Home તાજા સમાચાર gujrati ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ...

ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ શું છે?

4
0

Source : BBC NEWS

ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ શું છે?

સિંહસ્થ 2028ની તૈયારીઓ માટે રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન, ઉજ્જૈનની અંદાજે 650 વર્ષ જૂની માનવામાં આવતી શાહી મસ્જિદને લઈને સોમવારે સવારે લગભગ 10 વાગ્યે વિવાદ વધ્યો.

રવિવાર રાતથી જ છત્રી ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પાસે એકત્ર થયા હતા અને સોમવારે સવારે ભીડ તથા પોલીસ વચ્ચે અથડામણ થઈ, જે થોડા જ સમયમાં હિંસક બની ગઈ.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે વિવાદ મસ્જિદને લઈને નહીં, પરંતુ માર્ગ વિસ્તરણ માટે તેના એક ભાગને તોડવામાં આવવાનો મુદ્દો લઈને છે.

અથડામણ દરમિયાન પથ્થરમારો અને મારામારીની સ્થિતિ સર્જાઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. હાલ શાહી મસ્જિદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત છે.

આ મામલે વાત કરતાં ઉજ્જૈનના કલેક્ટર રોશન સિંહે કહ્યું, “સિંહસ્થ 2028ની તૈયારીઓ માટે માસ્ટર પ્લાન મુજબ માર્ગોનું પહોળીકરણ અને અન્ય નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. તમામ ધર્મો અને સમુદાયોના લોકો પોતાની ઇચ્છાથી તેમાં સહકાર આપી રહ્યા છે.”

“ઘણા લોકો રસ્તાની હદમાં આવતા પોતાનાં મકાનો અથવા ધાર્મિક સ્થળો સ્વયં દૂર કરી રહ્યા છે. છત્રી ચોકમાં રસ્તાની હદમાં આવતો શાહી મસ્જિદનો ભાગ પણ મુસ્લિમ સમાજના લોકો પોતે જ દૂર કરી રહ્યા છે. હું સૌને અપીલ કરું છું કે કોઈપણ અફવામાં ન આવે અને શાંતિ તથા કાયદો-વ્યવસ્થા જાળવવામાં પ્રશાસનને સહકાર આપે.”

બીબીસી સાથે વાત કરતાં ઉજ્જૈનના શહેર કાઝી ખલીક ઉર રહમાને જણાવ્યું, “મસ્જિદ સમિતિ અને જિલ્લા પ્રશાસન વચ્ચે રવિવાર રાત્રે થયેલી ચર્ચા બાદ સમિતિએ તે ભાગને પોતે જ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કેટલીક વ્યક્તિઓ અફવાઓને કારણે રોષમાં છે. તેના કારણે થોડી અથડામણ પણ થઈ હતી, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય છે.”

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આરપીએફના જવાનોને પણ સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ તથા પ્રશાસનિક અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.

જે મસ્જિદનો ભાગ દૂર કરવામાં આવવાનો છે, તે ઉજ્જૈન નગર નિગમ જે માર્ગને 15 મીટર સુધી પહોળો કરવા માંગે છે, તેના પ્રસ્તાવિત એલાઇનમેન્ટ હેઠળ આવે છે.

પ્રશાસનનું કહેવું છે કે સિંહસ્થ દરમિયાન વધતા વાહનવ્યવહાર અને શ્રદ્ધાળુઓની અવરજવરને ધ્યાનમાં લેતા આ કામગીરી જરૂરી છે.

રસ્તા પહોળા કરવાની કામગીરીને લઈને વિવાદ

ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ શું છે?

ઉજ્જૈન નગર નિગમના જણાવ્યા મુજબ, રસ્તા પહોળા કરવાની કામગીરી ઉજ્જૈન વિકાસ યોજના 2035 હેઠળ કરવામાં આવી રહી છે.

શાહી મસ્જિદ પણ રસ્તાના એ જ વિસ્તારમાં આવેલી છે, જેને 15 મીટર સુધી પહોળો કરવાની યોજના બનાવવામાં આવી છે. મસ્જિદનો એક ભાગ આ પ્રસ્તાવિત માર્ગની હદમાં આવે છે.

કાઝી ખલીક ઉર રહમાને જણાવ્યું કે મુસ્લિમ સમુદાય સિંહસ્થનો વિરોધ કરતો નથી.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, “સિંહસ્થ પહેલાં પણ યોજાયો હતો અને આગળ પણ યોજાતો રહેશે. મુસ્લિમ સમુદાય હંમેશાં તેનો સમર્થક રહ્યો છે. અમે માત્ર એટલું કહી રહ્યા છીએ કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા શોધવામાં આવે અને કોઈપણ ધાર્મિક સ્થળને તોડવામાં ન આવે.”

“કારણ કે તેમાંનાં ઘણાં ઐતિહાસિક સ્મારકો છે. હવે શાહી મસ્જિદનું જ ઉદાહરણ લઈએ, તે અંદાજે 650 વર્ષ જૂની છે.”

હાઇકોર્ટે અગાઉ અરજી ફગાવી હતી

ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ શું છે?

આ મામલે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે 9 સપ્ટેમ્બરના પોતાના આદેશમાં, શાહી મસ્જિદના જે ભાગને દૂર કરવાનો નગર નિગમનો નિર્ણય હતો તેને પડકારતી બે અરજીઓ ફગાવી દીધી હતી.

અરજદારોનું કહેવું હતું કે રસ્તા પહોળા કરવાની કાર્યવાહીથી મસ્જિદના નમાઝ સ્થળનો એક ભાગ, અંદાજે 120 ફૂટ ઊંચી મીનાર અને મઝહર ચોક શાહી પ્રભાવિત થશે.

ન્યાયમૂર્તિ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે નગર નિગમે નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને અસરગ્રસ્ત પક્ષોને પોતાની આપત્તિઓ રજૂ કરવાની તક પણ આપી હતી.

મસ્જિદ પક્ષે એવી દલીલ પણ કરી હતી કે ધાર્મિક સ્થળ હોવાને કારણે એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જોકે, અદાલતે આ દલીલ નામંજૂર કરી હતી.

અદાલત સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, આ જ માર્ગ પર આવેલાં દસ મંદિરો અને એક મસ્જિદના ભાગો અગાઉ દૂર કરવામાં આવી ચૂક્યા છે.

અદાલતના આદેશમાં ઉજ્જૈનમાં આશરે 80 ધાર્મિક સ્થળો સાથે સંબંધિત બાંધકામો સામે કરાયેલી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અદાલતે કહ્યું હતું કે માત્ર એટલા માટે કે સંબંધિત મિલકત ધાર્મિક સ્થળ છે, નગર નિગમની કાર્યવાહી મનમાની ગણાવી શકાય નહીં.

સિંહસ્થની તૈયારીઓ વચ્ચે વિવાદ

ઉજ્જૈનમાં 650 વર્ષ જૂની શાહી મસ્જિદની બહાર અથડામણ; રસ્તો પહોળો કરવાનો વિવાદ શું છે?

દેશ અને દુનિયાની મહત્ત્વપૂર્ણ ખબરોએ જે ખાસ ચર્ચા મેળવી છે.

અદાલતે પોતાના આદેશમાં સિંહસ્થ 2028 દરમિયાન આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા અને ટ્રાફિક વ્યવસ્થાપનની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શાહી મસ્જિદ મહાકાલેશ્વર મંદિરની લગભગ સામે અને ક્ષિપ્રા નદીની નજીક આવેલી છે.

અદાલતે જણાવ્યું હતું કે સિંહસ્થ દરમિયાન આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેશે અને રસ્તા પહોળા કરવાનો હેતુ ટ્રાફિક વ્યવસ્થા તથા જાહેર સુરક્ષા સાથે જોડાયેલો છે.

મસ્જિદ સમિતિ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે જો હાઇકોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.

શહેર કાઝીના જણાવ્યા અનુસાર, આ મસ્જિદનું નિર્માણ અંદાજે વર્ષ 1390માં થયું હતું.

હાલ છત્રી ચોક અને શાહી મસ્જિદ આસપાસ પોલીસ દળ તહેનાત છે. મસ્જિદ સમિતિ અને જિલ્લા પ્રશાસન વચ્ચે થયેલી ચર્ચા બાદ નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ સમિતિ પ્રભાવિત ભાગને પોતે જ દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS