Home તાજા સમાચાર gujrati કેન્યાના રાષ્ટ્રપતિએ તાતા કેમિકલ્સ કંપનીને દેશ છોડવા કેમ કહ્યું?

કેન્યાના રાષ્ટ્રપતિએ તાતા કેમિકલ્સ કંપનીને દેશ છોડવા કેમ કહ્યું?

4
0

Source : BBC NEWS

તાતા કેમિકલ્સ લેક મૅગાડી વિસ્તારમાં કાર્યરત્ છે. આ સ્થળ કેન્યાની રાજધાની નૈરોબીથી લગભગ 120 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે

ઇમેજ સ્રોત, Tata Chemicals website

ભારતની અગ્રણી કેમિકલ કંપનીઓમાં સામેલ તાતા કેમિકલ્સને કેન્યા છોડવા માટે કહેવામાં આવ્યું છે. કેન્યા સરકારનું કહેવું છે કે કંપનીથી દેશને જેટલો લાભ મળવો જોઈએ એટલો મળતો નથી.

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કંપનીને કહ્યું છે કે તે “પોતાનો સામાન સમેટીને અહીંથી જતી રહે.”

તેમનો આરોપ છે કે કંપની સોડા ઍશની નિકાસ કરી રહી છે, જ્યારે આ ખનિજને કેન્યામાં જ પ્રોસેસ કરીને કાચ અને રસાયણો બનાવી શકાય છે.

રાષ્ટ્રપતિ રૂટોએ જણાવ્યું કે સરકારે કંપનીનું કામ સંભાળવા માટે નવા રોકાણકારોની ઓળખ કરી લીધી છે. તેનો હેતુ કેન્યામાં વધુ રોજગારી અને રોકાણ લાવવાનો છે.

તાતા કેમિકલ્સે જણાવ્યું છે કે તે સરકારના નિર્ણયનો સન્માન કરે છે. કંપનીએ કહ્યું છે કે “બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણ માટે યોગ્ય કાનૂની અને નિયમનકારી પ્રક્રિયાઓ હેઠળ રચનાત્મક ચર્ચા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

રૂટોએ આ નિવેદન કાજિયાડો કાઉન્ટીની મુલાકાત દરમિયાન આપ્યું હતું. તાતા કેમિકલ્સ મૅગાડીનો પ્લાન્ટ આ જ વિસ્તારમાં આવેલો છે.

કંપની- તાતા ગ્રૂપનો ભાગ તાતા કેમિકલ્સ લેક મૅગાડી વિસ્તારમાં કાર્યરત્ છે. આ સ્થળ કેન્યાની રાજધાની નૈરોબીથી અંદાજે 120 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.

કંપની દર વર્ષે 3.5 લાખ ટનથી વધુ સોડા ઍશની નિકાસ કરે છે. આ સોડા ઍશ ભારત, દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકાના અન્ય દેશોમાં મોકલવામાં આવે છે.

રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોનું કહેવું છે કે કંપની કેન્યા માટે પૂરતું યોગદાન આપતી નથી

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોનું કહેવું છે કે કંપની કેન્યા માટે પૂરતું યોગદાન આપી રહી નથી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

અમેરિકન જિયોલૉજિકલ સર્વે (યુએસજીએસ) મુજબ, કેન્યા કુદરતી સોડા ઍશનો વિશ્વનો ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સોડા ઍશને સામાન્ય રીતે સોડિયમ કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના કુલ સોડા ઍશ ઉત્પાદનમાં કેન્યાનો હિસ્સો આશરે 1 ટકા છે.

સોડા ઍશ મુખ્યત્વે કુદરતી ખારા પાણી અથવા ટ્રોના નામના ખનિજમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ કાચ, રસાયણો, બૅટરી તેમજ અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોના નિર્માણમાં કરવામાં આવે છે.

તાતા કેમિકલ્સ કેન્યાની સૌથી મોટી ખનિજ નિકાસકાર કંપનીઓમાંની એક છે અને આફ્રિકાની સૌથી મોટી સોડા ઍશ ઉત્પાદક કંપની પણ છે.

કંપની લેક મૅગાડીમાંથી ટ્રોના ખનિજનું ખનન કરે છે અને તેને પ્રોસેસ કરીને સોડા ઍશનું ઉત્પાદન કરે છે.

કંપનીની વેબસાઇટ મુજબ, સોડા ઍશ કાચ બનાવવામાં વપરાતો એક મહત્ત્વપૂર્ણ પદાર્થ છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ, રસાયણો, પાણી શુદ્ધીકરણ, કાપડ અને કાગળ ઉદ્યોગમાં પણ થાય છે.

કંપનીના 2024ના નાણાકીય અહેવાલ મુજબ, તેણે અંદાજે 2.45 લાખ ટન સોડા ઍશનું વેચાણ કર્યું હતું અને તેનો વ્યવસાય 7.87 કરોડ ડૉલરનો રહ્યો હતો.

કંપનીમાં આશરે 500 લોકો કામ કરે છે. કંપનીનું કહેવું છે કે તેના સામુદાયિક કાર્યક્રમોથી મૅગાડી આસપાસના લગભગ 30 હજાર લોકોને લાભ મળે છે. આ કાર્યક્રમોમાં પાણી, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ અને અન્ય પ્રકારની સહાયનો સમાવેશ થાય છે.

જોકે, રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોનું કહેવું છે કે કંપની કેન્યા માટે પૂરતું યોગદાન આપી રહી નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે કંપની દેશનાં કુદરતી સંસાધનોને માત્ર બહાર લઈ જઈ રહી છે.

તેમણે સ્વાહિલી ભાષામાં કહ્યું, “તાતા કેમિકલ્સ મગાડી પાસે 100 વર્ષનો કરાર છે, પરંતુ તેમણે કંઈ કર્યું નથી. મેં થોડા દિવસ પહેલાં તેમને કહ્યું હતું કે પોતાનો સામાન સમેટો અને અહીંથી ચાલી જાઓ.”

તેમણે વધુમાં કહ્યું, “તેમણે કાજિયાડોમાં કંઈ બનાવ્યું નથી. તેમણે કાજિયાડોમાં કોઈ ફૅક્ટરી પણ સ્થાપી નથી.”

તાતા કેમિકલ્સે શું કહ્યું?

કંપનીના 2024ના નાણાકીય અહેવાલ મુજબ, તેણે અંદાજે 2.45 લાખ ટન સોડા ઍશનું વેચાણ કર્યું હતું

ઇમેજ સ્રોત, Tata Chemicals website

તાતા કેમિકલ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે 2005માં મૅગાડી પ્લાન્ટનું અધિગ્રહણ કર્યા બાદથી તેણે “કેન્યાની અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ પ્લાન્ટ આજે પણ અમારા વ્યવસાયનો અભિન્ન ભાગ છે.”

રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોની આ ટિપ્પણી કેન્યાના ખનન મંત્રી દ્વારા આપેલા એ નિર્દેશના લગભગ પાંચ અઠવાડિયાં બાદ આવી છે, જેમાં તાતા કેમિકલ્સ મૅગાડીને પોતાનું કામકાજ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

અહેવાલો મુજબ, તેનું કારણ રૉયલ્ટીની ચુકવણી ન કરવી અને અન્ય નિયમનકારી શરતોનું પાલન ન કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કંપનીએ જણાવ્યું છે કે તેણે “મંત્રાલય દ્વારા ઉઠાવેલા તમામ મુદ્દાઓ પર વિગતવાર જવાબ રજૂ કર્યો છે.” આ જવાબમાં લાગુ પડતા નિયમનકારી નિયમોના પાલન સંબંધિત માહિતી પણ સામેલ છે.

કંપનીએ જણાવ્યું કે હવે તે પોતાના જવાબની સમીક્ષા અને આગળના નિર્દેશોની રાહ જોઈ રહી છે.

લેક મૅગાડી ખાતે આવેલી આ ફૅક્ટરીનો ઇતિહાસ 1911થી જોડાયેલો છે. 1928માં કેન્યા સરકાર સાથે એક મોટા ખનન લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

2005માં તાતા કેમિકલ્સે બ્રિટનની કંપની બ્રનર મૉન્ડ ગ્રૂપનું અધિગ્રહણ કર્યું હતું. એ પછી તેણે આ ઑપરેશનની જવાબદારી સંભાળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS