Home તાજા સમાચાર gujrati સોનિયા ગાંધીનો રાજીવ સાથે ઝઘડો કેમ થયો હતો અને તેમને ઇન્દિરા ગાંધીથી...

સોનિયા ગાંધીનો રાજીવ સાથે ઝઘડો કેમ થયો હતો અને તેમને ઇન્દિરા ગાંધીથી ડર કેમ લાગતો?

5
0

Source : BBC NEWS

સોનિયા ગાંધી અને ઇંદિરા ગાંધી

વાંચવાનો સમય: 6 મિનિટ

16 નવેમ્બરના રોજ દિલ્હીમાં કૉંગ્રેસ સંસદીય દળનાં ચૅરપર્સન સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ના વિમોચન પ્રસંગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગાંધી પરિવારના અંગત જીવનનાં વિવિધ પાસાં વિશે ખૂલીને વાત કરી હતી.

આ કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, સી. જોસેફ વિજય, હેમંત સોરેન, ઓમર અબ્દુલ્લા, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને કૅપ્ટન અમરિંદર સિંહ જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સોનિયા ગાંધીએ તેમનાં લગ્ન પછી પોતાનાં સાસુ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથેના પોતાના શરૂઆતના સંબંધોનું વર્ણન કર્યું હતું.

તેમણે એ પણ વાત કરી હતી કે, તેઓ શા માટે તેમને ‘મા’ કે ‘મમ્મી’ કહેવામાં ખચકાટ અનુભવતાં હતાં.

આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પણ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીની પ્રેમકહાણી વિશે તથા રાજીવ ગાંધીની હત્યા પછીના જીવન અંગે વાત કરી હતી.

ઇન્દિરા ગાંધીથી ડર કેમ લાગતો હતો?

સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ ઇન્દિરા ગાંધીથી ડરતાં હતાં અને તેમને ખબર નહોતી પડતી કે, તેમની સાથે કેવી રીતે વાત કરવી અથવા શું કહેવું.

આનું એક કારણ એ હતું કે, રાજીવ ગાંધી અને તેમના ભાઈ સંજય ગાંધી તેમને ‘મા’ કહીને બોલાવતા હતા. આથી, સોનિયા ગાંધી પણ તેમને ‘મા’ અથવા ‘મમ્મી’ કહે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

પરંતુ સોનિયા ગાંધી માટે આવું કરવું સરળ નહોતું.

તેમણે કહ્યું, “હું બિલકુલ એવું કરવા માગતી નહોતી, કારણ કે મારા માટે ફક્ત એક જ માતા હતી અને એ મારી ઇટાલિયન માતા હતી. હું તેમને મારી માતા કહેવાની નહોતી.”

સોનિયા ગાંધીએ કહ્યું કે, ઇન્દિરા ગાંધી સાથે સીધી વાત કરવાને બદલે તેઓ એવી રીત શોધતાં હતાં કે જેમાં તેમને ‘મા’ કે ‘મમ્મી’ કહીને બોલાવવામાં ન પડે અને તેના વગર તેઓ વાત કરી શકે.

તેમણે કહ્યું, “પછી ધીમે-ધીમે, જેમ-જેમ હું તેમને ઓળખતી ગઈ, હું તેમને ‘મા’ કહી શકી. પણ તેમાં સમય લાગ્યો.”

સોનિયા ગાંધીએ ઇન્દિરા ગાંધીને એક શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતાં મહિલા તરીકે વર્ણવતાં કહ્યું કે, તેઓ તેમનાથી પ્રભાવિત પણ હતાં અને થોડાં ડરેલાં પણ હતાં.

તેમણે કહ્યું, “ક્યારેક તેઓ ગુસ્સે થઈ જતાં અને તે સમયે મને મારા પિતાની યાદ આવતી. તેથી જ હું સંપૂર્ણપણે ચૂપ થઈ જતી.”

તેમણે કહ્યું કે, આવા પ્રસંગોએ રાજીવ ગાંધી અને સંજય ગાંધી પણ શાંતિથી બેસીને ઇન્દિરા ગાંધીનો ગુસ્સો ઓછો થાય તેની રાહ જોતા હતા.

જોકે, રાહુલ અને પ્રિયંકાના જન્મ પછી ઇન્દિરા ગાંધીનું વર્તન બદલાઈ ગયું.

સોનિયા ગાંધીએ કહ્યું, “જ્યારે રાહુલ અને પ્રિયંકાનો જન્મ થયો, ત્યારે તેઓ સંપૂર્ણપણે બદલાઈ ગયાં. મને લાગે છે કે, બાળકોનાં આગમન પછી મોટા ભાગનાં દાદીઓ-નાનીઓ નરમ થઈ જાય છે. પછી તમને એવું લાગે છે કે, તેઓ વધુ સમજવા લાગ્યાં છે.”

કૅમ્બ્રિજની રેસ્ટોરાં અને રાહુલ ગાંધીની ગર્લફ્રેન્ડ

1981ની એક તસવીર જેમાં અમેઠી ચૂંટણી જીત્યા પછી સોનિયા અને પ્રિયંકા સાથે દેખાય છે

રાહુલ ગાંધીએ એ રેસ્ટોરાંનો ઉલ્લેખ કર્યો, જ્યાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પહેલી વાર મળ્યાં હતાં.

તેમણે કૅમ્બ્રિજની એક તસવીરનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમનાં માતા હીંચકાથી ઊંધાં લટકતાં જોવાં મળ્યાં હતાં. રાહુલે કહ્યું કે, જ્યારે તેઓ નાના હતા ત્યારે પણ તેમનાં માતા આવાં જ હતાં.

આ પછી તેમણે કૅમ્બ્રિજમાં ‘વાર્સિટી રેસ્ટોરાં’ની કહાણી સંભળાવી હતી, જ્યાં તેમનાં માતાપિતા મળ્યાં હતાં.

રાહુલ ગાંધીએ કહ્યું, “મારાં માતાપિતા વિશે ઘણી કહાણીઓ છે. એમાંથી એક મોટી કહાણી એ યુનિવર્સિટી રેસ્ટોરાંમાં તેમની મુલાકાત વિશે છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “ઘણાં વર્ષો પછી જ્યારે હું કૅમ્બ્રિજમાં હતો, ત્યારે મેં મારી ગર્લફ્રેન્ડને કહ્યું કે, ‘ચાલો વાર્સિટી રેસ્ટોરાંમાં જઈએ.’ તેને આ રેસ્ટોરાં વિશે કોઈ ખ્યાલ નહોતો. અમે ત્યાં ગયા. મેં કહ્યું કે, આ એ જ જગ્યા છે જ્યાં મારાં માતાપિતા મળ્યાં હતાં.”

“અમે અંદર ગયા. મને હજી પણ તે પીળો દરવાજો યાદ છે. ત્યાં ઊભેલા માણસે મને પૂછ્યું કે, મારી સાથે કેટલા લોકો છે. મેં કહ્યું, 2. પછી તેણે અમને એક ટેબલ તરફ ઇશારો કર્યો અને અમને ત્યાં જઈને બેસવાનું કહ્યું.”

રાહુલ ગાંધીએ કહ્યું, “મેં તે વ્યક્તિને કહ્યું કે, મારાં માતાપિતા આ રેસ્ટોરાંમાં મળ્યાં હતાં. તો તેમણે કહ્યું, ‘હા, હું તેમને ઓળખું છું.’ મેં તેમને પૂછ્યું કે, તેઓ તેમના વિશે શું જાણે છે? તેમણે કહ્યું, ‘બંને! મને ખાતરી છે કે, તમે જાણો છો કે તમે કોના વિશે વાત કરી રહ્યા છો.'”

“મેં પૂછ્યું કે, તમારા મૅન્યૂમાં શું સારું છે? તો તેણે મને કહ્યું – ચિકન શાસર.”

રાહુલ ગાંધીએ કહ્યું, “અમે ચિકન ખરીદ્યું અને ખાધું. જો તમને પ્રેમ થઈ જાય અને તમે વાર્સિટી રેસ્ટોરાંમાં જાઓ, તો ક્યારેય ચિકન શાસર ન ખાતા! તેઓ કહેશે કે તે ખૂબ જ શાનદાર ભોજન છે, પણ તે ખૂબ જ ખરાબ હતું.”

રાજીવ અને સોનિયા વચ્ચેનો ઝઘડો

પૂર્વ કૉંગ્રેસી નેતા અને હાલ ભાજપમાં એવા કૅપ્ટન અમરિન્દર સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર હતા

રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચેના એક ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો.

તેમના મતે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજર રહેલા પંજાબના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ પણ આ લડાઈના સાક્ષી હતા.

રાહુલ ગાંધીએ કહ્યું, “તમને કદાચ મારી વાત પર વિશ્વાસ નહીં આવે, તમે મારી બહેનને પૂછી શકો છો. અમે તેમને (રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને) ઘણી વાર દલીલ કરતા જોયાં હતાં, પણ આ પહેલી વાર હતું જ્યારે મેં તેમને લડતા જોયાં. મારા પિતા તે સમયે અમરિંદર સિંહ સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ સમજી ગયા હતા કે, બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.”

“પપ્પા અમરિંદર સિંહને કંઈક કહી રહ્યા હતા અને મમ્મી પોતાના વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેમણે 3-4 વાર પોતાની વાત કહેવાની કોશિશ કરી હતી, પરંતુ પપ્પા સ્પષ્ટપણે તણાવમાં હતા અને ગુસ્સે થઈ ગયા હતા.”

રાહુલ ગાંધીએ તેમના પિતા અને માતા વચ્ચેની સારી ક્ષણો અને પ્રેમનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, “મેં આવું બીજા કોઈ ઘરમાં ક્યારેય જોયું નથી. દર વખતે ભોજન કરવા ટાણે મમ્મી, પપ્પાના ખોળામાં બેસતી હતી. એવો તેમનો પ્રેમ હતો. મને લાગતું હતું કે, આ સામાન્ય વાત છે. જ્યારે હું મારા મિત્રોના ઘરે જતો, ત્યારે હું જોતો કે ત્યાં આવું થતું નથી. હું તેમને પૂછતો કે, તેમની માતા, પિતાના ખોળામાં કેમ નથી બેસતી.”

જ્યારે રાહુલ ગાંધી આ કહાણી કહી રહ્યા હતા, ત્યારે હૉલમાં બેઠેલા લોકોના મોં પર પણ હળવું સ્મિત હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો ઉછેર આવા પ્રેમાળ વાતાવરણમાં થયો છે.

તેમણે કહ્યું, “પણ પછી અમે જોયું કે, બધું ખતમ થઈ ગયું.”

જ્યારે અચાનક બધું છીનવાઈ ગયું

1983ના ગુજરાત પ્રવાસની એક તસવીર જેમાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સાથે દેખાય છે

રાહુલ ગાંધીએ કહ્યું, “આ બધું જેમ સમય વીત્યો એમ નથી બન્યું, પણ અચાનક અમારા એક આધારનું અવસાન થઈ ગયું અને અમારો બીજો આધાર અંદરથી ભાંગી ગયો.”

“મારી માતાએ અહીં ઘણી યાદો વાગોળી. હું હંમેશાં તેમને કહું છું કે, તમારી યાદશક્તિ ખૂબ સારી છે; જોકે તેઓ તેનો ઇનકાર કરે છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “તેમને એક વાત સિવાય બધું યાદ હતું. જો તમે તેમને પૂછો કે પપ્પાના અવસાન પછી શું થયું, તો મારી માતાને એ વિશે કંઈ યાદ નહોતું. પુસ્તકમાં આ ઘટના વિશે જે કંઈ લખાયું છે, તે યાદોને મારી બહેન અને માતાએ સાથે મળીને એક તાંતણે ગૂંથી છે.”

જ્યારે રાહુલ ગાંધી આ કહી રહ્યા હતા, ત્યારે સોનિયા ગાંધી અને હૉલમાં બેઠેલા ઘણા લોકોના ચહેરા ભાવુક થતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું, “મારાં માતાપિતા વચ્ચે જે પ્રેમ હતો, તે એક દિવસ અચાનક ગાયબ થઈ ગયો. મારી માતા માટે તે ખૂબ જ ભયાનક સમય હતો, કારણ કે તેમને અગાઉથી આ વાતનો અંદાજ હતો કે આવું કંઈક થશે. આ પુસ્તક મારા પિતા સાથે સંબંધિત છે અને મારા પિતા, મારી માતા સાથે જોડાયેલા હતા. મારા પિતા અચાનક ગાયબ થઈ ગયા અને મારી માતાએ એક નવી સફર શરૂ કરી.”

રાહુલ ગાંધીએ યાદ કરતાં કહ્યું, “એક સંપૂર્ણપણે અલગ પ્રકારની માતા— ખુશ માતા, હસતી માતા— ગાયબ થઈ ગયાં, કારણ કે તેમના જીવનમાંથી પ્રકાશ જતો રહ્યો હતો. બધાએ વિચાર્યું હશે કે, મારી માતા અંતર્મુખી છે, પરંતુ તેઓ બિલકુલ એવાં નહોતાં. તેઓ ખૂબ વાચાળ હતાં, બધા સાથે વાત કરતાં હતાં. મારી દાદીની હત્યા થઈ ત્યાં સુધી આવું જ હતું.”

રાહુલ ગાંધીએ કહ્યું, “મારા પિતાના મૃત્યુ પછી, તેઓ (સોનિયા ગાંધી) જાણે કે ખુદમાં જ સમેટાઈ ગયાં. મેં આ બધું જોયું છે.”

અહીં ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીની 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી બૉમ્બવિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS