Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Joaquín SARMIENTO / AFP via Getty Images
વાંચવાનો સમય: 7 મિનિટ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કૉલંબિયામાં શક્તિશાળી ભૂકંપથી ભારે નુકસાન થયું છે અને ઘણાં શહેરોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.
કૉલંબિયાના સ્થાનિક અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધી ઓછામાં ઓછા 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
ચોકો પ્રાંતનાં ગવર્નર નૂબિયા કૅરોલિના કૉર્ડોબાએ જણાવ્યું કે ભૂકંપની અસરથી લોકો ઘાયલ થયા છે, પરંતુ તેમણે ઘાયલોની સંખ્યા જણાવી નથી.
તેમણે સંભવિત આફ્ટરશૉકને લઈને પણ ચિંતા વ્યક્ત કરી.
કૉલંબિયાની ભૂવૈજ્ઞાનિક સેવાના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ સાત વાગ્યાને ચોત્રીસ મિનિટે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
આ ભૂકંપનું કેન્દ્ર 96 કિલોમીટર ઊંડાઈએ હતું.
ભૂકંપ આટલી ઊંડાઈમાં હોવા છતાં રાજધાની બોગોટાથી સેંકડો કિલોમીટર દૂર સુધી તેનો અનુભવ થયો હતો. બોગોટામાં ઘણી ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી.
કૉલંબિયાના અખબાર એલ તિએમ્પોએ માનિસાલેસ શહેરનો એક વિડિયો શૅર કર્યો. તેમાં એક ઇમારત ધરાશાયી થયેલી દેખાઈ રહી છે, જેમના કાટમાળમાં લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં માનિસાલેસના એક ચર્ચનું શિખર ધરાશાયી થયેલું દેખાયું. નજીકની એક ઇમારતના બહારના ભાગમાં ઊંડી તિરાડો દેખાઈ.
આ ભૂકંપ પડોશી દેશ વેનેઝુએલાના ઉત્તરમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપોના લગભગ બે મહિના પછી આવ્યો છે.
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં 6,100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
રાહુલ ગાંધીએ ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શન વિશે શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી પર પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
કૉંગ્રેસ પાર્ટીએ સોમવાર સાંજે એક વિશેષ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, આ દરમિયાન રાહુલ ગાંધીને ઝારખંડના મુદ્દે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું, “ઝારખંડના વિદ્યાર્થીઓ માટે મારો સંદેશ સ્પષ્ટ છે કે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કોઈપણ પ્રકારની હિંસાની નિંદા કરીએ છીએ.”
તેમણે કહ્યું, “આવું ક્યાંય પણ થઈ રહ્યું હોય, અમે તેની નિંદા કરીએ છીએ. અમે આ પ્રકારની કાર્યવાહીના વિરોધમાં છીએ. અમે તેનું સમર્થન કરતા નથી.”
આ પહેલાં રાહુલ ગાંધીએ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું, “ઝારખંડમાં વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગનો ઉપયોગ કરવો અયોગ્ય છે. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે અને વાતચીતથી જ ઉકેલ નીકળી શકે છે. ઝારખંડ સરકારે આ વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએ અને દરેક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.”
ઉલ્લેખનીય છે કે ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ટક્કર થઈ છે. પોલીસે પ્રદર્શનકારીઓ પર વૉટર કૅનન અને ટિયરગૅસનો ઉપયોગ કર્યો છે.
પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે પાણીની ધાર છોડી છે. જોકે, પ્રદર્શનકારીઓ હજુ ત્યાં જ છે અને તેમણે ઘણા બૅરિકેડ પાર કરી દીધા છે.
રાંચી શહેરના એસપી પારસ રાણાએ જણાવ્યું છે કે આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારી અને ચારથી પાંચ પ્રદર્શનકારીઓને મામૂલી ઈજા થઈ છે.
ઝારખંડમાં મુખ્ય મંત્રી હેમંત સોરેનની સરકારમાં કૉંગ્રેસ પાર્ટી પણ સામેલ છે. રાજ્યની 81 બેઠકોની વિધાનસભામાં જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના 34 જ્યારે કૉંગ્રેસના 16 ધારાસભ્યો છે.
ઝારખંડમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન : પોલીસે ટિયરગૅસના શૅલ્સ છોડ્યા, કેટલાક પ્રદર્શનકારી ઘાયલ
ઇમેજ સ્રોત, ANI
ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ટક્કર થઈ છે. પોલીસે પ્રદર્શનકારીઓ પર વૉટર કૅનન અને ટિયરગૅસનો ઉપયોગ કર્યો છે.
પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે પાણીની ધાર છોડી છે. જોકે, પ્રદર્શનકારીઓ હજુ ત્યાં જ છે અને તેમણે ઘણા બૅરિકેડ પાર કરી દીધા છે.
રાંચી શહેરના એસપી પારસ રાણાએ જણાવ્યું છે કે આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મચારી અને ચારથી પાંચ પ્રદર્શનકારીઓને મામૂલી ઈજા થઈ છે.

પ્રદર્શનના સ્થળે ઉપસ્થિત બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓ પર ટિયરગૅસના શૅલ્સ પણ છોડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને ઘણા પ્રદર્શનકારીઓને પોલીસની લાઠી વાગી છે અને ઘાયલ થયા છે.
આ માર્ચમાં નવ દિવસથી ઉપવાસ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો પણ સામેલ થયા છે. તેમણે દાવો કર્યો કે તેઓ કાંટાના તારની વાડ અને બૅરિકેડિંગ પાર કરીને પ્રદર્શનના સ્થળે પહોંચ્યા છે.
ઝારખંડ: ‘વિધાનસભા માર્ચ’ દરમિયાન કેવો માહોલ છે
ઇમેજ સ્રોત, Dilnawaz Pasha
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC-CGL પરીક્ષાઓમાં થયેલી કથિત અનિયમિતતાઓના વિરોધમાં ઉમેદવારોનું આંદોલન 17મા દિવસે પણ ચાલુ છે.
સરકાર સાથે રવિવારે થયેલી ચર્ચા બાદ, સોમવારે ઉમેદવારો જૂના વિધાનસભા પરિસરથી નવા વિધાનસભા ભવન તરફ શાંતિપૂર્ણ માર્ચ કરી રહ્યા છે.
વિધાનસભા માર્ચ દરમિયાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
માર્ચ શરૂ થયા પહેલાં વિદ્યાર્થી નેતા રવિન્દ્ર પાસવાને જણાવ્યું કે પોલીસ પ્રશાસન જ્યાં પણ તેમને રોકશે, તેઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરશે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “અમારું આંદોલન સાંકેતિક છે અને સમગ્ર ઝારખંડના લોકોને આજના વિધાનસભા માર્ચ અને ઘેરાવ વિશે માહિતી છે.”
ઇમેજ સ્રોત, Dilnawaz Pasha
રવિન્દ્ર પાસવાને જણાવ્યું કે આ પ્રદર્શન દ્વારા સરકારને એ સંદેશ આપવાનો છે કે ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને એક અને મક્કમ છે.
તેમણે ચેતવણી આપી, “જો સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે, તો આવનારા સમયમાં આનાથી પણ મોટું આંદોલન થઈ શકે છે.”
પાસવાને આરોપ લગાવ્યો કે જે પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે, તેમાં અનિયમિતતાઓ સામે આવી છે.
તેમણે ખાસ કરીને સીજીએલ પરીક્ષાનો ઉલ્લેખ કરતાં તેમાં મોટી ગડબડ થઈ હોવાનો આરોપ લગાવ્યો.
આ પહેલાં એડીજી (મુખ્યાલય) મનોજ કૌશિકે ઉમેદવારોને શાંતિપૂર્ણ રીતે માર્ચ કાઢવાની અપીલ કરી હતી.
સાથે જ તેમણે જણાવ્યું, “વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત વિધાનસભા માર્ચ દરમિયાન અશાંતિ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.”
ઝારખંડ : આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ આજે વિધાનસભા માર્ચ કાઢશે
ઇમેજ સ્રોત, Yousuf Sarfaraz/SOPA Images/LightRocket via Getty Images
ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ વિરુદ્ધ વિદ્યાર્થીઓના ચાલતા આંદોલનનો 17મો દિવસ છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોએ સોમવારે વિધાનસભા માર્ચનું એલાન કર્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ, આ માર્ચને ધ્યાનમાં રાખીને રાંચીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. ઝારખંડ પોલીસે શહેરના મુખ્ય વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કર્યા છે.
એડીજી (મુખ્યાલય) મનોજ કૌશિકે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની પ્રસ્તાવિત વિધાનસભા માર્ચ દરમિયાન કોઈ પણ પ્રકારની અશાંતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રને ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે.”
તેમણે માર્ચમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે વિરોધપ્રદર્શન કરવાની અપીલ પણ કરી હતી.
રાંચીના એસએસપી રાકેશ રંજને કહ્યું, “માર્ચ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ બધાની જવાબદારી છે. પોલીસ એવું નથી ઇચ્છતી કે કાયદો અને વ્યવસ્થા બગડવાના કારણે કોઈ વિદ્યાર્થીના ભવિષ્ય પર નકારાત્મક અસર પડે. શહેરનાં મહત્ત્વપૂર્ણ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવી છે અને પૂરતી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં છે.”
વિધાનસભાના 750 મીટર વિસ્તાર સુધી પ્રતિબંધાત્મક આદેશ
એસએસપીના જણાવ્યા અનુસાર, વિધાનસભા ભવનથી 750 મીટરના વિસ્તારમાં 6 ઑગસ્ટથી 12 ઑગસ્ટ સુધી પ્રતિબંધાત્મક આદેશ અમલમાં છે. આ આદેશ દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લાગુ રહેશે.
રાંચીમાં યોજાનારા વિદ્યાર્થી માર્ચને ધ્યાનમાં રાખીને જમશેદપુરમાં પણ રવિવાર મધરાતથી પ્રતિબંધ લાગુ છે. જિલ્લા પ્રશાસન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
રાંચી જિલ્લા પ્રશાસને આંદોલનકારી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના આક્રમક પ્રદર્શનથી દૂર રહેવાની અપીલ કરી છે. ઉપરાંત માર્ચ દરમિયાન હિંસા કે કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ ન થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
બીજી તરફ, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે ઝારખંડના વિવિધ વિસ્તારોમાંથી રાંચી પહોંચવાના પ્રયાસ કરી રહેલા સૈંકડો વિદ્યાર્થીઓને પોલીસ બળજબરીપૂર્વક રોકી રહી છે.
હમાસે કયા મુદ્દે અમેરિકા નેતન્યાહૂ પર દબાણ લાવવા અપીલ કરી?
ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
હમાસના એક વરિષ્ઠ નેતાએ અમેરિકાને અપીલ કરી છે કે તે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર દબાણ કરે, જેથી ગાઝા શાંતિ યોજનાના આગામી તબક્કાનો અમલ થઈ શકે.
હમાસના રાજકીય બ્યૂરોના સભ્ય બાસેમ નઈમે એએફપી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકા આ સમજૂતીનો ગૅરંટર છે. તેથી તેની જવાબદારી છે કે તે નેતન્યાહૂ અને તેમની સરકાર પર શાંતિ યોજનાના રોડ મૅપને અમલમાં મૂકવા માટે દબાણ કરે.
બાસેમ નઈમે કહ્યું, “અમને આશા છે કે મધ્યસ્થ દેશ અને અમેરિકા બેન્જામિન નેતન્યાહૂ તથા તેમની સરકાર પર દબાણ કરશે, કારણ કે તે જ આ સમજૂતીના ગૅરંટર છે.”
નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ (સીઝફાયર) અંગે ઇઝરાયલ અને હમાસ વચ્ચે મતભેદો યથાવત્ છે. બંને પક્ષો વચ્ચે ઇઝરાયલી સેનાની ગાઝામાંથી પરત ફરવાના મુદ્દે સહમતિ બની નથી.
ગત મહિને ટ્રમ્પના બોર્ડ ઑફ પીસ દ્વારા એવો દાવો કરાયો હતો કે ગાઝામાં હમાસ અને અન્ય સશસ્ત્ર જૂથોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ અંગે સમજૂતી થઈ ગઈ છે, પરંતુ હમાસે આ દાવા સાથે અસહમતિ વ્યક્ત કરી હતી.
સંગઠનનું કહેવું છે કે તે ત્યારે જ હથિયારો છોડશે, જ્યારે ઇઝરાયલ પોતાની સૈન્ય કાર્યવાહી બંધ કરીને ગાઝામાંથી સેના પાછી બોલાવશે.
વાસ્તવમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 15 મુદ્દાવાળી યોજના પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે.
તેમણે કહ્યું છે કે જ્યાં સુધી હમાસનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ (હથિયારોનો ત્યાગ) નહીં થાય, ત્યાં સુધી ગાઝામાંથી ઇઝરાયલી સેનાની પરત નહીં થાય.
રવિવારે યોજાયેલી કૅબિનેટ બેઠકમાં નેતન્યાહૂએ જણાવ્યું, “ઇઝરાયલ 15 મુદ્દાવાળા દસ્તાવેજને સ્વીકારતું નથી. ઇઝરાયલી સેના પોતાના સૈનિકો અને નાગરિકો માટે ઊભાં થતાં જોખમોને રોકવા માટે કાર્યવાહી ચાલુ રાખશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




