Source : BBC NEWS
Shardul Kadam
“અમારો આખો પરિવાર ત્યાં જ રહેતો હતો. અમે પેઢીઓથી એ જમીન પર રહેતા હતા. પરંતુ એક દિવસ અચાનક, જેસીબી-બુલડોઝર આવ્યાં અને અમારાં બધાં ઘર તોડી નાખ્યાં. તેમણે અમને બેઘર કરીને સડક પર લાવી દીધા.”
રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના મ્હાત્રોલી ગામનાં 40 વર્ષીય સુમતિ નાઈક અને અન્ય આદિવાસી પરિવારોએ આ આરોપ કર્યો છે.
પરિવારોનો દાવો છે કે મ્હાત્રોલીમાં સર્વે નંબર 148/1 પર રહેતા લગભગ 20 આદિવાસી પરિવારોનાં પૈતૃક ઘરોને 24 માર્ચ 2024એ અચાનક ધ્વસ્ત કરી દેવાયાં. તેમનું કહેવું છે કે આ કાર્યવાહીના લીધે બધા પરિવારો રાતોરાત બેઘર થઈ ગયા.
આ સમગ્ર મામલાનું કેન્દ્રબિંદુ રાયગઢ જિલ્લાના મ્હાત્રોલીમાં આવેલી આદિવાસી વાડીની જમીન સર્વે નંબર 148/1 છે.
ઉપલબ્ધ સરકારી રેકૉર્ડ અનુસાર, આ જમીનનાં વર્તમાન માલિક સરોજિની રાહુલ નાર્વેકર છે. સરોજિની નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનાં પત્ની છે.
Ulka Mahajan
રાહુલ નાર્વેકરે આ મામલાના સંદર્ભમાં થયેલા આરોપોને ખારીજ કર્યા છે.
મહારાષ્ટ્ર ટેનન્સી ઍન્ડ એગ્રિકલ્ચર લેન્ડ્સ ઍક્ટ હેઠળ 4 જાન્યુઆરી 2017એ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, ખાનગી જમીન પર વર્ષોથી રહેતા પાત્ર આદિવાસી પરિવારોનાં ઘરોની સુરક્ષાની જોગવાઈ છે. તેથી, ‘સર્વહારા જન આંદોલન’એ દાવો કર્યો છે કે આ ભૂમિ પર આદિવાસીઓનો અધિકાર છે.
જોકે, આદિવાસીઓનો આરોપ કર્યો છે કે તેમનાં ઘર ધ્વસ્ત કરી દેવાયાં અને છેતરપિંડી કરીને તેમની જમીનો પડાવી લેવામાં આવી. તેથી, આદિવાસી પરિવારો અને સર્વહારા જન આંદોલને તેની વિરુદ્ધ પોલીસ અને મહેસૂલ વહીવટી તંત્રમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસે કહ્યું છે કે પોલીસ સ્તરે સમગ્ર મામલો તપાસને અધીન છે. જ્યારે બીજી તરફ, ઘરો ધ્વસ્ત કરવાના મુખ્ય આરોપી દશરથ પાટિલ અને મકાનમાલિક નાર્વેકર પરિવારે પોતાના પર થયેલા આરોપોનો ઇનકાર કર્યો છે.
તે દિવસે શું થયેલું?
Ulka Mahajan
15 ઑક્ટોબર 2026એ મ્હાત્રોલીના અસરગ્રસ્ત આદિવાસીઓ દ્વારા અપાયેલા એક ઇન્ટરવ્યૂ અનુસાર, તેઓ પેઢીઓથી આ જમીન પર રહેતા આવ્યા છે. જોકે, તેમનો આરોપ છે કે 24 માર્ચ 2024એ કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના વગર જ એક જેસીબી મશીન તેમની વાડીમાં ઘુસાડી દેવાયું.
અલીબાગ તાલુકાના મ્હાત્રોલી ગામમાં સર્વે નંબર 148/1વાળી ખાનગી માલિકીની જમીન પર સાધારણ 20 આદિવાસી પરિવાર પેઢીઓથી નિવાસ કરી રહ્યા છે. કેટલાક પરિવારો પાસે 2009થી માંડીને અત્યાર સુધીની મકાનની પાવતી, રહેણાકનું પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજ છે.
મહારાષ્ટ્ર ટેનન્સી ઍન્ડ એગ્રિકલ્ચર લેન્ડ્સ ઍક્ટ અંતર્ગત, 4 જાન્યુઆરી 2017ના સરકારી નિર્ણયાનુસાર, ખાનગી જમીન પર વર્ષોથી રહેતાં પાત્ર આદિવાસી પરિવારોનાં ઘરોની સુરક્ષાની જોગવાઈ છે. આ જોગવાઈ અનુસાર, આ આદિવાસીઓનાં ઘરોની રેવન્યૂ એકાઉન્ટ બુકમાં નોંધણી થવી જોઈએ.
Shardul Kadam
જોકે, ઉપલબ્ધ સરકારી રેકૉર્ડ અનુસાર, 22 ફેબ્રુઆરી 2024એ સર્વે નંબર 148/1વાળી જમીન સરોજિની રાહુલ નાર્વેકર દ્વારા બલદેવસિંહ ઝાલા પાસેથી ખરીદવામાં આવી હતી. આદિવાસીઓનો આરોપ છે કે જમીનની ખરીદીના બરાબર એક મહિના બાદ, એટલે કે 24 માર્ચ 2024એ, ત્યાંના 20 ઘરોને ધ્વસ્ત કરી દેવાયાં.
આદિવાસીઓએ આરોપ કર્યો કે ગામના ઠેકેદાર દશરથ પાટિલે તેમને દમદાટી આપી, નકલી દસ્તાવેજ તૈયાર કરાવીને અને ક્યાંક બીજે ઠેકાણે ઘર આપવાનો વાયદો કરીને તેમને બેઘર કરી દીધા છે.
પીડિતા સુમતિ નાઈકે બીબીસી મરાઠીને જણાવ્યું, “અમારી ઘણી પેઢીઓ અહીંથી નીકળી ચૂકી છે. દશરથ પાટિલે અમારાં ઘર બુલડોઝર લાવીને પાડી નાખ્યાં. તેમણે કહ્યું, તમારું અહીં કશું નથી. અમને દમદાટી આપીને અહીંથી હટાવી દીધા. બાદમાં અમને ખબર પડી કે અમારી જગ્યા લેનાર કોઈ નાર્વેકર છે. લોકો કહે છે કે તે કોઈ મોટા માણસ છે. જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં તેમનું નામ લીધું તો કોઈ અમારી વાત નથી સાંભળતા.”
અન્ય એક પીડિત ગણેશ નાઈકે કહ્યું, “કેટલાક લોકો અહીં આવ્યા અને તેમણે કોરા કાગળો પર અમારી સહી લઈ લીધી. અમે વાંચી-લખી નથી શકતા, તેથી તેમણે અમને તૈયાર કરાયેલા એ કાગળો ન આપ્યા. તેમણે અમારી સહીઓનો દુપયોગ કર્યો અને ત્યાંથી અમને બહાર કાઢી મૂક્યા.”
જ્યારે રુક્મિણી વાઘમારેએ આરોપ કર્યો કે, “અમને ખબર નથી કે નાર્વેકર કોણ છે. પરંતુ દશરથ પાટિલ નામના એક વ્યક્તિનો સાથ લઈને અમારાં કાયદેસર ઘરો ધ્વસ્ત કરી દેવાયાં.”
વૈકલ્પિક સ્થળની બાબતમાં ગૂંચવણ: ‘શું ચોમાસામાં પાણીમાં મરવું જોઈએ?
Shardul Kadam
ઘરોને ધ્વસ્ત કરી દેવાયા પછી, ગામના ઠેકેદાર દશરથ પાટિલે દાવો કર્યો છે કે તેમણે કેટલાક આદિવાસી પરિવારોને પૈસા આપ્યા અને અન્યને સર્વે નંબર 145 પર વૈકલ્પિક ઘર ઉપલબ્ધ કરાવ્યાં. જોકે, આદિવાસીઓનો આરોપ છે કે આ વૈકલ્પિક ઘર તેમની સાથે બીજી એક છેતરપિંડી સાબિત થયાં છે.
કેમ કે, સર્વે નંબર 145માં જે જમીન પર આ આદિવાસીઓને વસાવવામાં આવ્યા છે, તે હકીકતમાં એ લોકોની નથી જેઓ વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. એ જમીનના મૂળ માલિક કોઈ બીજા જ છે. હવે આ જમીનના માલિક આદિવાસીઓને ત્યાંથી પણ તેમનાં ઘર ખાલી કરવાની માગ કરી રહ્યા છે.
વૈકલ્પિક સ્થળ પર રહેનાર નામદેવ લક્ષ્મણ નાઈક ખૂબ જ ચિંતાથી પૂછે છે, “અમારા ઘરની હાલત ખરાબ છે. બધી બાજુથી પાણી આવે છે. શું ચોમાસામાં અમે પાણીમાં ડૂબીને મરી જઈએ? આ ઘર નથી, તે ઘર નથી. આખરે અમે ક્યાં રહીએ?”
વૈશાલી બલિરામ નાઈક કહે છે, “અમારી માત્ર એક જ માગ છે, અમારી જમીન અને ઘર અમને પહેલાં જેવાં જ પાછાં આપી દો. હવે અમને જ્યાં લવાયા છે અને રાખવામાં આવ્યા છે ત્યાં ખૂબ કષ્ટ સહન કરી રહ્યા છીએ.”
જમીનમાલિક અને રાહુલ નાર્વેકર વચ્ચે શો સંબંધ છે?
Facebook/Rahul Narvekar
સર્વે નંબર 148/1વાળી આ જમીન પહેલાં બલદેવસિંહ ઝાલાના નામે હતી. જોકે, તેમનો દાવો છે કે આદિવાસી ઘણી પેઢીઓથી આ જમીન પર રહે છે.
મહારાષ્ટ્ર ટેનન્સી ઍન્ડ એગ્રિકલ્ચર લેન્ડ્સ ઍક્ટ હેઠળ તેઓ એ જમીનના હકદાર થઈ ગયા. જોકે, સર્વહારા જન આંદોલને આરોપ કર્યો છે કે સ્થાનિક મહેસૂલ વહીવટી તંત્રએ આ સરકારી નિર્ણય અનુસાર પ્રક્રિયાનું પાલન નથી કર્યું.
સરકારી રેકૉર્ડ અનુસાર, આ જમીન સરોજિની રાહુલ નાર્વેકરે 22 ફેબ્રુઆરી 2024એ બલદેવસિંહ ઝાલા પાસેથી વેચાણખતના માધ્યમથી મેળવી હતી. સરોજિની નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરનાં પત્ની છે.
આદિવાસીઓએ આરોપ કર્યો છે કે જો સરકારના 4 જાન્યુઆરી 2017ના નિર્ણય અનુસાર આદિવાસી જમીનના હકદાર છે તોપણ તેમને કોઈ પણ પ્રકારના યોગ્ય વ્યવહાર વગર કાઢી મુકાયા.
મહત્ત્વની વાત એ છે કે આદિવાસીઓનો દાવો છે કે નાર્વેકર પરિવાર દ્વારા જમીન ખરીદાયાના બરાબર એક મહિના બાદ 24 માર્ચ 2024એ એ સ્થળે બનેલાં ઘરોને ધ્વસ્ત કરી દેવાયાં હતાં.
વિવાદિત જમીનના ખરીદ-વેચાણ અને ત્યાર પછી મકાનોને તોડી પાડવાની કાર્યવાહી વચ્ચેના સમયગાળાને મહત્ત્વનો માનવામાં આવે છે.
Shardul Kadam
આ લેવડ-દેવડ અને કાર્યવાહીની ટાઇમલાઇન આ પ્રકારે છે:
- 22 ફેબ્રુઆરી 2024: ઉપલબ્ધ જમીન અભિલેખો અનુસાર, સર્વ નંબર 148/1વાળી જમીન સરોજિની રાહુલ નાર્વેકરે મૂળ માલિક બલદેવસિંહ ઝાલા પાસેથી એક વેચાણખતના માધ્યમથી પોતાના નામે કરી હતી.
- 24 માર્ચ 2024: જમીન ખરીદ્યાના માત્ર એક મહિનામાં જ, આ જમીન પર પેઢીઓથી રહેતા આદિવાસીઓનાં ઘરોને જેસીબી મશીનો લાવીને ધ્વસ્ત કરી દેવાયાં
આદિવાસી સંગઠનોએ આ સમગ્ર લેતી-દેતી અને કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે, કેમ કે જમીન હસ્તાંતરિત થયાના એક મહિનાની અંદર જ આદિવાસી ઘરોને ધ્વસ્ત કરી દેવાયાં હતાં.
નાર્વેકર અને દશરથ પાટિલ શું કહે છે?
Shardul Kadam
બીબીસી મરાઠીએ આ મામલાના મુખ્ય આરોપી દશરથ પાટિલ અને જમીન માલિક નાર્વેકર પરિવારનો પક્ષ સમજવાની કોશિશ કરી.
દશરથ પાટિલનું સ્પષ્ટીકરણ:
દશરથ પાટિલે પોતાની સામે થયેલા બધા આરોપોનું સંપૂર્ણ ખંડન કર્યું છે.
દશરથ પાટિલે દાવો કર્યો કે, “આદિવાસી પરિવારોની સાથે બધી લેવડ-દેવડ કાયદેસર અને તેમની સંમતિથી થઈ છે તેમાં કોઈ પ્રકારનું દબાણ કે અયોગ્ય વ્યવહાર નથી થયો. આદિવાસીઓને યોગ્ય પૈસા અને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યાં છે, જેનાં મારી પાસે પુરાવા છે.” જોકે, તેમણે આ પુરાવા સાર્વજનિક નથી કર્યા.
રાહુલ નાર્વેકરે આરોપો નકારી કાઢ્યા
આ સંબંધમાં બીબીસી મરાઠીએ જમીન માલિક સરોજિની રાહુલ નાર્વેકર અને રાહુલ નાર્વેકરનો સંપર્ક કર્યો.
રાહુલ નાર્વેકરે પરિવાર સામે થયેલા બધા આરોપોનું ખંડન કર્યું.
તેમણે કહ્યું કે તેમને સરકારના કોઈ પણ નિર્ણયની માહિતી નથી જેનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. અમે નિયમો અનુસાર એક ખાનગી માલિક પાસેથી આ જમીન ખરીદી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ લેવડ-દેવડ દરમિયાન કોઈએ કશી ફરિયાદ નહોતી કરી.
જોકે, તેમણે આ મુદ્દે કૅમેરા સામે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે નિવેદન કરવાનો ઇનકાર કરી દીધો.
જે આરોપો થયા છે તે સંબંધમાં અમે ફોન, ઈ-મેલ અને મેસેજના માધ્યમથી જમીનમાલિક સરોજિની રાહુલ નાર્વેકર અને તેમના પરિવાર પાસેથી તેમનો પક્ષ જાણવાની કોશિશ કરી. આ સિલસિલામાં અમે 17 ઑક્ટોબરે રાહુલ નાર્વેકરની તેમના આવાસ ખાતે મુલાકાત કરી. આ મુલાકાતમાં રાહુલ નાર્વેકરે પોતાનાં પત્ની અને પરિવાર સામે થયેલા બધા આરોપોનું ખંડન કર્યું.
તેમણે આ કેસ સંબંધમાં સર્વે નંબર 145વાળી જમીન વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે અમારી વિરુદ્ધ કોઈને કશી ફરિયાદ નથી. જોકે, જ્યારે અમે તેમને સર્વે નંબર 148/1વાળી જમીન અને પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે કરાઈ રહેલા આરોપોમાં સચ્ચાઈ નથી અને અમને કોઈ સરકારી નિર્ણયની માહિતી નથી. અમે નિયમો અનુસાર ખાનગી માલિક પાસેથી જમીન લીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે લેવડ-દેવડ દરમિયાન કોઈએ કશી ફરિયાગ નહોતી કરી.
જોકે, તેમણે કૅમેરા સમક્ષ કે સમાચારોમાં કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.
અમે રાહુલ નાર્વેકરનાં પત્ની, જમીનમાલિક સરોજિની રાહુલ નાર્વેકરનો ઈ-મેલના માધ્યમથી પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના તરફથી કશો જવાબ નથી મળ્યો. જો કોઈ જવાબ મળશે તો આ સમાચારમાં તેની માહિતી અપડેટ કરવામાં આવશે.
2017ના સરકારી નિર્ણયમાં શું કહેવાયું છે?
Shardul Kadam
આદિવાસીઓના આ સંઘર્ષમાં સામાજિક સંગઠન ‘સર્વહારા જન આંદોલન’ આગળ આવ્યું છે. આ આંદોલનનાં પ્રમુખ અને વરિષ્ઠ સામાજિક કાર્યકર ઉલ્કા મહાજને આ મામલામાં વહીવટી લાપરવાહી અને કાયદાના ઉલ્લંઘનનો સીધો આરોપ કર્યો છે.
ઉલ્કા મહાજન કહે છે, “મહારાષ્ટ્ર ટેનન્સી ઍન્ડ એગ્રિકલ્ચર લેન્ડ્સ ઍક્ટ હેઠળ સરકારે 4 જાન્યુઆરી 2017એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અનુસાર, એવા પાત્ર આદિવાસી પરિવારોના ઘરો અને જમીનોની સુરક્ષા માટે સ્પષ્ટ જોગવાઈ છે જેઓ વર્ષોથી ખાનગી જમીન પર રહે છે.”
તેઓ આગળ કહે છે, “મ્હાત્રોલીના આદિવાસીઓની પાસે એ વાતની સાબિતી છે કે તેમનાં નામ 2009થી મકાન પાવતી, રહેણાક પ્રમાણપત્રો અને પરિવાર સૂચિમાં નોંધાયેલાં છે. 2017ના સરકારી નિર્ણય અનુસાર, આ આદિવાસી એ જમીનના કાયદેસર માલિક છે. તેઓ મહેસૂલ કાર્યાલયમાં નોંધાયેલા છે. પરંતુ સંબંધિત મામલતદારોએ આ સરકારી નિર્ણયને લાગુ ન કર્યો. તેથી 2024માં આ આખી વાડીને ધ્વસ્ત કરી દેવાઈ.”
તેમણે આગળ કહ્યું, “અમે માગણી કરીએ છીએ કે આ મામલામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આ. દશરથ પાટિલ અને તેના સહયોગી રાહુલ નાર્વેકર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ. આદિવાસીઓની જમીન તેમને પાછી સોંપી દેવી જોઈએ.”
મામલતદાર અને પોલીસની ભૂમિકા શી છે?
આ આખા મામલામાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વ્યવસ્થાની ભૂમિકા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
સંપર્ક કર્યાથી અલીબાગ મામલતદાર વિક્રમ પાટિલે કહ્યું, “આ મામલાનો ઉકેલ મામલતદાર કચેરી અને માનવ અધિકાર પ્રાધિકરણમાં નિયમો અનુસાર લાવી દેવાયો છે. જો ફરિયાદીઓને કશો વાંધો હોય તો તેઓ આ નિર્ણય વિરુદ્ધ ઉચ્ચ અધિકારી સમક્ષ ઔપચારિક અપીલ દાખલ કરાવી શકે છે.”
પોલીસ વહીવટી તંત્રની શી ભૂમિકા છે?
Shardul Kadam
રાયગઢના એસપી અચલ દલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે બળજબરીથી મકાનો ધ્વસ્ત કરાયાની ફરિયાદ અને અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવાની માગ છતાં પોલીસે હજુ સુધી એફઆઇઆર શા માટે દાખલ નથી કરી?, તો તેમણે કહ્યું, “આદિવાસીઓની ફરિયાદો મળી છે અને સમગ્ર મામલાની પોલીસ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.”
સર્વહારા જન આંદોલન દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ
મ્હાત્રોલીમાં આદિવાસી વાડી નષ્ટ કર્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ આ બનાવ સંદર્ભમાં મૂળભૂત પ્રશ્નના જવાબ હજુ પણ નથી મળ્યા.
- 2017ના સરકારી નિર્ણય અનુસાર મામલતદારોએ ત્યાં ત્રણ પેઢોથી રહેતા આદિવાસીઓનાં ઘરોનું રક્ષણ કેમ ન કર્યું?
- આદિવાસીઓને બળજબરીથી કાઢી મૂક્યાના આરોપો છતાં અત્યાચાર અધિનિયમ હેઠળ કોઈ કેસ શા માટે દાખલ કરવામાં ન આવ્યો?
- જમીન માલિકીમાં પરિવર્તનના માત્ર 30 દિવસમાં જ વાડીને તોડી પાડવાની આટલી ઉતાવળ કેમ હતી?
- શું કોરા કાગળો પર સહીઓ લેવી અને છેતરપિંડીના આરોપોની નિષ્પક્ષ તપાસ થશે?
- આ વિસ્થાપિત આદિવાસીઓને તેમની મૂળ જમીન અને ઉચિત આશ્રય ક્યારે મળશે?
મ્હાત્રોલીમાં જેમણે પોતાની મૂળ જમીન ગુમાવી દીધી છે અને વૈકલ્પિક સ્થળોમાંથી હાંકી કઢાવાના ભયના ઓથારમાં જીવી રહ્યા છે તે આદિવાસી પરિવારો, હજુ પણ પોતાની જમીન અને આશ્રયને પુનઃસ્થાપિત કરવા માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
પીડિત પરિવાર અને સર્વહારા જન આંદોલને એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોલીસ સ્ટેશન, મહેસૂલ કાર્યાલય અને ન્યાયિક સ્તરે પોતાની લડત ચાલુ રાખશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




