Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Alexandria Sheriff’s Office
સીઆઈએના એક પૂર્વ અધિકારીએ, જેમને ઘરમાં સોનાની સેંકડો ઈંટો છુપાવીને રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, હવે એણે અમેરિકન સરકાર સાથે આશરે 20 કરોડ ડૉલર એટલે કે અંદાજે 1900 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે.
આ મોટા કૌભાંડ માટે ખોટા કોન્ટ્રાક્ટ અને રિયલ એસ્ટેટ સોદાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
49 વર્ષીય ડેવિડ રશને સમજૂતી હેઠળ અમેરિકન સરકારને વળતર ચૂકવવું પડશે. આ સાથે જ, અપરાધ સાથે જોડાયેલાં આલીશાન મકાનો, કાર, ઘડિયાળો અને અન્ય મિલકતો પણ સરકારને સોંપવી પડશે.
રશે એક વિદેશી સરકારને ખાનગી માહિતી આપવાની વાત પણ સ્વીકારી છે. પ્રોસિક્યુટર મુજબ, આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને “ગંભીર નુકસાન” થઈ શકતું હતું.
પ્રોસિક્યુટરે અદાલતમાં દાખલ દસ્તાવેજમાં સમજૂતીની શર્તોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “આરોપી દોષિત હોવાને કારણે પોતાનો અપરાધ કબૂલ કરશે.”
બીબીસીએ રશના વકીલનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.
રશ પર શરૂઆતમાં સરકારી નાણાંની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમણે વાયર ફ્રોડ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી છેતરપિંડી કરવાના આરોપમાં પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે.
ધરપકડ સમયે તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે 298 સોનાની ઈંટો મળી આવી હતી. રશનું કહેવું હતું કે આ તેમને “કામ સાથે જોડાયેલા ખર્ચા” માટે મળી હતી.
આ સમાધાન સાથે જોડાયેલા અદાલતના દસ્તાવેજોમાં કેસની કેટલીક નવી વિગતો સામે આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે રશે એક વિદેશી અધિકારીને ‘સિક્રેટ હ્યુમન સોર્સ’ના અસ્તિત્વ અને તેની ઓળખ સાથે જોડાયેલી માહિતી આપી હતી.
પ્રોસિક્યુટરે દસ્તાવેજમાં કહ્યું, “આ પ્રકારની માહિતી બહાર આવવાથી તે માનવ સ્રોત અને તેની સાથે કામ કરી રહેલા અમેરિકન સરકારના અધિકારીઓની સુરક્ષા અને જાનને જોખમ થઈ શકે છે. આનાથી અમેરિકન સરકારની તે માનવ સ્રોતોને ભરતી કરવાની ક્ષમતા પર પણ અસર પડી શકે છે.”
એક પ્રેસ રિલીઝમાં, સીઆઈએના ડિરેક્ટર જૉન રેટક્લિફે જણાવ્યું હતું કે રશે “પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જનતાના ભરોસા સાથે વિશ્વાસઘાત કર્યો. તેમને તેમના કૃત્ય માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવા જોઈએ.”
એફબીઆઈ તપાસકર્તાઓ અનુસાર, નવેમ્બર 2025થી માર્ચ 2026 વચ્ચે રશે “કામ સાથે જોડાયેલા ખર્ચા” માટે મોટી માત્રામાં વિદેશી મુદ્રા અને કરોડો ડૉલરની સોનાની ઈંટોની વારંવાર માંગણી કરી હતી.
સમાધાનની વિગતો આપતા અદાલતમાં દાખલ દસ્તાવેજ મુજબ, રશે દક્ષિણ ફ્લોરિડામાં આલીશાન મકાન ખરીદવા માટે એક ખાનગી કાર્યક્રમની કહાણી રચી હતી. તેમનો હેતુ આ મિલકતોને બાદમાં વ્યક્તિગત નફા માટે વેચવાનો હતો.
દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું કે રશ “વ્યવહારમાં ખુદ મંજૂરી આપનાર અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા હતા”, જેનાથી તેમને કોઈપણ અસરકારક દેખરેખ વગર અમેરિકન સરકારની મોટી રકમ ખર્ચવાની તક મળી ગઈ.
આ પછી તેમણે “છેતરપિંડીથી મેળવેલાં” સરકારી નાણાંનો ઉપયોગ દક્ષિણ ફ્લોરિડામાં આલીશાન પ્રોપર્ટી ખરીદવા માટે કર્યો. અદાલતના દસ્તાવેજ મુજબ, આ કૌભાંડ હેઠળ એક મિલકત માટે ઇન્ટિરિયર ડિઝાઇનરને કામે રાખવા અને 40 હજાર ડૉલરના રસોડાનાં ઉપકરણો ખરીદવાનો પણ સમાવેશ થાય છે.
વાયર ફ્રોડનો આરોપ જાન્યુઆરી 2026માં તેમના દ્વારા કરવામાં આવેલા 4.5 કરોડ ડૉલરના ટ્રાન્સફર સાથે જોડાયેલો છે. સમજૂતીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે રશે “એક વિદેશી સરકારના એવા અધિકારીને ટૉપ સિક્રેટ માહિતી આપી, જેને તે મેળવવાની પરવાનગી નહોતી અને જેને આ માહિતીની જરૂર પણ નહોતી.”
ઇમેજ સ્રોત, US Department of Justice
સોનાની ઈંટો ઉપરાંત રશ પાસે 20 લાખ ડૉલર રોકડા અને 35 લક્ઝરી ઘડિયાળો પણ મળી આવી હતી.
પ્રોસિક્યુટરોએ જણાવ્યું હતું કે રશ નાણાંને એવી કૉમોડિટીઝમાં બદલી રહ્યા હતા, જેને સરળતાથી ખરીદી-વેચી શકાય. તેમણે કહ્યું કે આ વાતના “મજબૂત પુરાવા” છે કે તે નાણાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
કરાર હેઠળ, રશને આ ઘડિયાળો અને બે બીએમડબલ્યુ કાર પણ સરકારને સોંપવી પડશે. આ ઉપરાંત, 20 લાખ ડૉલર રોકડા અને તેમના બૅન્કખાતામાંથી જપ્ત કરાયેલા આશરે 3.9 કરોડ ડૉલર પણ સરકારને હવાલે કરવા પડશે.
ફેડરલ કોર્ટના ન્યાયાધીશ તેની સજા પછીથી નક્કી કરશે. આ કેસમાં મહત્તમ 20 વર્ષની જેલની સજા છે, જોકે પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે ફેડરલ કાયદા હેઠળ આ સજા લંબાવી શકાય છે.
જૂન મહિનામાં, યુએસ મેજિસ્ટ્રેટ જજ વિલિયમ ફિટ્ઝપેટ્રિકે રશની વ્યાવસાયિક કારકિર્દીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ફરાર થઈ જવાનું જોખમ ધરાવે છે અને તેની ટ્રાયલ સુધી તેને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું, “તેઓ કાયદા અમલીકરણ એજન્સીઓની પકડમાંથી બચીને સરળતાથી ફરાર થઈ શકે છે.”
અદાલતી રેકૉર્ડમાં રશ દ્વારા સીઆઈએ માટે કરાયેલા કામ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. તેમાં તેમને વર્જિનિયાસ્થિત એક અમેરિકન સરકારી એજન્સીના પૂર્વ વરિષ્ઠ અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમની પાસે ટૉપ સિક્રેટ સુરક્ષા મંજૂરી મેળવવી અને ખાનગી માહિતી સુધી પહોંચ સામેલ હતી.
અમેરિકન મીડિયાએ સીઆઈએમાં તેમની પૂર્વ નોકરીની પુષ્ટિ કરી છે.
‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ મુજબ તેઓ એજન્સીના વિજ્ઞાન અને તકનીક નિર્દેશાલયમાં વરિષ્ઠ અધિકારી હતા. આ વિભાગ હાઇટેક જાસૂસી સાધનો વિકસાવે છે.
રશ પર અગાઉ અમેરિકન નૌકાદળમાંથી સન્માનપૂર્વક સેવા-મુક્ત થયા પછી વેતન સાથે લશ્કરી રજા છેતરીને લેવાના અને 2009માં નોકરી માટે અરજી કરતી વખતે તેમના શિક્ષણ અને લશ્કરી સેવા વિશે જૂઠું બોલવાના આરોપો પણ લાગ્યા હતા. અદાલતી રેકોર્ડ મુજબ, રશ પર નિયોક્તાઓને પોતાને નૌકાદળના પાઇલટ હોવાનું જણાવીને ખોટું બોલવાનો આરોપ હતો.
સમજૂતી સાથે જોડાયેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, “રશની લશ્કરી અને શૈક્ષણિક ઉપલબ્ધિઓ સાથે જોડાયેલા આ અને અન્ય દાવા ખોટા હતા.”
એ સ્પષ્ટ નથી કે તેઓ પોતાના અરજી ફોર્મમાં જૂઠું બોલવા છતાં તપાસમાં કેવી રીતે પાસ થઈ ગયા.
‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ મુજબ, સીઆઈએના અનેક અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે રશ બેકગ્રાઉન્ડ ચેકમાં કેવી રીતે પાસ થઈ ગયા.
સરકારે અગાઉ દાવો કર્યો હતો કે મોટી રકમનો હજી સુધી કોઈ હિસાબ મળ્યો નથી. જો કે, રશના વકીલે આ દાવાનો ઇનકાર કર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




