Source : BBC NEWS
UGC
-
વાંચવાનો સમય: 6 મિનિટ
રવિવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં 3 મોટરસાઇકલ પર સવાર થઈને 3 પુરુષો એક નર સિંહની આજુબાજુ મોટરસાઇકલો દોડાવી સિંહને કાબૂમાં કરવાનો પ્રયાસ કરતા હોય તેવું દેખાય છે. આ વીડિયો ગીર વિસ્તારમાં આવેલા આંબરડી સફારી પાર્કનો હોવાનું જાણવા મળ્યું છે.
વીડિયો વાઇરલ થયો ત્યારથી આ ઘટના વિશે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
અમુક લોકો તેને સિંહની પજવણી કહે છે, તો અમુક લોકો તેને વન વિભાગના કર્મચારીઓની રોજિંદી જોખમી કામગીરીનો એક ભાગ ગણાવે છે.
આ ચર્ચાઓ વચ્ચે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ વીડિયોમાં દર્શાવાયેલી ઘટના ગીર (પૂર્વ) વન વિભાગમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામ નજીક આવેલા આંબરડી સફારી પાર્કની અંદર ઘટી હતી.
સાથે જ વન વિભાગે એમ પણ જણાવ્યું છે કે, મોટરસાઇકલ પર દેખાતા પુરુષો સફારી પાર્કમાં કામ કરતા કર્મચારીઓ છે અને વીડિયોમાં જે દેખાય છે, તે સિંહની પજવણી નથી, પરંતુ દિવસના અંતે સિંહને તેના પાંજરા તરફ ધકેલવાની કોશિશ કરતા કર્મચારીઓની કામગીરી છે.
તેમ છતાં વન વિભાગે આ ત્રણેય કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવી હોવાનું પણ અધિકારીઓ જણાવી રહ્યા છે.
ગુજરાતમાં સિંહદર્શન માટે ગીર (પૂર્વ)માં આંબરડી અને ગીર (પશ્ચિમ)માં સાસણ નજીક દેવળિયા સફારી પાર્ક આવેલા છે.
રાજકોટ શહેરની ભાગોળે રાજકોટ મહાનગરપાલિકા એક લાયન સફારી પાર્ક બનાવી રહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પથરાયેલા બરડા વન્યજીવ અભયારણ્યની નજીક પણ એક લાયન સફારી પાર્ક વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે, પરંતુ આંબરડીની આ ઘટનાએ સફારી પાર્કમાં સિંહોની રોજિંદી દેખરેખની પદ્ધતિને ચર્ચાનો વિષય બનાવી છે.
સફારી પાર્ક જંગલ અને પ્રાણીસંગ્રહાલયથી કઈ રીતે અલગ છે?
Faruk Kadari/BBC
ભારતમાં વન્યજીવોના રક્ષણ માટે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 અમલમાં છે. વન્યજીવોના સંરક્ષણ અને જતન માટે ભારતમાં વનો, ઘાસિયાં મેદાનો, રણ જેવા સૂકા વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ વેટલૅન્ડ એટલે કે જલપ્લાવિત વિસ્તારો વગેરેને અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો તરીકે જાહેર કરવામાં આવે છે.
માનવ હાજરી અને પ્રવૃત્તિથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે, સરકાર આવાં અભયારણ્યો અને ઉદ્યાનોમાં સામાન્ય માણસોના પ્રવેશ પર નિયંત્રણો રાખે છે.
પરંતુ વનસંપદા અને વન્યજીવોના લાંબા ગાળાના જતન માટે તેમના વિશે લોકજાગૃતિ અને સંશોધનો થાય તે જરૂરી છે. તેથી સરકાર અમુક શરતો સાથે સામાન્ય લોકોને વન્યજીવોને નિહાળવાની છૂટ આપે છે. ભારતમાં વન્યજીવોને નિહાળવા માટેના 3 પ્રકારના વિસ્તારો છે— પ્રાણીસંગ્રહાલયો, સફારી પાર્ક તેમજ વન્યજીવ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, ટાઇગર રિઝર્વ્સ વગેરે જેવા રક્ષિત વિસ્તારો.
અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને ટાઇગર રિઝર્વ્સ વગેરેના અમુક ભાગોને ટૂરિઝમ ઝોન એટલે કે પ્રવાસન વિસ્તાર જાહેર કરીને વન વિભાગ તેવા વિસ્તારોમાં નિશ્ચિત સંખ્યામાં પર્યટકોનાં વાહનોને પ્રવેશ આપી, મુક્ત રીતે વિચરણ કરતા વન્યજીવોને નિહાળવાની છૂટ આપે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના વડા મથક સાસણથી શરૂ થતી લાયન સફારીઓ એટલે કે સિંહદર્શનના પ્રવાસો મુલાકાતીઓને ગીર (પશ્ચિમ) વન વિભાગમાં આવેલા ટૂરિઝમ ઝોનમાં મુક્ત રીતે હરતા-ફરતા સિંહો અને ગીરની અન્ય સંપદાનાં દર્શન કરાવે છે.
પરંતુ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવેશ માટે અપાતી ટૂરિસ્ટ પરમિટ અને વાહનોની સંખ્યા પહેલાંથી જ નક્કી હોય છે. વળી, પર્યટનથી અભયારણ્યો અને ઉદ્યાનોના વન્યજીવોને થતી ખલેલ ઘટાડવા સરકાર દર વર્ષે અમુક મહિના સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદે છે અને પર્યટન બંધ કરે છે. પરંતુ પ્રાણીસંગ્રહાલયો અને સફારી પાર્ક મુલાકાતીઓ માટે આખું વર્ષ ખુલ્લા રહે છે અને સામાન્ય રીતે મુલાકાતીઓની સંખ્યા પર નિયંત્રણો હોતાં નથી.
જોકે સૌથી મોટો તફાવત એ છે કે, પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓને સામાન્ય રીતે પાંજરાંઓમાં કે ઊંડી ખાઈ અને જાળી ધરાવતા વાડામાં કેદ રાખવામાં આવે છે અને તેમને જોવા આવનાર મુલાકાતીઓ એટલે કે ટૂરિસ્ટો તે પાંજરાની આજુબાજુ બનાવેલા રસ્તાઓ કે કેડીઓ પર ચાલીને કે નાનાં વાહનોમાં બેસીને વન્ય પ્રાણીઓને નિહાળે છે.
સફારી પાર્કમાં તેનાથી ઊલટું હોય છે. પર્યટન માટે વન કે જંગલના કોઈ એક ભાગ ફરતે દીવાલ ચણી કે જાળી બાંધી નિર્માણ કરવામાં આવેલા નાના ઉદ્યાનને સફારી પાર્ક કહેવાય છે.
સફારી પાર્કની અંદર વન્ય પ્રાણીઓ બહુધા મુક્ત રીતે વિચરણ કરતાં હોય છે, જ્યારે મુલાકાતીઓ એટલે કે પર્યટકોને જાળીવાળી મોટરકાર કે બસમાં બેસાડીને તે પાર્કના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવે છે.
પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓ પાંજરાં કે વાડાઓમાં બંધન અવસ્થામાં હોય છે, જ્યારે સફારી પાર્કમાં પ્રાણીઓ તેમનાં કુદરતી રહેઠાણો કે કુદરતી રહેઠાણોને મળતા-આવતા પરિવેશમાં અર્ધ-બંધન અવસ્થામાં હોય છે.
ગુજરાતમાં સફારી પાર્ક્સમાં સિંહોને કઈ રીતે રખાય છે?
Faruk Kadari/BBC
સી.એમ. ત્રિવેદી 2008માં રેન્જ ફૉરેસ્ટ ઑફિસરના પદ પરથી રિટાયર થયા હતા. તેમણે સાસણ રેન્જના આર.એફ.ઓ. તરીકે ઘણાં વર્ષો સુધી દેવળિયા સફારી પાર્કની દેખરેખની પણ જવાબદારી નિભાવી હતી.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં સી.એમ. ત્રિવેદીએ કહ્યું કે, દેવળિયા અને આંબરડી સફારી પાર્કમાં ચિતલ, સાબર, ચિંકારા, નીલગાય, સસલાં જેવાં તૃણાહારી પ્રાણીઓ તેમજ શિયાળ જેવાં નાનાં શિકારી પ્રાણીઓ મુક્ત રીતે હરતાં-ફરતાં રહે છે. પરંતુ સિંહોને પાર્કની અંદરના ખુલ્લા વિસ્તારમાં કોઈ એક પૉઇન્ટ પર બેસાડી રાખવામાં આવે છે. પરિણામે સફારી પાર્કની મુલાકાત લેનાર ટૂરિસ્ટને સિંહ અચૂક જોવા મળે છે, જ્યારે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનોની જંગલ સફારીમાં આવી કોઈ ગેરંટી હોતી નથી.
સી.એમ. ત્રિવેદી કહે છે, “સફારી પાર્કમાં રાખવામાં આવતા સિંહો કૅપ્ટિવ-બ્રેડ (બંધન અવસ્થામાં પાલન કરવામાં આવેલા) સિંહો હોય છે.”
“ટૂરિસ્ટ માટે સફારી પાર્કના દરવાજા ખોલવામાં આવે તે પહેલાં પાર્કનો સ્ટાફ સિંહોને તેમના પાંજરાંમાંથી બહાર કાઢી પાર્કમાં તેમના નિશ્ચિત પૉઇન્ટ સુધી હાંકી જાય છે અને સાંજના સમયે છેલ્લા મુલાકાતીઓ જતા રહે ત્યારે સિંહોને પાછા પાંજરાંમાં પૂરી દેવામાં આવે છે. તેમને પાર્કનો સ્ટાફ માંસ સ્વરૂપે તૈયાર ખોરાક આપે છે.”
“જો સાંજ પડે તેમને પાછા પાંજરાં તરફ હાંકી ન જવામાં આવે, તો સિંહો તેમના લોકેશન પૉઇન્ટ પરથી ચાલતા થઈને પાર્કના બીજા વિસ્તારમાં જતા રહેવાની અને બીજાં પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કરી દેવાની શક્યતા રહે છે. જો આ સિંહો શિકાર કરતા શીખી જાય, તો પાર્કનું મૅનેજમેન્ટ કરવું મુશ્કેલ બની જાય.”
સી.એમ. ત્રિવેદી ઉમેરે છે કે, પાર્કના ખુલ્લા વિસ્તારમાં નિશ્ચિત પૉઇન્ટ સુધી સિંહોને પહોંચાડ્યા બાદ પાર્કના કર્મચારીઓ તેમના પર સતત નજર રાખે છે.
તેમણે કહ્યું કે, “સ્ટાફ તે પૉઇન્ટની નજીક એક જીપમાં બેઠો રહે છે અને સિંહો પર સતત નજર રાખે છે. જો સિંહો ત્યાંથી ઊભા થાય કે ચાલવા લાગે, તો સ્ટાફ હાથથી ઇશારા કરીને કે અવાજ કરી ચેતવણી આપી તેમને પાછા બેસાડી દે છે અથવા તે જ પૉઇન્ટ પર રોકી રાખે છે.”
આંબરડીમાં સફારી પાર્કમાં શું ઘટના ઘટી હતી?
Faruk Kadari/BBC
વાઇરલ વીડિયોના સંદર્ભે પીટીઆઈને ટાંકીને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ સોમવારે તેના એક અહેવાલમાં ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) જયપાલ સિંહને ટાંકીને જણાવ્યું હતું કે, વન વિભાગના કેટલાક કર્મચારીઓ આંબરડી સફારી પાર્કના સિંહોને ‘કરાલ’ કહેવાતા વાડા તરફ હાંકી રહ્યા હતા ત્યારે આ કથિત ઘટના ઘટી હતી.
ગીર (પૂર્વ) વન વિભાગના ઇન-ચાર્જ સહાયક વન સંરક્ષક અમિત વાણિયાએ સિંહની પજવણીના આક્ષેપોને ફગાવી દીધા છે.
મીડિયાને રવિવારે આપેલા એક નિવેદનમાં અમિત વાણિયાએ કહ્યું, “સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે કે સિંહની બાજુમાં બાઇક ચાલે છે અને સ્ટાફ ત્યાં બાજુમાં હતો. પરંતુ હકીકત એવી છે કે અત્યારે દિવાળીની સીઝનમાં આંબરડી સફારી પાર્કમાં લોકોની ખૂબ જ ભીડ જોવા મળે છે.”
“તે ભીડને લીધે સાંજે જ્યારે સફારીનો ટાઇમ પૂર્ણ થયો ત્યારે સિંહ તેમના કરાલ વિસ્તાર તરફ જતા હોય છે અને કાલે એવું બન્યું કે કરાલની જગ્યાએ બીજી સાઇડમાં જતા હતા, એટલે સ્ટાફ દ્વારા રોકી તેમને કરાલ તરફ વાળવામાં આવ્યા હતા. સિંહની કોઈ પજવણી કરવામાં આવી હોય તેવું માલૂમ પડ્યું નથી.”
સહાયક વન સંરક્ષકે ઉમેર્યું કે, શનિવારની ઘટના બાબતે વધારે તપાસ માટે સ્ટાફને કારણદર્શક નોટિસ આપી તેમની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.
સફારી પાર્કમાં આવી ઘટના સામાન્ય ગણાય?
Faruk Kadari/BBC
2018માં દેવળિયા સફારી પાર્કમાં બે સિંહોએ આક્રમક બની હુમલો કરતા પાર્કના એક કર્મચારીનું મોત થયું હતું અને અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા.
આંબરડી સફારી પાર્કની ઘટના વિશે વધારે માહિતી મેળવવા બીબીસીએ જયપાલ સિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો.
જોકે, સી.એમ. ત્રિવેદીએ જણાવ્યું કે, સિંહોને પાંજરાંમાંથી બહાર કાઢી પૉઇન્ટ તરફ લઈ જતી વખતે કે પૉઇન્ટ પરથી પાંજરાં તરફ લઈ જતી વખતે કર્મચારીઓ સામાન્ય રીતે બાઇકનો ઉપયોગ કરતા નથી.
તેમણે બીબીસીને જણાવ્યું, “સફારી પાર્કના સિંહો કૅપ્ટિવ-બ્રેડ હોવાથી એક રીતે તાલીમ પામેલા હોય છે કે, તેમને કયા સમયે ક્યાં જવાનું છે. પૉઇન્ટ પર લઈ જતી વખતે કે ત્યાંથી પાંજરાં તરફ લઈ જતી વખતે સ્ટાફ જીપમાં બેસીને તેમને હૅન્ડલ કરે છે. પરંતુ ઘણી વાર કેટલાક સિંહો તો બચ્ચાં હોય ત્યારથી જ સ્ટાફના સભ્યો તેમને દૂધ પાતા હોય છે અને તેમનો ઉછેર કરતા હોય છે, એટલે સ્ટાફ એવું માને છે કે, તે સિંહ તેમને ઓળખે છે અને તેમના પર હુમલો ન કરે.”
“તો બીજી તરફ, લાંબા સમય સુધી અમુક સિંહોની દેખરેખ કરવાથી સ્ટાફ એમ પણ માને છે કે, તેઓ તે સિંહોને અને તેમની વર્તણૂકને જાણે છે. આંબરડીમાં ખરેખર શું બનાવ બન્યો તેની બધી વિગત મારી પાસે નથી, પરંતુ મને એમ લાગે છે કે, સ્ટાફે ખોટી રીતે થોડી વધારે હિંમત કરી કહેવાય.”
સી.એમ. ત્રિવેદીએ ઉમેર્યું, “ઘણી વાર મુલાકાતીઓની સંખ્યા બહુ વધારે હોય છે અને લોકો ઉત્સાહમાં આવીને અવાજ કરવા લાગે છે. તેથી સિંહોને ખલેલ પહોંચે છે અને દિવસના અંતે તેમનું વર્તન બદલાય છે. જો નર સિંહ પુખ્ત હોય, તો અન્ય સિંહણો સાથે સંવનન કરવા માટે પણ ક્યારેક તેના પાંજરાં સિવાયની દિશા તરફ જવાની કોશિશ કરે છે. તેવા સમયે તેમને હૅન્ડલ કરવામાં ખાસ કાળજી રાખવી પડે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ નું પ્રકાશન
SOURCE : BBC NEWS




