Home તાજા સમાચાર gujrati ‘સોમનાથ મંદિરથી મારી રેસ્ટોરાં બે કિમી દૂર હોવા છતાં બંધ કરાઈ’, મંદિર...

‘સોમનાથ મંદિરથી મારી રેસ્ટોરાં બે કિમી દૂર હોવા છતાં બંધ કરાઈ’, મંદિર આસપાસ માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મામલે વિવાદ

5
0

Source : BBC NEWS

સોમનાથ મંદિર આસપાસ માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મામલે વિવાદ, શું છે સમગ્ર મામલો? બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ નોનવેજ ફૂડ વેજ ફૂડ

  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત હાઇકોર્ટની બે જજની ખંડપીઠે સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ખોરાકના વેચાણ પરના પ્રતિબંધને રદ કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે જિલ્લા મૅજિસ્ટ્રેટના જાહેરનામાને યોગ્ય ઠેરવીને આ પ્રતિબંધ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

અગાઉ આ વિસ્તારના રેસ્ટોરાં માલિકોએ જિલ્લા મૅજિસ્ટ્રેટના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારતી પિટિશન દાખલ કરી હતી. તેના આધારે જસ્ટિસ નિશા ઠાકોરે આ જાહેરનામાના અમલ પર રોક લગાવી દીધી હતી.

જોકે, ત્યારબાદ રાજ્ય સરકારે બે જજની ખંડપીઠ સમક્ષ સિંગલ બેન્ચના આ આદેશનો વિરોધ કર્યો હતો. ખંડપીઠે તે જ દિવસે સિંગલ બેન્ચના રોકના આદેશ પર સ્ટે આપી દીધો હતો.

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે પણ જિલ્લા મૅજિસ્ટ્રેટના જાહેરનામા પર રોક લગાવવાની ના પાડી દીધી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે રેસ્ટોરાં માલિકોની અરજી પર ઝડપથી સુનાવણી કરવા તાકીદ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમના પરિણામે સોમનાથ મંદિર પરિસર આસપાસના રેસ્ટોરાં માલિકોનો વ્યવસાય હાલમાં સંપૂર્ણ બંધ છે.

ઑગસ્ટ 2026માં જિલ્લા મૅજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામામાં સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ખોરાક બનાવવા, સંગ્રહ કરવા તેમજ તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. આ જાહેરનામામાં મંદિર પરિસર તરફ જતા 6 મુખ્ય માર્ગોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેપારીઓએ પોતાની પિટિશનમાં રજૂઆત કરી હતી કે, વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવવું એ તેમનો બંધારણીય મૂળભૂત અધિકાર છે.

તેની સામે રાજ્ય સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, મૂળભૂત અધિકારનો અર્થ એ નથી કે કોઈ પણ સ્થળે વ્યાવસાયિક પ્રવૃત્તિ કરી શકાય. સરકારે ઉમેર્યું હતું કે, સોમનાથ મંદિર આધ્યાત્મિક અને ધાર્મિક રીતે દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાનું પરમ પવિત્ર સ્થળ છે.

ડિસેમ્બર 2026માં આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે, ત્યારે આ પિટિશનનો આખરી નિકાલ આવી જવાની શક્યતા સેવાઈ રહી છે.

જોકે, સપ્ટેમ્બર 2026થી સોમનાથ વિસ્તારની 7 રેસ્ટોરાં બંધ હોવાના કારણે અનેક પરિવારોને સીધું અને આડકતરી રીતે ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ 7 રેસ્ટોરાંમાં મળીને 100થી વધુ લોકો રોજગારી મેળવતા હતા, જ્યારે ટ્રાન્સપૉર્ટરો, શાકભાજી વિક્રેતાઓ અને અન્ય સપ્લાયર્સ જેવા અનેક પરિવારો આડકતરી રીતે તેના પર નિર્ભર હતા.

પ્રશાસન પર આરોપ

જોકે, આ સમગ્ર મુદ્દે બીબીસી ગુજરાતીએ પિટિશનર તેમજ સોમનાથના અન્ય આગેવાનો સાથે વાત કરીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે નહીં.

રેસ્ટોરાં બંધ થવાથી ઘણા લોકોની આવક બંધ થઈ ગઈ છે. તેનાથી પણ આગળ વધીને સ્થાનિકોનો એક વર્ગ આ નિર્ણયને મુસ્લિમ સમાજને હેરાન કરવાના ઈરાદાપૂર્વકનાં પગલાં તરીકે જોઈ રહ્યો છે.

સ્થાનિક આગેવાન અને ‘તાજ હોટલ’ના માલિક રિઝવાન જિમરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “કલેક્ટરના જાહેરનામા મુજબ 500 મીટરની હદમાં આવેલી રેસ્ટોરાં બંધ થવી જોઈએ. પરંતુ પિટિશનર બનનારા તમામ વેપારીઓની રેસ્ટોરાં તો 500 મીટરની ત્રિજ્યાથી બહાર આવેલી છે. જાહેરનામામાં દર્શાવેલી સીમા સિવાયના બહારના વિસ્તારોની રેસ્ટોરાં પણ હાલમાં બંધ કરાવવામાં આવી રહી છે.”

આ જાહેરનામું પ્રથમ વાર વર્ષ 2018માં લાગુ કરવામાં આવ્યું હતું. તે સમયે પ્રથમ તબક્કે મંદિર પરિસરની 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી માંસાહારી રેસ્ટોરાં બંધ કરાવવાની જોગવાઈ હતી. જોકે, જીમરીની અરજી પછી આ અંતર ઘટાડીને 500 મીટર કરી દેવાયું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરની 500 મીટરની ત્રિજ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોનાં ઘરો અને વ્યવસાયનાં સ્થળો સમય જતાં ઘટ્યાં છે. હાલમાં આ વિસ્તારમાં આશરે 15 પરિવારો જ વસવાટ કરે છે.

જોકે, વેપાર કરતા મુસ્લિમ સમુદાયના લોકોમાં આ વિસ્તારમાં રેસ્ટોરાં ચલાવતા વેપારીઓની સંખ્યા નહિવત્ છે.

જિમરી કહે છે કે, “અહીં વર્ષોથી બંને સમુદાયો એકસાથે રહેતા આવ્યા છે. પરંતુ કેટલાક લોકોના રાજકારણના લીધે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે.”

જિમરી ‘તાજ હોટલ’ નામે માંસાહારી (નૉન-વેજિટેરિયન) રેસ્ટોરાં ચલાવતા હતા. તેઓ ઉમેરે છે કે, આ વિસ્તારમાં લોકો બે-બે પેઢીઓથી રેસ્ટોરાં ચલાવતા આવ્યા છે અને અગાઉ ક્યારેય કોઈને કશીય તકલીફ પડી ન હતી.

મંદિર પરિસરથી આશરે 2 કિલોમીટર દૂર રેસ્ટોરાં ચલાવતા હનીફ મોહમ્મદ નામના સ્થાનિક વેપારી કહે છે કે, “જાહેરનામું ન હોય તોપણ અમને એટલી સમજ છે કે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. આથી 500 મીટરની ત્રિજ્યામાં તો માંસાહારી રેસ્ટોરાં ક્યારેય હતી જ નહીં. મારી રેસ્ટોરાં 2 કિલોમીટર દૂર હોવા છતાં તેને પણ બંધ કરાવી દેવાઈ છે.”

બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલે ગીર સોમનાથના કલેક્ટર એન. વી. ઉપાધ્યાયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમને મોકલેલા ટેક્સ્ટ મૅસેજનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો. તેમનો જવાબ મળશે ત્યારે તેમનો પક્ષ અહીં ઉમેરવામાં આવશે.

સોમનાથમાં મુસ્લિમ સમાજના આગેવાન યુસુફ પટેલ પણ એક સ્થાનિક વેપારી છે.

તેઓ કહે છે કે, “એક રેસ્ટોરાં સાથે અનેક પરિવારોની રોજીરોટી જોડાયેલી હોય છે. આ રોજગાર વર્ષોથી ચાલતો હતો, પરંતુ હવે આ તમામ લોકો એકાએક બેરોજગાર થઈ ગયા છે.”

બીબીસી ગુજરાતીએ એવા અન્ય કેટલાક આગેવાનો સાથે પણ વાત કરી હતી, જેમનું માનવું છે કે, આ 7 રેસ્ટોરાં જે વિસ્તારમાં આવેલી છે તે ખરેખર શહેરની અંદરનો વિસ્તાર છે. જ્યારે સોમનાથ મંદિર તરફ જવાનો રસ્તો સાવ અલગ છે. એ મંદિરના માર્ગ પર એકપણ માંસાહારી રેસ્ટોરાં આવેલી નથી.

હાલમાં કલેક્ટરે 6 અલગ-અલગ માર્ગો પર પ્રતિબંધ લાદ્યો છે. જોકે, સ્થાનિકોનું માનવું છે કે, આ પ્રકારનો પ્રતિબંધ ગેરબંધારણીય છે.

જિમરી સવાલ ઉઠાવે છે કે, ભાલકા મંદિરની આસપાસ મોટા પ્રમાણમાં માછલીઓનો વેપાર થાય છે, ખાડી વિસ્તારોમાં માછલીઓની દુર્ગંધ આવતી હોય છે અને પ્રભાસ-પાટણ તરફ પણ માછલીઓનો મોટો વેપાર ચાલે છે. તેમ છતાં તેમાંથી કોઈને પણ પોતાનો વેપાર બંધ કરવાનું કેમ કહેવામાં આવ્યું નથી? ફક્ત મુસ્લિમ સમાજના લોકોની જ રેસ્ટોરાં કેમ બંધ કરાવવામાં આવી રહી છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS