Home તાજા સમાચાર gujrati એસઆઇઆર અંગે ચૂંટણી કમિશનરોમાં ‘મતભેદ’: ટી.એન. શેષનથી લઈ જ્ઞાનેશ કુમાર સુધી, ક્યારે-ક્યારે...

એસઆઇઆર અંગે ચૂંટણી કમિશનરોમાં ‘મતભેદ’: ટી.એન. શેષનથી લઈ જ્ઞાનેશ કુમાર સુધી, ક્યારે-ક્યારે વિવાદોમાં ઘેરાયું ચૂંટણીપંચ?

6
0

Source : BBC NEWS

ચૂંટણી પંચ, ચાર મામલાઓ, જ્યારે તેની વિશ્વસનીયતા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતમાં જ્યારે પણ ચૂંટણીપંચની વિશ્વસનીયતા અને સ્વતંત્રતાની ચર્ચા થાય છે, ત્યારે પૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષનને યાદ કરવામાં આવે છે.

શેષન ડિસેમ્બર 1990થી ડિસેમ્બર 1996 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા હતા. શેષને કહ્યું હતું કે ચૂંટણીપંચ ભારતનું હોય છે, ન કે ભારત સરકારનું.

ભારતમાં ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવવામાંં આવે છે ત્યારે શેષનની આ ટિપ્પણી ઘણીવાર ટાંકવામાં આવે છે.

ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણીઓથી ચૂંટણીપંચ વિવાદમાં ફસાયેલું છે. ચૂંટણીપંચે બિહાર ચૂંટણીઓ માટે એસાઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની શરૂઆત કરી હતી.

ચૂંટણીપંચે તેને રૂટિન પ્રક્રિયા ગણાવી હતી. પરંતુ બિહારથી શરૂ થયેલી આ પ્રક્રિયા હેઠળ અત્યાર સુધી વોટર લિસ્ટમાંથી 13 કરોડથી વધુ નામ હટાવવામાં આવ્યાં છે.

આ સ્થિતિમાં ચૂંટણીપંચની ભૂમિકા પર ગંભીર ચર્ચા થઈ રહી છે કે તે ભારતીયોની નાગરિકતા નક્કી કરી રહી છે.

એસાઈઆરને લઈને ભારતના વિપક્ષી પક્ષોએ પણ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ચૂંટણીપંચના માધ્યમથી પોતાના મનમુજબનું વોટર લિસ્ટ તૈયાર કરાવી રહી છે.

કેન્દ્રની મોદી સરકાર આ આક્ષેપોને નકારતી રહી છે પરંતુ હવે આ મામલામાં ચૂંટણીપંચની અંદરના કથિત મતભેદોનો અહેવાલ સામે આવ્યો છે.

ભારતના અગ્રણી અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ‘ની તપાસ મુજબ, ત્રણ સભ્યો દ્વારા ચૂંટણીપંચની અંદર પણ આ મુદ્દાઓને લઈને વારંવાર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સવાલો બીજા કોઈએ નહીં, પરંતુ બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ ઉઠાવ્યા હતા.

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, “ત્રણ ચૂંટણી કમિશનરોની દેખરેખ હેઠળ દેશભરમાં એસાઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે સંધુ અને જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત રેકૉર્ડ પર ઔપચારિક વાંધો નોંધાવ્યો છે.”

“તેઓ કહે છે કે ઘણા નિર્ણયો અને આદેશો તેમની જાણ વગર લેવામાં આવ્યા અને જારી કરવામાં આવ્યા. આમાંથી એક દિવસે તો આવા ચાર વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા.”

ચૂંટણીપંચે આ અહેવાલ બાદ આઠ મુદ્દાઓનું એક નિવેદન ‘ઍક્સ‘ પર શેર કર્યું છે.

તેના પાંચમા પૉઇન્ટમાં ચૂંટણીપંચે કહ્યું છે, “10 મહિના દરમિયાન લેવાયેલી ઘણી મંજૂરીઓ, નિર્ણયો, નિર્દેશો અને પહેલોને અવગણીને માત્ર કેટલાક ખાસ આંતરિક નોટ્સ અથવા બાબતો પર ભાર મૂકવાથી આખી તસવીર સામે આવતી નથી.”

“તાજેતરના મહિનાઓમાં કમિશને અનેક નિર્ણયો લીધા છે, નિર્દેશો જારી કર્યા છે, લગભગ 40 નવી પહેલો શરૂ કરી છે અને અનેક ચૂંટણી સુધારા કર્યા છે, જેમાં સમગ્ર દેશમાં વોટર લિસ્ટમાં સુધારો (એસઆઈઆર સહિત) સામેલ છે. આ તમામ નિર્ણયો છેલ્લા એક વર્ષમાં આખા કમિશનની સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.”

ચૂંટણી પંચ, ચાર મામલાઓ, જ્યારે તેની વિશ્વસનીયતા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

બે ચૂંટણી કમિશનરોનો મતભેદ

ચૂંટણી પંચ, ચાર મામલાઓ, જ્યારે તેની વિશ્વસનીયતા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ત્રણમાંથી બે ચૂંટણી કમિશનરોએ ફરિયાદ કરી હતી કે તેમને નિર્ણયોથી અંધારામાં રાખવામાં આવ્યા હતા. તેમાં નવા મતદારોને જોડવા અને મતદાર યાદીમાંથી નામ હટાવવા જેવા નિર્ણયો પણ સામેલ હતા.

તેમણે નવા મતદારો ઉમેરવા સંબંધિત કેટલાંક પગલાંને ‘અનધિકૃત અને ગેરકાયદેસર’ ગણાવ્યા અને ચેતવણી આપી કે દિલ્હીમાં મતદાર ડેટાબેઝની ઍક્સેસને કેન્દ્રીકૃત કરીને રાજ્ય અધિકારીઓને બાયપાસ ન કરવા જોઈએ.

સૉફ્ટવેરની વિશ્વસનીયતા અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર અસંમતિ વ્યક્ત કરનારા ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સચિવને પણ ફરિયાદ કરી હતી.

આ ચૂંટણીપંચની અંદર મોટા વિખવાદને પ્રતિબિંબિત કરે છે અને તેની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, આ તમામ મુદ્દાઓ સાથે જોડાયેલા વાંધાઓની નકલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મોકલવામાં આવી હતી. કેટલાક વાંધાઓ સંબંધિત કાર્યની દેખરેખ રાખતા નાયબ ચૂંટણી કમિશનરોને પણ મોકલવામાં આવ્યા હતા.

ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, લેખિત વાંધામાં સંધુએ ફરિયાદ કરી હતી કે ચૂંટણીપંચે બે ચૂંટણી કમિશનરોની લેખિત સલાહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીપંચની કાર્યવાહી ‘અનધિકૃત અને ગેરકાયદેસર’ હતી.

ત્રણેય ચૂંટણી કમિશનરોની નિમણૂક મોદી સરકારના કાર્યકાળમાં 2023ના કાયદા હેઠળ થઈ હતી.

નિમણૂક માટેની પસંદગી સમિતિમાં વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા પણ સામેલ હતા.

માર્ચ 2024માં જ્યારે સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે સમિતિના વિપક્ષના સદસ્ય કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ નિમણૂક પ્રક્રિયા પર પોતાની અસંમતિ વ્યક્ત કરી.

ફેબ્રુઆરી 2025માં જ્યારે જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાનો અસંમતિ વ્યક્ત કરી હતી.

અશોક લવાસાની મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અસહમતિ

ચૂંટણી પંચ, ચાર મામલાઓ, જ્યારે તેની વિશ્વસનીયતા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

મોદી સરકાર દરમિયાન ચૂંટણીપંચની અંદર મતભેદો જાહેર થયા હોય તેવી આ પહેલી ઘટના નથી.

અગાઉ, મે 2019માં તત્કાલીન ચૂંટણી કમિશનર અશોક લવાસા અને મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સાથે મતભેદ થયા હતા.

મે 2019માં તત્કાલીન ચૂંટણી કમિશનર અશોક લવાસાએ માંગ કરી હતી કે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સંબંધિત ચૂંટણીપંચના આદેશોમાં અસંમતિ કે અલ્પમત અભિપ્રાયનો સમાવેશ થાય છે. જોકે, તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તેમની માંગણી સ્વીકારી ન હતી.

આ સ્થિતિમાં 2019માં 16 મેના રોજ લવાસાએ આદર્શ આચાર સંહિતાના ભંગ સાથે જોડાયેલી તમામ બેઠકોથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે એવું એટલા માટે કર્યું કારણ કે આદર્શ આચાર સંહિતાની ફરિયાદોનો ઝડપી નિકાલ લાવવાના તેમના સૂચન પર કાર્યવાહી થઈ ન હતી અને ચૂંટણીપંચના અંતિમ આદેશોમાં તેમનો અલ્પમતનો મત નોંધવામાં આવી રહ્યો ન હતો.

લોકસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આદર્શ આચાર સંહિતાના ભંગના આક્ષેપોમાં તેમને આપવામાં આવેલી ક્લીન ચિટ પર લવાસાએ પાંચ મોકા પર અસહમતિ દર્શાવી હતી.

અશોક લવાસાની અસહમતિ પર તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈપણ મતભેદ મુખ્યત્વે ચૂંટણીપંચની ચાર દીવાલોની અંદર રહ્યા છે અને ત્રણેય સભ્યો એકબીજા સાથે બરાબર સંમત થવાની અપેક્ષા નથી.

અરોરાએ કહ્યું હતું કે, “સતત ચૂપ રહેવું હંમેશાં મુશ્કેલ હોય છે, પરંતુ તે વધુ વાંછનીય છે, કારણ કે ચૂંટણી પ્રક્રિયાને આગળ વધારવી જરૂરી છે ન કે ખોટા સમયે વિવાદો ઊભા કરવા.”

ત્યારે કૉંગ્રેસે કહ્યું હતું કે ભાજપની સરકાર લોકતાંત્રિક સંસ્થાઓને ખતમ કરી રહી છે. ત્યારે કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે અરોરાને લવાસાનો પત્ર “ચૂંટણીપંચ પર મોદી સરકાર દ્વારા દબાણ લાવવા અંગે ઘણું બધું કહે છે.”

તેમણે કહ્યું હતું કે, “ચૂંટણી કમિશનરે ફક્ત એટલા માટે અસંમતિ નોંધાવી ન હતી કારણ કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નોટિસ જારી કરવાની માંગ કરી હતી, જે ચૂંટણીપંચની સંસ્થાકીય અખંડિતતાને ગંભીર નુકસાન પહોંચાડે છે.”

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 9 માર્ચથી તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું. ગોયલનો કાર્યકાળ 2027 સુધીનો હતો. તેમનું રાજીનામું એક મહત્ત્વપૂર્ણ સમયે આવ્યું છે, લોકસભા ચૂંટણીનું સમયપત્રક થોડા દિવસોમાં જાહેર થવાની અપેક્ષા છે.

ગોયલના રાજીનામા પર કૉંગ્રેસે “વિશ્વની સૌથી મોટી લોકશાહી”ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

કૉંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે ઍક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “તે વાતને લઈને કોઈ પારદર્શિતા નથી કે ચૂંટણી જેવી બંધારણીય સંસ્થા કેવી રીતે કાર્ય કરી રહી છે તેમજ સરકાર તેના પર કેવી રીતે દબાણ લાવી રહી છે.”

મુખ્ય ચૂંટણી કમિશનર ગોપાલસ્વામી વિરુદ્ધ ચૂંટણી કમિશનર નવીન ચાવલા

ચૂંટણી પંચ, ચાર મામલાઓ, જ્યારે તેની વિશ્વસનીયતા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

જાન્યુઆરી 2009માં મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ રાષ્ટ્રપતિને ચૂંટણી કમિશનર નવીન ચાવલાને પદ પરથી હટાવવાની ભલામણ મોકલી હતી.

તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીના આ પગલાથી સ્વાભાવિક રીતે મોટો વિવાદ ઊભો થયો અને તેની વૈધતા, સમય અને ઔચિત્યને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.

ત્યારબાદ ઇન્ડિયન ઍક્સપ્રેસે તેના અહેવાલમાં કહ્યું હતું કે તેની પાસે ગોપાલસ્વામીની ભલામણની 93 પાનાની નકલ છે અને તેમણે ચાવલા પર કૉંગ્રેસની તરફેણમાં પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમગ્ર કેસ 2006માં દાખલ કરાયેલી અરજીથી શરૂ થયો હતો. વિપક્ષી નેતા લાલકૃષ્ણ અડવાણી અને 200થી વધુ સાંસદોએ રાષ્ટ્રપતિને એક અરજી સુપરત કરી હતી જેમાં ચાવલાને ચૂંટણી કમિશનર પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તેની એક નકલ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનરને પણ મોકલવામાં આવી હતી.

જ્યારે સરકાર કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જસવંત સિંહે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો.

ગોપાલસ્વામીએ કોર્ટમાં દલીલ કરી કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેમને ચૂંટણી કમિશનરને દૂર કરવાની ભલામણ કરવાનો અધિકાર છે. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોપાલસ્વામીના દાવાનો વિરોધ કર્યો.

ભાજપે સુપ્રીમ કોર્ટ પાસેથી પોતાનો કેસ પાછો ખેંચવા અને મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ પોતાની અરજી રજૂ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે ઑગસ્ટ 2007માં આ પરવાનગી આપી હતી.

ત્યારબાદ ઘણા મહિનાઓ પછી, 30 જાન્યુઆરી 2008ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરના આદેશના લગભગ એક વર્ષ પહેલાં ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ નવીન ચાવલાને હટાવવાની માંગણી કરતી અરજી દાખલ કરી.

અપેક્ષા મુજબ અને સરકારની સલાહ પર, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ચૂંટણી કમિશનર નવીન ચાવલાને દૂર કરવાની એન. ગોપાલસ્વામીની ભલામણને ખારીજ કરી હતી.

ગોપાલસ્વામીના રાજીનામા બાદ રાષ્ટ્રપતિના નિર્ણયથી ચાવલાને મુખ્ય ચૂંટણી કમિશનર બનવાનો માર્ગ મોકળો થયો. જાન્યુઆરીમાં જ્યારે આ વિવાદ પહેલીવાર સામે આવ્યો હતો, ત્યારે કાયદા મંત્રીએ ગોપાલસ્વામીની ટીકા કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ચાવલાને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

2009ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ગોપાલસ્વામીની ભલામણથી આ વિવાદ ઊભો થયો. ગોપાલસ્વામી 20 એપ્રિલ, 2009ના રોજ પદ છોડવાના હતા અને નવીન ચાવલા તેમનું સ્થાન લેવાના હતા.

ટી.એન. શેષન કેસ

ચૂંટણી પંચ, ચાર મામલાઓ, જ્યારે તેની વિશ્વસનીયતા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

દેશના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. શેષને 1993ના રાષ્ટ્રપતિના વટહુકમને ગેરબંધારણીય ગણાવીને તેને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ વટહુકમથી શેષન ઉપરાંત બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરીને ચૂંટણીપંચ બહુ-સભ્ય સંસ્થા બન્યું. શેષને આ વટહુકમને પડકાર્યો, દલીલ કરી કે તે સ્થાપિત બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

જોકે, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે આ વટહુકમ બંધારણની કલમ 324 અનુસાર છે. કોર્ટે જણાવ્યું હતું કે, “ચૂંટણીપંચ એક-સભ્ય સંસ્થા કે બહુ-સભ્ય સંસ્થા હોઈ શકે છે.”

કોર્ટે વધુમાં કહ્યું “કલમ 324માં જોગવાઈ છે કે ચૂંટણીપંચ તરીકે ઓળખાતું એક કાયમી સંસ્થા હશે અને તેનો મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓળખાતો એક કાયમી અધિકારી હશે.”

કોર્ટે કહ્યું હતું કે, “જો મુખ્ય ચૂંટણી કમિશનરને એ અર્થમાં સર્વોચ્ચ માનવામાં આવે કે તેમનો નિર્ણય અંતિમ રહેશે, તો ચૂંટણી કમિશનરો નિષ્ક્રિય અથવા ફક્ત સુશોભન પદ બની જશે. કલમ 324 પરથી આવા ઇરાદાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, ન તો આપણે તેને બંધારણ ઘડવૈયાઓના ઇરાદા તરીકે સ્વીકારી શકીએ.”

જોકે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓની ફરજ છે કે તેઓ ખાતરી કરે કે તેમની વચ્ચે કોઈ અહંકારનો સંઘર્ષ ન થાય.

કોર્ટે કહ્યું, “આપણે એ હકીકતને અવગણી શકીએ નહીં કે જ્યારે બંધારણના નિર્માતાઓએ બહુ-સભ્ય ચૂંટણીપંચની જોગવાઈ કરી હતી, ત્યારે તેઓ એ શક્યતાથી અજાણ ન હતા કે દરેક મુદ્દા પર સર્વસંમતિ ન બની શકે.”

“પરંતુ તેઓ ચોક્કસપણે આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાસેથી તેમના મતભેદોને ગૌરવપૂર્ણ રીતે ઉકેલવાની અપેક્ષા રાખતા હશે.”

1993માં, સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની બહુ-સભ્ય સંસ્થાને સમર્થન આપ્યું, જેમાં બહુમતી મતથી નિર્ણયો લેવાની મંજૂરી આપવામાં આવી. તે સમયે ટીએન શેષન આ સાથે અસંમત હતા.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, ભારતના પ્રખ્યાત કાયદાશાસ્ત્રી એફ.એસ. નરીમને જણાવ્યું હતું કે કોર્ટ બહુ-સભ્ય ચૂંટણીપંચ પ્રણાલીને વ્યવહારિક રીતે નાબૂદ કરી શકતી નથી, કારણ કે આવી સંસ્થાએ સર્વસંમતિ અથવા બહુમતીના આધારે કાર્ય કરવું જોઈએ. જો કે, તેમણે દલીલ કરી હતી કે આ નિર્ણયથી ચૂંટણીપંચ પહેલાં કરતાં ઓછું સંસ્થાકીય રીતે સ્વતંત્ર બન્યું હતું.

1950 પછી લગભગ 30 વર્ષ સુધી, ચૂંટણીપંચમાં ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનરનો સમાવેશ થતો હતો અને તેને વ્યાપકપણે સ્વતંત્ર માનવામાં આવતું હતું.

ઑક્ટોબર 1989માં, પ્રથમ વખત બે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ ત્રણ મહિનામાં આ વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી હતી.

1991ના કાયદાએ મુખ્ય ચૂંટણી કમિશનરના પગાર અને પેન્શનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને ચૂંટણી કમિશનરના પગાર અને પેન્શનને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગાર સમાન બનાવ્યા, પરંતુ ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનર જેટલા કાર્યકાળની સુરક્ષા આપી નહીં.

નરીમનનું માનવું હતું કે “કોર્ટે 1993ના ફેરફારોને સમર્થન આપવું જોઈતું હતું અને છતાં કાયદા દ્વારા કાયમી ત્રણ સભ્યોના ચૂંટણીપંચને ફરજિયાત બનાવવું જોઈતું હતું. ચૂંટણી કમિશનરોને નિશ્ચિત અને સુરક્ષિત કાર્યકાળ આપવો જોઈતો હતો જેથી તેમને તેમના કાર્યકાળ દરમિયાન સરળતાથી દૂર ન કરી શકાય.”

“ચૂંટણી કમિશનરોની સંખ્યા અને તેમની નિમણૂકોના સમય અંગે સરકારનો વિવેક, કોઈપણ સ્પષ્ટ માર્ગદર્શિકા વિના, નાબૂદ થવો જોઈતો હતો.”

તેમના મતે, ત્યારે જ ચૂંટણી કમિશનરો નિર્ણય લેવામાં સમાન ભાગીદારીનો દાવો કરી શકશે અને જનતાને ખાતરી આપી શકાશે કે ચૂંટણીપંચ સરકારી દબાણથી મુક્ત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS