Source : BBC NEWS
Kiran Sakale
“ભૂતકાળમાં ઘણા દુકાળ પડ્યા છે. પણ આવો ક્યારેય પડ્યો નથી. આટલો ભયાનક દુકાળ અમે કદી જોયો નથી. અમે 1972નો દુકાળ જોયો હતો. એ વખતે અમે પરંપરાગત પોળા પર્વની વિધિઓ કરી, એ પછી વરસાદ પડ્યો હતો. એટલે અમને દુકાળની ખાસ અસર વર્તાઈ નહોતી. પણ આ વર્ષનો દુકાળ… હે ભગવાન!”
આટલું કહેતાં દામોદર ચવ્હાણ આકાશ તરફ નજર કરે છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે.
તેમના શબ્દો અને અનુભવો પરથી આ વર્ષના દુકાળની ભયાનકતાનો અંદાજ આવે છે.
75 વર્ષના દામોદર ચવ્હાણ લાતુર જિલ્લાના રેણાપુર તાલુકાના ગરસુળી ગામમાં રહે છે.
વરસાદના અભાવે તેમના બે એકર ખેતરમાં વાવેલો સોયાબીનનો પાક સુકાઈ ગયો છે.
‘ખેતીનો ખર્ચ આવક કરતાં વધારે છે’
ચવ્હાણ કહે છે, “દોઢ બે મહિનાથી વરસાદ પડ્યો નથી. ક્યાંક છૂટોછવાયો વરસાદ થયો છે. ગામમાં વરસાદ પડે છે, પણ ખેતરોમાં નથી પડતો. અહીં પડે છે, ત્યાં નથી પડતો. આવી સ્થિતિ છે.
“વરસાદ પડ્યો હોત તો એકર દીઠ ઓછામાં ઓછી 12થી 15 ગુણી સોયાબીન ઊતર્યું હોત. હવે માંડ ત્રણ-ચાર ગુણી મળશે. સોયાબીનના પાકની હાલત જુઓ. શીંગો ક્યાં છે?”
પાકને કેટલું નુકસાન થયું છે એ બતાવવા માટે ચવ્હાણ પોતાના ખેતરમાંથી સોયાબીનનો એક છોડ ઉખાડીને બતાવે છે.
2016માં લાતુર શહેરમાં પીવાનું પાણી પહોંચાડવા માટે આશરે 340 કિલોમીટર દૂર આવેલા સાંગલી જિલ્લાના મિરજથી ટ્રેન દ્વારા પાણી લાવવામાં આવ્યું હતું.
Kiran Sakale
2026માં લાતુર જિલ્લામાં વરસાદની અછત લગભગ 53 ટકા જેટલી છે. પહેલી જૂનથી 21 ઑક્ટોબર દરમિયાન જિલ્લામાં સરેરાશ 764 મિલીમીટર વરસાદ પડવાની ધારણા હતી. પરંતુ વાસ્તવમાં માત્ર 362 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
આ સ્થિતિને કારણે લાતુર જિલ્લાના ખેડૂતો અને સામાન્ય રહેવાસીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે.
ગરસુળી ગામનાં ખેતરોમાં ફરીએ તો ચારે તરફ સુકાઈ ગયેલો પાક જોવા મળે છે. ખેડૂતો કહે છે કે ગયા વર્ષે આઠ ફૂટ ઊંચા થયેલા તુવેરના છોડ આ વર્ષે માંડ બે ફૂટ ઊંચા થયા છે.
‘લગભગ 80 ટકા પાકને નુકસાન’
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વરસાદની અછતને કારણે લાતુર જિલ્લામાં લગભગ 80 ટકા પાકને નુકસાન થયું છે.
ખેડૂત વિષ્ણુ પવાર કહે છે, “એક એકરમાં સોયાબીન ઉગાડવાનો ખર્ચ આશરે 20,000 રૂપિયા થાય છે. હવે આવક કરતાં ખર્ચ વધારે છે. અને હવે તો વરસાદ સાવ જ બંધ થઈ ગયો છે. આ ખેતરમાંથી કંઈ ઉપજવાની શક્યતા જ નથી.”
ગરસુળી ગામથી માત્ર એક કિલોમીટર દૂર ગરસુળી લઘુ સિંચાઈ યોજના આવેલી છે. સ્થાનિક લોકો કહે છે કે એક વર્ષ પહેલાં જળાશય છલોછલ ભરાયેલું હતું. આજે તે સાવ સુકાઈ ગયું છે. સૂકી પડી ગયેલી જમીનમાં તિરાડો પડી ગઈ છે. લાતુરનાં અન્ય અનેક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે.
Kiran Sakale
ગરસુળી જળાશયની સંગ્રહક્ષમતા 20 લાખ ઘનમીટર છે. તેના પાણીથી 1,222 એકર જમીનમાં સિંચાઈ કરવામાં આવે છે. પરંતુ હવે જળાશય સુકાઈ ગયું છે. આથી આસપાસનાં ચારથી પાંચ ગામોએ ગંભીર જળસંકટનો સામનો કરવો પડે એવી શક્યતા છે.
આ જ સ્થળે દત્તાત્રય દેશમુખ પોતાનાં ઢોરને ચરાવવા માટે લઈ આવ્યા હતા.
તેઓ કહે છે, “મેં આવો ભયાનક દુકાળ ક્યારેય જોયો નથી. હવે પશુઓએ આ સુકાઈ ગયેલા જળાશયના ખાડાઓમાં પાણી શોધવું પડે છે. સ્થિતિ અત્યંત ખરાબ છે.”
દેશમુખ 60 વર્ષના છે.
‘હવે ચારને બદલે છ દિવસે એક વાર પાણી મળે છે’
પાડોશના બીડ જિલ્લાના કેજ તાલુકાના ધનેગાંવ ખાતે માંજરા બંધ આવેલો છે. આ બંધમાંથી આ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે. ગયા વર્ષે 21 ઑક્ટોબરે બંધમાં તેની કુલ સંગ્રહક્ષમતાના 94 ટકા પાણી હતું. આજે તેમાં માત્ર 7.84 ટકા પાણી બચ્યું છે.
માંજરા બંધમાંથી લાતુર, બીડ અને ધારાશિવ જિલ્લાઓમાં ખેતીનું અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
લાતુર જિલ્લા વહીવટીતંત્રે શહેરમાં પાણી આપવાના દિવસો વચ્ચેનું અંતર વધાર્યું છે. પહેલી ઑક્ટોબરથી શહેરના રહેવાસીઓને દર ચાર દિવસે મળતા પાણીને બદલે હવે છ દિવસે એક વાર પાણી મળે છે.
લાતુરના જિલ્લા કલેક્ટર ડૉ. ભારત બસ્તેવાડ કહે છે, “પહેલાં ઉપલબ્ધ પાણી ડિસેમ્બર સુધી ચાલશે એવી અપેક્ષા હતી. પાણી બચાવવાનાં પગલાં રૂપે અમે શહેરમાં દર ચાર દિવસે એક વારને બદલે છ દિવસે એક વાર પાણી આપવાનું શરૂ કર્યું. આનાથી પાણીનો પુરવઠો ઓછામાં ઓછો 15 જાન્યુઆરી સુધી ચાલુ રાખી શકાશે.”
“લાતુરને પાણી પૂરું પાડતા માંજરા બંધમાં તળિયે રહેલું પાણી જૂન સુધી ચાલશે એવી ધારણા હતી. હવે અમે ઉપલબ્ધ પાણીનું આયોજન અને વ્યવસ્થાપન એવી રીતે કરીશું કે તે જુલાઈ સુધી ચાલે.”
Kiran Sakale
મરાઠવાડા વિસ્તારના આઠ જિલ્લાઓ પૈકી લાતુરમાં વરસાદની સૌથી વધુ, એટલે કે 53 ટકા અછત છે. લાતુર જિલ્લાના નવ મોટા બંધમાંથી પાંચમાં હવે પાણીનો સંગ્રહ રહ્યો નથી.
દસ વર્ષ પહેલાં, 2016માં, લાતુર શહેરને ટ્રેન દ્વારા લાવવામાં આવતા પાણી પર આધાર રાખવો પડ્યો હતો.
2016માં માંજરા બંધ સુકાઈ ગયા પછી ફેબ્રુઆરી મહિનામાં લાતુરનો નળ દ્વારા થતો નિયમિત પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. એ વર્ષના દુકાળ દરમિયાન શહેરમાં દર 20 દિવસે એક વાર પાણી મળતું હતું.
પર્યાવરણવિદ્ અને લાતુરના રહેવાસી અતુલ દેઉળગાંવકર કહે છે, “પાંચ દિવસે, આઠ દિવસે, 15 દિવસે કે 20 દિવસે એક વાર પાણી મળે, પણ અમારું પાણી વિતરણનું ચક્ર તો હંમેશાં આવું જ રહ્યું છે. કંઈ બદલાતું નથી. બંધ 100 ટકા ભરેલો હોય કે 80 ટકા, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમને એકાંતર દિવસે ક્યારેય પાણી મળતું નથી.
“આ બતાવે છે કે આપણી જળવ્યવસ્થાની કામગીરી કેવી રીતે ચાલે છે. જળવ્યવસ્થાનું કાર્યક્ષમ સંચાલન કેટલું છે અને છેલ્લાં દસ વર્ષમાં આપણે શું હાંસલ કર્યું છે-કે નથી કરી શક્યા, તેનો આ સ્પષ્ટ ચિતાર આપે છે.”
‘હવે રવિ પાકની વાવણી કેવી રીતે કરીએ?’
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, લાતુર જિલ્લામાં હાલ આગામી 100થી 125 દિવસ સુધી ચાલે એટલો ઘાસચારો ઉપલબ્ધ છે. ઘાસચારાની અછતનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવાની યોજના તૈયાર કરી રહ્યું છે.
પરંતુ ખેડૂતોને હવે આગામી રવિ પાકની વાવણીની ચિંતા સતાવી રહી છે.
દામોદર ચવ્હાણ કહે છે, “હવે અમે રવિ પાકની વાવણી કેવી રીતે કરીએ? કૂવા કે બોરવેલમાં પાણી જ નથી. અહીં આજુબાજુનો કોઈ પણ કૂવો જોઈ લો. પાણી જ નથી.”
ખેડૂત વિષ્ણુ પવાર કહે છે, “હવે સરકાર તરફથી જે કંઈ મદદ મળે તેના પર અમારી આશા છે. આ ગામમાં કશું બચ્યું નથી. તળાવો સુકાઈ ગયાં છે, કૂવામાં પાણી નથી, બોરવેલ કામ કરતા બંધ થઈ ગયા છે અને સોયાબીનના પાકની આ હાલત થઈ છે.”
સુકાઈ ગયેલાં જળાશયો, ખાલી થઈ ગયેલી નદીઓ, વરસાદના અભાવે સુકાઈ ગયેલાં પાક અને ચિંતાતુર ખેડૂતો-આજે લાતુરની આ સ્થિતિ છે. ડિસેમ્બરના અંત સુધીમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
Kiran Sakale
થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે લાતુર જિલ્લાના દુકાળની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ખેતરોની મુલાકાત લઈને જમીની સ્તરે થયેલા નુકસાનનો પણ તાગ મેળવ્યો હતો.
ફડણવીસે ખેડૂતોને ખાતરી આપી હતી કે સરકાર તેમની પડખે મક્કમતાથી ઊભી છે.
રાજ્ય સરકારે 305 તાલુકાઓમાં દુકાળ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં કુલ 358 તાલુકા છે. લાતુર જિલ્લાના તમામ દસ તાલુકાઓ-લાતુર, ઔસા, અહમદપુર, નીલંગા, ઉદગીર, ચાકુર, રેણાપુર, શિરુર અનંતપાળ, દેવણી અને જળકોટનો દુકાળગ્રસ્ત વિસ્તારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તાલુકાઓમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, ખેતમજૂરો, સ્થાનિક રહેવાસીઓ અને પશુધનને રાહત આપવા માટે 12 પગલાં અને છૂટછાટો જાહેર કરવામાં આવી છે. તેમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારી ખર્ચે પાણીનાં ટેન્કરોની વ્યવસ્થા કરવાનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે દુકાળગ્રસ્ત તાલુકાઓના રહેવાસીઓને દિવાળી પહેલાં વિતરણ કરવા માટે 5,000 રૂપિયાની આગોતરી નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે.
જોકે, ખેડૂતોનું કહેવું છે કે આ સહાય પૂરતી નથી. તેઓ પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર આપવાની માગણી કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




