Home તાજા સમાચાર gujrati ‘Iphone, ફ્રિજ, ટીવી’ જેવી ગિફ્ટનાં 40 પાર્સલ દરરોજ ઘરે પહોંચે છે, છતાં...

‘Iphone, ફ્રિજ, ટીવી’ જેવી ગિફ્ટનાં 40 પાર્સલ દરરોજ ઘરે પહોંચે છે, છતાં ઇન્ફ્લુએન્સર કેમ વિદેશ ભાગી ગયો

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

કેરળ જવા માટે મદદ માગનાર એક ઇન્ફ્લુએન્સરને પોતાનું વતન છોડવાની નોબત આવી. તેમની પત્નીનું કહેવું છે કે સોશિયલ મીડિયા પરના લોકોના દબાણને સહન ન કરી શકતાં તે વિદેશ જતો રહ્યો.

તેમની પત્ની દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે, “તેઓ ઘરે આવતાં ડરે છે અને તેમના પાડોશીઓ પણ તેમનાથી નારાજ છે.”

મદુરાઈના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વીરમણિએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરનું સરનામું અને ફોન નંબર જાહેર કર્યા બાદ મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે.

સુમંગલી વીરમણિએ જણાવ્યું કે, “દિવસમાં ઓછામાં ઓછા 30થી 40 વખત ‘કૅશ ઑન ડિલિવરી’ દ્વારા સામાન લઈને લોકો અમારા ઘરે આવે છે.

“મકાનમાલિક અને પાડોશીઓ સહિત બધા જ ખૂબ નારાજ છે. હવે અમારે ઘર ખાલી કરવું પડશે. મહેરબાની કરીને પોતાની અંગત વિગતો જાહેરમાં ન આપશો.”

છેલ્લા કેટલાક દિવસોથી ઍમેઝૉન, સ્વિગી અને ફ્લિપકાર્ટ જેવી ઑનલાઇન ઍપ્સ દ્વારા ઘરવખરીનો સામાન, ખાદ્યપદાર્થો અને બીજી ચીજવસ્તુઓ વીરમણિના ઘરે પહોંચાડવામાં આવી રહી છે.

આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ દ્વારા ‘કૅશ ઑન ડિલિવરી’ પદ્ધતિથી મોકલવામાં આવી રહી છે. વીરમણિનો પરિવાર આ વસ્તુઓ સ્વીકારતો નથી, કારણ કે તેની કિંમત ચૂકવવાની તેમની પાસે ક્ષમતા નથી.

વીરમણિનાં પત્ની સુમંગલી વીરમણિએ જણાવ્યું કે,”સામાન પહોંચાડવા માટે કોઈ ને કોઈ સતત દરવાજો ખખડાવતું રહે છે. હવે તો દરવાજો ખોલતાં પણ ડર લાગે છે.”

“અમે તેમને કહીએ કે આ સામાન અમે મંગાવ્યો નથી, તો પણ તેઓ સાંભળતા નથી. આ જ કારણે મારા પતિ વિદેશ જતા રહ્યા. અમને આર્થિક નુકસાન પણ થયું છે.”

દરમિયાન, સાયબર સુરક્ષાના નિષ્ણાતો સોશિયલ મીડિયા પર ઘરનું સરનામું અને ફોન નંબર જેવી અંગત વિગતો જાહેર ન કરવા ચેતવણી આપી રહ્યા છે.

ખરેખર શું બન્યું?

બીબીસી ગુજરાતી, વીરમણિએ સોશિયલ મીડિયા પર કેરળ જવા માટે મદદ માગી હતી.

મદુરાઈના વીરમણિ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ત્રણ લાખથી વધુ ફૉલોઅર્સ છે.

એક વીડિયોમાં તેમણે પોતાનો ફોન નંબર આપીને કેરળ જવા માટે ફૉલોઅર્સ પાસે મદદ માગી હતી. આ વિનંતી પછી તેમણે બીજો વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે પોતાને છ હજાર રૂપિયા મળ્યા છે.

ત્યાર પછી કેટલાક ફૉલોઅર્સે પૂછ્યું કે જો તેઓ ઘરનું સરનામું આપે, તો તેઓ તેમને ભેટસોગાદો પણ મોકલી શકે. આથી વીરમણિએ મદુરાઈમાં આવેલા પોતાના ઘરનું સરનામું આપી દીધું.

વીરમણિનાં પત્ની સુમંગલી વીરમણિએ બીબીસીને જણાવ્યું કે, “એ દિવસથી જ ઘરે સામાન આવવા લાગ્યો. પરંતુ દરેક વસ્તુ ‘કૅશ ઑન ડિલિવરી’થી મોકલવામાં આવતી હોવાથી અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.”

તેમણે કહ્યું કે, “આઇફોન 17, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, ફર્નિચર, કપડાંથી લઈને કરિયાણાના સામાન સુધીની લાખો રૂપિયાની વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં તો કોઈએ ‘કૅશ ઑન ડિલિવરી’થી 20 કિલો બિરયાની પણ મોકલી હતી.”

આ પછી વીરમણિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

તેમાં તેમણે વિનંતી કરી હતી, “મારે ત્યાં સતત સામાન આવી રહ્યો છે. સામાન લઈને આવતા ડિલિવરી કર્મચારીઓ સાથે વાત કરવી પણ મારા માટે મુશ્કેલ બની ગઈ છે.”

“મહેરબાની કરીને મારા માટે કોઈ પણ વસ્તુનો ઑર્ડર ન કરો.”

બીજા એક વીડિયોમાં તેમણે વિનંતી કરી હતી કે, “તેઓ ‘કૅશ ઑન ડિલિવરી’થી સામાન મોકલી રહ્યા છે. તેમણે કિડની દાન માટે પણ મારો નંબર આપી દીધો છે.”

“આ જ કારણે હું વિદેશ જઈ રહ્યો છું. કૃપા કરીને કોઈ પણ સામાન મોકલશો નહીં.”

‘100થી વધુ પાર્સલ’ આવી ગયાં

બીબીસી ગુજરાતી

જોકે, વીરમણિનાં પત્ની સુમંગલી વીરમણિની ફરિયાદ છે કે ‘કૅશ ઑન ડિલિવરી’ દ્વારા તેમના ઘરે સામાન આવવાનું હજી પણ ચાલુ છે.

તેમણે જણાવ્યું કે, “મારા પતિ હજી મદુરાઈ પાછા આવ્યા નથી. તેમને ઘરે આવતાં ડર લાગે છે.”

“ઘરે સામાન લઈને આવતા ડિલિવરી એજન્ટો ઓટીપી માગે છે, પરંતુ આ સામાન કોણ મોકલી રહ્યું છે તેની અમને જાણ પણ નથી.”

“હું તેમને આ જ વાત કહું તો કેટલાક લોકો સમજી જાય છે, જ્યારે બીજા કેટલાક ગુસ્સે થઈને ઝઘડવા લાગે છે. આથી મને ઘરની બહાર નીકળતાં પણ ડર લાગે છે.”

સુમંગલીએ કહ્યું કે વીરમણિ અગાઉ મદુરાઈની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.

તેમણે કહ્યું કે, “હવે તેઓ બેરોજગાર છે. તેઓ સતત ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતા રહેતા હતા. મને ક્યારેય કલ્પના નહોતી કે આવી સમસ્યા ઊભી થશે. આ મુશ્કેલીને કારણે મકાનમાલિક અને પાડોશીઓ પણ નારાજ છે. અમે ટૂંક સમયમાં આ ઘર ખાલી કરી દઈશું.”

એક ખાનગી ડિલિવરી કંપનીના કર્મચારી અરુણ (નામ બદલ્યું છે)ના જણાવ્યા અનુસાર, વીરમણિના નામે 100થી વધુ પાર્સલ આવ્યાં છે, પરંતુ હજી સુધી તે પહોંચાડવામાં આવ્યાં નથી.

તેમણે કહ્યું કે, “અમે જે ‘કૅશ ઑન ડિલિવરી’ના ઑર્ડર લઈને જઈએ છીએ, તે પાછા આવે ત્યારે અમારી કામગીરી પર અસર પડે છે.”

“તેને પહોંચાડવા માટે અમારે ઘણી મહેનત કરવી પડે છે અને પેટ્રોલનો ખર્ચ પણ થાય છે.”

“એક જ દિવસમાં વીરમણિના ઘરનાં સરનામે 30થી 40 વસ્તુઓ પહોંચાડવાની હોય ત્યારે કર્મચારીઓ તે કામ સ્વીકારવાનો ઇનકાર કરે છે અથવા તેનાથી છટકવાનો પ્રયાસ કરે છે.”

‘પ્રસિદ્ધ થવાની લ્હાયમાં…’ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો પોસ્ટ કરતા

સાયબર સુરક્ષા નિષ્ણાત અને વકીલ બાલુએ જણાવ્યું કે,”સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે લોકો વગર વિચાર્યે આવાં કામ કરે છે. આજના ઑનલાઇન વિશ્વમાં અજાણતાં પણ જાહેર કરેલી નાનામાં નાની માહિતી ગંભીર ગુનાઓનું કારણ બની શકે છે.”

તેમણે કહ્યું, “આવી સમસ્યાઓ પાછળનું એક કારણ એ છે કે લોકોને ડેટા પ્રાઇવસી એટલે કે માહિતીની ગોપનીયતા શું છે અને તેની શી અસરો થઈ શકે છે, તેની પૂરતી સમજ નથી.”

“કોઈને ‘કૅશ ઑન ડિલિવરી’ પદ્ધતિથી લાખો રૂપિયાની વસ્તુઓ સતત મોકલવી એ માનસિક સતામણી છે.”

બાલુએ કહ્યું કે, “તેને રોકવા માટે પોલીસમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી શકાય છે. જોકે, માત્ર કેસ નોંધાવવાથી આવા ઑર્ડર સંપૂર્ણપણે અટકી જાય એવું નથી.”

“પરંતુ ફરિયાદ દ્વારા આ પાર્સલ કોણે મોકલ્યાં છે તે જાણી શકાય છે.”

ઑનલાઇન ફૅક્ટ-ચેકિંગના નિષ્ણાત મુરલીકૃષ્ણન ચિન્નાદુરાઈએ જણાવ્યું, “આ રીતે જાહેરમાં ઘરનું સરનામું અને ફોન નંબર આપવાથી નાણાકીય છેતરપિંડી થઈ શકે છે.”

“આ માહિતીનો ઉપયોગ કરીને બનાવટી ઓળખપત્રો પણ તૈયાર કરી શકાય છે.”

તેમણે કહ્યું, “આપણે કઈ માહિતી કોની સાથે વહેંચીએ છીએ તે ખૂબ મહત્ત્વનું છે. આપણે એ પણ નક્કી કરવું જોઈએ કે કયા હેતુથી માહિતી આપી રહ્યા છીએ અને તેનો ઉપયોગ ખરેખર એ જ હેતુ માટે થઈ રહ્યો છે કે નહીં.”

તેમણે વધુમાં કહ્યું, “સોશિયલ મીડિયા પર પોતાની અંગત વિગતો જરૂર કરતાં વધુ જાહેર કરવાથી અનેક રીતે નુકસાન થઈ શકે છે. તેથી સોશિયલ મીડિયા પર શું કહેવું અને શું ન કહેવું તે અંગે સ્વ-નિયંત્રણ રાખવું જરૂરી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS