Source : BBC NEWS
ani
સીમાંકન બિલ પર વિપક્ષી ગઠબંધનની અંદર ફરી એક વાર મતભેદ દેખાઈ રહ્યા છે. કૉંગ્રેસ આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહી છે, પરંતુ વિપક્ષી ગઠબંધનમાં પણ આ અંગે એકતા દેખાઈ રહી નથી.
શરદ પવારની એનસીપી (એસપી) અને એક સમયે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ રહેલી ડીએમકેનું વલણ આ મુદ્દે કૉંગ્રેસથી અલગ દેખાઈ રહ્યું છે.
જોકે, ઇન્ડિયા ગઠબંધન માટે આ પ્રથમ વાર નથી, જ્યારે સહયોગી પક્ષો વચ્ચે કોઈ મુદ્દે અસહમતિ સામે આવી હોય. આ પહેલાં પણ બેઠકોની વહેંચણી અને ચૂંટણીની રણનીતિ અંગે ગઠબંધનમાં ખેંચતાણ જોવા મળી છે.
આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું સીમાંકન બિલ વિપક્ષી એકતા માટે વધુ એક મોટો પડકાર બની ગયું છે?
ભારતીય રાજકારણ પર નજર રાખનારા ઘણા વિશ્લેષકો માને છે કે શરદ પવારની પાર્ટી અને ડીએમકેનું બિલને સમર્થન આપવું, ઇન્ડિયા ગઠબંધન માટે ફટકો છે.
બીજી તરફ, શરદ પવાર ઇન્ડિયા ગઠબંધનના લાંબા સમયથી સહયોગી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં તેમની પાર્ટીના રાજકીય અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું છે. સરકારને સાથ આપવો તેમની મજબૂરી હોઈ શકે છે.
જોકે ઇન્ડિયા ગઠબંધનના સહયોગી, સમાજવાદી પાર્ટી, રાજદ, મમતાની ટીએમસી, પીડીપી અને શિવસેના (યુબીટી) સહિત ઘણા પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે 30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવનારા બંધારણ સુધારા વિધેયક વિશે કહ્યું છે કે આ વિધેયક દ્વારા રાજ્યોમાં જનપ્રતિનિધિઓની સંખ્યા વધારવાનો માર્ગ મોકળો થશે.
તેમણે ઍક્સ પર લખ્યું, “ખાસ કરીને અનુચ્છેદ 170(1)માં પ્રસ્તાવિત સુધારા હેઠળ રાજ્ય વિધાનસભાઓની મહત્તમ સભ્ય સંખ્યા 500થી વધારીને લગભગ 650 કરવાની જોગવાઈ વસ્તી મુજબ વધુ સારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે.”
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ પક્ષો ન પહોંચ્યા
ANI
શનિવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં ડીલિમિટેશન બિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે 543 બેઠકો પર પણ મતવિસ્તારોની સીમાઓ બદલીને રાજકીય ફેરફાર લાવી શકાય છે, પરંતુ 850 જેટલી મોટી સંખ્યામાં બેઠકો થવાથી સરકાર પોતાની મનમાની મુજબ કામ કરી શકશે.
તેમણે આ બિલને સરકાર માટે ‘કોરો ચેક’ ગણાવ્યું છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડીલિમિટેશન બિલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં હિતોની વિરુદ્ધ છે.
જોકે, આ બેઠકમાં ડીએમકે અને એનસીપી (શરદ પવાર) સામેલ થયા ન હતા. તેમણે અગાઉથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.
સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ, આમ આદમી પાર્ટી અને બીજુ જનતા દળ (બીજેડી)ને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ પક્ષોએ તેમાં ભાગ લીધો ન હતો.
તો બીજી તરફ, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા.
‘બિલ પસાર થવું વિપક્ષ માટે બમણો ઝટકો’
Getty Images
બીબીસી ન્યૂઝ હિન્દી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીએ કહ્યું કે અત્યારની સ્થિતિ અને એપ્રિલની સ્થિતિમાં ઘણો તફાવત છે. એપ્રિલમાં લોકસભામાં વિપક્ષે સીમાંકન બિલને અટકાવી દીધું હતું. ત્યારથી જ વિપક્ષે પોતાની એકતા પર વધુ ધ્યાન આપવું જોઈતું હતું, કારણ કે એ નક્કી હતું કે સરકાર ફરીથી આ બિલ લઈને આવશે.
તેમણે કહ્યું, “એનડીએ બહુમતી મેળવે તો વિપક્ષને બે રીતે ફટકો પડશે. પહેલો, જ્ઞાનેશકુમાર વિરુદ્ધ રાહુલ ગાંધી જે અભિયાન ચલાવી રહ્યા હતા, તે પણ નબળું પડશે. બીજો, આ મામલાએ ઇન્ડિયા ગઠબંધનને નબળું પાડી દીધું છે.”
બીજી તરફ, રાજકીય વિશ્લેષક આદેશ રાવલે કહ્યું, “આ આખા ગઠબંધનમાં મતભેદનો મામલો નથી, પરંતુ માત્ર બે પક્ષો વચ્ચે મતભેદ ઊભા થયા છે. તેમાં પહેલો પક્ષ ડીએમકે છે. તામિલનાડુ ચૂંટણી પછી કૉંગ્રેસે વિજયની પાર્ટી સાથે ગઠબંધન કર્યું. તેનાથી ડીએમકે ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ ગઈ.”
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીનું પણ માનવું છે કે મતભેદની શરૂઆત તામિલનાડુ ચૂંટણી પછી થઈ હતી, જ્યારે રાહુલ ગાંધીએ વિજયનો સાથ આપ્યો અને ડીએમકેને છોડી દીધી.
તેમણે કહ્યું, “તેનાથી ડીએમકેને એ કહેવાનો મોકો મળી ગયો કે કૉંગ્રેસે તેની સાથે દગો કર્યો છે. તેનાથી એક રસ્તો ખૂલ્યો કે જો ડીએમકે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, તો તે એનડીએ સાથે જઈ શકે છે.”
આ અગત્યની ક્ષણે શરદ પવારે સાથ કેમ છોડ્યો?
ANI
વિજય ત્રિવેદી મુજબ, શરદ પવારની પાર્ટી લાંબા સમયથી પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવાની કોશિશ કરી રહી છે.
તેમનું માનવું છે કે આ મામલે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ શરદ પવારને એ ભરોસો અપાવ્યો નહીં કે તેઓ તેમના સંગઠનને બચાવવામાં મદદ કરી શકે છે.
તેમણે કહ્યું, “શરદ પવાર પોતાની દીકરી સુપ્રિયા સુળેના રાજકીય ભવિષ્ય અંગે ચિંતિત છે અને પોતાની પાર્ટીને બચાવવા માગે છે.”
વિજય ત્રિવેદીએ જણાવ્યું, “છેલ્લા અમુક દિવસોમાં એક સમાચાર આવ્યા હતા કે તેમના સાંસદોએ કહ્યું હતું કે જો તેઓ સીમાંકન બિલનું સમર્થન નહીં કરે, તો તેઓ એનડીએ સાથે જઈ શકે છે.”
વિજય ત્રિવેદી શરદ પવારના કૉંગ્રેસ સાથેના જૂના સંબંધોનો પણ ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું, “સૌથી મોટી વાત એ છે કે શરદ પવારને કૉંગ્રેસના વિશ્વાસુ કેમ માનવામાં આવે? જ્યારે કૉંગ્રેસનો સૌથી સારો સમય હતો અને સોનિયા ગાંધી વડા પ્રધાન બનવાનાં હતાં, ત્યારે તેમણે કૉંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી લીધી હતી. આવી સ્થિતિમાં શરદ પવાર પર ભરોસો કરવાનું કોઈ કારણ સમજાતું નથી.”
બીજી તરફ, રાજકીય વિશ્લેષક આદેશ રાવલ આ નિર્ણયને મહારાષ્ટ્રના રાજકારણ અને શરદ પવારની પાર્ટીના ભવિષ્ય સાથે જોડીને જુએ છે.
તેમણે કહ્યું, “ભાજપે પહેલાં જ એનસીપીના બે ટુકડા કરી દીધા હતા અને પવારસાહેબનું ચૂંટણી ચિહ્ન પણ છીનવી લેવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ એનડીએના પક્ષમાં વોટ આપશે.”
આદેશ રાવલ મુજબ, મહારાષ્ટ્રમાં ભાજપ સામે પહેલાંથી જ ઍન્ટી-ઇન્કમ્બન્સી છે. તેમણે કહ્યું, “મને લાગે છે કે આ બિલ ઉપરાંત કદાચ સુપ્રિયા સુળે કૅબિનેટ મંત્રી બની શકશે. જોકે, રાજકારણ સંભાવનાનો ખેલ છે.”
આદેશ રાવલે આ નિર્ણય પાછળ એક મોટા ઉદ્યોગપતિની ભૂમિકા હોવાની પણ વાત કરી. તેમણે કહ્યું, “તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર, બંનેના નજીકના છે.”
તેમણે આગળ કહ્યું, “મને લાગતું હતું કે સીમાંકન બિલ પહેલાં કૅબિનેટમાં ફેરબદલ થશે, પરંતુ એવું થયું નહીં.”
આદેશ રાવલે મહારાષ્ટ્રમાં થયેલી રાજ્યસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું, “મને યાદ આવે છે કે જ્યારે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે તે બેઠક શિવસેના (યુબીટી)ને મળવાની હતી. પરંતુ બધાએ મળીને તે રાજ્યસભા બેઠક શરદ પવારને આપી દીધી. જોકે, હવે પરિણામ કંઈક અલગ છે.”
શું ગઠબંધનમાં નબળી પડશે કૉંગ્રેસ?
Getty Images
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી મુજબ, “જો ડીએમકેની 22 બેઠકો એનડીએ સાથે ન જતી, તો સરકાર ફરીથી આ બિલ લાવવાની હિંમત ન કરી શકતી. સ્પષ્ટપણે કૉંગ્રેસે ગઠબંધનને નબળું પાડ્યું છે. ગૃહમાં વિપક્ષની જે તાકાત હતી, તે પણ નબળી પડી છે.”
તેમણે કહ્યું, “રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને કૉંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની ધરી છે. આવી સ્થિતિમાં ગઠબંધનને એકજૂથ રાખવાની પણ તેમની જ જવાબદારી છે.”
વિજય ત્રિવેદી મુજબ, “જ્ઞાનેશકુમાર વિરુદ્ધ થયેલા પ્રદર્શન સમયે વિપક્ષ ઘણો મજબૂત દેખાઈ રહ્યો હતો, પરંતુ હવે તેમનો કિલ્લો તૂટી ગયો છે. હવે સંસદમાં કૉંગ્રેસ અને વિપક્ષ નબળા દેખાશે. તેનાથી સરકારને પોતાના અટકેલા વિધેયકો લાવવાની હિંમત મળશે.”
બીજી તરફ, આદેશ રાવલે કહ્યું કે વિપક્ષે કોશિશ કરી હતી અને એપ્રિલ 2026માં આ વિધેયકને પસાર થવા દીધું નહોતું. પરંતુ સરકારે તૈયારી માટે સમય લીધો અને પછી આ વિધેયક લઈને આવી.
તેમણે કહ્યું, “પરંતુ આપણે એવું ન કહી શકીએ કે ડીએમકે અને શરદ પવારની પાર્ટી કૉંગ્રેસના કારણે સીમાંકન બિલનું સમર્થન કરી રહી છે.”
શું હોય છે સીમાંકન?
ડીલિમિટેશન એક બંધારણીય પ્રક્રિયા છે, જેને સામાન્ય રીતે વસ્તીગણતરી પછી કરવામાં આવે છે. વસ્તીગણતરીથી ખબર પડે છે કે કોઈ મતવિસ્તારની વસ્તી કેટલી છે. તેના આધારે લોકસભા અને વિધાનસભાના મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર કરવામાં આવે છે.
તેના માટે ડીલિમિટેશન પંચની રચના કરવામાં આવે છે.
અત્યાર સુધી ભારતમાં ચાર વાર- 1952, 1963, 1973 અને 2002માં સીમાંકન પંચની રચના થઈ ચૂકી છે. બંધારણ પંચને શક્તિઓ અને સ્વાયત્તતા આપે છે. પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી.
1952માં લોકસભાની કુલ 489 બેઠકો હતી, જે 1973માં વધીને 543 થઈ ગઈ. વર્ષ 1976માં ઈન્દિરા ગાંધી સરકારે 42મા બંધારણ સુધારા દ્વારા ડીલિમિટેશન પર 25 વર્ષ માટે રોક લગાવી દીધી હતી.
ત્યાર બાદ 2001માં વસ્તીગણતરી થઈ અને 2002માં ડીલિમિટેશન પંચની રચના કરવામાં આવી. જોકે, તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારે 84મા બંધારણ સુધારા દ્વારા ડીલિમિટેશનને આગામી 25 વર્ષ માટે ટાળી દીધું હતું.
એપ્રિલ 2026માં લોકસભામાં રજૂ કરવામાં આવેલું 131મું બંધારણ સુધારા વિધેયક મતદાન પછી પડી ગયું હતું. આ વિધેયક મહિલા અનામત કાયદામાં સુધારા માટે લાવવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




