Home તાજા સમાચાર gujrati ચોરો દ્વારા કબરમાંથી ખોદી કઢાયેલા એ ખજાનાની કહાણી જેણે એક અદ્ભુત ઇતિહાસને...

ચોરો દ્વારા કબરમાંથી ખોદી કઢાયેલા એ ખજાનાની કહાણી જેણે એક અદ્ભુત ઇતિહાસને દફન કરી દીધો

3
0

Source : BBC NEWS

ખજાનાની કહાણી  ચોરોએ કબરમાંથી '10 લાખ ડૉલરની કિંમત'નો ખજાનો ખોદ્યો, પણ એવું શું ગુમાવી દીધું જે દુનિયાને હવે ક્યારેય નહીં મળે? ગુજરાત બીબીસી ન્યૂઝ સમાચાર ગુજરાતી ન્યૂઝ સમાચાર

મેટ દ્વારા ખરીદવામાં આવેલી કલાની શ્રેષ્ઠ કૃતિઓમાંની એ એક હતી. પરંતુ તેને ઇટાલીના એક કબરચોરે ખોદકામ કરીને બહાર કાઢી હતી અને પછી દાણચોરી કરીને તેને અમેરિકા મોકલવામાં આવી હતી. 1975માં બીબીસીએ ચોરાયેલી પ્રાચીન કલાકૃતિઓના નફાકારક વૈશ્વિક વેપાર અંગે તપાસ કરી હતી.

સપ્ટેમ્બર 1972માં, ન્યૂ યૉર્કના મૅટ્રોપોલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટે(મેટ) એક પ્રાચીન ગ્રીક ફૂલદાની 12 લાખ ડૉલરમાં ખરીદી હતી (આજના મૂલ્ય પ્રમાણે 96 લાખ ડૉલર અથવા 71 લાખ પાઉન્ડ). ઈસવી સન પૂર્વે આશરે 515માં બનાવવામાં આવેલી અને ચિત્રકાર યુફ્રોનિયોસની સહી ધરાવતી આ ફૂલદાની પ્રાચીન ગ્રીક માટીકામનાં હયાત શ્રેષ્ઠ ઉદાહરણોમાંની એક ગણાય છે.

વેચાણની જાહેરાત થયા પછી મ્યૂઝિયમના નિયામકે બડાઈ મારતાં કહ્યું હતું, “આ ક્ષણથી કલાના ઇતિહાસનું પુનર્લેખન કરવું પડશે.” તેમણે દાવો કર્યો હતો કે આ ફૂલદાની મ્યૂઝિયમની માલિકીની અત્યાર સુધીની બે કે ત્રણ શ્રેષ્ઠ કલાકૃતિઓમાંની એક છે.

પરંતુ ટૂંક સમયમાં જ એવા આક્ષેપો થવા લાગ્યા કે આ ફૂલદાની ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને બહાર કાઢવામાં આવી હતી અને દાણચોરી દ્વારા અમેરિકા પહોંચાડવામાં આવી હતી.

આથી તેને ‘હૉટ પૉટ’ એવું ઉપનામ મળ્યું. બીબીસીના પત્રકાર જૉન પર્સિવલે આ ફૂલદાનીનું પગેરું ઇટાલીના સર્વેટેરી શહેરની બહાર આવેલા પ્રાચીન કબ્રસ્તાનના ભૂગર્ભ કબરો સુધી શોધ્યું હતું.

કહેવાતું હતું કે, ત્યાંથી એક વ્યવસાયી કબરચોરે આ ફૂલદાની ખોદકામ કરીને બહાર કાઢી હતી. આવા ચોરને ઇટાલિયનમાં ‘તોમ્બારોલો’ કહેવામાં આવે છે.

તેની ઊંચી કિંમતની વાત ફેલાતાં આ વિસ્તારમાં ફરીથી કબરચોરોની પ્રવૃત્તિ વધી હતી. પર્સિવલે કહ્યું હતું, “ઇટાલીના ચોરો દસ લાખ ડૉલરની કિંમતનાં વાસણોની શોધમાં છે. ઇટાલીના પોલીસકર્મીઓ ચોરોની પાછળ પડ્યા છે.”

ખજાનાની કહાણી  ચોરોએ કબરમાંથી '10 લાખ ડૉલરની કિંમત'નો ખજાનો ખોદ્યો, પણ એવું શું ગુમાવી દીધું જે દુનિયાને હવે ક્યારેય નહીં મળે? ગુજરાત બીબીસી ન્યૂઝ સમાચાર ગુજરાતી ન્યૂઝ સમાચાર

1975માં બીબીસીના ટ્રેઝર ટ્રેઇલ કાર્યક્રમમાં વાત કરતાં પર્સિવલે પરિસ્થિતિનો સાર આ શબ્દોમાં રજૂ કર્યો હતો: “આ કહાણી જમીનમાં દટાયેલા ખજાનાની છે, સદીઓ પહેલાં ધરતીમાં છુપાવવામાં આવેલાં સોના, ચાંદી અને કીમતી વસ્તુઓની છે. આ કહાણી રાત્રિના અંધકારમાં ખોદકામ કરીને આ વસ્તુઓ શોધતા ચોરોની, સરહદો પાર કરીને તેમની દાણચોરી કરતા વેપારીઓની, સંગ્રાહકોની અને ચોરાયેલી વસ્તુઓ સ્વીકારનારા મોટાં સંગ્રહાલયોની છે.”

ઇસ્તંબુલ મ્યૂઝિયમના નિષ્ણાત ડૉ. નુસિન અસ્કારીએ બીબીસીને કહ્યું હતું, “વસ્તુ જ્યાંથી મળી આવે છે, ત્યાંથી જ તેનો વિનાશ શરૂ થાય છે. વસ્તુને તોડી નાખવામાં આવે છે, જેથી તેને પછીથી ઊંચી કિંમતે વેચી શકાય અને દેશની બહાર લઈ જઈને તેની દાણચોરી કરવાનું પણ સરળ બને.”

સર્વેટેરી વિસ્તારમાં ચોરાયેલી પ્રાચીન કલાકૃતિઓના વેપાર પર અંકુશ મૂકવાના પ્રયાસરૂપે, પોલીસની એક ખાસ ટુકડીને પ્રાચીન કલાની તાલીમ આપવામાં આવી હતી. આ ટુકડીના સભ્યો રોમના વિલા જુલિયા મ્યૂઝિયમના એક નિષ્ણાતનાં વ્યાખ્યાનોમાં હાજરી આપતા હતા. તેમ છતાં, ગેરકાયદેસર ખોદકામ પર નજર રાખવી મુશ્કેલ હતી. ઇટાલીનાં ખેતરોમાં ઠેરઠેર મોટા ખાડા પડી ગયા હોય તેમ આવા ખોદકામનાં નિશાન વારંવાર જોવા મળતાં હતાં.

પર્સિવલે એ જ સવારે ખોદવામાં આવેલા એક તાજા ખાડાની બાજુમાં બેસીને કહ્યું હતું, “આખા વિસ્તારમાં સેંકડો કબરો પથરાયેલી છે, જેને સહેલાઈથી ખોલી શકાય છે.”

આ કબર પ્રાચીન એટ્રુસ્કન સમયની હતી. આ પ્રાચીન એટ્રુસ્કન કબરમાંથી મળેલી વસ્તુઓ, પછીના સમયની કેટલીક કબરોમાંથી મળેલી વસ્તુઓ જેટલી મૂલ્યવાન નહોતી. કબરચોરો ત્યાંથી લઈ જવા યોગ્ય ન હોય તેવા અનેક ટુકડા પાછળ છોડી ગયા હતા.

કોઈ પણ સવાલ પૂછ્યા વિના કલાકૃતિઓની ખરીદી

કબરચોરો દ્વારા લૂંટાયેલા નજીકના એક વિસ્તારમાં, ગેરકાયદે ખોદકામમાંથી મળી આવેલાં એટ્રુસ્કન માટીનાં વાસણો મ્યૂઝિયમના પ્રાંગણમાં ઢગલાબંધ પડ્યાં હતાં.

તેમની બાજુમાં લાંબી ધાતુની સળીઓનો ઢગલો હતો. આ સળીઓને ‘કિયાવી’ કહેવામાં આવતી હતી. કબરચોરો નક્કર ખડકાળ જમીનમાં જ્યાં પોલાણ હોય તેવાં સ્થળોની શોધ કરવા માટે જમીનમાં આ સળીઓ ખોસી તપાસ કરતા હતા.

જોકે, કેટલાક કબરચોરો પાસે આના કરતાં વધુ આધુનિક સાધનો હતાં. તે સમયે દક્ષિણ અમેરિકામાં ખજાનાની શોધ કરતા લોકોની પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં અમેરિકાના સંશોધક હાવર્ડ જેનિંગ્સે બીબીસીને કહ્યું હતું, “આજકાલ ખૂબ જ સારાં ઇલેક્ટ્રોનિક સાધનો ઉપલબ્ધ છે અને આ લોકો તેનો ઉપયોગ પણ કરે છે.

તમે ધાતુની વસ્તુઓનું સ્થાન શોધી શકો, તો ઘણું બધું ખોદકામ કરવાનું ટાળી શકાય છે. આ લોકો સામાન્ય રીતે ધાતુની વસ્તુઓની જ શોધમાં હોય છે, કારણ કે સોનાને માટીનાં મોટાં અને ભારે વાસણોની સરખામણીએ દેશની બહાર દાણચોરીથી લઈ જવું વધુ સહેલું છે.”

ખજાનાની કહાણી  ચોરોએ કબરમાંથી '10 લાખ ડૉલરની કિંમત'નો ખજાનો ખોદ્યો, પણ એવું શું ગુમાવી દીધું જે દુનિયાને હવે ક્યારેય નહીં મળે? ગુજરાત બીબીસી ન્યૂઝ સમાચાર ગુજરાતી ન્યૂઝ સમાચાર

તેમણે સમજાવ્યું હતું કે લૂંટેલી વસ્તુઓની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવતી હતી. “કૉલંબસના આગમન પહેલાંના સમયની સોનાની કલાકૃતિઓની જથ્થાબંધ કિંમત તેમના વજનમાં રહેલા સોનાની કિંમત કરતાં આશરે 15 ગણી હોય છે. તેથી, કોઈ મ્યૂઝિયમનો ક્યુરેટર ખરીદી કરવા સંમત થાય, તો સોનાની વસ્તુઓનું સીધું વજન કરવામાં આવે છે. પછી તેના વજનને 15 વડે ગુણવામાં આવે છે અને એ રીતે ચૂકવવાની રકમ નક્કી થાય છે.”

ત્યારથી કાયદાઓ વધુ કડક બનાવવામાં આવ્યા છે, પરંતુ 1975માં જેનિંગ્સે વર્ણવેલી પરિસ્થિતિમાં જાણે અમેરિકાના વાઇલ્ડ વેસ્ટ જેવું વાતાવરણ હતું. તેમણે કહ્યું હતું, “દક્ષિણ અમેરિકામાં, ખાસ કરીને ઇક્વાડોરમાં, આજે પણ એવા વિશાળ વિસ્તારો છે, જ્યાં હજી સુધી કોઈ સંશોધન થયું નથી કે જેનો નકશો પણ તૈયાર કરવામાં આવ્યો નથી. આવા વિસ્તારોમાં, જ્યાં ખરેખર સેંકડો દફનસ્થળોના ટેકરા આવેલા છે, ત્યાં કોઈ વ્યક્તિ મહિનાઓ સુધી જંગલમાં ગાયબ થઈ શકે છે. સત્તાવાળાઓને તેમની જાણ સુધ્ધાં ન થાય એ રીતે તેઓ ત્યાં કામ કરી શકે છે. દેશની બહાર દાણચોરી કરીને લઈ જઈ શકાય એવી તેમને લાગતી બધી વસ્તુઓ મેળવી ન લે ત્યાં સુધી તેઓ રોકાય છે. ત્યાર પછી તેઓ બહાર આવે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે.”

જેનિંગ્સના જણાવ્યા અનુસાર, દાણચોરી કરીને લાવવામાં આવેલી પ્રાચીન કલાકૃતિઓનો નિકાલ કરવાનું સહેલું હતું. તેમણે કહ્યું હતું, “આવી વસ્તુઓની ભારે માગ છે. મ્યૂઝિયમો, હરાજીગૃહો, વેપારીઓ અને ખાનગી સંગ્રાહકોને માત્ર એટલું જ જાણવું હોય છે કે આ કલાકૃતિ અસલી છે કે નહીં. એક વાર એ નક્કી થઈ જાય કે આ પ્રાચીન કલાકૃતિ અસલી છે, પછી બીજો કોઈ સવાલ પૂછવામાં આવતો નથી.”

જોકે, પુરાતત્ત્વીય સ્થળોની સમૃદ્ધિ ધરાવતા દેશોએ પ્રાચીન કલાકૃતિઓની નિકાસ પર પ્રતિબંધ મૂકતા કાયદા ઘડ્યા છે. ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતી વસ્તુઓ સત્તાવાળાઓ દ્વારા નિયમિત રીતે પકડી પાડવામાં આવે છે અને ચોરાયેલી ઘણી કલાકૃતિઓ તેમના મૂળ દેશોને પાછી સોંપવામાં આવી છે. મેટની ‘હૉટ પૉટ’ નામે ઓળખાતી ફૂલદાની 2008માં ઇટાલીને પાછી સોંપવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી કરનાર જિયાકૉમો મેડિચીના હાથમાંથી પસાર થઈ હતી. લૂંટફાટ કરીને મેળવેલી કલાકૃતિઓના ગેરકાયદેસર વેપાર બદલ 2005માં તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. પર્સિવલે કહ્યું હતું, “પરંતુ જ્યાં સુધી બજાર અસ્તિત્વમાં છે, ત્યાં સુધી ભૂતકાળની લૂંટફાટ ચાલુ રહેશે.”

2016માં નૅશનલ જિયોગ્રાફિકના એક લેખમાં જણાવવામાં આવ્યું હતું, “ભારતમાં મંદિરોમાંથી ચોરી કરતા ખૂની ચોરોથી લઈને બૉલિવિયામાં ચર્ચોમાં લૂંટ ચલાવનારાઓ અને ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં કબરો લૂંટતા સો-સો માણસોનાં ટોળાં સુધી, લૂંટારાઓ આપણા ભૂતકાળને ખોતરીને ખાલી કરી રહ્યા છે.” લેખમાં દલીલ કરવામાં આવી હતી કે “ઉપગ્રહથી લેવાયેલી તસવીરો, પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ અને સ્થળ પરના સાક્ષીઓના અહેવાલો -આ બધું દર્શાવે છે કે દુનિયાભરમાં ચોરાયેલા ખજાનાનો વેપાર તેજીથી વધી રહ્યો છે.”

આ બધી લૂંટફાટ આપણા ઇતિહાસની સમજને નુકસાન પહોંચાડે છે. મ્યૂઝિયમના ક્યુરેટર નિક થૉમસે બીબીસીને કહ્યું હતું, “આ મહત્ત્વનું છે, કારણ કે તે જ્ઞાનનો નાશ કરી રહ્યું છે.” તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ પુરાતત્ત્વીય સ્થળે લૂંટ ચલાવવી એ આપણા ભૂતકાળ વિશેના જ્ઞાનનો નાશ કરવા સમાન છે. પછી ભલે તે ભવ્ય મંદિર હોય કે માત્ર બે-ત્રણ માટલાં અને એક હાડપિંજર ધરાવતી નાનકડી કબર. આપણા ભૂતકાળ વિશેનું આ જ્ઞાન આપણે ભાવિ પેઢીઓને સોંપી શકીએ તેમ છીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS