Home તાજા સમાચાર gujrati ગુજરાત : નવરાત્રિમાં ‘ગરબા પાર્ટનર ભાડે મેળવો’, આવી પોસ્ટ પર પોલીસે શું...

ગુજરાત : નવરાત્રિમાં ‘ગરબા પાર્ટનર ભાડે મેળવો’, આવી પોસ્ટ પર પોલીસે શું ચેતવણી આપી?

4
0

Source : BBC NEWS

નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો' એવી જાહેરખબરો જોવા મળે છે (પ્રતીકાત્મક ફોટો)

નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ‘ગરબા પાર્ટનર ભાડે મેળવો’ એવી જાહેરખબરો જોવા મળે છે.

આવી પોસ્ટમાં જણાવાયું હોય છે કે નવરાત્રી દરમિયાન તમે “1000 રૂપિયાથી 6000 રૂપિયા સુધીની ચુકવણી કરીને પાર્ટનર ભાડેથી મેળવી શકશો” અને તેની સાથે “અલગ-અલગ ગરબા વેન્યૂ પર જઈ શકશો”.

આવી જાહેરખબરોમાં ગોલ્ડ, સિલ્વર અને પ્લૅટિનમ જેવા પ્લાન પણ ઑફર કરવામાં આવે છે અને દરેક પ્લાનની શું વિશેષતા છે તે જણાવવામાં આવે છે.

નવરાત્રી શરૂ થવાને હવે 20 દિવસથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે સોશિયલ મીડિયા પરની આવી જાહેરખબરોએ ચર્ચા જગાવી છે અને પોલીસના સાયબર ક્રાઇમ વિભાગે પણ તેની નોંધ લીધી છે અને લોકોને ચેતવણી પણ આપી છે.

નવરાત્રિમાં ‘ગરબા પાર્ટનર’ ભાડે મેળવવાની વાત શું છે?

નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો' એવી જાહેરખબરો જોવા મળે છે (પ્રતીકાત્મક ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર નવરાત્રીમાં ‘પાર્ટનર ભાડે મેળવો’ એવા હેડિંગ સાથેના પોસ્ટર જોવા મળે છે. કેટલીક પોસ્ટમાં બે કલાકના અઢીથી ત્રણ હજાર રૂપિયાનો રેટ દર્શાવાયો હોય છે, જ્યારે આખા દિવસ માટેના પૅકેજનો ભાવ 6000થી 7000 રૂપિયા સુધીનો હોય તેવું દર્શાવાય છે.

આવી મોટા ભાગની પોસ્ટ સોશિયલ મીડિયા પર છેલ્લા એક અઠવાડિયામાં જોવા મળી છે અને તેમાં યુવકો અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગરબે રમતા હોય તેવા એઆઇ જનરેટેડ ફોટા હોય તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત આવી પોસ્ટની ખાસ વાત એ છે કે અમુક હજાર ફોલૉઅર્સ હોય તેવા અજાણ્યા એકાઉન્ટ પર તે જોવા મળે છે અને તે ગુજરાતનાં અલગ-અલગ શહેરોના નામ સાથે હોય છે.

મોટા ભાગની પોસ્ટમાં પુરુષોને આકર્ષવા પ્રયાસ થતો હોય તેવું જોઈ શકાય છે. કેટલીક પોસ્ટમાં રીલ બનાવવાની અને ગરબાના સ્ટેપ્સ શીખવાની તથા પાર્ટનર સાથે ફોટા પડાવવાની ઑફર પણ હોય છે.

અગાઉ ભૂતકાળમાં આ રીતે ગરબા પાર્ટનર ભાડે આપવાની પોસ્ટ જોવા મળી ન હોવાથી આ કોઈ સ્કૅમ હોય અને લોકોને લલચાવીને પછી નાણાકીય ફ્રૉડ કરવામાં આવે અથવા બ્લૅકમેલ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું નિષ્ણાત માને છે.

ગુજરાત પોલીસે શું કહ્યું?

હાલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર નવરાત્રીમાં 'પાર્ટનર ભાડે મેળવો' એવા હેડિંગ સાથેના પોસ્ટર જોવા મળે છે

ઇમેજ સ્રોત, social media

સાયબર સિક્યૉરિટીના નિષ્ણાતો તથા પોલીસ વિભાગે લોકોને આવી પોસ્ટમાં ન લલચાવા અને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે.

અમદાવાદસ્થિત સાયબર ક્રાઇમનાં ડીસીપી ડૉ. લવિના સિંહાએ આ અંગે એક વીડિયો સંદેશમાં લોકોને આવા મૅસેજમાં ન લલચાવાની સલાહ આપી છે.

તેમણે જણાવ્યું કે, “સોશિયલ મીડિયાનાં અનેક પ્લૅટફૉર્મ પર હાલમાં એવા મૅસેજ વાઇરલ થયા છે અને ટ્રેન્ડમાં ચાલે છે, જેમાં જણાવાયું છે કે ચોક્કસ રકમના બદલામાં તમે પાર્ટનર ભાડે મેળવી શકો છો અને ગરબા માટે વેન્યૂ પર લઈ જઈ શકો છો. અથવા તમે ગરબાએ જવા માટે આખો દિવસ તેમની સાથે ગાળી શકો છો. આવી ઘણી પોસ્ટ વાઇરલ થઈ છે અને સોશિયલ મીડિયા મૉનિટરિંગ સેલના જાણમાં આવી છે. તેના વિશે એટલું કહીશ કે આવી પોસ્ટમાં સામેના છેડે કોઈ જાણકાર વ્યક્તિ હોય તેવું જરૂરી નથી.”

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ નવરાત્રી પાર્ટનર રેન્ટ સાયબર ક્રાઈમ

ઇમેજ સ્રોત, IANS

તેમણે કહ્યું કે, “ઘણી વખત આવી પોસ્ટ એટલા માટે હોય છે કે આ બહાને થોડી વાતચીત થાય. એક વખત ચેટિંગ થાય પછી તેનો ગેરકાયદે ઉપયોગ પણ થઈ શકે છે. બીજું, આ એક સ્કૅમ પણ હોઈ શકે છે, કારણ કે તેમાં રૂપિયા ગુમાવવાની પણ શક્યતા રહે છે. જે કારણથી પેમેન્ટ લેવામાં આવી રહ્યું હોય તે ન પણ થાય તેવી શક્યતા છે. જે લિંક દ્વારા પેમેન્ટ થાય છે તેનાથી તમારી સાથે ડિજિટલ ફ્રૉડ અથવા સાઇબર ફ્રૉડનો પ્રયાસ થઈ શકે છે. તેથી આવી કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કે પેમેન્ટ લિંકથી સાવધાન રહો.”

ડૉ. લવિના સિંહાએ કહ્યું કે, “તમને કોઈ સ્કૅમની શક્યતા લાગતી હોય અથવા તમે રૂપિયા ગુમાવ્યા હોય કે લિંક પર ક્લિક કર્યા પછી ફોન હૅક થઈ ગયો હોય તો તરત 1930 પર સંપર્ક કરો અને નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો.”

સાયબર સિક્યૉરિટી નિષ્ણાત શું કહે છે?

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ નવરાત્રી પાર્ટનર રેન્ટ સાયબર ક્રાઈમ

ઇમેજ સ્રોત, Chintan Pathak

સાયબર ક્રાઇમ દ્વારા લોકોની સાથે ઠગાઈના કેસ વધતા જાય છે ત્યારે સાયબર સિક્યૉરિટી નિષ્ણાત માને છે કે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ એ લોકોને બ્લૅકમેલ કરવાનો, હની ટ્રેપમાં ફસાવવાનો અથવા બીજી કોઈ રીતે રૂપિયા પડાવવાનો પ્રયાસ હોઈ શકે છે.

સુરતસ્થિત સાયબર ક્રાઇમ અને ડેટા પ્રોટેક્શન નિષ્ણાત ચિંતન પાઠક કહે છે કે, “અમારી પાસે છેલ્લાં પાંચ વર્ષમાં એવા ઘણા કેસ આવ્યા છે, જેમાં લોકોને સોશિયલ મીડિયા પર સેમી ન્યૂડ કૉન્ટેન્ટ અથવા આવી ઑફરોથી લલચાવ્યા હોય.”

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, “યુવાન વયના યૂઝર્સને વિજાતીય પાત્ર શોધી આપવાના નામે લલચાલવા ઇન્સ્ટાગ્રામ, સ્નૅપચૅટ અને ટેલિગ્રામ જેવાં પ્લેટફૉર્મ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વૉટ્સઍપ અને સિગ્નલ જેવી ઍપનો પણ ઉપયોગ થાય છે. તમારી આંતરિક ચેટના આધારે પણ ઇન્સ્ટાગ્રામ તમને ફ્રેન્ડશિપ માટે સજેશન કરે છે.”

ચિંતન પાઠકના કહેવા પ્રમાણે, “તમે સોશિયલ મીડિયા પર આવી ઑફર કરનારાઓનો સંપર્ક કરો ત્યારે તમને ગ્રૂપમાં રજિસ્ટર થવા માટે કોઈ ફાઇલ અથવા ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવા માટે કહેવામાં આવે છે. કેટલીક વખત આ ફાઇલ .apk ફૉર્મેટમાં હોય છે. તેને ઇન્સ્ટૉલ કરતા જ તમારા બધા ડેટા, મીડિયા ફાઇલ, કૉન્ટેક્ટની વિગત તે લોકોના હાથમાં આવી જાય છે.”

મોબાઇલ ફોનનું એક્સેસ આપી દેવાનો ખતરો

બીબીસી ગુજરાતી ગુજરાત પોલીસ નવરાત્રી પાર્ટનર રેન્ટ સાયબર ક્રાઈમ

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે, “તમે પુરુષ હોવ તો સામે કોઈ મહિલા વાત કરશે અને મહિલા હોવ તો સામેથી કોઈ પુરુષ વાત કરશે. ધીમે ધીમે તમારી પાસેથી ફોટો અથવા વીડિયો માગવામાં આવી શકે, અથવા તમને સ્ક્રીન ચાલુ કરવા કહે છે. કેટલાક લોકો પોતાના ફોટો અને વીડિયો આપે છે અને પછી તેનું ન્યૂડ કૉન્ટેન્ટ બનાવીને રૂપિયા માગીને બ્લૅકમેલ કરવામાં આવી શકે છે, જે એક પ્રકારનું સેક્સટોર્શન છે.”

ચિંતન પાઠક કહે છે કે “કોઈએ મોકલેલી .apk ફાઇલ ડાઉનલોડ કરવાથી તમારા મોબાઇલમાં રહેલા ફોટા અને વીડિયોને પણ તેઓ એક્સેસ કરી શકે છે અને પછી એઆઇની મદદથી વાંધાજનક કૉન્ટેન્ટ બનાવીને શૅર કરવાની ધમકી આપે છે. જો રૂપિયા ન આપી શકો તો તેઓ તમારી પાસેથી વધારે કૉન્ટેન્ટ મગાવે છે.”

તેથી પાર્ટનર ભાડે રાખવાની જાહેરખબરથી તેઓ દૂર જ રહેવાની સલાહ આપે છે.

તેઓ કહે છે કે “ઘણા લોકો જાહેરખબર જોઈને સર્ચ કરે છે ત્યારે સામેથી લિંક મળે છે, જેના આધારે તમને હની ટ્રેપમાં ફસાવવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે.”

તેઓ કહે છે કે “તમારા સુધી આ કૉન્ટેન્ટ કેવી રીતે પહોંચે છે તેના માટે અલ્ગોરિધમ કામ કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ ગૂગલ પર કોઈ વસ્તુ સર્ચ કરે અથવા તે સોશિયલ મીડિયા પર કોઈ મૅસેજનો રિપ્લાય આપે છે, તો આ બધી ઍપ્લિકેશન તમારા ડેટાને રીડ કરે છે, કારણ કે આપણે પહેલેથી તેનું એક્સેસ આપેલું હોય છે. તેનું કારણ છે કે આપણે ત્યાં હજુ સુધી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ, 2023 (ડીપીડીટી ઍક્ટ)નો સંપૂર્ણ અમલ થયો નથી. લોકોમાં હજુ ડેટાને ઓપ્ટ-ઇન અને ઓપ્ટ-આઉટ કેવી રીતે કરી શકાય તેના વિશે જાગૃતિ ઓછી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS