Home તાજા સમાચાર gujrati ‘એક નાની શરૂઆતે મને કરોડપતિ બનાવી, અંતે સામ્રાજ્ય એટલું વધી ગયું કે...

‘એક નાની શરૂઆતે મને કરોડપતિ બનાવી, અંતે સામ્રાજ્ય એટલું વધી ગયું કે કંપની વેચવી પડી’

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MICHAEL TRAN/AFP via Getty Images

એક સમય તેમની સંપત્તિ ગાયિકા બેયોન્સે કરતાં પણ વધી ગઈ હતી, પરંતુ આટલે સુધી પહોંચતાં પહેલાં સોફિયા અમોરુસોએ મફતમાં પ્રવાસ ખેડ્યા, પુસ્તકોની ચોરી કરી અને ભોજન માટે કચરાપેટી ફંફોસી.

આ દરમિયાન જે કંઈ બન્યું તે સામાન્ય “પ્રગતિ અને પતન”ની કહાણી જેવી લાગી શકે, પરંતુ તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ બિઝનેસ ડેલીને જણાવ્યું, કપડાંની બ્રાન્ડ નાસ્ટી ગલ શરૂ કરવાની તેમની એકમાત્ર પ્રેરણા એ હતી કે તેઓ કામ કરવા માગતાં નહોતાં.

અથવા ઓછામાં ઓછું એ પ્રકારનું કામ નહીં, જ્યાં નિયમો અગાઉથી જ નક્કી હોય, સફળતા મેળવવાનો એક જ રસ્તો હોય અને રોજ સવારે નવથી સાંજના પાંચનો શિડ્યૂલ હોય. છતાં, Inc. મૅગેઝિન પ્રમાણે, તેમની બ્રાન્ડ 2012માં અમેરિકાની સૌથી ઝડપથી વિકસતી રિટેલ કંપની બની હતી અને તેની આવક 100 મિલિયન અમેરિકન ડૉલરથી વધુ હતી.

તેમણે જણાવ્યું, “ટીનેજર હતી ત્યારથી મને મૂડીવાદ બિલકુલ ગમતો નહોતો. હું અરાજકતાવાદી પુસ્તકમેળામાં જતી. હું સિસ્ટમની અંદર જીવવા માગતી નહોતી. કંપની બનાવવાની ખાસ ઇચ્છા પણ નહોતી. કામથી બચવાનો પ્રયાસ કરતાં કરતાં હું કંઈક એવું બનાવી રહી હતી જે ખરેખર ખૂબ જ મજેદાર હતું.”

2006માં તેઓ પૈસા વિના, કોઈ સ્પષ્ટ દિશા વિના, અને એક આર્ટ સ્કૂલના પ્રવેશદ્વાર પર ઓળખપત્રો ચકાસવાનું કામ કરતાં હતાં. આ નોકરી તેમણે માત્ર આરોગ્ય વીમો મેળવવા અને સારણગાંઠની સર્જરી કરાવવા માટે સ્વીકારી હતી. એ જ સ્થળે તેમણે ઇબે (eBay) પર વિન્ટેજ (જૂનાં) કપડાં વેચવાનો નિર્ણય કર્યો.

તેમને ઑનલાઇન વેચાણનો પ્રથમ અનુભવ ઘણાં વર્ષો પહેલાં એમેઝોન પર થયો હતો, જ્યારે તેઓ પુસ્તકો રિસેલ કરતાં.

તેમણે કહ્યું, “હું ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં આવેલાં પુસ્તકો શોધતી, દુકાનમાં જતી, પ્રવેશદ્વાર પાસે રાખેલાં પુસ્તકોનો મોટો ઢગલો ઉપાડતી અને ચાલતી પકડતી. મને એ વાતનો ખાસ ગર્વ નથી.”

પછી તેમણે ઇબેનો ઉપયોગ શરૂ કર્યો. ત્યાં તેમણે એક એવી વિન્ટેજ કપડાંની દુકાન શરૂ કરી, જે કંઈક ‘હટ કે’ અને શેરીમાં ફરતા ગ્રાહકો સાથે મેળ સાધે તેવી હતી. તેઓ આ કપડાં “મૃત વ્યક્તિઓની મિલકતો”માંથી શોધતાં.

બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તેમને ખબર હતી કે તેઓ ફેંકી દેવાયેલાં કપડાંને પોતાનાં આકર્ષક દેખાતાં મિત્રોની મદદથી ખૂબ જ આકર્ષક અને સાહસિક લૂકનાં બનાવી શકે છે.

ટૂંક સમયમાં જ તેઓ અન્ય દુકાનો પર શું વેચાય છે તેના પર ધ્યાન આપવા લાગ્યાં, શું ચાલે છે અને ડિઝાઇનરોને કઈ વાત પ્રેરિત કરે છે, રૅમ્પ પર શું રજૂ થાય છે, અને હજારો ડૉલરમાં શું વેચાય છે.

“મને ખબર હતી કે એ જ પ્રકારનાં કપડાં હું ઘણી ઓછી કિંમતે ક્યાંથી મેળવી શકું, અને હું સર્જનાત્મક પણ હતી.”

આ રીતે નાસ્ટી ગલનો જન્મ થયો. તેનું નામ ગાયિકા બેટી ડેવિસની એક આલબમ પરથી લેવામાં આવ્યું હતું. જ્યારે તેમણે પોતાની વેબસાઇટ શરૂ કરવા માટે ડોમેન ખરીદવાનો પ્રયાસ કર્યો, ત્યારે ખબર પડી કે તે ડોમેન અગાઉ પોર્નોગ્રાફિક વેબસાઇટ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.

તેમણે યાદ કર્યું, “પહેલાં દોઢ વર્ષ સુધી બધું હું એકલી જ કરતી હતી. ફોટા પાડતી, ઍડિટ કરતી, કિંમતો નક્કી કરતી, વર્ણન લખતી, વજન અને માપ લેતી, અને પછી જાહેરાત મૂકતી. બધી હરાજીઓ 9.99 અમેરિકન ડૉલરથી શરૂ થતી. કોઈ વસ્તુ દસ અમેરિકન ડૉલરની હોય, પરંતુ જો હું તેને અદ્ભુત રીતે રજૂ કરું અને એક સ્ટાઇલિશ, આત્મવિશ્વાસસભર યુવતીને પહેરાવું, તો તે ખાસ લાગી શકે.”

સંઘર્ષશીલ મહિલાઓ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

2014માં પ્રકાશિત તેમના પુસ્તક #GIRLBOSSમાં અમોરુસોએ મહિલાઓ માટેની પોતાની ફિલસૂફી લખી છે. તેમના મતે, #GIRLBOSS એવી મહિલા છે, જે મહેનત કરીને પોતાનું ઇચ્છિત લક્ષ્ય હાંસલ કરે છે.

“સશક્ત મહિલાઓ નિયંત્રણ પોતાના હાથમાં લે છે અને જવાબદારી સ્વીકારે છે. તમે એક લડવૈયા છો: તમને ખબર હોય છે કે ક્યારે પ્રહાર કરવો અને ક્યારે પ્રહાર સહન કરવો. ક્યારેક તમે નિયમો તોડો છો, ક્યારેક તેને અનુસરો છો, પરંતુ હંમેશાં તમારી પોતાની શરતો પર.”

“તમને ખબર છે કે તમે ક્યાં જઈ રહ્યાં છો, પરંતુ રસ્તામાં આનંદ લેવાનું ભૂલતાં નથી. તમે પરિપૂર્ણતા કરતાં ઇમાનદારીને વધુ મહત્ત્વ આપો છો. તમે પ્રશ્નો પૂછો છો. તમે જીવનને ગંભીરતાથી લો છો, પરંતુ જાતને ખૂબ ગંભીરતાથી લેતાં નથી.”

ગ્રાહકો માત્ર કપડાં માટે નહીં, પરંતુ સમગ્ર બ્રાન્ડ અને અમોરુસો દ્વારા સર્જાયેલા સ્ટાઇલ માટે વફાદાર બનવા લાગ્યા. બ્રાન્ડ પાછળ એક એવો સમુદાય ઊભો થયો હતો, જેની કાર્યશૈલી સાથે અનેક મહિલાઓ પોતાને જોડાયેલી અનુભવી રહી હતી. એક ભાવનાત્મક જોડાણ ઊભું થયું હતું.

‘બધું 24 કલાકમાં વેચાઈ જતું’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બધું જ ખૂબ ઝડપથી વધવા લાગ્યું.

“હોલીવૂડ અભિનેત્રી એન હેથવે પણ મારી પાસેથી ખરીદી કરતી હતી. પત્રકારો અને ફૅશન લેખકો પણ.”

“જ્યારે મેં વેબસાઇટ લૉન્ચ કરી, ત્યારે બધું 24 કલાકમાં વેચાઈ જતું. હું પૅકેટોના ઢગલામાં ઘેરાઈ ગઈ અને વેબસાઇટ પર વેચવા માટે કંઈ બાકી રહ્યું નહોતું. ત્યારે મને સમજાયું: વાહ! આ હવે દસ દિવસની હરાજી નથી, જ્યાં હું વસ્તુઓ મૂકી અને પછી આગામી રાઉન્ડ માટે તૈયારી કરું. આ તો કાયમી વ્યવસાય બનવાનો છે અને ત્યારે જ મેં મારી પ્રથમ કર્મચારીની ભરતી કરી.”

પહેલા વર્ષે તેમની આવક આશરે 75,000 અમેરિકન ડૉલર હતી. બીજા વર્ષે 2,50,000 અમેરિકન ડૉલર અને ત્રીજા વર્ષે 1.1 મિલિયન, ચોથા વર્ષે 6.5 મિલિયન અમેરિકન ડૉલર અને પાંચમા વર્ષે 30 મિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચી ગઈ.

અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ બધું શરૂઆતમાં કોઈ રોકાણકારની મદદ વગર બન્યું. પરંતુ જેમ સફળતા અને પૈસાની સુગંધ ફેલાઈ, રોકાણકારો તેમના દરવાજા પર આવવા લાગ્યા.

સૌથી મજેદાર સમયગાળો

વધુ વિચાર કર્યા વગર, એક વેન્ચર કૅપિટલ ફંડે નાસ્ટી ગલનું મૂલ્યાંકન 350 અમેરિકન ડૉલર મિલિયનની ટૅક્નૉલૉજી કંપની તરીકે કર્યું. ડિજિટલ કૉમર્સ માટે તે સમય જોરદાર ઉછાળાનો સમય હતો.

તેમણે કંપનીના એક હિસ્સા બદલામાં 50 મિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ કર્યું, જેથી વિસ્તરણ માટે ભંડોળ મળી શકે.

અમોરુસો માને છે કે સમસ્યાઓ ત્યાંથી શરૂ થઈ.

તેમણે યાદ કર્યું, “લાંબા સમય સુધી, એ તબક્કો મારા જીવનનો સૌથી મજેદાર સમય રહ્યો. મેં કંપનીને 100 મિલિયન અમેરિકન ડૉલરથી વધુ આવક સુધી પહોંચાડી, શ્રેષ્ઠ પ્રતિભાઓને ભરતી કરી અને શ્રેષ્ઠ ક્રીએટિવ ડાયરેક્ટરો સાથે કામ કર્યું.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“મારી પાસે અદ્ભુત ઑફિસો હતી. હું વ્યવસાયમાં સૌથી સર્જનાત્મક લોકોની યાદીમાં સામેલ હતી. ગૂગલ મને ખાનગી વિમાનમાં બેસાડી કાન્સ લાયન્સ (જાહેરાત અને માર્કેટિંગના ઑસ્કાર)માં લઈ જતું, જ્યાં હું એક ટાપુ પર જોફ્રી કાત્ઝનબર્ગ (સ્ટીવન સ્પીલબર્ગ સાથે ડ્રીમવર્ક્સ ઍનિમેશનના સહસ્થાપક) સાથે મંચ શૅર કરતી હતી.”

“નાસ્ટી ગલ ઘણા લોકો માટે કારકિર્દીનો શ્રેષ્ઠ સમય હતો. સ્વેચ્છાએ કે અનિચ્છાએ કંપની છોડનારા ઘણા લોકોએ જીવનમાં અદ્ભુત સિદ્ધિઓ મેળવી છે, અને તેના માટે મને ખૂબ ગર્વ છે.”

‘બધું ભાંગી પડવા લાગ્યું’, કંપનીના પતનની શરૂઆત

2008થી 2011 વચ્ચે કંપનીના વેચાણમાં 10,000 ટકાની વધુ વૃદ્ધિ થઈ હતી, પરંતુ વેચાણ વધે એટલે હંમેશાં નફો થાય જ એવું નથી.

તેમણે રેડિયો કાર્યક્રમમાં જણાવ્યું, “પરિસ્થિતિ ત્યારે ખરાબ થવા લાગી જ્યારે કંપનીનું મૂલ્યાંકન 350 મિલિયન અમેરિકન ડૉલર થયું, જે અમારી આવકથી દસ ગણાથી પણ વધુ હતું, જાણે અમે ઉબર જેવી કોઈ ટૅક્નૉલૉજી કંપની હોઈએ. ફૅશન વ્યવસાયો એ રીતે માપણી થવા માટે સર્જાયેલા નથી.”

“બ્રાન્ડના સ્થાપકોએ સમજવું જોઈએ કે તેમના રોકાણકારોનાં હિતો હંમેશાં કંપની અથવા સ્થાપકનાં હિતો સાથે મેળ ખાતાં નથી.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે નાદારીની સ્થિતિ આવી, ત્યારે નાસ્ટી ગલ ઘણા મહિનાઓથી કોઈ મોટી કંપની દ્વારા ખરીદાઈ જવાની આશામાં હતી.

“કોઈ કંપની એક જ રાતમાં નાદાર બનતી નથી. મને સમજાયું કે અમે અમારા સપ્લાયરોને ચુકવણી કરી શકતા નથી. આવા સંજોગોમાં વ્યવસાય ચાલુ રાખવો બેદરકારીભર્યો નિર્ણય હોત. તેથી અમારે તેને બંધ કરવો પડ્યો.”

નાસ્ટી ગલ પોતાની આંતરિક વ્યવસ્થા મજબૂત કરી શકે તે કરતાં વધુ ઝડપથી વધી ગઈ હતી. 2014માં તેની આવક ઘટીને લગભગ 85 મિલિયન અમેરિકન ડૉલર રહી ગઈ. જાન્યુઆરી 2015માં અમોરુસોએ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ)નું પદ છોડ્યું, શેરી વૉટરસનને જવાબદારી સોંપી અને પોતે એક્ઝિક્યુટિવ ચૅરમૅન બન્યાં.

તે પછી કર્મચારીઓને છૂટા કરવાનો ક્રમ શરૂ થયો.

“બધું ભાંગી પડવા લાગ્યું.”

અને અંતે કંપની વેચવી પડી

ફેબ્રુઆરી 2017માં મૅન્ચેસ્ટરસ્થિત ફાસ્ટ-ફૅશન કંપની બૂહૂએ નાસ્ટી ગલને 20 મિલિયન અમેરિકન ડૉલરમાં ખરીદી, પરંતુ જે હસ્તાંતરિત થયું તે માત્ર બૌદ્ધિક સંપત્તિ હતી:

  • બ્રાન્ડનું નામ
  • લોગો
  • વેબસાઇટ યુઆરએલ
  • સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ
  • બ્રાન્ડ ઇમેજ
  • ગ્રાહકોનો ડેટાબેઝ

બૂહૂએ કંપનીની, કર્મચારીઓની, દૈનિક કામગીરીની અથવા બાકી રહેલા રિફંડ અને સ્ટોર ક્રેડિટની કાનૂની જવાબદારીઓ ખરીદી નહોતી.

અસલમાં બૂહૂએ જે ખરીદ્યું હતું, તે હતું એક તૈયાર ગ્રાહક સમુદાય.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવે 42 વર્ષનાં થઈ ચૂકેલાં સોફિયા અમોરુસોએ ત્યાર બાદનાં વર્ષોમાં ગર્લબોસ મીડિયા ચલાવ્યું, જેમાં એક પુસ્તક અને 22 મિલિયનથી વધુ ડાઉનલોડ ધરાવતો પૉડકાસ્ટ સામેલ હતો. જોકે, આ કંપની પણ અંતે તો તેમણે વેચી દીધી.

2023થી તેઓ ટ્રસ્ટ ફંડ નામનો નાનો વેન્ચર કૅપિટલ ફંડ ચલાવે છે, જેને પેરિસ હિલ્ટન જેવી જાણીતી વ્યક્તિઓનો ટેકો મળ્યો છે.

તેમના નવા પ્રોજેક્ટ્સમાં આજે પણ તેમની જૂની માન્યતા સંભળાય છે: “છોકરીઓ દુનિયા પર કબજો જમાવી રહી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS