Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયા સરકારે ઇમિગ્રેશનને નિયંત્રણમાં રાખવા માટે ગુરુવારે કેટલાક આકરા પગલાંની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિઝા હૉપર્સ અને બૅકપૅકર્સને નિશાન બનાવીને આ પગલાં નક્કી કરવામાં આવ્યાં છે.
હવેથી વિદેશી વિદ્યાર્થીઓ પોતાની સાથે પોતાના પરિવારને ઑસ્ટ્રેલિયા નહીં લાવી શકે. જેઓ ઑસ્ટ્રેલિયામાં રોકાણ લંબાવવા માંગતા હોય, તેમણે વધારે ઊંચી લાયકાત મેળવવી પડશે.
વર્કિંગ હોલિડે વિઝા માટે નિયમો વધુ કડક બનશે. સામાન્ય રીતે બૅકપૅકર્સ દ્વારા તેનો ઉપયોગ કરાય છે અને ઑસ્ટ્રેલિયામાં કૃષિ ક્ષેત્રે કામદારો લાવવામાં તે મહત્ત્વનો સ્રોત છે. તેની જગ્યાએ હવે એક બૅલટ સિસ્ટમ આવશે.
ગૃહ મંત્રી ટોની બર્કે આ નવા નિયમોની જાહેરાત કરતાં કહ્યું કે ઇમિગ્રેશન એ ઑસ્ટ્રેલિયાની “શક્તિ” છે, પરંતુ તેમાં “ઉચ્ચ નિયંત્રણ”ની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ અને ગ્રૅજ્યુએટ વિઝા અંગે બર્કે કહ્યું કે “તેઓ પોતાના પરિવારજનોને ઑટોમૅટિક અહીં નહીં લાવી શકે.”
ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રીએ કહ્યું કે વિઝા હૉપર્સ સામે કાર્યવાહી થશે
ઇમેજ સ્રોત, Getty Images
બર્કે કહ્યું કે, ઑસ્ટ્રેલિયામાં પહેલેથી હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓને તથા પેસિફિક અને સાઉથ ઇસ્ટ એશિયન દેશોના વિદ્યાર્થીઓને છૂટછાટો અપાશે.
તેમણે કહ્યું કે પીએચડી સ્ટુડન્ટ્સ પોતાના પરિવારોને લાવી શકશે, કારણ કે અંડરગ્રેજ્યુએટ્સ કરતાં તેમના જીવનની સ્થિતિ અલગ હોય છે.
“માઇગ્રેશન પ્રોગ્રામનું નિયમનઃ કોણ આવી શકે, કોણ રોકાશે, કોણે જવું પડશે” નામની સ્પીચમાં બર્કે કહ્યું કે 2028 સુધીમાં કુલ માઇગ્રેશન 2.5 લાખ સુધી મર્યાદિત રાખવા સરકાર વિવિધ ફેરફારો કરી રહી છે.
સ્ટુડન્ટ વિઝા વિશે તેમણે કહ્યું કે સરકાર “વિઝા હૉપિંગ” સામે કાર્યવાહી કરશે. વિઝા હૉપિંગમાં વિદ્યાર્થીઓ એક કોર્સ પૂરો કરે, ત્યાર પછી ઑસ્ટ્રેલિયામાં રોકાવા માટે બીજો નીચા ક્વૉલિફિકેશનનો કોર્સ કરતા હોય છે. ઘણી વખત “કાયદેસરની ન હોય તેવી સંસ્થામાંથી” પણ કોર્સ કરે છે.
બર્કે કહ્યું કે જે વિદ્યાર્થીઓ “આગળ વધવા ઇચ્છતા હોય” તેમને છૂટ અપાશે. જેમકે કોઈએ બૅચલર્સ ડિગ્રી મેળવી હોય અને હવે માસ્ટર્સ કરવું હોય તો છૂટ અપાશે.
તેમણે 18થી 30 વર્ષના લોકો માટે વર્કિંગ હોલિડે વિઝામાં પણ ફેરફાર કર્યા હતા, જેઓ ઑસ્ટ્રેલિયામાં 12 મહિના કામ કરી શકે છે, પરંતુ બીજા અથવા ત્રીજા વર્ષ સુધી તેને લંબાવી શકે છે.
હાલમાં આ વિઝાધારકોએ બીજા વર્ષ માટે ક્વોલિફાય થવું હોય તો પ્રથમ વર્ષ દરમિયાન ઑસ્ટ્રેલિયાના પ્રાદેશિક ભાગોમાં ત્રણ મહિના કામ કરવું પડે છે. ત્યાર પછી ત્રીજા વર્ષ માટે ક્વોલિફાય થવા છ મહિના કામ કરવું પડે છે.
ઇમિગ્રેશનની સંખ્યા ઘટાડવા પ્રયાસ
ઇમેજ સ્રોત, Getty Images
નવા ફેરફારો પછી બીજા વર્ષ માટે ક્વૉલિફાઈ થનારા વિદ્યાર્થીઓની પસંદગી બૅલટ દ્વારા થશે. તેની સંખ્યા 57 હજારથી ઘટાડીને 45 હજાર કરવામાં આવી છે.
ત્રીજા વર્ષ માટે બૅલટ હેઠળ માત્ર પાંચ હજારને મંજૂરી મળશે, જ્યારે ગયા વર્ષે 31 હજાર વિદ્યાર્થીઓ ક્વૉલિફાઈ થયા હતા. યુકે અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાથી યુકેના વર્કિગ હોલિડેમેકર્સને અસર નહીં થાય.
ઑસ્ટ્રેલિયન બ્યૂરો ઑફ સ્ટૅટિસ્ટિક્સે ગુરુવારે જારી કરેલા આંકડા પ્રમાણે ઑસ્ટ્રેલિયાની વસતી માર્ચ 2026 સુધીના 12 મહિનામાં 1.4 ટકા વધીને 2.79 કરોડ સુધી પહોંચી ગઈ છે.
આ આંકડામાં જન્મ અને મૃત્યુ ઉપરાંત 2,92,100 નેટ ઓવર માઇગ્રેશનનો આંકડો પણ સામેલ છે.
ઇમિગ્રેશન એક રાજકીય મુદ્દો બન્યો
ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં વસ્તી વધતી જાય છે, જીવનનિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે માઇગ્રેશન એ મોટો રાજકીય મુદ્દો બન્યો છે. મકાનોના ભાવ વધ્યા છે અને જાહેર સેવાઓ પર દબાણ છે.
અહીં ઇમિગ્રેશન વિરોધી વલણ માટે જાણીતી જમણેરી પાર્ટી ‘વન નૅશન’ માટે સપોર્ટ વધતો જાય છે. આ પાર્ટીએ ત્રણ વર્ષમાં કામચલાઉ માઇગ્રન્ટ વિઝાની સંખ્યામાં 7.50 લાખનો ઘટાડો કરવા દરખાસ્ત કરી છે.
મે મહિનામાં આ પાર્ટીને નીચલા ગૃહમાં પહેલી બેઠક મળી હતી. તેઓ નેટ ઓવરસીઝ ઇમિગ્રેશનની સંખ્યા ઘટાડીને 1.30 લાખ કરવા માંગે છે. જોકે, બર્કે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે આનાથી “ઑસ્ટ્રેલિયાના અર્થતંત્રને ફટકો” પડવાની શક્યતા છે.
જુલાઈમાં સરકારે વિદેશમાં હોય તેના બદલે ઑસ્ટ્રેલિયામાં હોય અને ફેમિલી વિઝાની અરજી કરી હોય તેવા લોકોને પ્રાથમિકતા આપવાની નીતિ રજૂ કરી હતી.
જેમણે પર્મેનન્ટ વિઝા માટે અરજી કરી હોય તેવા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને પણ પ્રાથમિકતા અપાઈ રહી છે. આ ઉપરાંત 24 દેશોમાંથી વર્કિંગ હોલિડે વિઝાની અરજીઓને અટકાવી દેવાઈ હતી.
ભારતીયોને કેવી અસર પડશે
ઇમેજ સ્રોત, Prasanna Acharya
ભારતના વિદ્યાર્થીઓ માટે હાયર એજ્યુકેશનમાં અમેરિકા, યુકે અને કૅનેડાની સાથે સાથે ઑસ્ટ્રેલિયા એક મહત્ત્વનો દેશ છે. પરંતુ નવી નીતિથી ભારતીય સ્ટુડન્ટને કેવી અસર પડશે?
આ વિશે અમદાવાદસ્થિત વિઝા કન્સલ્ટન્ટ પ્રસન્ન આચાર્યે બીબીસીને જણાવ્યું કે “ઑસ્ટ્રેલિયામાં રાજકીય કારણોસર ઉગ્ર રીતે ઇમિગ્રેશન વિરોધી પ્રચાર ચાલી રહ્યો છે, જેના કારણે લેબર અને લિબરલ પાર્ટીને પણ ઇમિગ્રેશન વિરોધી વલણ અપનાવવું પડે છે.”
“રાજકીય પક્ષોની દલીલ છે કે ઇમિગ્રેશન વધવાથી ઑસ્ટ્રેલિયન ઇમિગ્રેશનનો જોબની તક ઓછી મળે છે. આ ઉપરાંત હાઉસિંગની અછત છે, મકાનોનાં ભાડાં વધી ગયાં છે.”
તેમણે જણાવ્યું કે “નવી પોલિસીનો મુખ્ય નેગેટિવ પોઇન્ટ એ છે કે અત્યાર સુધી પરિણિત વિદેશી વિદ્યાર્થી બૅચલર્સ કે માસ્ટર ડિગ્રી માટે જાય તો પોતાના જીવનસાથી (પત્ની કે પતિ)ને સરળતાથી લઈ જઈ શકતા હતા અને ફૂલ ટાઈમ વર્ક પરમિટ મળતી હતી. હવે પ્રસ્તાવિત નવા રુલ્સમાં આવું શક્ય નહીં બને.”
તેમના કહેવા પ્રમાણે ભારતથી ઑસ્ટ્રેલિયા ભણવા જનારાઓમાં માંડ 10 ટકા એવા હોય છે તેઓ ડિપેન્ડન્ટ વિઝાની અરજી કરતા હોય છે. બાકીના વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી લગ્ન ટાળતા હોય છે.
પ્રસન્ન આચાર્યએ જણાવ્યું કે “ઑસ્ટ્રેલિયામાં લગભગ 40 સરકારી યુનિવર્સિટીઓ છે, તેમાંથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ટોચની યુનિવર્સિટીઓમાં એડમિશન લઈને સ્ટુડન્ટ વિઝા મેળવતા હતા અને પછી ઑસ્ટ્રેલિયા પહોંચીને તરત મોંઘી યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરાવીને, તેની ફીનું રિફંડ મેળવીને, સસ્તી કોલેજમાં ભણવા જતા હતા. આને કોર્સ હૉપિંગ કહેવામાં આવે છે.”
તેમના કહેવા પ્રમાણે “ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હોય તો તેના આધારે વિઝા મળવાની શક્યતા વધુ હોય છે. પરંતુ તેની વાર્ષિક ફી 50 હજાર ડૉલર જેટલી ઊંચી હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ આવી યુનિવર્સિટી મારફત પ્રવેશ મેળવીને અચાનક કોર્સ તથા સંસ્થા બદલી નાખતા હતા. આ રીતે તેઓ નિયમોનો દુરુપયોગ કરતા હતા, તે હવે અટકશે.”
પ્રસન્ન આચાર્યના કહેવા પ્રમાણે “જે વિદ્યાર્થીઓને ખરેખર ઑસ્ટ્રેલિયામાં સારી યુનિવર્સિટીમાં ભણવું છે, અપરિણિત છે અને નિયમોનો ભંગ નથી કરવો, તેમના માટે સારી તક યથાવત્ રહેશે. ઑસ્ટ્રેલિયામાં ફેબ્રુઆરી અને જુલાઈમાં મોટા ભાગે ઇનટેક થતું હોય છે. કદાચ જુલાઈ 2027 પછી આ નિયમો લાગુ થઈ શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




