Source : BBC NEWS
Getty Images
વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામો અંગે ડેમૉક્રેટિક પક્ષના નેતા રો ખન્નાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રિપબ્લિકન પાર્ટીની હારનું કારણ માત્ર ઈરાન સાથેનું યુદ્ધ જ નહોતું.
જેડી વેન્સના નિવેદન સાથે આંશિક સહમતી વ્યક્ત કરતાં તેમણે સોશિયલ મીડિયા પ્લૅટૉફોર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું, “હું એ વાત સાથે સહમત છું કે રિપબ્લિકન પાર્ટીની હારનું એક કારણ ઈરાન સાથેનું યુદ્ધ છે. પરંતુ હું એ પણ માનું છું કે ઍપ્સ્ટીન કેસને ઢાંકવાના પ્રયાસોથી બહાર આવેલો ભ્રષ્ટાચાર પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે.”
આ જ પોસ્ટમાં તેમણે ત્રણ સૂચનો પણ આપ્યાં હતાં:
- અસ્થાયી સરકારી ફંડિંગ પ્રસ્તાવને સમર્થન આપવું, જેમાં ઈરાનમાં અમેરિકી સેનાની કોઈ પણ લશ્કરી કાર્યવાહી માટે ફંડ આપવા પર પ્રતિબંધ હોય. તેમણે ઉમેર્યું હતું કે જે રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો હતો, તે જ રીતે ઈરાન યુદ્ધ પણ સમાપ્ત કરવું જોઈએ.
- ઇઝરાયલને આપવામાં આવતી તમામ સહાય સંપૂર્ણપણે બંધ કરવાની તરફેણ કરવી.
- રાજ્યના ઍટોર્ની જનરલને એવા લોકો સામે કાનૂની કાર્યવાહી અને કેસ ચલાવવાની સત્તા આપવી, જેમણે સગીર વયની છોકરીઓનું યૌન શોષણ કર્યું હોય અથવા તેમની માનવ તસ્કરી કરી હોય.
જેડી વેન્સની પોસ્ટ શૅર કરતાં રો ખન્નાએ પ્રશ્ન કર્યો હતો, “શું હવે તમે ખરેખર આ ત્રણ પૈકી કોઈ પણ પ્રસ્તાવ પર અમલ કરશો?”
અગાઉ જેડી વેન્સે ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં એક લાંબી પોસ્ટ લખી હતી અને ટ્રમ્પથી વિમુખ થયેલા મતદારોને પાછા આકર્ષવા માટે ચાર સૂચનો આપ્યાં હતાં.
તેમણે લખ્યું હતું, “પ્રથમ, યુદ્ધનો અંત આવવો જોઈએ. બીજું, મોંઘવારી અને લોકોના જીવનનિર્વાહના ખર્ચ પર ધ્યાન આપવું જોઈએ. ત્રીજું, ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અપનાવવી જોઈએ. અને ચોથું, ઇઝરાયલ સાથેના સંબંધોમાં ફેરફાર કરવો જોઈએ.”
અમેરિકા : મિડટર્મ ચૂંટણી બાદ ભારતીય કંપનીઓ અને વેપારીઓ પર નવા પ્રતિબંધો
Getty Images
મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પરાજય બાદ બુધવારે અમેરિકાના નાણા મંત્રાલયે ભારત અને તુર્કીની કેટલીક કંપનીઓ તેમજ વેપારીઓ પર નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.
મંત્રાલયે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાની શાસનને સહાય પૂરી પાડતી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે આકરાં પગલાં લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ નવા પ્રતિબંધો ટ્રમ્પ પ્રશાસનના “ઑપરેશન ઇકૉનોમિક આઉટકાસ્ટ” અભિયાનનો એક ભાગ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ઈરાન દ્વારા ઑઇલ વેચાણ મારફતે કરવામાં આવતી નાણાકીય કમાણી અટકાવવાનો છે.
અમેરિકાના નાણા પ્રધાન સ્કૉટ બેસેન્ટે બુધવારે મંત્રાલયના આ નિર્ણય વિશે માહિતી આપતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું હતું, “જેમ અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું છે, ‘ઑપરેશન ઇકૉનૉમિક આઉટકાસ્ટ’ હેઠળ તમે કાં તો અમારી સાથે છો અથવા અમારી વિરુદ્ધ. અમને સ્પષ્ટ ખબર છે કે તમે ક્યાં ઊભા છો. જેઓ ઈરાની શાસનને સમર્થન આપવાનું ચાલુ રાખશે, તેમની સામે અમે પ્રતિબંધો લાદીશું—ભલે તેઓ જમીન, સમુદ્ર કે હવાઈ માર્ગે આવું કરી રહ્યા હોય.”
અમેરિકાના નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, “આજે ‘ઑપરેશન ઇકૉનૉમિક આઉટકાસ્ટ’ હેઠળ અમેરિકાના નાણા મંત્રાલયે ભારતસ્થિત સુનિલકુમાર શર્મા અને તેમનાં પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદના મોટા ગુનાહિત નેટવર્કને નિશાન બનાવ્યું છે. આ નેટવર્ક ઈરાનના ‘શેડો ફ્લીટ’ને ગેરકાયદે સહાય પૂરી પાડી રહ્યું હતું.”
નિવેદનમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે, “આ નેટવર્ક દ્વારા પ્રતિબંધિત જહાજોને ખોટા ધ્વજ અને બનાવટી પ્રમાણપત્રો પૂરાં પાડવામાં આવતાં હતાં. આ જહાજોનો ઉપયોગ ઈરાની પેટ્રોલિયમના પરિવહન માટે થતો હતો. તેમાં એવાં જહાજો પણ શામેલ હતાં જે ઈરાની સેના અને તેનાં સહયોગી સંગઠનો વતી કાર્યરત હતાં.”
ઉલ્લેખનીય છે કે મંગળવારે યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે અને અમેરિકી કૉંગ્રેસનાં બંને ગૃહોમાં તેની બહુમતી સમાપ્ત થઈ ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




