Home તાજા સમાચાર gujrati JIO IPO : જ્યારે ઘીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા અને સામાન્ય...

JIO IPO : જ્યારે ઘીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા અને સામાન્ય લોકો શૅરબજારમાં રોકાણ કરતા થઈ ગયા

6
0

Source : BBC NEWS

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

રિલાયન્સ ગ્રૂપની ટેલિકૉમ કંપની જિયો પ્લૅટફૉર્મ્સનો મેગા આઈપીઓ હાલમાં દેશવિદેશમાં ચર્ચામાં છે. કંપની 30,213 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લાવી છે. જેમાં કંપનીનું મૂલ્ય 10.3 લાખ કરોડ રૂપિયા (લગભગ 108 અબજ ડૉલર) આંકવામાં આવે છે.

દરમિયાન જિયો પ્લૅટફૉર્મ્સનો આઈપીઓએ એક પછી એક નવા રેકૉર્ડ્સ બનાવ્યા છે. 23 ઑક્ટોબર, શુક્રવારે આઈપીઓ ભરવાનો છેલ્લો દિવસ હતો અને Moneycontrol.comના જણાવ્યા પ્રમાણે આ ઇશ્યૂ લગભગ 22.19 ગણો છલકાયો છે.

બુધવારે આઈપીઓ ખુલ્યો ત્યારે પહેલી 100 મિનિટમાં જ છલકાઈ ગયો હતો.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે જિયો પ્લૅટફૉર્મ્સનો મેગા આઈપીઓ વિશ્વમાં આવેલો પ્રથમ પબ્લિક ઇશ્યૂ છે જેને એક કરોડ કરતાં વધુ ઍપ્લિકેશન મળી છે. ભારતમાં અગાઉ ‘વારી ઍનર્જી’ના આઈપીઓને 97 લાખ અરજીઓ મળી હતી.

1977માં રિલાયન્સ જૂથનો પહેલો આઇપીઓ

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

રિલાયન્સ જિયોના આઈપીઓની આટલી બધી ચર્ચા ચાલે છે ત્યારે એ જાણવું રસપ્રદ બનશે કે આજથી 49 વર્ષ અગાઉ રિલાયન્સ જૂથ પહેલો આઈપીઓ લાવ્યું ત્યારે કેવો માહોલ હતો અને રોકાણકારોને તેમાંથી કેટલી કમાણી થઈ હતી?

પ્રથમ પેઢીના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત રિલાયન્સ જૂથનો સૌથી પહેલો આઈપીઓ 1977માં આવ્યો હતો અને તે સમયે કંપનીનું નામ રિલાયન્સ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હતું. રેકૉર્ડ દર્શાવે છે કે 15થી 17 નવેમ્બર 1977 દરમિયાન ધીરુભાઈ 2.80 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવ્યા હતા અને 23 જાન્યુઆરી, 1978ના રોજ બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ અને અમદાવાદ સ્ટૉક એક્સ્ચેન્જ પર રિલાયન્સ ટેક્સ્ટાઇલના શૅર લિસ્ટ થયા હતા.

ફૉર્ચ્યુન ઇન્ડિયા મૅગેઝિનના તાજેતરના અહેવાલ મુજબ રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના 10 રૂપિયાના 28.2 લાખ શૅરનો ઇશ્યૂ 7.19 ગણો ભરાયો હતો. કંપનીને લગભગ 58 હજાર શૅરહોલ્ડરો મળ્યા હતા. ટ્રેડિંગના પ્રથમ દિવસે જ શૅરમાં 17થી 18 રૂપિયા સુધીના ભાવે સોદા થયા હતા, એટલે કે લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને 70થી 80 ટકા નફો મળ્યો હતો. ઇશ્યૂની ખાસ વાત એ હતી કે ધીરુભાઈએ કોઈ પણ પ્રીમિયમ લીધા વગર 10 રૂપિયાની ફેસ વૅલ્યૂ પર જ શૅર ઑફર કર્યા હતા.

આ કોઈ નવા શૅરનો ઇશ્યૂ ન હતો, પરંતુ કંપનીના પ્રમોટરો ધીરુભાઈ અંબાણી અને તેમના ભાઈ નટવરલાલ અંબાણીએ પોતાના હિસ્સાના શૅર વેચ્યા હતા.

1985માં રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સનું નામ બદલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરવામાં આવ્યું હતું.

1976-1977નો કંપનીનો વાર્ષિક રિપોર્ટ દર્શાવતો હતો કે, આઈપીઓમાં 57,949 શૅરહોલ્ડર નોંધાયા હતા જેમાંથી 56,129 શૅરહોલ્ડરો પાસે 200 સુધી શૅર હતા, 1,647 શૅરધારકો પાસે 225થી 1000 વચ્ચે શૅર હતા અને 125 શૅરધારકો પાસે 1,050થી 5,000 શૅર હતા. 48 શૅરધારકો પાસે 5,000 કરતાં વધુ શૅર હતા.

10 રુપિયાની ફેસ વૅલ્યૂ સામે 17થી 18ના ભાવે લિસ્ટ થયા પછી તે જ વર્ષમાં શૅરનો ભાવ વધીને 50 રૂપિયા થયો, બે વર્ષ પછી 104 થયો અને ચાર વર્ષમાં 186 રૂપિયા થયો હતો.

રોકાણકારો કેટલું કમાયા?

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

ફૉર્ચ્યુન ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રિલાયન્સના 1977ના આઇપીઓ વખતે 1,000 રૂપિયા રોકીને 100 શૅર ખરીદ્યા હોય, તો આજે તમામ બૉનસ અને શૅરના ભાવના વધારાને ધ્યાનમાં લેતા રોકાણનું મૂલ્ય લગભગ 50 લાખ રૂપિયા થાય. આ ઉપરાંત આટલાં વર્ષો દરમિયાન કંપનીએ આપેલું ડિવિડન્ડ અલગ ગણવું પડે.

તાજેતરમાં કોટક મહિન્દ્રા બૅન્કના સ્થાપક ઉદય કોટકે જિયોના એક કાર્યક્રમમાં રિલાયન્સ ટૅક્સ્ટાઇલ્સના આઈપીઓને યાદ કરતા કહ્યું કે “1977માં હું 18 વર્ષનો હતો ત્યારે મુંબઈમાં ચોપાટી અને મરીન ડ્રાઇવને રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સના માર્કેટિંગ કૅમ્પેઇન માટે શણગારવામાં આવ્યાં હતાં. મારા માટે તે એક જાદુઈ ક્ષણ હતી.”

એસએમસી ગ્લોબલ સિક્યૉરિટીઝના ડાયરેક્ટર અને સીઈઓ અજય ગર્ગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ વખતે પહેલી વખત નાનાં શહેરના લોકો પણ શૅરબજારમાં રોકાણ કરતા થયા.

1977ના સમયમાં ભારતના મધ્યમ વર્ગના લોકો મોટા ભાગે સોનું, જમીન કે પછી બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં જ નાણાં રોકવાનું પસંદ કરતા. શૅરબજાર માત્ર મુંબઈના ગણ્યા-ગાંઠ્યા મોટા બ્રૉકર્સ અને ધનિકો પૂરતું મર્યાદિત હતું. પરંતુ ધીરુભાઈએ પોતાના એજન્ટોને ગુજરાત અને દેશના નાનાં-નાનાં શહેરોમાં મોકલ્યા હતા.

ધીરુભાઈ જ્યારે રોકાણકારોના ‘સ્ટાર’ બન્યા

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

ઑસ્ટ્રેલિયન પત્રકાર અને લેખક હેમિશ મૅક્ડૉનાલ્ડે ધીરુભાઈના જીવન પર “ધ પૉલિએસ્ટર પ્રિન્સઃ ધ રાઇઝ ઑફ ધીરુભાઈ અંબાણી” નામે જીવનચરિત્ર લખ્યું હતું. આ પુસ્તક 1998માં પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે ‘ગુરુ ઑફ ધ ઇક્વિટી કલ્ટ’ પ્રકરણમાં 1977ના રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સના આઈપીઓ વિશે વાત કરી છે.

તેઓ લખે છે કે “ઇંદિરા ગાંધી બીજી વખત વડાં પ્રધાન બનીને આવ્યાં તે ધીરુભાઈ અંબાણી માટે સોનેરી સમય હતો. વાર્ષિક સેલ્સની રીતે જોવામાં આવે તો 1979માં તેમની કંપની ભારતની ટોચની 50 કંપનીઓમાં પણ ન હતી, પરંતુ 1984 સુધીમાં રિલાયન્સ એ ભારતની ટોચની પાંચ કંપનીઓમાં ગણાવા લાગી. ધીરુભાઈ પોતે ભારતની એટલી જાણીતી વ્યક્તિ બની ગયા કે એક બિઝનેસમૅનના બદલે ક્રિકેટર અથવા ફિલ્મસ્ટાર જેવું તેમનું પર્સનલ ફૉલોઇંગ થઈ ગયું.”

પુસ્તકમાં જણાવાયા પ્રમાણે “1970ના દાયકામાં ધીરુભાઈએ વિસ્તરણ ક્ષમતા વધારી હતી અને હવે મૂડી એકઠી કરવા માટે તૈયારી કરી હતી. ધીરુભાઈએ કર્ણાટકમાં માયનાઇલોન લિમિટેડ નામે કંપની શરૂ કરી હતી. 1975માં ધીરુભાઈએ કર્ણાટક અને બૉમ્બે હાઇકોર્ટની મંજૂરી લીધી અને રિલાયન્સ તથા માયનાઇલોનને ભેળવી દીધી. તેમાં માત્ર 11 હજાર રૂપિયાની પેઇડ-અપ કૅપિટલ ધરાવતી માયનાઇલોને છ કરોડ રૂપિયાની ઍસેટ ધરાવતી રિલાયન્સની તમામ ઍસેટ અને લાયેબિલિટી લઈ લીધી.

માર્ચ 1977માં કંપની બેંગલોર(હાલનું બૅંગ્લુરુ)થી ફરી બૉમ્બે ગઈ અને તેનું નામ બદલીને રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ કરવામાં આવ્યું.”

ઑક્ટોબર – નવેમ્બર 1977માં રિલાયન્સ પ્રથમ આઈપીઓ લાવી જેમાં ધીરુભાઈ અને તેમના નાના ભાઈ નાથુભાઈના હોલ્ડિંગમાંથી શૅર વેચવામાં આવ્યા. ત્યાર પછી નિયિત અંતરે રિલાયન્સે રાઇટ્સ અને બૉનસ ઇશ્યૂ દ્વારા પોતાનો ઇક્વિટી બેઝ વધાર્યો. નાણાકીય સંસ્થાઓએ સપ્ટેમ્બર 1979માં પોતાની 20 ટકા લોનને ઇક્વિટીમાં રૂપાંતરિત કરી દીધી.

આ પુસ્તક મુજબ “1980માં ભારતમાં શૅર ધરાવતા લોકોની સંખ્યા 10 લાખથી પણ ઓછી હતી તે 1985 સુધીમાં વધીને 40 લાખ સુધી પહોંચી હતી. તેમાંથી એકલા રિલાયન્સના શૅરધારકોની સંખ્યા 10 લાખથી વધુ હતી. ભારતમાં દર ચારમાંથી એક શૅરધારક પાસે રિલાયન્સના શૅર હતા. ખાસ કરીને ગુજરાતમાં ધીરુભાઈને એક ‘હીરો’ જેવું સ્ટેટસ મળ્યું હતું.”

મિડલ ક્લાસ શૅરમાં રોકાણ કરતો થયો

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

નાના પાયેથી શરૂઆત કરીને બિઝનેસ સામ્રાજ્ય સ્થાપનાર ધીરુભાઈ અંબાણીના કારણે જ ભારતમાં નાના રોકાણકારો શૅરબજાર તરફ આકર્ષાયા એવું માનવામાં આવે છે.

રિલાયન્સ ગ્રૂપની વેબસાઇટ મુજબ ધીરુભાઈએ સૌથી પહેલાં પોતાનો વેપાર શરૂ કર્યો ત્યારે તેમના હાથમાં માંડ 14 હજાર રૂપિયા હતા. ત્યાર પછી સાડા ત્રણ દાયકામાં રિલાયન્સનું કદ વધીને 60 હજાર કરોડ સુધી પહોંચ્યું હતું અને ફૉર્ચ્યુન 500 લિસ્ટમાં સામેલ થયેલી પ્રથમ ભારતીય ખાનગી કંપની બની હતી.

રિલાયન્સે સામાન્ય લોકોને શૅરબજારમાં રસ લેતા કર્યા તે અગાઉ ભારતીય બજારમાં નાણાકીય રીતે સદ્ધર બહુ નાનો વર્ગ જ મૂડી રોકતો હતો.

રિલાયન્સ જૂથની વેબસાઇટ પર આપેલી ધીરુભાઈ અંબાણીની પ્રોફાઇલ મુજબ 1932માં ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે ધીરુભાઈનો જન્મ થયો હતો.

1949માં 17 વર્ષની ઉંમરે તેઓ રોજગારની શોધમાં એડન (આજના યમન) ગયા હતા અને એક કંપનીમાં ડિસ્પેચ ક્લાર્ક તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી તેમને એડનના બંદર પર એક પેટ્રોલ પંપનું સંચાલન સોંપાયું હતું.

1958માં તેઓ ભારતમાં પેટ્રોકેમિકલ બિઝનેસ શરૂ કરવાના સપના સાથે સ્વદેશ પરત ફર્યા અને મસાલાના ટ્રેડિંગમાં રિલાયન્સ કૉમર્શિયલ કૉર્પોરેશન નામે કંપની સ્થાપી. 1962માં તેમને યાર્નના વેપારમાં તક દેખાઈ તેથી 1965માં તેમણે કંપનીનું નામ બદલીને રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રાખી દીધું.

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

1966માં તેમણે અમદાવાદ નજીક નરોડામાં એક જમીનનો ટુકડો ખરીદ્યો અને ત્યાં કાપડ મિલ શરૂ કરી. 1975માં વર્લ્ડ બૅન્કની એક ટેકનિકલ ટીમે નરોડાની મિલને ભારતમાં બેસ્ટ કમ્પોઝિટ ટેક્સ્ટાઇલ મિલનું પ્રમાણપત્ર આપ્યું.

ત્યાર બાદ 1977માં રિલાયન્સ ટેક્સ્ટાઇલનો આઈપીઓ આવ્યો અને પછી જે થયું તે ઇતિહાસ છે.

તે સમયે મોટા ભાગના લોકો શૅરબજારથી દૂર રહેતા અને તેને જુગાર સમજતા. ધીરુભાઈએ મૂડી માટે બૅન્ક લોન લેવાના બદલે આઇપીઓ લાવવાનો નિર્ણય લીધો તેને બહુ બોલ્ડ નિર્ણય ગણવામાં આવે છે.

રિલાયન્સ ટેક્સ્ટાઇલ્સના ઇશ્યૂ વખતે ધીરુભાઈ મિડલ ક્લાસના રોકાણકારોને પોતાના રૂપિયા તેમના આઇપીઓમાં લગાવવા માટે સમજાવી શક્યા. ત્યાર બાદ તેમણે જાહેરમાં રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા (એજીએમ) યોજવાનું શરૂ કર્યું જેમાં હજારો રોકાણકારો જાતે ભાગ લેતા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે, 1986માં મુંબઈના ક્રૉસ મેદાનમાં રિલાયન્સની એજીએમ યોજાઈ ત્યારે તેમાં લગભગ 35 હજાર શૅરધારકો હાજર રહ્યા હતા.

6 જુલાઈ, 2002ના રોજ 69 વર્ષની વયે ધીરુભાઈનું મુંબઈમાં અવસાન થયું હતું.

49 વર્ષ અગાઉ ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પહેલો આઈપીઓ લાવ્યા ત્યારે કેવો માહોલ હતો? રોકાણકારો કેટલું કમાયા?

1999માં રિલાયન્સે જામનગરમાં પોતાની ઑઇલ રિફાઇનરી શરૂ કરી, જે ભારતના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક છે. તાજેતરમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ પણ તેની મુલાકાત લીધી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી રિલાયન્સ પાવરનો 2008માં અને રિલાયન્સ નિપ્પોન લાઇફ ઍસેટ મૅનેજમેન્ટનો 2017માં આઇપીઓ આવ્યો હતો, પરંતુ આ બંને મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપનીઓ હતી.

49 વર્ષ અગાઉ ધીરુભાઈની આગેવાનીમાં પબ્લિક ઇશ્યૂ લાવનાર રિલાયન્સ જૂથ હવે ઘણું બદલાઈ ગયું છે. એક સમયે જેની શરૂઆત ટેક્સ્ટાઈલ કંપની તરીકે થઈ હતી, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે પેટ્રોકેમિકલ્સ, રિફાઇનિંગ, ઍનર્જી, ટેલિકૉમ, રિટેલ, ડિજિટલ સર્વિસ અને મીડિયા સહિતનાં ક્ષેત્રોમાં હાજર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS