Home તાજા સમાચાર gujrati અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી...

અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી લહેરને વેગ મળશે?

4
0

Source : BBC NEWS

મેટા ગ્લાસીસ અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી લહેરને વેગ મળશે? બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“મને એમ લાગ્યું કે જાણે હું ફરી શાળામાં આવી ગયો હોઉં અને ત્યાં કોઈ મને હેરાન કરતું હોય, પરંતુ હવે આ બધું આટલા મોટા પાયે થઈ રહ્યું હતું.”

દિલ્હીમાં રહેતા 29 વર્ષના ટ્રાન્સજેન્ડર સ્કાયે કહ્યું કે, AIથી સંચાલિત સ્માર્ટ ચશ્માં દ્વારા તેમની જાણ બહાર વીડિયો ઉતારવામાં આવ્યો હતો. પોતાના અનુભવનું વર્ણન કરતાં તેમણે આ વાત કહી હતી.

આ ઘટના એપ્રિલમાં બની હતી. એ વખતે સ્કાય દિલ્હીના જંતરમંતર ખાતે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એમેન્ડમેન્ટ ઍક્ટ, 2026ના વિરોધમાં યોજાયેલાં પ્રદર્શનમાં હાજર હતાં.

સ્કાયના જણાવ્યાં અનુસાર, એક વ્યક્તિ તેમની પાસે આવી અને તેમને ‘અનિરુદ્ધાચાર્ય’ અને ‘પૂકી બાબા’ કહીને બોલાવવા લાગી. આ બંને નામો એક લોકપ્રિય હિંદુ આધ્યાત્મિક ઉપદેશક સાથે સંકળાયેલાં છે.

આ ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હોવાની જાણ સ્કાયને એક મહિના પછી થઈ, જ્યારે આ ઘટનાની એક રીલ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ.

એ જ પ્રદર્શનમાં એ જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી વ્યક્તિએ શબનમનો પણ છૂપી રીતે વીડિયો ઉતાર્યો હતો. શબનમ ટ્રાન્સફેમિનિન ગ્રાફિક ડિઝાઇનર છે.

શબનમના વીડિયો પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓમાં તેમને ‘ગંજી ચૂડેલ’ અથવા ‘ટકલી ડાકણ’ કહેવામાં આવ્યાં હતાં.

આગામી થોડા દિવસોમાં સ્કાયે જોયું કે આ બંને વીડિયોની થોડીક સેકન્ડની ક્લિપ્સને અન્ય કેટલાંક અકાઉન્ટ્સે ઍડિટ કરીને ફરીથી મૂકી હતી અને તેના પરથી મીમ્સ બનાવ્યાં હતાં. પરિણામે, વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ વીડિયોને લાખો વ્યૂ મળ્યા હતા.

સ્કાય કહે છે કે આ વીડિયોઝ અને તેના પર કરવામાં આવેલી ટિપ્પણીઓથી તેમને પોતે અપમાનિત થયાં હોવાની લાગણી થઈ હતી. તેના કારણે તેમને ભારે તણાવનો સામનો કરવો પડ્યો હતો અને ઑનલાઇન હેરાનગતિ પણ થઈ હતી. ડેટિંગ ઍપ્સ પર અજાણ્યા લોકો દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવતી હતી અને વાસ્તવિક જીવનમાં પણ તેમને આવી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટના જાહેર સ્થળોએ લોકોની જાણ અથવા સંમતિ વિના સોશિયલ મીડિયા માટે છૂપી રીતે વીડિયો ઉતારવા સ્માર્ટ ચશ્માંનો ઉપયોગ કરવાના વધતા જતા વલણનું એક ઉદાહરણ છે.

‘જાહેર સ્થળોએ જતાં હવે હું સતત આશંકામાં રહું છું’

પ્રતીકાત્મક તસવીર મેટા ગ્લાસીસ અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી લહેરને વેગ મળશે? બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ ત્રણ લોકો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આવી ઘટનાઓની તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે.

આ ત્રણ લોકોમાં કોલકાતાનાં 35 વર્ષનાં લેક્ચરર બિદિશાનો પણ સમાવેશ થાય છે. તેમણે કરેલી ફરિયાદને પગલે એક વ્યક્તિની ધરપકડ પણ થઈ છે. ભારતમાં આ પ્રકારનો પોલીસ કેસ કદાચ આ પહેલવહેલો જ હોવાનું માનવામાં આવે છે.

11 જૂનની સાંજે બિદિશા શહેરની એક ઝાંખા પ્રકાશવાળી ગલીમાંથી પોતાના ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે એક વ્યક્તિએ તેમનો રસ્તો રોક્યો. તેણે બિદિશાનાં દેખાવનાં વખાણ કર્યાં, તેમનું ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ માગ્યું અને તેમની સાથે વાત કરવાનો આગ્રહ કર્યો. બિદિશાએ તેની વાત નકારી હોવા છતાં તે વારંવાર આગ્રહ કરતો રહ્યો. આખરે બિદિશા ત્યાંથી નીકળી જવામાં સફળ રહ્યાં.

“તેના હાથમાં એવું કોઈ ઉપકરણ કે કૅમેરા દેખાતો નહોતો, જેના પરથી વીડિયો ઉતારવામાં આવી રહ્યો હોવાનું જણાય,” બિદિશાએ બીબીસીને કહ્યું.

બીજા દિવસે બિદિશાના એક વિદ્યાર્થીએ તેમને જણાવ્યું કે આ મુલાકાતનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ફરી રહ્યો છે.

બિદિશાને જાણવા મળ્યું કે તે વ્યક્તિ તેમની પાછળ ચાલતાં ચાલતાં છૂપી રીતે તેમનો વીડિયો ઉતારી રહી હતી. અને ત્યાર પછી તેમની વચ્ચે થયેલી આખી વાતચીત પણ રેકૉર્ડ કરી હતી. વીડિયોમાં એ વ્યક્તિનો આક્રમક આગ્રહ અને બિદિશાની અસ્વસ્થતા દર્શાવતો ભાગ ઍડિટ કરીને કાઢી નાખવામાં આવ્યો હતો. તેના કારણે એવું દેખાતું હતું કે બંને વચ્ચે આનંદપૂર્વક અને પરસ્પર સંમતિથી વાતચીત થઈ રહી હતી.

બિદિશાનો વીડિયો ઉતારનાર વ્યક્તિએ તેને ‘વરિષ્ઠ મહિલાઓનો સંપર્ક કેવી રીતે કરવો’ એ અંગેના ટ્યુટોરિયલ તરીકે પોસ્ટ કર્યો હતો. વીડિયોની કોમેન્ટ્સમાં અનેક પુરુષો બિદિશાના શારીરિક દેખાવ વિશે ટિપ્પણીઓ કરી રહ્યા હતા અને રસ્તા પર મહિલાઓનો સંપર્ક કેવી રીતે કરવો તેનું “કોચિંગ” માગી રહ્યા હતા.

બિદિશાને ખબર જ નહોતી કે એ વ્યક્તિએ સ્માર્ટ ચશ્માં પહેર્યાં હતાં. તેમના મિત્રોએ એ વાત તરફ ધ્યાન દોર્યું ત્યારે તેમને આની જાણ થઈ.

બિદિશા પોતે કોઈ સોશિયલ મીડિયા વાપરતાં નથી. તેથી તેમણે તરત વીડિયો જોયો નહોતો કે તેની નીચેની ટિપ્પણીઓ પણ જોઈ નહોતી. શરૂઆતમાં તેમણે આ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ તેમના કેટલાક મિત્રો અને વિદ્યાર્થીઓએ વીડિયોની કેટલીક ચિંતાજનક ટિપ્પણીઓ અને એ હકીકત તરફ તેમનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ વીડિયોનું મૉનિટાઇઝેશન કરીને તેમાંથી કમાણી કરી રહી હોય એમ બની શકે છે. ત્યાર પછી તેમને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ.

ભારતમાં કાયદાકીય માળખું કેટલું સજ્જ?

મેટા ગ્લાસીસની એક તસવીર મેટા ગ્લાસીસ અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી લહેરને વેગ મળશે? બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“ખાસ તો હું એ બાબતે પરેશાન થઈ ગઈ હતી કે મહિલાઓને માત્ર ઉપભોગની વસ્તુ ગણતી અને તેમને વશમાં કરવાની માનસિકતા ધરાવતા ‘પિક-અપ આર્ટિસ્ટ’ના કોઈ કાવતરાનો આ ભાગ હતો.” તેમણે કહ્યું.

ઑગસ્ટમાં જાહેર સ્થળે અન્ય એક યુવક હાથમાં ફોન લઈને તેમની પાસે આવ્યો. ફરી કોઈ છૂપી રીતે તેમનો વીડિયો રેકૉર્ડ કરવાનો પેંતરો કરી રહ્યું હોવાની આશંકાથી બિદિશા ગભરાઈ ગયાં અને ત્યાંથી ભાગી ગયાં. આ ઘટના પછી તેમણે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો. જોકે, ફરિયાદ નોંધાવવાનું પણ તેમના માટે સરળ નહોતું.

તેમના જણાવ્યા અનુસાર, પોલીસે શરૂઆતમાં એફઆઈઆર નોંધવામાં આનાકાની કરી હતી. પોલીસે તેમને એવા પ્રશ્નો પણ પૂછ્યા કે તેઓ પરણેલાં છે કે નહીં અને આરોપીને વ્યક્તિગત રીતે ઓળખે છે કે નહીં. કલાકો સુધી આગ્રહ કર્યા પછી આખરે તે વ્યક્તિ સામે ખોટી રીતે રસ્તો રોકવા, મહિલા પર છૂપી રીતે નજર રાખવા અને પીછો કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી.

આ કેસના તપાસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે એફઆઈઆર નોંધાયાના થોડા દિવસ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને એક દિવસ માટે તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો અને પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

ટૅક્નૉલૉજી ક્ષેત્રનાં વકીલ અને ઑનલાઇન નાગરિક સ્વતંત્રતાનાં કાર્યકર મિશી ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે એઆઈ સ્માર્ટ ચશ્માંની મદદથી થતા છૂપાં રેકૉર્ડિંગના દુરુપયોગની સંભાવના હોવા છતાં ભારતમાં તેનો સામનો કરવા માટેનું કાનૂની માળખું હજુ પૂરતું સજ્જ નથી. તેમણે નોંધ્યું કે આવી રીતે વીડિયો ઉતારવાનું “ઘણી વખત અત્યંત અનૈતિક હોય છે, પરંતુ કાયદા હેઠળ સ્પષ્ટ રીતે ગેરકાયદેસર નથી.”

તેમના જણાવ્યા અનુસાર, વીડિયોમાં શું છે તેના આધારે બદનક્ષી, મહિલા પર છૂપી રીતે નજર રાખવી, પીછો કરવો અથવા ગુનાહિત ધમકી આપવા જેવા ગુનાઓ લાગુ પડી શકે છે. પરંતુ જાહેર સ્થળે કોઈની જાણબહાર વીડિયો ઉતારવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકતો કોઈ ચોક્કસ કાયદો ન હોવાથી, ગોપનીયતાના ભંગના પ્રશ્ને આવી ઘટનાઓ “ગ્રે એરિયા”(અસ્પષ્ટ સ્થિતિ)માં આવી જાય છે.

દરમિયાન, આવી ઘટનાઓની માનવીય કિંમત ગંભીર હોઈ શકે છે. બિદિશા કહે છે કે આ ઘટનાએ તેમને “અત્યંત શંકાશીલ” બનાવી દીધાં છે અને હવે જાહેર સ્થળોએ જતાં પણ તેમને ફિકર થવા લાગી છે.

કન્ટેન્ટ હઠાવવા માટે પણ ભારે સંઘર્ષ

મેટા કંપનીનો લોગો મેટા ગ્લાસીસ અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી લહેરને વેગ મળશે? બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

છૂપી રીતે જેમનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો એ ત્રણેય લોકોએ બીબીસીને જણાવ્યું કે આવા કન્ટેન્ટને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી હટાવવું અત્યંત મુશ્કેલ છે.

મેટાની કન્ટેન્ટ પૉલિસી હેરાનગતિ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર કોઈ કન્ટેન્ટની ફરિયાદ કરવા માટેની વ્યવસ્થામાં ગોપનીયતાના ભંગ અથવા સ્માર્ટ ચશ્માં દ્વારા કોઈની સંમતિ વિના વીડિયો ઉતારવા માટે અલગ શ્રેણી નથી. તેથી યુઝર્સે પોતાની ફરિયાદ “બુલિંગ અને હેરેસમેન્‍ટ”ની શ્રેણી હેઠળ નોંધાવવી પડે છે.

સ્કાય અને શબનમે ઇન્સ્ટાગ્રામની કોમ્યુનિટી ગાઇડલાઇન્સનો ભંગ કરતા કન્ટેન્ટ તરીકે આ વીડિયો બાબતે ઇન્સ્ટાગ્રામની આંતરિક ફરિયાદ-વ્યવસ્થા મારફતે જાણ કરી હતી. છતાં, આ વીડિયો લગભગ એક મહિના સુધી ઑનલાઇન રહ્યા.

આખરે મુંબઈસ્થિત રતિ ફાઉન્ડેશનના હસ્તક્ષેપ પછી મૂળ ઍકાઉન્ટ પરથી આ વીડિયો હટાવવામાં આવ્યા હતા. આ સંસ્થા મહિલાઓ, બાળકો અને હાંસિયામાં ધકેલાયેલા જેન્ડરના લોકો માટે સુરક્ષિત જગ્યાઓ ઊભી કરવા માટે કામ કરે છે. મેટાના સૅફ્ટી પાર્ટનર તરીકે આ સંસ્થાને ફરિયાદો માટેની વિશેષ વ્યવસ્થાનો ઉપયોગ કરવાની સુવિધા હોવાથી જ તે આ વીડિયો હટાવવામાં સફળ થઈ હતી.

જોકે, આ વીડિયોનાં ઍડિટ કરાયેલાં સંસ્કરણો હજુ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે.

બિદિશાનો વીડિયો બે મહિનાથી વધુ સમય સુધી ઑનલાઇન રહ્યો અને તેને 25 લાખ વખત જોવામાં આવ્યો હતો. તેમના મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર નિયમોના ઉલ્લંઘન બદલ તેની ફરિયાદ કરી હોવા છતાં વીડિયો હટાવવામાં આવ્યો નહોતો. આખરે બિદિશાએ પોલીસનો સંપર્ક કર્યા પછી એક પોલીસ અધિકારીએ વીડિયો બનાવનાર વ્યક્તિને સીધો ફોન કર્યો અને ત્યાર પછી જ તેણે વીડિયો હટાવ્યો.

પુણેમાં બનેલી એક અલગ ઘટનામાં બે કિશોરીઓની સંમતિ વિના એઆઈ ચશ્માંથી તેમનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ પૈકીની એક કિશોરી સગીર વયની હતી. આ કેસમાં રતિ ફાઉન્ડેશન ત્રણ દિવસમાં વીડિયો હટાવવામાં સફળ રહ્યું હતું.

જોકે, આ વીડિયો પોસ્ટ કરનારાં ઍકાઉન્ટ્સ હજુ સક્રિય છે. તેઓ આસપાસના લોકોની સંમતિ વિના સ્માર્ટ ચશ્માંથી ઉતારવામાં આવ્યા હોય એવા વીડિયો પોસ્ટ કરવાનું ચાલુ રાખે છે અને આ વીડિયોને લાખો વ્યૂઝ મળે છે.

આ પૈકીનાં બે ઍકાઉન્ટ્સના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં 3.9 લાખથી 4.4 લાખ જેટલા ફૉલોઅર્સ છે. એમાંના એક ઍકાઉન્ટે ટ્રાન્સ લોકોનો, જ્યારે બીજા ઍકાઉન્ટે પુણેની કિશોરીઓનો વીડિયો અપલોડ કર્યો હતો.

બિદિશાનો વીડિયો પોસ્ટ કરનારા ઍકાઉન્ટના પણ 10,000થી વધુ ફૉલોઅર્સ છે.

મુંબઈસ્થિત સંસ્થા પૉઇન્ટ ઑફ વ્યૂ ખાતે ડિજિટલ રાઇટ્સ હેલ્પલાઇનનાં સહ-વ્યવસ્થાપક છાયા રાજપૂતે જણાવ્યું કે ભારતમાં ગોપનીયતાના ભંગના કિસ્સામાં સાંસ્કૃતિક સંદર્ભને સમજવામાં ઑટોમેટેડ મૉડરેશન સિસ્ટમ ઘણી વાર નિષ્ફળ જાય છે. પૉઇન્ટ ઑફ વ્યૂ ડિજિટલ ક્ષેત્રમાં જેન્ડર ન્યાય માટે કામ કરે છે.

તેમણે કહ્યું કે ઑટોમેટેડ સિસ્ટમ સામાન્ય રીતે જાતીય કન્ટેન્ટ અથવા નગ્નતા જેવા ગંભીર ઉલ્લંઘનોને જ ઓળખીને હટાવે છે. પરંતુ કોઈ પોસ્ટ સામાન્ય રીતે જોવામાં આવે ત્યારે નિર્દોષ લાગતી હોય તો પણ તેના કારણે કોઈ મહિલા અથવા ક્વિયર વ્યક્તિને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે એમ બની શકે છે.

‘માત્ર દેખાડા પૂરતી તકેદારી’

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની માલિક કંપની મેટાનું કહેવું છે કે તેણે “એઆઈ સ્માર્ટ ચશ્માંની ડિઝાઇન કરતી વખતે શરૂઆતથી જ તેમાં ગોપનીયતાને સામેલ કરી છે.”

મેટાના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું, “દરેક ચશ્મામાં એક કૅપ્ચર એલઈડી હોય છે. તમે સેવ કે શૅર કરી શકો એવો ફોટો કે વીડિયો ઉતારો ત્યારે આ લાઇટ ઝબકે છે. તેને બંધ કરી શકાતી નથી. અને જો કોઈ આ એલઈડીને ઢાંકી દે અથવા તેને નુકસાન પહોંચાડે તો કૅમેરો બંધ થઈ જાય છે.”

જુલાઈમાં ઇન્સ્ટાગ્રામના વડા ઍડમ મોસેરીએ કહ્યું હતું, “તમે લોકોનો ગેરલાભ ઉઠાવતું અને તેમને હેરાન કરતું કન્ટેન્ટ પોસ્ટ કરતા હશો… તો અમે એ કન્ટેન્ટ હટાવી દઈશું. અમે નથી ઇચ્છતા કે લોકો બીજાઓના છૂપી રીતે વીડિયો ઉતારે, તેમને હેરાન કરે અને પછી એ વીડિયો અમારા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરે.”

કંપનીએ બીબીસીને આપેલા નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે તેણે “નિયમોનો ભંગ કરતાં હજારો કન્ટેન્ટ હટાવ્યાં છે” અને “આ પ્રકારના કન્ટેન્ટ સાથે સંકળાયેલી ‘રિઝ’, ‘પિક-અપ આર્ટિસ્ટ’ અને ‘કોલ્ડ ઍપ્રોચ’ જેવી સર્ચ ટર્મ્સ અને હૅશટૅગ્સને બ્લૉક કર્યા છે.”

જોકે, શબનમે એલઈડી લાઇટને ‘માત્ર દેખાડા પૂરતી તકેદારી’ ગણાવી હતી. તેમના મતે, આ વ્યવસ્થા કંપનીઓને પોતાની જવાબદારીમાંથી છટકી જવાની તક આપે છે.

તેમણે કહ્યું, “ચશ્માની એક બાજુએ આવેલી આટલી નાની સફેદ લાઇટ પર ધ્યાન આપવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી. તેનો અર્થ તો એ થયો કે હવે તમારે આસપાસની દરેક વ્યક્તિના ચશ્માં તપાસતા રહેવું પડશે.”

મેટાએ એલઈડી લાઇટ અંગે કરેલા દાવા પર ગયા મહિને ‘ધ ગાર્ડિયન’માં પ્રકાશિત એક અહેવાલમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમાં અમેરિકામાં એવી ઑનલાઇન સેવાઓ કેટલી વ્યાપક છે તેની વાત કરવામાં આવી હતી, જે પૈસા લઈને મેટાના ચશ્માંમાં રહેલી એલઈડી લાઇટ બંધ કરી આપે છે.

મેટાએ જણાવ્યું હતું કે ઑગસ્ટમાં જાહેર કરાયેલા “ટૅમ્પર ડિટેક્શન અપડેટ”ને તે તબક્કાવાર લાગુ કરી રહી છે. આ અપડેટમાં રેકૉર્ડિંગ દરમિયાન કૅપ્ચર એલઈડી ઢાંકી દેવામાં આવે તો તેને ઓળખીને સુરક્ષાવ્યવસ્થાને બાયપાસ થતી અટકાવવામાં આવશે.

નોંધપાત્ર બાબત એ છે કે મેટા સિવાયની કંપનીઓનાં બનાવેલાં કેટલાંક એઆઈ ચશ્માંમાં મેટા દ્વારા જણાવવામાં આવેલી આ સફેદ લાઇટની સુરક્ષા-વ્યવસ્થા કદાચ ન પણ હોય. હાલમાં મેટા સિવાયનાં સૌથી સસ્તાં એઆઈ ચશ્માંની કિંમત લગભગ 11,000 રૂપિયા છે, જ્યારે મેટાનાં સૌથી સસ્તાં એઆઈ ચશ્માં 22,000 રૂપિયામાં મળે છે. એટલે આ ટૅક્નૉલૉજી લોકો માટે વધુ ને વધુ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.

ભારતમાં હાલમાં સ્માર્ટ ચશ્માં ધરાવતા લોકોની ચોક્કસ સંખ્યાની જાણ નથી. જોકે, સંશોધન અને કન્સલ્ટિંગ સંસ્થા સાયબર મિડિયા રિસર્ચના ‘ઇન્ડિયા સ્માર્ટ ગ્લાસિસ માર્કેટ રિવ્યૂ ફૉર CY2025’ અનુસાર, ભારતમાં સ્માર્ટ ચશ્માંનું બજાર 2030 સુધીમાં 32 લાખ એકમને વટાવી જવાની ધારણા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS