતોનાં જમીન ખાતાં સ્થગિત કરી દીધાં હતાં. આ નિર્ણય સામે પંજાબી ખેડૂતોએ લાંબી કાનૂની લડાઈ લડી હતી. પહેલાં હાઈકોર્ટમાં અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો.

ગુજરાતના આ ખેડૂતો વતી પ્રીથી સિંહે આ કેસ લડ્યો હતો.

તેમના જણાવ્યા પ્રમાણે, હાલ આ મામલો કોર્ટમાં પડતર છે અને અત્યારે સંકટ ટળી ગયું છે. જોકે, જમીનનાં ખાતાં સ્થગિત હોવાને કારણે ખેડૂતોને સરકારી સબસિડી મળતી નથી અને તેઓ પોતાની જમીન પર લોન પણ લઈ શકતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં અન્ય રાજ્યોના લોકોને ખેતી માટે જમીન ખરીદવા પર પ્રતિબંધ છે.

રાજકીય રીતે નગણ્ય

 ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, તેમણે પોતાની મહેનતથી વેરાન અને ખારી જમીનને ખેતીલાયક બનાવી હતી

કચ્છ જિલ્લામાં કોઠારા, માંડવી, નખત્રાણા, દિયાપર અને નારા ગામોમાં પંજાબી ખેડૂતો રહે છે. ભુજમાં પણ કેટલાક પંજાબી વેપારીઓ રહે છે, પરંતુ પંજાબી ખેડૂતોની સૌથી વધુ વસ્તી કોઠારા અને તેની આસપાસનાં ગામોમાં છે.

2011ની વસ્તીગણતરી મુજબ, કચ્છમાં પંજાબીઓની કુલ વસ્તી આશરે 6,000 છે, જે સ્થાનિક વસ્તીના માત્ર 0.3 ટકા જેટલી છે. આ કારણે જિલ્લા સ્તરે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકતા નથી.

દાયકાઓની મહેનતે કચ્છની ધરતી પર પંજાબીઓએ પોતાની નવી ઓળખ ઊભી કરી છે

સ્થાનિક રાજકારણમાં માત્ર જુગરાજસિંહ ઉર્ફે રાજુભાઈ સક્રિય છે. તેઓ સરપંચ છે. તેઓ ભાજપના કચ્છ ઝોનના મહામંત્રી છે અને 2023માં લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

ગુજરાતમાં કોઈ પંજાબી આ પદે પહોંચ્યા હોય એવું પહેલી વાર બન્યું હતું.

પ્રીથી સિંહ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે અહીંના પંજાબીઓને રાજકારણમાં ઓછો રસ છે, કારણ કે તેઓ ખેતીમાં અને પોતાના કામમાં વ્યસ્ત રહે છે.

આ ઉપરાંત, પંજાબીઓની સંખ્યા ઓછી હોવાથી અને તેઓ જુદાં જુદાં સ્થળોએ છૂટાછવાયા રહેતા હોવાથી તેમના મત પણ વહેંચાઈ જાય છે. આ કારણે હાલ કચ્છના સ્થાનિક રાજકારણમાં પંજાબ સમુદાયનું મહત્ત્વ મર્યાદિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS