Home તાજા સમાચાર gujrati 150થી વધુ વાનગીઓ, પાંચ લાખ મહેમાનો અને કલાકો સુધી ટ્રાફિક જામ: બિહારના...

150થી વધુ વાનગીઓ, પાંચ લાખ મહેમાનો અને કલાકો સુધી ટ્રાફિક જામ: બિહારના નદાવા ગામમાં યોજાયેલા આ ‘શાહી લગ્ન’ કેવી રીતે થયાં?

4
0

Source : BBC NEWS

શિવાંગી સિંહ અને ઋષિકેશ કુમારનાં લગ્ન બુધવારે યોજાયા.

ઉત્તર ભારતના બિહાર રાજ્યમાં એક રાજકારણીની પુત્રીનાં અત્યંત ભવ્ય લગ્ન દેશના સૌથી ગરીબ રાજ્યમાં થયેલી અતિશય આડંબરભરી ઉજવણીને કારણે ચર્ચામાં છે.

બિહારના ધારાસભ્ય અનંત સિંહનાં પુત્રી શિવાંગી સિંહનાં લગ્નની અનેક દિવસોથી ચાલી રહેલી જોરદાર ઉજવણી બુધવારે પૂર્ણ થઈ. આ ઉજવણીમાં ઘોડદોડ યોજવાની યોજના પણ સામેલ હતી.

રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરના અનેક અગ્રણી રાજકારણીઓ સહિત લાખો લોકો બુધવારે પરિવારના વતન નદાવા ગામમાં યોજાયેલા સમારોહમાં હાજર રહ્યા. આ ગામ રાજ્યની રાજધાની પટનાથી લગભગ 65 કિમી (40.4 માઇલ) દૂર છે.

આ મહિનાની શરૂઆતમાં એક પત્રકાર પરિષદમાં મોકામા મતવિસ્તારમાંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સિંહે કહ્યું હતું, “દરેક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું છે… માત્ર બિહારમાંથી જ નહીં, સમગ્ર ભારત અને પાકિસ્તાનમાંથી પણ.”

અને ગઈકાલે સ્થળ પરથી આવેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે એવું લાગતું હતું કે “ખરેખર દરેક વ્યક્તિ આવી પહોંચી હતી”.

Getty Images
વધૂના પિતા અનંત સિંહ એક વિવાદાસ્પદ રાજકારણી છે.

મીડિયા અહેવાલોના અંદાજ મુજબ લગ્નમાં પાંચ લાખ લોકો હાજર રહ્યા હતા. તેના કારણે ગામ વિશાળ મેળાના મેદાનમાં ફેરવાઈ ગયું હતું અને પટના તરફ જતા તથા ત્યાંથી આવતા માર્ગ પર અનેક કલાકો સુધી ટ્રાફિક અટકી ગયો હતો.

મહત્ત્વના મહેમાનો માટે ગામમાં છ હેલિપેડ બનાવવામાં આવ્યાં હતાં. કામચલાઉ રસોડાંમાં સેંકડો રસોઇયાઓએ 150થી વધુ વાનગીઓ તૈયાર કરી હતી, જેમાં મીઠાઈના 80 લાખ નંગનો સમાવેશ થતો હતો.

બુધવારનાં લગ્નમાં સૌથી મોટું આકર્ષણ ઘોડદોડ બનવાનું હતું, જેના માટે 52 ઘોડા લાવવામાં આવ્યા હતા.

પરંતુ આ કાર્યક્રમ જોવા માટે એટલી મોટી ભીડ ઉમટી કે ઘણા લોકો રેસના મેદાનમાં પણ પ્રવેશી ગયા. પરિણામે ઘોડદોડને છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી.

ઘોડદોડ પહેલાંની પ્રેક્ટિસનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં હજારો દર્શકો એકઠા થયેલા દેખાતા હતા અને વધુ સારી રીતે જોવા માટે કેટલાક સો લોકો વીજળીના ટાવર પર જમીનથી ઘણી ઊંચાઈએ ચડેલા હતા.

ગયા અઠવાડિયે ધારાસભ્યે પોતાના ઍક્સ અકાઉન્ટ પર સફેદ SUVનો વીડિયો શેર કર્યો હતો, જેની કિંમત 10 લાખથી 20 લાખ રૂપિયા (£8,300-£16,500; $10,800-$21,600) હતી. તેમણે જાહેરાત કરી હતી કે આ કાર વિજેતાને ઇનામ તરીકે આપવામાં આવશે.

બીજા અને ત્રીજા ઇનામ તરીકે અનુક્રમે મોટરસાઇકલ અને સ્કૂટર આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

દિલ્હી યુનિવર્સિટીથી સ્નાતક થયેલાં શિવાંગી લૅન્ડ ક્રૂઝરમાં આવ્યાં હતાં, જ્યારે ઍટલાન્ટાની જ્યોર્જિયા યુનિવર્સિટીમાંથી એમબીએ કરેલા વર ઋષિકેશ કુમાર 151 કારના કાફલા સાથે આવ્યા હતા.

સમાચાર ચેનલ એનડીટીવીના અહેવાલ મુજબ અનંત સિંહે પણ ભવ્ય અંદાજમાં પ્રવેશ કર્યો હતો. સમર્થકોની ભારે ભીડ વચ્ચે તેઓ SUVના સનરૂફમાંથી બહાર ઊભા થયા હતા.

અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ “પોતાની પુત્રીનાં લગ્નમાં આવી રહ્યા હતા અને તેમણે એવી શૈલીમાં પ્રવેશ કર્યો કે કોઈપણ વર પણ ઝાંખો પડી જાય.”

મીડિયા અહેવાલો અનુસાર વધૂના પરિવારે વરને 2.3 કરોડ રૂપિયાની કાર ઉપરાંત સોનું અને ચાંદી આપ્યાં હતાં. જોકે સિંહે લગ્નમાં કુલ કેટલો ખર્ચ થયો તે જાહેર કર્યું નથી.

આ લગ્નનું પ્રમાણ 2024માં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન દરમિયાન ભારતમાં જોવા મળેલી ઉજવણી સાથે સરખાવી શકાય તેમ નથી.

પરંતુ બિહારમાં થયેલા આ ભવ્ય લગ્નને “શાહી લગ્ન” તરીકે ઓળખાવવામાં આવ્યાં હતાં અને તે ભારે ચર્ચાનો વિષય બન્યાં હતાં. બિહાર એવું રાજ્ય છે જ્યાં દર ત્રણ નાગરિકમાંથી એકને બહુઆયામી રીતે ગરીબ ગણવામાં આવે છે.

એક રાજકીય હરીફ, બિહાર વિધાન પરિષદના સભ્ય નીરજ કુમારે તપાસ એજન્સીઓને લગ્ન માટેના નાણાં ક્યાંથી આવ્યાં તેની તપાસ કરવા પણ કહ્યું છે.

જોકે લગ્ન પ્રત્યેનો રસ વર-વધૂ કરતાં વધૂના પિતા, એક વિવાદાસ્પદ રાજકારણી, સાથે વધુ જોડાયેલો છે.

કોણ છે અનંત સિંહ


શિવાંગી સિંહનાં ભવ્ય લગ્ન બિહારમાં ભારે ચર્ચાનો વિષય બન્યાં છે.

“છોટે સરકાર” તરીકે લોકપ્રિય સિંહને ઘણીવાર “બાહુબલી” તરીકે વર્ણવવામાં આવે છે. આ શબ્દનો અર્થ શક્તિશાળી વ્યક્તિ થાય છે અને ભારતના ઘણા વિસ્તારોમાં પ્રભાવશાળી સ્થાનિક નેતાઓ માટે તેનો ઉપયોગ થાય છે.

સોશિયલ મીડિયા અકાઉન્ટ પરના વીડિયોમાં સિંહ ઘણીવાર પોતાની મૂછોને વળ ચઢાવતા અને તેના છેડાઓ ઉપર તરફ વાળતા જોવા મળે છે. આ હાવભાવને ગૌરવ અને પુરુષત્વની નિશાની માનવામાં આવે છે.

સ્થાનિક લોકો જણાવે છે કે તેઓ 20-25 કારના કાફલા સાથે પ્રવાસ કરે છે. એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે એક પ્રસંગે જ્યારે કર અધિકારીઓ તેમને મળવા આવ્યા ત્યારે સિંહ ગળામાં જીવતા સાપ વીંટાળીને આવ્યા અને અધિકારીઓને ભગાડી મૂક્યા હતા.

સિંહે 2005માં પ્રથમ વખત મોકામા બેઠક જીતી હતી અને ત્યારબાદ 2010, 2015, 2020 અને 2025ની ચૂંટણીઓમાં પણ આ બેઠક જાળવી રાખી હતી.

ગયા વર્ષની ચૂંટણી પહેલાં તેમણે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમણે પોતાને વ્યવસાય અને ખેતીની જમીન ધરાવતા સામાજિક કાર્યકર તરીકે ઓળખાવ્યા હતા.

તેમણે જાહેર કર્યું હતું કે તેમની અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિ એક અબજ રૂપિયા હતી અને તેમની સામે બે ડઝનથી વધુ ફોજદારી કેસ બાકી હતા.

આમાંથી કેટલાક કેસોમાં તેમના પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને રમખાણ જેવા ગંભીર ગુનાઓના આરોપ છે.

અહેવાલો અનુસાર તેઓ અનેક વખત જેલમાં રહી ચૂક્યા છે. જોકે છેલ્લા બે દાયકામાં તેઓ માત્ર 2022માં ધારાસભ્ય નહોતા, જ્યારે તેમને દોષિત ઠેરવી 10 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી.

આ સજા 2019ના એક કેસમાં થઈ હતી, જેમાં તેમના ઘરમાંથી AK-47 અસૉલ્ટ રાઇફલ સહિત હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.

રાજ્ય વિધાનસભાએ તેમને ગેરલાયક ઠેરવ્યા હતા, પરંતુ તેઓ જામીન પર રહ્યા અને અદાલતના આદેશ સામે અપીલ કરી.

તેમણે ગયા વર્ષની ચૂંટણી લડી અને જીતી, અને ફરી વિધાનસભામાં પહોંચ્યા.

ગયા વર્ષની ચૂંટણી દરમિયાન થયેલી એક હત્યાના કેસમાં પણ તેમને મુખ્ય શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે તેમને 1 ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

આ કેસના સંબંધમાં ત્રણ મહિના જેલમાં વિતાવી ચૂકેલા સિંહે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેઓ અદાલતના આદેશનું પાલન કરશે.

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS