Home તાજા સમાચાર gujrati પિતાના કપાયેલા જનનાંગમાંથી પ્રગટ થયેલી ગ્રીક દેવી કામુકતાનું પ્રતીક કેવી રીતે બની...

પિતાના કપાયેલા જનનાંગમાંથી પ્રગટ થયેલી ગ્રીક દેવી કામુકતાનું પ્રતીક કેવી રીતે બની ગઈ?

4
0

Source : BBC NEWS

સૌદર્યની દેવી એ સદીઓથી વિવાદાસ્પક કૅરેક્ટર રહ્યું છે, પણ તેનું કારણ મુખ્યત્વે કળામાં તેમનું ચિત્રણ કેવી રીતે થયું છે એ રહ્યું છે. આ પૅઇન્ટિંગ 'વીનસ ઍટ હર મિરર'  એ ડિયાગો વેલાઝક્વેઝ દ્વારા બનાવાયું છે અને નૅશનલ ગૅલેરી, લંડનમાં રાખવામાં આવ્યું છે.

પ્રાચીન ગ્રીકની પ્રેમ અને સૌંદર્યની દેવી એફ્રોડાઇટને દર્શાવતી કલાત્મક કૃતિઓને લાંબા સમયથી અશ્લીલ ગણાવવામાં આવી છે. તેની પર સ્ત્રીના શરીરને માત્ર ઉપભોગની વસ્તુ તરીકે રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કળાના ઇતિહાસમાં સૌથી વધુ વિવાદાસ્પદ પાત્રોમાંની એક તે કેવી રીતે બની?

એફ્રોડાઇટના નગ્ન શરીરને લઈને સદીઓથી ચર્ચા થતી રહી છે. પ્રાચીન રોમનો તેને વિનસ તરીકે ઓળખતા હતા.

1880માં લેખક માર્ક ટ્વેઈને તિશિયાંના ચિત્ર ‘વિનસ ઑફ અર્બિનો’ (1534)ને દુનિયાનું “સૌથી ગંદું, સૌથી અધમ અને સૌથી અશ્લીલ ચિત્ર” ગણાવ્યું હતું.

1914માં મહિલા મતાધિકાર માટે લડનાર મેરી રિચાર્ડસને લંડનની નૅશનલ ગૅલેરીમાં પ્રદર્શિત ડિએગો વેલાસ્કેઝના ‘રોકેબી વિનસ’ (આશરે 1647-51) ચિત્ર પર માંસ કાપવાના છરાથી ઓછામાં ઓછા ત્રણ વાર ઘા કર્યા હતા. પાછળથી તેમણે આ કૃત્ય માટેનું એક કારણ સમજાવતાં કહ્યું હતું, “પુરુષ મુલાકાતીઓ આખો દિવસ જે રીતે આ ચિત્ર સામે તાકતા રહેતા હતા, તે મને ગમતું નહોતું.”

ઑક્સફર્ડના ઍશ્મોલિયન મ્યુઝિયમમાં યોજાયેલું નવું પ્રદર્શન ‘એફ્રોડાઇટ : ધ મેકિંગ ઑફ અ ગૉડેસ’ આ દેવીના ઇતિહાસની સફરને રજૂ કરે છે. આ પ્રદર્શન એ સમજવામાં મદદ કરે છે કે એફ્રોડાઇટ સમય જતાં આટલા તીવ્ર સાંસ્કૃતિક વિવાદનું કેન્દ્ર શી રીતે બની ગઈ.

તેના જન્મ વિશેની બે કથાઓ છે : એક પૌરાણિક અને બીજી ઐતિહાસિક તથ્યોને અનુરૂપ. જોકે, બંનેમાંથી એકે કથા તેને ભવિષ્યમાં વિવાદાસ્પદ બનનારી વ્યક્તિ તરીકે ખાસ ઓળખાવતી નથી.

પૌરાણિક કથા અનુસાર, આ વાર્તાની શરૂઆત ક્રોનોસે પોતાના પિતા યુરેનસના જનનાંગ કાપી નાખીને તેમને સમુદ્રમાં ફેંકી દેવાની ઘટનાથી થાય છે. સમુદ્રની સપાટી પર ફીણ ઊભરાવા લાગ્યું અને એ ફીણમાંથી પૂર્ણ વિકસિત સ્વરૂપે એફ્રોડાઇટ પ્રગટ થઈ. તે મોજાં પર સરકતી સાયપ્રસ ટાપુ સુધી પહોંચી, જ્યાં તેનાં પગલાં પડતાં જ જમીનમાંથી ચમત્કારિક રીતે ફૂલો ઊગી નીકળ્યાં.

માત્ર રોમેન્ટિક પ્રેમની દેવી નહીં…

એફ્રોડાઇટના જન્મની ઐતિહાસિક કથા પણ સાયપ્રસથી જ શરૂ થાય છે. ઈસવી સન પૂર્વે આશરે 1200માં તે એક દેવી તરીકે પ્રગટ થઈ હતી. દેવતાઓના સમૂહમાં તેનો ઉમેરો વિશિષ્ટ હતો, પરંતુ તેનાં કેટલાંક લક્ષણો ઇશ્તાર, અસ્તાર્ટે અને હાથોર જેવી મધ્યપૂર્વની પ્રાચીન દેવીઓમાંથી વિકસ્યાં હોવાનું જણાય છે.

ઍશ્મોલિયન મ્યુઝિયમના આ પ્રદર્શનનાં ક્યુરેટર અન્જા ઉલ્બ્રિખ બીબીસીને કહે છે, “આ પ્રાચીન દેવીઓનાં મુખ્ય લક્ષણોમાં કામુકતા, પ્રેમ અને પ્રજનનનો સમાવેશ થતો હતો, પરંતુ એ દરેક દેવીની એક કરતાં વધુ ભૂમિકાઓ હતી.”

એફ્રોડાઇટના કિસ્સામાં પણ આવું જ હતું. શરૂઆતના સમયમાં તે માત્ર રોમેન્ટિક પ્રેમની દેવી નહોતી, પરંતુ તમામ પ્રકારના શારીરિક પ્રેમ અને પ્રજનનની દેવી હતી. આ ભૂમિકા માત્ર માનવજગત પૂરતી મર્યાદિત નહોતી; પ્રાણીઓ અને વનસ્પતિની સૃષ્ટિમાં પણ તે લાગુ પડતી હતી.

તેના વ્યક્તિત્વનાં કેટલાંક બીજાં પાસાં પણ છે, જે કદાચ ઓછાં જાણીતાં છે. તેણે ટ્રોજન યુદ્ધમાં ભાગ લીધો હતો. તેના વ્યક્તિત્વના આ યોદ્ધા સ્વરૂપને કારણે પ્રાચીન ગ્રીક નૌકાદળ દ્વારા પણ તેની પૂજા થતી હતી.

એફ્રોડાઇટને રોમન સંસ્કૃતિની સ્થાપક હોવાનો દાવો કરવાનો અધિકાર પણ છે. એક પૌરાણિક કથા અનુસાર, તેને ટ્રોયના રાજકુમાર એન્ચિસિસ સાથે પ્રેમસંબંધ હતો. તેમનો પુત્ર એનિઅસ ટ્રોયના પતન પછી ઇટાલી ભાગી ગયો હતો. કહેવાય છે કે તેના વંશજોએ રોમ શહેરની સ્થાપના કરી હતી.

ઈસવીસન પૂર્વે 13મી સદીમાં સાયપ્રસમાં દેવી તરીકે પ્રગટ થયા પછી એફ્રોડાઇટ પ્રચલિત બની અને પ્રાચીન ગ્રીસમાં ચોતરફ તેની પૂજા થવા લાગી. તેની લોકપ્રિયતાનું કારણ શું હતું?

ઉલ્બ્રિખ કહે છે, “પ્રજનનક્ષમતા, પ્રેમ અને સંતાનોત્પત્તિ એવા વિષયો છે, જે કોઈ પણ સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના સમગ્ર માનવજાત સાથે સંકળાયેલાં છે. તેનાં નામોમાંનું એક ‘પૅન્ડેમોસ’ છે, જેનો અર્થ થાય છે તમામ લોકોની દેવી. તે માત્ર યોદ્ધાઓની કે સ્ત્રીઓની દેવી નથી. પ્રેમ દરેક વ્યક્તિ અને દરેક વસ્તુને અસર કરે છે. તે જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપેલો છે.”

નગ્નતાનું એક નવું સ્વરૂપ

નગ્નતાની દેવી

અત્યાર સુધી તો કોઈ વિવાદ નહોતો. કેટલાંક સૈકાઓ સુધી કલાકારોએ એફ્રોડાઇટને અન્ય ગ્રીક દેવીઓ કરતાં ખાસ અલગ રીતે રજૂ કરી નહોતી. શરૂઆતનાં વર્ષોમાં તેઓ સામાન્ય રીતે તેને નગ્ન પણ દર્શાવતા નહોતા અને આજે તેની સાથે જે વધુ ઉશ્કેરણીજનક મુદ્રાઓ સાંકળવામાં આવે છે, એવી મુદ્રાઓમાં તો ક્યારેય નહીં. પરંતુ ઈસવીસન પૂર્વે 350માં એક એવી કલાત્મક કૃતિ રચાઈ, જેણે બધું બદલી નાખ્યું.

પ્રેક્સિટેલિસે બનાવેલી એફ્રોડાઇટ ઑફ નિડોસ (આશરે ઈસવી સન પૂર્વે 350) પ્રાચીન ગ્રીસમાં સ્ત્રીની સંપૂર્ણ નગ્ન પ્રતિમા દર્શાવતી પ્રથમ કલાત્મક કૃતિ હતી. મૂળ શિલ્પ હવે અસ્તિત્ત્વમાં નથી, પરંતુ પાછળથી રોમન શિલ્પકારોએ બનાવેલી કૅપિટોલાઇન વિનસ (આશરે ઈસવી સન પૂર્વે 160) જેવી પ્રતિકૃતિઓ પરથી તે કેવું દેખાતું હશે તેનો ઠીક ઠીક અંદાજ મેળવી શકાય છે.

પ્રેક્સિટેલિસની પહેલાંના સમયમાં માત્ર પુરુષોની પ્રતિમાઓને જ વસ્ત્રો વિનાની દર્શાવવામાં આવતી હતી. ઉલ્બ્રિખ કહે છે, “ઈસવીસન પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીથી પુરુષોના શારીરિક સૌંદર્યને નગ્નતા દ્વારા રજૂ કરવું તદ્દન સામાન્ય હતું.” તેથી પ્રેક્સિટેલિસે સ્ત્રીના શારીરિક સૌંદર્ય માટે પણ આ જ પદ્ધતિ અપનાવવાનું પસંદ કર્યું.

એફ્રોડાઇટની નગ્નતા અલગ પ્રકારની હતી. ધ્યાનથી જોતાં સમજાય છે કે ગ્રીક પુરુષોની નગ્ન પ્રતિમાઓમાં નગ્નતાની રજૂઆત તેનાથી કેટલી જુદી હતી. આ તફાવત દેહભાષામાં હતો. પ્રેક્સિટેલિસની એફ્રોડાઇટને સ્નાન કરતી વખતે અચાનક કોઈની નજરે ચડી ગઈ હોય એવી દર્શાવવામાં આવી છે. તે શરમ કે સંકોચને કારણે પોતાના શરીરને ઢાંકતી હોય તેમ શરમાળ અને અસહાય જણાય છે. તેનાથી વિપરીત, ગ્રીક કલામાં નગ્ન પુરુષના શરીરને હંમેશાં આત્મવિશ્વાસપૂર્ણ અને વીરતાપૂર્ણ રીતે રજૂ કરવામાં આવતું હતું.

ઉલ્બ્રિખ સમજાવે છે, “આ રજૂઆત મુખ્યત્વે પૌરાણિક કથાઓમાં તેનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તેના પર આધારિત છે. એ કથાઓમાં તે સતત સ્નાન કરતી અને પોતાના શારીરિક સૌંદર્યને નિખારતી જોવા મળે છે.”

પરંતુ પ્રેક્સિટેલિસની કૃતિમાં એફ્રોડાઇટના હાથ શરીરથી સહેજ દૂર રાખવામાં આવ્યા છે. પરિણામે, દર્શક જુદા જુદા ખૂણેથી પ્રતિમાને જુએ તો તેનું અનાવૃત શરીર જોઈ શકે છે. આ એવી કલાત્મક કૃતિ છે, જે દર્શકને તેની સાથે જાણે સંવાદ સાધવા ઈજન આપે છે અને તેની ઇન્દ્રિયજન્ય જિજ્ઞાસાને સંતોષે છે.

કળાની આ નવીન પદ્ધતિઓ આવનારી સદીઓમાં ઉગ્ર ચર્ચાઓનું કારણ બનવાની હતી. પ્રેક્સિટેલિસની પ્રતિમાની આ મુદ્રા માટે એક વિશિષ્ટ નામ પણ પ્રચલિત થયું : વિનસ પુડિકા — એટલે કે સંકોચ કે લજ્જા દર્શાવતી વિનસ.

ઉલ્બ્રિખ કહે છે કે એફ્રોડાઇટ ઑફ નિડોસ એક “ક્રાંતિકારી” કૃતિ હતી. પ્રેક્સિટેલિસની પહેલાં એફ્રોડાઇટને વિવિધ પ્રકારનાં વસ્ત્રો, ઘરેણાં અને અન્ય ઓળખચિહ્નો દ્વારા ઓળખી શકાતી હતી. પરંતુ પ્રેક્સિટેલિસ પછી, ઉલ્બ્રિખ કહે છે, “નગ્નતા જ જાણે તેના સમગ્ર સ્વરૂપ પર છવાઈ ગઈ.”

એક બાબત સ્વીકારવી જરૂરી છે કે નગ્ન શરીર સંપૂર્ણપણે કુદરતી છે અને માત્ર નગ્ન હોવાને કારણે તે વિવાદાસ્પદ બની જતું નથી. પછીનાં વર્ષોમાં એફ્રોડાઇટની છબી ઉશ્કેરણીજનક બની તેનું કારણ તેનું વસ્ત્રવિહીન હોવું નહોતું, પરંતુ દર્શકને કામુક સંતોષ મળે એ રીતે તેના શરીરને વિશિષ્ટ મુદ્રામાં દર્શાવવામાં આવ્યું હતું તે હતું. આ રજૂઆતે તેને વાસનાની વસ્તુ બનાવી દીધી.

પ્રેક્સિટેલિસની મૂળ પ્રતિમા એટલી પ્રેરણાદાયી હતી કે પાછળથી રોમન શિલ્પકારોએ તેની હજારો પ્રતિકૃતિઓ બનાવી. તેમાંની એક જાણીતી પ્રતિકૃતિ કૅપિટોલાઇન વિનસ છે. ‘વિનસ પુડિકા’એ કળામાં સ્ત્રીના શરીરને જોવાની એક નવી રીતને જન્મ આપ્યો અને આ રીત રોમન સામ્રાજ્યના શાસન હેઠળનાં તમામ પ્રદેશોમાં ફેલાઈ ગઈ. તેમાં યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્યપૂર્વનો પણ સમાવેશ થતો હતો.

એફ્રોડાઇટનો કામુક રૂપે પુનર્જન્મ

ઍફ્રોડાઇટ એ સદીઓથી અલગ અલગ કળાઓ દ્વારા પુન: જન્મ પામતાં રહે છે, જેમ કે સાન્ડ્રો બૉટ્ટીસેલ્લીનું 'બર્થ ઑફ વીનસ'

પરંતુ આ પ્રભાવ માત્ર પ્રાચીન વિશ્વ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. પુનરુત્થાન કાળ દરમિયાન કલાકારોએ પ્રાચીન શિલ્પોને શોધવામાં અને તેમની નકલો બનાવવામાં અગાઉના એક હજાર વર્ષની સરખામણીએ વધુ ઉત્સાહ દાખવ્યો. આ શિલ્પોમાં સૌથી વધુ પ્રશંસા પામેલી શૈલીઓમાંની એક વિનસ પુડિકાની હતી.

આમ, પ્રેક્સિટેલિસે કલ્પેલી નગ્ન, આકર્ષક અને નમ્ર સ્વરૂપની એફ્રોડાઇટનો માસાચ્યો, બોત્તીચેલી, રાફેલ અને તિશિયાં જેવા કલાકારોની કૃતિઓમાં પુનર્જન્મ થયો. આ કલાકારો આગળ જતાં કળાના ઇતિહાસમાં ‘મહાન નામો’ તરીકે જાણીતા બનવાના હતા.

કેટલાક કલાકારોએ આ મુદ્રાનો ઉપયોગ એફ્રોડાઇટને દર્શાવવા માટે કર્યો, પરંતુ બીજા ઘણા કલાકારોએ સ્ત્રીનાં અન્ય સ્વરૂપોને રજૂ કરવા માટે પણ આ મુદ્રા અપનાવી. આ મુદ્રાએ અન્ય કલાકારોને પણ આવી જ મૂળભૂત કલ્પના પર આધારિત નવી મુદ્રાઓ ઘડવા પ્રેર્યા. આ કલ્પનાનો મૂળભૂત આધાર હતો સંકોચ સાથેની નગ્નતા.

આમ, કલાકારોએ વિનસ પુડિકાની મુદ્રાને વારંવાર નવાં સ્વરૂપે રજૂ કરી. તેના પરિણામે સ્ત્રીના શરીરને ઉપભોગની વસ્તુ તરીકે રજૂ કરવાની પરંપરા કળાના ઇતિહાસના મુખ્ય પ્રવાહનું અવિભાજ્ય લક્ષણ બની ગઈ.

બારોક યુગમાં રૂબેન્સ અને વેલાસ્કેઝે આ મુદ્રાને નવાં સ્વરૂપે રજૂ કરી. ઓગણીસમી સદીમાં કાબાનેલ અને માનેએ તેને પુનર્જીવિત કરી, જ્યારે વીસમી સદીમાં મોડિગ્લાની અને યવ ક્લેઇને તેને નવેસરથી અપનાવી.

માર્ક ટ્વેઈન અને મેરી રિચાર્ડસને વ્યક્ત કરેલો આક્રોશ એફ્રોડાઇટને કામુક સ્વરૂપે રજૂ કરવાની આ લાંબી પરંપરા અંગેની પ્રતિક્રિયા છે.

અન્જા ઉલ્બ્રિખ બીબીસીને કહે છે કે દેવીને અનેક જુદી જુદી રીતે રજૂ કરવામાં આવી છે અને પ્રેક્સિટેલિસનું શિલ્પ જ તેની ઓળખનું એક માત્ર ધોરણ હોવું જોઈએ એવું જરૂરી નથી.

ઍશ્મોલિયન મ્યુઝિયમમાં પ્રદર્શિત એક કૃતિ નૉર્થમ્બરલેન્ડમાં બનાવવામાં આવી હતી અને તેમાં એફ્રોડાઇટને સ્નાન કરતી દર્શાવવામાં આવી છે. ભૂમધ્ય સમુદ્રના પ્રદેશથી આટલે દૂર એફ્રોડાઇટને જોઈને ઉલ્બ્રિખ હસીને કહે છે, “ઠંડીને કારણે તે ખાસ્સી નારાજ દેખાય છે.”

તાજેતરના સમયમાં, પ્રેક્સિટેલિસના પ્રભાવથી અલગ રીતે પણ એફ્રોડાઇટને ઘણી વાર જુદા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. ક્યારેક તો તેને સશક્તિકરણના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે.

2023માં બેયોન્સેએ એક વિશાળ છીપલામાં બેસીને મંચ પર પ્રવેશ કર્યો હતો. તેમણે એવો પોશાક પહેર્યો હતો, જેના પર વિનસ પુડિકાની મુદ્રામાં હાથ દર્શાવવામાં આવ્યા હતા. બ્યોર્ક, લેડી ગાગા, કાઇલી મિનોગ અને બનાનારામા જેવી સંગીતકારોએ પણ આ દેવી વિશે ગીતો લખ્યાં છે.

મૉડર્ન એફ્રોડાઇટ

2023માં બૅયોન્સે એક સ્ટેજ પર મોટા શેલમાં આવ્યા હતા અને તેમનો ટ્રેસ એ વીનસ પુડિકાની સ્ટાઇલમાં ડિઝાઇન થયેલો હતો

પરમ સૌંદર્ય અને આકર્ષણના પ્રતીક તરીકે એફ્રોડાઇટને ત્રણ હજાર વર્ષથી પણ વધુ સમયથી તેના પ્રેક્ષકોની જરૂરિયાતો અનુસાર નવાં સ્વરૂપો આપવામાં આવ્યાં છે અને તેની છબીને ફરીથી ઘડવામાં આવી છે. એક પ્રાચીન ગ્રીક દેવી માટે આ અસાધારણ રીતે લાંબું આયુષ્ય છે.

બીજી એક આશ્ચર્યજનક બાબત એ છે કે એક જ શિલ્પ—પ્રેક્સિટેલિસની એફ્રોડાઇટ ઑફ નિડોસ—નગ્નતા પ્રત્યેના આપણા અભિગમને આટલી ઊંડી અસર કરી શક્યું છે.

મનુષ્યોના જીવન પર એફ્રોડાઇટનું વર્ચસ્વ પૂરું થવાનાં કે તેને લઈને ચાલતો વિવાદ શમવાનાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. સૌંદર્યનો વિષય અને તેને કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે હંમેશાં પ્રસ્તુત રહેશે અને તેના વિશે ચર્ચા થતી રહેશે. સમયની સાથે જાહેર અભિપ્રાય બદલાતો રહે છે અને આ ચર્ચાઓમાં તેનું પ્રતિબિંબ પડતું રહે છે.

ઉલ્બ્રિખ કહે છે, “સંદર્ભ પ્રમાણે લોકોએ તેને પોતાની જરૂરિયાત અને ઇચ્છા મુજબના અર્થ સુધી મર્યાદિત કરી દીધી છે. તમે જાણો છો, તેનાં ઘણાં જુદાં જુદાં સ્વરૂપો હોઈ શકે છે.”

‘એફ્રોડાઇટ : ધ મેકિંગ ઑફ અ ગૉડેસ’ પ્રદર્શન ઑક્સફર્ડના ઍશ્મોલિયન મ્યુઝિયમમાં 11 એપ્રિલ, 2027 સુધી ખુલ્લું રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS