Source : BBC NEWS
ANI
વાંચવાનો સમય: 2 મિનિટ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હજુ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીમાં 59માંથી 56 મૉનિટરિંગ સ્ટેશન હવાની ગુણવત્તાનો ડેટા આપે છે. તેમાં 52 સ્ટેશન પર પીએમ 2.5 સૌથી મોટો પ્રદૂષક છે. દિલ્હી સરકારની વેબસાઇટ મુજબ મંગળવારે સવારે છ વાગ્યે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 314 નોંધાયો હતો.
આ ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં આવે છે. વેબસાઇટ મુજબ ગઈ કાલની તુલનામાં આજે એક્યુઆઇ 51 પૉઇન્ટ જેટલો નીચી છે.
એક્યુઆઇનો સ્તર 301થી 400 વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તાને ‘અત્યંત ખરાબ’ ગણવામાં આવે છે.
ટ્રમ્પે કહ્યું ‘એનવીડિયાના પ્રમુખ અને કથિત ચાઇનીઝ જાસૂસ વચ્ચેના સંબંધોની એફબીઆઇ તપાસ કરશે’
Brendan SMIALOWSKI / AFP via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એફબીઆઇ એનવીડિયાના સીઇઓ અને એક કથિત ચાઇનીઝ મહિલા જાસૂસ વચ્ચેના પ્રેમ સંબંધોની તપાસ કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે સોમવારે તેમણે એનવીડિયાના સીઇઓ જેન્સન હુઆંગ સાથે વાતચીત કરી હતી. સૌપ્રથમ એવા અહેવાલ આવ્યા હતા કે અમેરિકાનું માનવું છે કે ચીનના જાસૂસી અભિયાન હેઠળ હુઆંગને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, “મેં તેમને પૂછ્યું કે શું એ મહિલા જાસૂસ હતાં? તેમણે મને કહ્યું કે તેમને બિલકુલ ખબર નહોતી કે તે જાસૂસ હતાં. મને તેમની વાત પર ખરેખર ભરોસો છે.
ચીને આ આરોપો નકારી કાઢ્યા છે.”
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા, અટકળો પર આધારિત અને ચીનની છબી ખરાબ કરવાના ઇરાદાથી લગાવવામાં આવ્યા છે.
એનવીડિયાએ એલિસ હુઆંગ સાથે સંકળાયેલા આ મામલાની તપાસ કરી છે. એલિસ હુઆંગ ચીનનાં જાસૂસ હોવાનો આરોપ છે.
પેટ્રોલમાં ખરેખર કેટલું ઇથોનોલ છે? હવે કેરળે પણ તપાસ શરૂ કરી
EyesWideOpen/Getty Images
કર્ણાટકમાં પેટ્રોલમાં ઇથેનોલના પ્રમાણ વિશે સવાલ ઊઠ્યા પછી કેરળે પણ મામલે પેટ્રોલના નમૂના એકટા કરીને તપાસ શરૂ કરી છે. સરકાર એ તપાસી રહી છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકા કરતાં વધુ છે કે નહીં.
કેરળના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી અનુક જેકબે જણાવ્યું કે તેમણે સોમવારે ચાર જિલ્લામાં અચાનક તપાસના આદેશ આપ્યા છે.
ઉત્તર કેરળના બે અને દક્ષિણ કેરળના બે જિલ્લામાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે. તેમાં પાટનગર તિરુવનંતપુરમ્ ઉપરાંત અર્નાકુલમ, કોઝિકોડ અને કન્નૂર પણ સામેલ છે.
જેકબે બીબીસીને જણાવ્યું કે, “અમે નમૂના લેવાનું શરૂ કરી દીધું છે અને તેને સરકારી તથા એનએબીએલ માન્યતાપ્રાપ્ત લૅબોરેટરીમાં મોકલી રહ્યા છીએ. અમને આશા છે કે લગભગ દસ દિવસમાં તપાસનાં પરિણામો આવી જશે.”
તેમણે કહ્યું કે, “કર્ણાટકમાં પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ અને 31.2 ટકા સુધી મળ્યા પછી કેરળમાં પણ નમૂના ભેગા કરવાનો નિર્ણય લેવાયો છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




