Home તાજા સમાચાર gujrati ‘વેંતિયાઓનો દેશ’ અને ‘માનવજાતનું વિકૃત સ્વરૂપ’ – 300 વર્ષ જૂની ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’...

‘વેંતિયાઓનો દેશ’ અને ‘માનવજાતનું વિકૃત સ્વરૂપ’ – 300 વર્ષ જૂની ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ વિશે કેમ પ્રવર્તે છે આટલી મોટી ગેરસમજ?

7
0

Source : BBC NEWS

'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ 'વેંતિયાઓનો દેશ' અને 'માનવજાતનું વિકૃત સ્વરૂપ' - 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે કેમ પ્રવર્તે છે આટલી મોટી ગેરસમજ?

1726માં પહેલી વાર પ્રકાશિત થયેલી જૉનાથન સ્વિફ્ટની સાહસકથા અનેક વાર કાપકૂપ, ફેરફારો અને રૂપાંતરણોમાંથી પસાર થઈ છે. શું આ માનવજાતની કડક ટીકા કરતી વ્યંગકથા છે કે પછી કલ્પનાની દુનિયામાં લઈ જતી બાળવાર્તા?

તમે લેમ્યુઅલ ગુલિવરની વાર્તાથી પરિચિત હશો. એક વહાણ દુર્ઘટનામાંથી બચ્યા પછી તેની આંખ ખૂલે છે, ત્યારે તેને દોરડાંથી બાંધી દેવામાં આવ્યો હોય છે અને તેની આસપાસ નાના કદના લિલિપુટિયનોનું ટોળું ઊભું હોય છે. તેઓ લાચાર અવસ્થામાં પડેલા આ સાહસિક પર ચડીને ફરી રહ્યા હોય છે.

જૉનાથન સ્વિફ્ટની નવલકથા ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ 1726માં, એટલે કે આજથી 300 વર્ષ પહેલાં પ્રકાશિત થઈ ત્યારથી આ દૃશ્યની અનેક વાર નકલ કરવામાં આવી છે અને તેની હાસ્યસભર રીતે ટીકા પણ થઈ છે.

પરંતુ ગુલિવરના વધુ ઘેરા અને વિચિત્ર સાહસો વિશે બહુ ઓછા લોકોને જાણ હશે. આ પ્રવાસી નાયક એવા વિજ્ઞાનીઓને મળે છે, જેઓ કૂતરાંના શરીરમાં હવા ભરવાની ધામણો નાખે છે. તે સમજદાર છતાં ખૂની સ્વભાવ ધરાવતા બોલતા ઘોડાઓના સમાજને પણ મળે છે. આ ઘોડાઓને ‘હુઇહ્નમ્સ’ કહેવામાં આવે છે. તેઓ શાંતિથી એવી ચર્ચા કરે છે કે તેમના ક્રૂર અને પશુવત્ માનવ જેવા સહવાસીઓ ‘યાહૂ’નો સફાયો કરી નાખવો જોઈએ કે કેમ.

સ્વિફ્ટે પોતે લખ્યું હતું તેમ, તેમણે ‘દુનિયાનું મનોરંજન કરવાને બદલે તેને અકળાવવાના’ આશયથી આ નવલકથા લખી હતી. ત્યારથી ત્રણ સદીમાં લોકોની કલ્પનામાં બે પ્રકારના ગુલિવર વચ્ચે સ્પર્ધા રહી છે. એક તરફ એવો આકરો અને માનવજાત પ્રત્યે અણગમો ધરાવતો વ્યંગ છે, જે રાજસત્તા, ચર્ચ અને ઇંગ્લૅન્ડના રાજકારણની ઠેકડી ઉડાડે છે. બીજી તરફ એવી કાલ્પનિક બાળવાર્તા છે, જેમાં એક સાહસિક નાનાં-મોટાં અનેક વિશ્વોમાં પ્રવાસ કરે છે.

‘ગુલિવર્સ ટ્રાવેલ્સ દ્વારા સ્વિફ્ટનો આશય માનવજાત પર સમકાલીન અને સર્વસામાન્ય વ્યંગકથાઓની શ્રેણી લખવાનો હતો, કોઈ સાહસકથા લખવાનો નહોતો.’ — એબિગેઇલ વિલિયમ્સ

મૂળ ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’માં શૌચ અને મળમૂત્ર સંબંધિત હાસ્ય પણ ઠાંસોઠાંસ ભરેલું છે. આ ઉપરાંત તેમાં ન્યાયવ્યવસ્થા, સંસ્થાનવાદ અને છેવટે માનવસ્વભાવ પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. નવલકથાનો અંત પણ અત્યંત વિચિત્ર અને ઘેરો છે. બુદ્ધિશાળી હુઇહ્નમ્સને મળ્યા પછી ગુલિવરને માનવજાત પ્રત્યે એટલી બધી સૂગ ચડે છે કે તે પોતાના જીવનના અંતિમ દિવસો એક તબેલામાં ઘોડાઓ સાથે રહેવાનું પસંદ કરે છે.

પહેલી આવૃત્તિથી જ સ્વિફ્ટની આ વાર્તામાં કાપકૂપ અને ફેરફારો થતા રહ્યા છે. તેનાં રૂપાંતરણો પણ થતાં રહ્યાં છે. છેવટે આ વાર્તા એટલી વિશાળ બની ગઈ કે તે લિલિપુટની ભૂમિમાં ગુલિવર જેટલી જ વિરાટ લાગે છે.

'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? 'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ 'વેંતિયાઓનો દેશ' અને 'માનવજાતનું વિકૃત સ્વરૂપ' - 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે કેમ પ્રવર્તે છે આટલી મોટી ગેરસમજ?

‘વિશ્વમાં સૌથી વધુ રૂપાંતરિત થયેલી કૃતિઓમાં કદાચ આ એક છે,’ ‘ગુલિવર્સ આફ્ટરલાઇવ્ઝ : 300 યર્સ ઑફ ટ્રાન્સમીડિયા ઍડાપ્ટેશન’ના લેખક ડેનિયલ કૂક કહે છે.

આ કૃતિમાંથી અનેક આનુષંગિક કૃતિઓ, ચિત્રો, નાટકો અને ફિલ્મો સર્જાયાં છે. આ બધાં મળીને ‘ગુલિવરિયાના’ તરીકે ઓળખાતી એક વિશાળ સૃષ્ટિ રચે છે. આ કૃતિનો મુખ્ય નાયક ‘ડૉક્ટર હૂ’ અને ‘ધ લીગ ઑફ ઍક્સ્ટ્રાઑર્ડિનરી જેન્ટલમૅન’ જેવી કૃતિઓમાં પણ જોવા મળ્યો છે. તે ટૉની બ્લેરને પણ મળ્યો છે અને બાળકો તથા પરિવાર માટેની મનોરંજક ડિઝની ફિલ્મોથી લઈને મૂડીવાદની સોવિયેત ટીકા કરતી કૃતિઓ સુધી અનેક સ્વરૂપે દેખાયો છે.

આ બધાં રૂપાંતરણોમાંથી જે રૂપાંતરણોએ મૂળ વાર્તાને સરળ બનાવી અને તેના વિવાદાસ્પદ કે આકરા અંશો દૂર કર્યા, તે જ લોકમાનસમાં સૌથી વધુ ટક્યાં. વાર્તાના ઘેરા પ્રસંગોને સંપાદિત કરીને ટૂંકાવી દેવામાં આવ્યા અથવા સાવ કાઢી નાખવામાં આવ્યા.

લંડનની કિંગ્સ કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર ઍબિગેઇલ વિલિયમ્સ કહે છે, ‘મને નથી લાગતું કે સ્વિફ્ટે ક્યારેય કલ્પના કરી હશે કે ગુલિવર્સ ટ્રાવેલ્સ આપણે આજે જાણીએ છીએ એ સ્વરૂપમાં 21મી સદી સુધી ટકી રહેશે.’ તેમણે એક વખત સ્વિફ્ટના પત્રોમાં લખાયેલા અર્થહીન લાગતા શબ્દોનો ભેદ ઉકેલવા પોતાના નાના બાળક અને એફ.બી.આઇ.ના એક વિશ્લેષકની મદદ પણ લીધી હતી. તેઓ કહે છે, ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ દ્વારા સ્વિફ્ટનો આશય માનવજાત પર સમકાલીન અને સર્વસામાન્ય વ્યંગકથાઓની શ્રેણી લખવાનો હતો, કોઈ સાહસકથા લખવાનો નહોતો.

તેઓ ઉમેરે છે, ‘સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે સ્વિફ્ટ સાહસકથાઓની ઠેકડી ઉડાડે છે, છતાં તેમાંથી એટલી બધી પ્રેરણા અને ઊર્જા મેળવે છે કે ગુલિવર્સ ટ્રાવેલ્સ પોતે જ એક સાહસકથા બની જાય છે.’

વ્યંગકથાથી સાહસસભર પરીકથા સુધી

સ્વિફ્ટના સમકાલીન અને મિત્ર જૉન ગેએ આ નવલકથા વિશે કહ્યું હતું કે, ‘મંત્રીઓની ગુપ્ત બેઠકથી માંડીને બાળકોની નર્સરી સુધી, દરેક જગ્યાએ આ પુસ્તક વંચાય છે.’

1726માં આ નવલકથા એક ઉપનામથી પ્રકાશિત થઈ ત્યારે જ તેની લોકપ્રિયતા વધી ગઈ હતી. તેની સામગ્રી એટલી ઉશ્કેરણીજનક હતી કે લેખકની ઓળખ છુપાવવી એ સાવચેતીનું પગલું હતું.

પુસ્તકની પહેલી આવૃત્તિની તમામ નકલો ઝડપથી વેચાઈ ગઈ હતી. તેમાંનાં કાલ્પનિક તત્ત્વો યુવા વાચકોને આકર્ષતાં હતાં, તો માનવજાતની ઉપહાસભરી અને નિરાશાવાદી રજૂઆત સાહિત્યના જાણકારોને ગમતી હતી. ફ્રૅન્ચ લેખક અને તત્ત્વચિંતક વૉલ્તેર એ વખતે લંડનમાં હતા અને તેમને ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ ખૂબ ગમી હતી. સ્વિફ્ટની આ નવલકથાનો પ્રભાવ વૉલ્તેરની વ્યંગકથા ‘કાંદિદ’ પર પણ પડ્યો હતો, જે પાત્રના ઘડતર અને વિકાસની કથાના સ્વરૂપમાં લખાઈ હતી.

જોકે, આ વાર્તામાં ફેરફારો થવાની શરૂઆત થઈ ગઈ હતી.

પ્રકાશક બેન્જામિન મોટે રાણી ઍનના બચાવમાં કેટલીક વાતો ઉમેરી અને રાજકીય વિવાદ ઊભો કરે એવાં કેટલાંક આકરાં લખાણો કાઢી નાખ્યાં. સસ્તી પુસ્તિકાઓના સ્વરૂપમાં ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’નું પુનઃપ્રકાશન થવાથી સ્વિફ્ટની વાર્તા વધુ સરળ અને બદલાયેલી બની.

આ પુસ્તિકાઓને ‘ચૅપબુક્સ’ કહેવામાં આવતી હતી. વિલિયમ્સ કહે છે, ‘પહેલી વાર પ્રકાશિત થઈ ત્યારે મોટા ભાગના લોકો માટે આ પુસ્તક ઘણું મોંઘું હતું.’ જોકે, આ ચૅપબુક્સ યુવા વાચકોમાં અણધારી રીતે ખૂબ લોકપ્રિય બની.

'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? 'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ 'વેંતિયાઓનો દેશ' અને 'માનવજાતનું વિકૃત સ્વરૂપ' - 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે કેમ પ્રવર્તે છે આટલી મોટી ગેરસમજ?

લગભગ અડધી સદી પછી એક પ્રકાશકને તેમાં નવી તક દેખાઈ.

1776માં સ્વિફ્ટના મૃત્યુના બે દાયકા પછી ફ્રાન્સિસ ન્યૂબરીએ આ નવલકથાનું વધુ ટૂંકું સંસ્કરણ બહાર પાડ્યું. તેણે વાર્તામાંથી લાપુટાની ભૂમિનો પ્રસંગ કાઢી નાખ્યો. આ ભૂમિમાં રહેતા લોકો કાકડીમાંથી સૂર્યકિરણો કાઢવા જેવા વાહિયાત પ્રયોગો કરતા હતા.

આ પ્રસંગ દ્વારા સ્વિફ્ટે રૉયલ સોસાયટીનાં વૈજ્ઞાનિક સંશોધનોની ઠેકડી ઉડાડી હતી. ન્યૂબરીએ બોલતા ઘોડાઓ ‘હુઇહ્નમ્સ’નો આખો પ્રસંગ પણ કાઢી નાખ્યો.

‘વિક્ટોરિયન યુગના લોકોને આ કૃતિ ખ્રિસ્તી ધર્મભાવનાની વિરુદ્ધ લાગતી હતી. તેમને મળમૂત્ર અને જાતીયતાને લગતા પ્રસંગો નાપસંદ હતા. માનવજાત પ્રત્યેનો તેનો ઘેરો અને સતત અણગમો પણ તેમને ખૂંચતો હતો.’ — હેસ્ટર ગ્રાન્ટ

આ આવૃત્તિ વ્યંગકથા કરતાં સાહસોથી ભરેલી પરીકથા જેવી વધુ હતી.

તેમાં લિલિપુટ અને બ્રોબ્ડિંગનેગના લોકો વચ્ચે ગુલિવરનાં સાહસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. યુવા વાચકોને કદાચ યોગ્ય રીતે જ એવા પ્રસંગો વાંચવા મળતા નહોતા, જેમાં નાનકડો ગુલિવર બ્રોબ્ડિંગનેગના વિરાટ કદના લોકોના શરીર પરના ચાઠાં અને ચાંદાં જોતો હોય અથવા રાણીની દાસીઓની જાતીય ઇચ્છાઓ સંતોષવા માટે પોતાનો ઉપયોગ થતો હોવાનો ઉલ્લેખ કરતો હોય. લિલિપુટના મહેલમાં લાગેલી આગને ગુલિવર પેશાબ કરીને ઓલવે છે એ પ્રસંગ પણ કાઢી નાખવામાં આવ્યો હતો. કૂકના કહેવા પ્રમાણે, આવા પ્રસંગો ‘શેક્સપિયર અને ચૉસરના સાહિત્યમાં જોવા મળતી મળમૂત્રને લગતી રમૂજની સમૃદ્ધ પરંપરા’નો હિસ્સો હતા. છતાં બાળકો માટે તે અયોગ્ય ગણાયા હતા.

1790ના દાયકા સુધીમાં નવલકથાનાં સંક્ષિપ્ત સંસ્કરણો સામાન્ય બની ગયાં હતાં. ઇંગ્લૅન્ડ કરતાં યુરોપના અન્ય દેશોમાં ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ વધુ લોકપ્રિય બની હતી.

કૂક કહે છે, ‘તેનું જર્મન, ફ્રૅન્ચ અને સ્પૅનિશ ભાષામાં બહુ ઝડપથી રૂપાંતરણ થયું હતું. આ રૂપાંતરણોમાં સામાન્ય રીતે સરળ કરાયેલી આવૃત્તિનો જ ઉપયોગ થતો હતો. આમ, ભાષાની સરહદો પણ ઓળંગાઈ ગઈ હતી.’

સમય જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓએ ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ને બે સાવ અલગ સ્વરૂપોમાં વહેંચી નાખી. એક તરફ શરીર સાથે જોડાયેલી વિચિત્ર અને બીભત્સ કલ્પનાઓથી ભરેલી અજબ વ્યંગકથા હતી, તો બીજી તરફ મનને રીઝવે એવી બાળવાર્તા.

‘માનવજાત પરનો સંપૂર્ણ પ્રહાર’

વિક્ટોરિયન યુગના લોકો વિશે સામાન્ય રીતે જે માનવામાં આવે છે, એટલા બધા તેઓ દંભી કે નૈતિકતાના કડક આગ્રહી નહોતા. છતાં ગ્રાન્ટ કહે છે કે તેઓ મોટા ભાગે ગુલિવરને ધિક્કારતા હતા. ખાસ કરીને ‘હુઇહ્નમ્સ’ની ભૂમિમાં માનવજાતને ક્રૂર અને પશુવત્ ‘યાહૂ’ તરીકે રજૂ કરવામાં આવી હતી, એ વાત તેમને વધુ ખૂંચતી હતી.

1853માં ‘ધ ઇંગ્લિશ હ્યુમરિસ્ટ્સ ઑફ ધ એઇટીન્થ સેન્ચ્યુરી’ પુસ્તકમાં ‘વૅનિટી ફેર’ના નવલકથાકાર વિલિયમ મૅકપીસ ઠેકરેએ આ કૃતિને ‘શબ્દોમાં ગંદી, વિચારોમાં ગંદી, ઉગ્ર, ક્રોધાવેશથી ભરેલી અને અશ્લીલ’ ગણાવી હતી.

વિક્ટોરિયન લેખક અને વિવેચક ઍડમંડ ગોસે તો એવું તારણ કાઢ્યું હતું કે, સ્વિફ્ટની ‘માનવજાતની કડક ટીકા કરતી પ્રતિભા’ની કલ્પના માત્ર રોગગ્રસ્ત મનમાં જ થઈ શકે.

તેમણે લખ્યું હતું, ‘તેમનું ચિત્તભ્રમણ કાયમી બની ગયું હતું અને એ જ રીતે તેમનો માનવજાત પ્રત્યેનો અણગમો પણ… તેમનું મગજ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં નહોતું એવું લાગે છે.’

ઇતિહાસકાર હેસ્ટર ગ્રાન્ટ કહે છે, ‘વિક્ટોરિયન યુગના લોકોને આ કૃતિ ખ્રિસ્તી ધર્મભાવનાની વિરુદ્ધ લાગતી હતી. તેમને મળમૂત્ર અને જાતીયતાને લગતા પ્રસંગો નાપસંદ હતા. માનવજાત પ્રત્યેનો તેનો ઘેરો અને સતત અણગમો પણ તેમને ખૂંચતો હતો. એટલે મારા મતે, આ લોકોએ જ તેમને કદરૂપા લાગતા વ્યંગકથાના અંશો કાઢી નાખવામાં અને તેની જગ્યાએ કલ્પનાની એક સુંદર, સ્વચ્છ કૃતિ રજૂ કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો.’

કૂકના મતે, ગુલિવરની ચોથી સફરને ‘માનવજાત પરના સંપૂર્ણ પ્રહાર’ તરીકે જોવામાં આવી હતી.

તેમાં ધાર્મિક માન્યતાઓથી વિપરીત લાગતી રજૂઆત જ લોકોને સૌથી વધુ આઘાતજનક લાગી હતી.

કૂક કહે છે, ‘સ્વિફ્ટ જાણે કહે છે કે આપણે યાહૂ જેવા છીએ. પહેલી સફરમાં રાજકારણીઓની ક્ષુદ્રતાની મજાક ઉડાડવામાં આવી હતી, એ લોકોને સ્વીકાર્ય હતું. આપણે બધા જાણીએ છીએ કે રાજકારણીઓ નકામા છે. પરંતુ ચોથી સફર તો માણસ હોવાનો અર્થ શો છે, એ વિશેના આપણા પાયાના ખ્યાલને જ પડકારે છે. એ કોઈ સંયોગ નથી કે જ્યારે આપણે ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ની બાળઆવૃત્તિ વિશે વિચારીએ છીએ ત્યારે તેમાં માત્ર પહેલી બે સફરો જ હોય છે. આપણને તેની સંપૂર્ણ આવૃત્તિ ભાગ્યે જ જોવા મળે છે.’

'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? 'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ 'વેંતિયાઓનો દેશ' અને 'માનવજાતનું વિકૃત સ્વરૂપ' - 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે કેમ પ્રવર્તે છે આટલી મોટી ગેરસમજ?

સ્વિફ્ટે પોતાની કબર પર લખાવવા માટેનો લેખ (ઍપિટાફ) પણ પોતે જ તૈયાર કર્યો હતો.

તેમાં લખ્યું હતું: ‘જ્યાં ક્રૂર આક્રોશ હવે તેના હૃદયને ચીરી શકતો નથી.’

‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ ભલે કાલ્પનિક અને કલ્પનાશીલ કૃતિ હોય, પરંતુ તેમાં વ્યક્ત થતી આક્રોશની લાગણીથી છટકી શકાય તેમ નથી.

વાર્તામાં ‘બિગ-ઍન્ડિયન’ અને ‘લિટલ-ઍન્ડિયન’ જૂથો વચ્ચે જે યુદ્ધ ચાલે છે, એ જ રીતે જૉનાથન સ્વિફ્ટ ખરેખર માનવજાતને ધિક્કારતા હતા કે કેમ, એ મુદ્દે પણ વિદ્વાનો વચ્ચે ઉગ્ર ચર્ચા થતી રહી છે. ઠેકરે જેવા કેટલાક લોકો માને છે કે સ્વિફ્ટ ખરેખર માનવજાતને ધિક્કારતા હતા, જ્યારે બીજા કેટલાકના મતે, ગુલિવરનું અક્કલ વગરનું પાત્ર જ વ્યંગનું નિશાન છે.

‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ સ્વિફ્ટની કારકિર્દીના ઉત્તરાર્ધની સર્વશ્રેષ્ઠ કૃતિ હતી. એ પહેલાં પણ તેઓ એક પ્રભાવશાળી વ્યંગલેખક અને વેસ્ટમિન્સ્ટરમાં કન્ઝર્વેટિવ પક્ષના રાજકીય પ્રચારક તરીકે જાણીતા હતા. સ્વિફ્ટને પોતાની કારકિર્દીનો એ સમયગાળો સુવર્ણકાળ લાગતો હતો. એ દરમિયાન તેમણે પ્રભાવશાળી રાજકીય પત્રિકાઓ લખી હતી અને ટૉરી પક્ષના મોટા નેતાઓ સાથે તેમની ઊઠબેસ હતી.

1714માં રાણી ઍનના મૃત્યુ સાથે તેમનું આ સુખી જીવન પૂરું થયું. તેમની સાથે કામ કરતું મંત્રાલય પણ તૂટી પડ્યું.

ગ્રાન્ટ કહે છે કે સ્વિફ્ટ ‘રાજકીય સત્તા ગુમાવવાનું દુઃખ અનુભવતા હતા.’ તેમને ખાસ કરીને પોતાની સાથે અન્યાય થયો હોવાની લાગણી હતી. ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડમાં કોઈ આરામદાયક વરિષ્ઠ પદ મળવાની આશા રાખનાર સ્વિફ્ટને બદલે ડબ્લિનના સેન્ટ પૅટ્રિક કૅથેડ્રલના ડીનનું પદ મળ્યું. સ્વિફ્ટને આ નિમણૂક લગભગ દેશનિકાલ જેવી લાગતી હતી.

ગ્રાન્ટ કહે છે, ‘આ અનુભવની અસર ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’માં સ્પષ્ટ દેખાય છે. તેમાં રાજદરબારો પર વ્યંગ છે અને કૃતઘ્નતા તથા વિશ્વાસઘાતની વાતો છે.’

'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? 'માનવજાતનું સૌથી વિકૃત સ્વરૂપ દર્શાવતી': 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે આટલી ગેરસમજ કેમ છે? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ 'વેંતિયાઓનો દેશ' અને 'માનવજાતનું વિકૃત સ્વરૂપ' - 300 વર્ષ જૂની 'ગુલિવર્સ ટ્રાવેલ્સ' વિશે કેમ પ્રવર્તે છે આટલી મોટી ગેરસમજ?

લેખકનો જન્મ ડબ્લિનમાં થયો હતો, પરંતુ આયર્લૅન્ડ સાથેના તેમના સંબંધો જટિલ હતા. તેમણે પોતાના વતનને ‘દુઃખી, ગંદી, કૂતરાના વાડા જેવી જગ્યા અને જેલ’ તેમજ ‘મરવા માટે પૂરતી સારી જગ્યા’ ગણાવ્યું હતું.

જોકે, તેઓ ઇંગ્લૅન્ડની સરખામણીમાં આયર્લૅન્ડની સ્વાયત્તતાના પ્રખર સમર્થક પણ બન્યા હતા.

તેમની રાજકીય વિચારસરણી અને ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ના કેટલાક પ્રસંગોમાં આ વાત પ્રતિબિંબિત થાય છે. દાખલા તરીકે, લાપુટા નામનો ઉડતો ટાપુ નીચે આવેલા બાલ્નિબાર્બી પર પોતાનું નિયંત્રણ જાળવી રાખે છે. તેની રાજધાની લિન્ડાલિનોમાં થતા વિદ્રોહને કચડી નાખવાની ધમકી આપીને તે આમ કરે છે. લિન્ડાલિનોને ડબ્લિનનું પ્રતીક માનવામાં આવે છે.

મોટેની પહેલી આવૃત્તિ માટે આ બધું ખૂબ વિવાદાસ્પદ હતું. તેથી તેમણે સંસ્થાનવાદી આધિપત્યની આ ટીકા કાઢી નાખી હતી. પરંતુ ગ્રાન્ટના મતે, આ વાત દર્શાવે છે કે સ્વિફ્ટ સુધારાવાદી હતા. તેઓ માત્ર માનવજાતની નિંદા કરવા માગતા નહોતા, પરંતુ વ્યંગ દ્વારા દુનિયામાં પરિવર્તન લાવવા ઇચ્છતા હતા.

ગ્રાન્ટ કહે છે, ‘તેઓ માનવજાતને તેના સૌથી વિકૃત સ્વરૂપમાં રજૂ કરે છે, કારણ કે તેઓ વાચકોને એવી નિષ્ક્રિયતામાંથી જગાડવા માગતા હતા, જેને કારણે આસપાસ ભયાનક ઘટનાઓ બનતી હોવા છતાં માણસ પોતાનું રોજિંદું જીવન જીવ્યે જાય છે. તેઓ જાણે આપણા માથા પર પ્રહાર કરીને કહે છે: “તમે કેવા છો એ જુઓ અને હવે કંઈક કરો.”‘

‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’નો વારસો આજે બ્રોબ્ડિંગનેગના વિરાટકાય લોકો જેટલો જ વિશાળ બની ગયો છે. અંગ્રેજી ભાષાનાં પુસ્તકોમાં સૌથી વધુ અભ્યાસ કરવામાં આવેલી કૃતિઓમાં તેનો સમાવેશ થાય છે. છતાં તે કદાચ સૌથી ઓછી સમજાયેલી કૃતિઓમાંની એક છે, કારણ કે તેનાં અનેક રૂપાંતરણોમાંથી તેના મૂળ સ્વરૂપના આકરા અંશો દૂર કરી દેવામાં આવ્યા છે.

આ કૃતિના કેટલાક શબ્દો અને વિચારો ભાષાનો હિસ્સો બની ગયા છે.

ડિજિટલ યુગમાં પણ તેનું નવું રૂપાંતરણ થયું છે. કમ્પ્યુટરના બાઇટ્સમાં વપરાતા ‘ઍન્ડિયનનેસ’ શબ્દ અને સર્ચ એન્જિન ‘યાહૂ’ તેનું ઉદાહરણ છે. એક રીતે જોઈએ તો કૃત્રિમ બુદ્ધિ (AI)ની કલ્પના પણ જાણે આ કૃતિમાં કરવામાં આવી હતી. તેમાં હાથથી ફેરવવાના એક વિશાળ ‘જ્ઞાનયંત્ર’ દ્વારા પુસ્તકો અને ગણિતનાં સૂત્રો તૈયાર કરવામાં આવે છે, જોકે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિને એ વિષયનું કોઈ જ્ઞાન હોવું જરૂરી નથી.

વીસમી સદીની ભયાનક ઘટનાઓને કારણે કદાચ નવલકથામાં વર્ણવેલી મૂળ સફરો પર ફરી ધ્યાન કેન્દ્રિત થયું. જૉર્જ ઑરવેલથી લઈને સિલ્વિયા પ્લાથ સુધીના અનેક મહાન સાહિત્યકારોએ આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ઑરવેલે સ્વિફ્ટને ‘ટૉરી અરાજકતાવાદી’ ગણાવ્યા હતા. તેમના મતે, સ્વિફ્ટની કડવાશભરી અને નિરાશાવાદી કથાએ ‘હુઇહ્નમ્સ’ની આનંદવિહીન, ડિસ્ટોપિયન દુનિયાનું ચિત્રણ કરીને આધુનિક સર્વાધિકારવાદી શાસનની આગાહી કરી હતી.

મૂળ વ્યંગકથા હોય કે તેમાં અનેક ફેરફારો કરીને તૈયાર કરાયેલાં સંસ્કરણો, સ્વિફ્ટનો મૂળ આશય જે કંઈ હોય, ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ પોતાની મૂળ મર્યાદાઓ કરતાં ઘણી વિશાળ બની ગઈ.

રુડયાર્ડ કિપ્લિંગે કહ્યું હતું કે સ્વિફ્ટે ‘સમગ્ર માનવજાત સામે આરોપનામું રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના હાથમાં બાળકો માટેનું એક પુસ્તક રહી ગયું.’

જોકે, સ્વિફ્ટ પોતાની આ સાહસકથાની અનંત ચર્ચાઓ અને તેમાં થતા સતત ફેરફારોથી કદાચ એકસાથે આનંદ પણ અનુભવત અને નિરાશ પણ થાત.

વિલિયમ્સ કહે છે, ‘મને લાગે છે કે તેઓ નિરાશ થઈ ગયા હોત. સમકાલીન સંસ્કૃતિને વધુ ને વધુ બૌદ્ધિક રીતે હલકી બનાવવાની વૃત્તિની તેઓ ખૂબ ટીકા કરતા હતા. પરંતુ સ્વિફ્ટના ઘણાં લખાણોની જેમ આ કૃતિ પણ ગેરસમજમાંથી રમૂજ ઉત્પન્ન કરે છે.’

‘કદાચ સ્વિફ્ટને એ વાતથી આનંદ થયો હોત કે તેમની કૃતિને આટલી બધી ગેરસમજ સાથે વાંચવામાં આવી રહી છે.’

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS