Home તાજા સમાચાર gujrati ગુજરાતના આ તાલુકામાં ઓછો વરસાદ, દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું હોય?

ગુજરાતના આ તાલુકામાં ઓછો વરસાદ, દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું હોય?

5
0

Source : BBC NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખેડૂત કરશનભાઈ માડમ 9 સપ્ટેમ્બર, 2026 સુધી વાવણી કરી શક્યા ન હતા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ગુજરાતમાં દોઢેક મહિના બાદ ફરી વરસાદ પડ્યો છે અને વરસાદનો આ રાઉન્ડ આગામી કેટલાક દિવસ ચાલુ રહેશે તેવી આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે.

શ્રાવણ મહિનો કોરો ગયા બાદ ભાદરવામાં આવેલો વરસાદ રાજ્યના કેટલાય વિસ્તારો માટે આ વર્ષે વરસાદનો ત્રીજો કે ચોથો રાઉન્ડ છે, પરંતુ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરના કેટલાક તાલુકાઓમાં સોમવારે વરસેલા ઝરમર ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ આ વરસ દરમિયાન અત્યાર સુધી વરસેલા વરસાદની પૅટર્ન મુજબ જ હતો.

સોમવાર સાંજના આઠ વાગ્યાની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાને બાદ કરતા તે જિલ્લાના બાકીના ત્રણ તાલુકા—ખંભાળિયા, કલ્યાણપુર અને દ્વારકામાં હજુ પણ આ વરસનો કુલ વરસાદ પાંચ ઇંચ કરતા ઓછો હતો.

આવી જ સ્થિતિ કચ્છના લખપત, અબડાસા અને અંજાર તાલુકાની હતી જ્યારે માંડવી તાલુકામાં વરસાદના પત્રકમાં પાંચ ઇંચ પૂરો થયો હતો. પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર અને રાણાવાવ તાલુકામાં વરસાદ આ વર્ષે નજીવો પડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકાર દુષ્કાળ જાહેર કરે તેવી માગણી આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવી, ગુજરાત કિસાન કૉંગ્રેસના કન્વીનર પાલ આંબલિયા, આમ આદમીના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને હેમંત ખાવા કરી રહ્યા છે.

આવી જ માગણી કચ્છમાંથી પણ ઊઠી છે અને ઘાસચારાના અભાવે હજારો માલધારીઓ લખપત, અબડાસા વગેરે તાલુકાઓમાંથી તેમની ગાયો-ભેંસો સાથે હિજરત કરી રહ્યા છે.

કચ્છમાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ 27 ઑગસ્ટ ગુજરાતના મુખ્ય મંત્રીને એક પાત્ર લખી ફરિયાદ કરી હતી કે લખપત, અબડાસા, નખત્રાણામાં ઘાસ-ચારાની તંગી છે. જોકે સરકારે હજુ સુધી વિધિવત્ રીતે આ વિસ્તારોમાં દુષ્કાળની જાહેરાત કરી નથી.

સરકાર કચ્છ-દ્વારકામાં દુષ્કાળ કેમ જાહેર નથી કરતી?

કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચરી રહેલી ભેંસોની 27 ઑગસ્ટ, 2026ના રોજ લેવાયેલી તસવીર. લખતપ અને અબડાસા તાલુકાઓમાંથી સેંકડો માલધારી હિજરત કરી તેમની ગાયો-ભેંસો લઇને બન્નીમાં આવી ગયા છે

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

કચ્છ અને દ્વારકાના ચાર-ચાર તેમજ પોરબંદર જિલ્લાના બે તાલુકામાં 9 સપ્ટેમ્બરની સ્થિતિએ પાંચ ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો. માલધારી અગ્રણીઓ તેમજ વિરોધ પક્ષના રાજકીય નેતાઓ દ્વારા વારંવાર માગણી છતાં સરકારે આ 10 તાલુકામાં સરકારે સત્તાવાર રીતે દુષ્કાળ કેમ નથી જાહેર કરતી તેવો સવાલ બીબીસીએ ગુજરાતના કૃષિમંત્રી જિતુ વાઘાણીને 9 સપ્ટેમ્બરે કર્યો હતો.

જવાબમાં જિતુ વાઘાણી જણાવ્યું, “હાલમાં જે સ્થિતિ છે તેમાં પશુનો ઘાસચારા એ આજથી નહીં એક મહિનાથી કલેક્ટરોને એ આપવાની છૂટ આપી છે, ઘાસ ખરીદવાની, પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આપવાની છૂટ આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે નર્મદા ડૅમમાં જે પાણી ઉપલબ્ધ છે એ પાણી આપવાની પણ શરૂઆત રાજ્ય સરકારે કરી દીધી છે, જે ધારાધોરણો-નિયમ છે તે પ્રમાણે. આપ પણ જાણો છો અને અગાઉ પણ અનેક વાર વાતચીત થઈ છે—રાજ્યની સરકાર હંમેશાં ખેડૂતો માટે, રાજ્યની જનતા માટે સંવેદનશીલ હોય છે.”

“યોગ્ય સમયે યોગ્ય નિર્ણય એ ખેડૂતોના હિતમાં રાજ્યની સરકાર જ્યારે જે પ્રકારે જરૂર પડે તે ભૂતકાળમાં પણ લીધા છે.”

રાજ્ય સરકારે કચ્છમાં જુલાઈ મહિનાથી અને દેવભૂમિ દ્વારકામાં ઑગસ્ટ મહિનાથી પશુપાલકોને રૂપિયા બે પ્રતિ કિલોના રાહતદરે ઘાસનું વિતરણ ચાલુ કર્યું છે. સરકાર પશુપાલકોને ઘાસ વિતરણ કાર્ડ આપી પશુપાલક દીઠ મહત્તમ પાંચ પશુ માટે પશુ દીઠ દૈનિક ચાર કિલોના હિસાબે ઘાસ આપી રહી છે.

જોકે કચ્છના પશુપાલકોએ ઑગસ્ટ મહિનાના અંતે બીબીસીને જણાવ્યું હતું કે તેમને માત્ર એક વાર ઘાસ આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર કયા નિયમોને આધારે દુષ્કાળ જાહેર કરે છે?

9 સપ્ટેમ્બર, 2026ના રોજ કૅબિનેટ મીટિંગ બાદ પત્રકારોને માહિતી આપતા ગુજરાતના કૃષિમંત્રી જિતુ વાઘાણી

ઇમેજ સ્રોત, Pawan Jaiswal/BBC

ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી હોવાથી રાજ્ય સરકારે દુષ્કાળ જાહેર કરવાની કામગીરી હાથ ધરી નથી.

તેમણે એમ પણ ઉમેર્યું કે રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા કેન્દ્ર સરકારે 2016માં જાહેર કરેલ અને 2020માં અપડેટ એટલે સુધારા-વધારા કરી અદ્યતન કરેલ મેન્યુઅલ ફૉર ડ્રાઉટ મૅનેજમૅન્ટ (દુષ્કાળનું વ્યવસ્થાપન) કરવાની પુસ્તિકામાં આપેલ માર્ગદર્શન અનુસાર કરે છે.

આ મેન્યુઅલમાં કેવી સ્થિતિમાં દુષ્કાળ જાહેર કરી શકાય તેની છણાવટ છે. તેમાં વરસાદની અછત કે ઘટ તેમજ ચોમાસા દરમિયાન વાયરાને દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન કરવા માટેનું મહત્ત્વના પરિબળ તરીકે ગણાવવામાં આવ્યા છે, પરંતુ સાથે જ ભારપૂર્વક જણાવાયું છે કે માત્ર આ બે કારણ દુષ્કાળ જાહેર કરવા માટે પૂરતાં સાબિત ન થઈ શકે.

દુષ્કાળ જાહેર કરવા કયાં પરિબળો જરૂરી છે?

કચ્છના લખપત તાલુકાના સુજાવાંઢ ગામના ખેડૂત ઇબ્રાહીમ વેણની 27 ઑગસ્ટ, 2026ના રોજ લેવાયેલી તસવીર. તેઓ કહે કે વરસાદના અભાવે તેમની 12 એકર જમીનમાં એરંડા અને મગનો પાક નિષ્ફળ ગયો છે

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

દુષ્કાળના ચાર પ્રકાર છે. જો કોઈ વિસ્તારમાં સિઝન દરમિયાન અગાઉનાં 30 વરસમાં વરસેલા સરેરાશની સાપેક્ષ 75 ટકાથી ઓછો વરસાદ વરસે તો તેને હવામાનશાસ્ત્રીય દુષ્કાળ કહેવાચ છે.

જો નદી-તળાવોમાં પાણીનાં સ્તર ઘટીને એવાં સ્તરે પહોંચી જાય કે પાણીના વપરાશની સ્થાપિત પદ્ધતિઓ ખોરવાઈ જાય તો તેને પાણીશાસ્ત્રીય દુષ્કાળ કહેવાય. જો જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી જવાથી ખેતીના પાકો કરમાવા લાગે તો તેને કૃષિ દુષ્કાળ કહેવાય.

જો પાણીની અસાધારણ તંગી કોઈ ક્ષેત્રના અર્થતંત્રનાં બધાં અંગોને ખોરવી નાખે અને તેના કારણે બેરોજગારી, હિજરત, લોકોમાં અસંતોષ વગેરે સર્જાય તો તેવી સ્થિતિને સામાજિક-આર્થિક દુષ્કાળ કહેવાય છે.

આ જટિલતાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે દુષ્કાળની સ્થિતિ છે કે નહીં તે નક્કી કરવા માટે વરસાદમાં તુલનાત્મક ઘટ ઉપરાંત ત્રણથી ચાર અઠવાડિયાં જેટલું લાંબું વાયરું ફૂંકાયું છે કે નહીં, ખેતીના પાકોના વાવેતર વિસ્તારમાં નોંધાયેલી ઘટ, ખેતી પાકોની ઉત્પાદકતામાં ઘટ, ડૅમ-તળાવોમાં સંગ્રહાયેલા પાણીના જથ્થામાં અને નદીઓમાં વહેતાં પાણીના સ્તરમાં તુલનાત્મક ઘટ, સેટેલાઇટની મદદથી જે તે તાલુકામાં વાનસ્પતિક આવરણમાં થયેલી ઘટ, જમીનના ભેજની માત્રામાં થયેલી ઘટ, ઘાસચારાના ભાવમાં વધારો, લોકો દ્વારા સરકારની મનરેગા (હવે, ‘વિકસિત ભારત – જી રામ જી’) જેવી યોજનામાં કામની માગણીમાં થયેલો વધારો, કામની શોધમાં લોકોની હિજરત વગેરે પરિબળોને પણ ધ્યાને લેવા સૂચન કર્યું છે.

દુષ્કાળ જાહેર કરવાની રીત શું હોય છે?

કચ્છના લખપત તાલુકાના કલરાવાંઢ ગામમાં સુકાઈ રહેલા જુવારના પાકની  27 ઑગસ્ટ, 2026ના રોજ લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા વરસાદ કેટલો પડ્યો છે, તેની અસર કેવી થઈ છે તેની આંકડાકીય માહિતી અને ખેતરોમાં જઈ પાકોને થયેલા નુકસાનનો સૅમ્પલ સર્વ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે.

કેન્દ્ર સરકારના મેન્યુઅલમાં જણાવાયું છે કે જો કોઈ વર્ષે કોઈ તાલુકામાં આગળનાં 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ 20 ટકાથી 59 ટકા ઓછો વરસાદ પડે તો વરસાદની ઘટ કહેવાય છે. જો વરસાદ 60 ટકાથી 99 ટકા જેટલો ઓછો વરસાદ પડે તો તેને વરસાદની મોટી ઘટ કહેવાય છે.

કોઈ વિસ્તારમાં નૈૠત્યના ચોમાસા દરમિયાન કયા અઠવાડિયા અને મહિના દરમિયાન સરેરાશ કેટલો વરસાદ પડે છે તેને આધારે હવામાન ખાતું તે વિસ્તારનો સ્ટાન્ડર્ડડાઇઝડ પ્રીસિપિટેશન ઇન્ડેક્સ (એસપીઆઈ) એટલે કે વરસાદનો પ્રમાણભૂત આંક તૈયાર કરે છે. અગાઉનાં 30 વર્ષની સાપેક્ષ વરસાદ સામાન્ય પડ્યો હોય તો એસપીઆઈ 0.99થી 0 ગણાય છે. જો એસપીઆઈ -0.99થી 0 હોય તો તે થોડી સૂકી સ્થિતિ સૂચવે છે.

જો તે -1.49થી -1 હોય તો મધ્યમ સૂકી સ્થિતિ દર્શાવે છે. એસપીઆઈ -1.99થી -1.5 ભારે સૂકી અને એસપીઆઈ -2 અતિશય સૂકી સ્થિતિ દર્શાવે છે.

મેન્યુઅલમાં જણાવાયું છે કે જો વરસાદની ઘટ હોય અથવા એસપીઆઈ-1થી નીચો હોય અને જો વાયરું ફૂંકાયું હોય તો તેને દુષ્કાળનો ટ્રીગર-1 એટલે કે પ્રથમ સંકેત ગણવો. જો વાયરું ન ફૂંકાયું હોય, પરંતુ ઝરમર વરસાદને કારણે વરસાદની ઘટ 60 ટકાથી 99 ટકા હોય કે એસપીઆઈ -1.5 હોય તો પણ તેને દુષ્કાળનો ટ્રીગર-1 ગણવો.

જો મોસમનો સરેરાશ વરસાદ સામાન્ય રહ્યો હોય અથવા એસપીઆઈ -1થી વધારે હોય, પરંતુ વાયરું ફૂંકાયું હોય તો પણ તે દુષ્કાળનો ટ્રીગર-1 ગણવો તેવું મેન્યુઅલમાં જણાવાયું છે.

જો 1 સપ્ટેમ્બરની સ્થિતિએ ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ ટ્રીગર-1ની હાજરી મળે તો રાજ્ય સરકારે તેની અસરથી ઉદ્ભવતા ટ્રીગર-2ને તપાસી દુષ્કાળની તીવ્રતા માપવી પડે. આવા કુલ ચાર ટ્રીગર-2 છે.

આ વર્ષે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાનસ્પતિક આવરણમાં ફેરફારનો સામાન્ય આંક અને જમીનની સપાટી પરની ભીનાશના પ્રમાણમાં ફેરફારનો સામાન્ય આંક નીચા છે

ઇમેજ સ્રોત, MNCFC

તેમાં ખેતી (પાક વાવેતર વિસ્તાર), રિમોટ સેન્સિંગ ઉપગ્રહ દ્વારા નોંધાયેલા સંકેતો (વાનસ્પતિક આવરણ કે વાનસ્પતિક આવરણમાં ફેરફારનો સામાન્ય આંક અને જમીનની સપાટી પરની ભીનાશના પ્રમાણમાં ફેરફારનો સામાન્ય આંક), જમીનમાં રહેલા ભેજની માત્રા (છોડને લભ્ય ભેજ અથવા ભેજ ઉપલબ્ધતા આંક) અને જળવિજ્ઞાન (નદીઓમાં પાણીનો પ્રવાહ, ડૅમોમાં પાણીનું લેવલ તેમજ ભૂગર્ભજળની ઊંડાઈમાં થયેલા ફેરફાર)નો સમાવેશ થાય છે.

સરકારે આ ચારમાંથી કોઈ પણ ત્રણ ટ્રીગરનો અભ્યાસ કરી દુષ્કાળની તીવ્રતા નક્કી કરવાની રહે છે. જો ત્રણમાંથી કોઈ બે ટ્રીગર-2 સિવિયર કૅટેગરી એટલે અતિ વિષમ પરિસ્થિતિ સૂચવતા જણાય તો દુષ્કાળની સ્થિતિ અતિ વિષમ કહેવાય. જો ત્રણમાંથી બે ટ્રીગર મધ્યમ વિષમતા દર્શાવતા હોય તો દુષ્કાળની સ્થિતિ વિષમ ગણાશે.

દુષ્કાળ જાહેર કરવાનું ત્રીજું પગલું છે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત તાલુકાનાં ગામોમાંથી 10 ટકા ગામો સૅમ્પલ સર્વે માટે પસંદ કરી તે ગામોમાં પાકોને થયેલા નુકસાનનો તાગ મેળવવાનું.

જો પાકોને 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો તે દુષ્કાળનું સૂચક છે. જો નુકસાન 50 ટકાથી વધારે હોય તો અતિ વિષમ દુષ્કાળનો સંકેત છે તેવું અર્થઘટન કરવાનું છે.

ચોમાસું ન આવવાથી કે મોડું આવવાથી જો જુલાઈ-ઑગસ્ટના અંત સુધીમાં સરેરાશ વાવેતર વિસ્તારની સાપેક્ષ વાવેતર 85 ટકાથી ઓછું થયું હોય તો દુષ્કાળની પરિસ્થિતિ છે તેમ અર્થઘટન કરવું તેવું મેન્યુઅલમાં જણાવ્યું છે.

જો વાવેતર 75 ટકાથી ઓછું થયું હોય તો અતિ વિષમ દુષ્કાળની સ્થિતિનો સંકેત છે તેમ સમજવું. જો જમીનમાં ભેજની ટકાવારી 51થી 75 ટકા જ હોય તો દુષ્કાળ ગણાય અને જો ટકાવારી 50 ટકા કે તેનાથી ઓછી હોય તો અતિ વિષમ દુષ્કાળ ગણાય.

9 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ત્રણ જિલ્લામાં શું પરિસ્થિતિ હતી?

આ વરસે કચ્છ-દ્વારકામાં પડેલ વરસાદ આખા ભારતમાં પડેલ ઓછા વરસાદમાં ગણના પામે છે

ઇમેજ સ્રોત, MNCFC

ગુજરાત સરકારના સત્તાવાર આંકડા અનુસાર 9 સપ્ટેમ્બરની સ્થિતિએ કચ્છ જિલ્લામાં સરેરાશ 147.40 મિલીમીટર એટલે કે લગભગ પાંચ ઇંચ (25 મિલીમીટર=1 ઇંચ ) વરસાદ નોંધાયો હતો જે જિલ્લાની પાછલાં 30 વર્ષની સરેરાશના 29.49 ટકા થાય.

દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 54 મિમી (6.41 ટકા), પોરબંદરમાં 153 મિમી (18 ટકા) અને જામનગરમાં 216 મિમી (28.88 ટકા) વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન ખાતાના આંકડા અનુસાર આ ચારેય જિલ્લાઓમાં 14 સપ્ટેમ્બર, 2026ની સ્થિતિએ જેટલો વરસાદ વરસી જવો જોઈએ તેની સાપેક્ષ ખરેખર વરસેલા વરસાદ બહુ જ વધારે ઓછો છે. ટકાવારીમાં દેવભૂમિ દ્વારકા(-88 ટકા) સૌથી ઉપર છે અને ત્યાર પછી પોરબંદર (-75 ટકા), કચ્છ (-63 ટકા) અને જામનગર (-61 ટકા) આવે છે. આ ઉપરાંત અન્ય 13 જિલ્લાઓમાં 20થી 59 ટકા જેટલી ઘટ છે.

ભારત સરકારના કૃષિ મંત્રાલયના નેજા હેઠળ કામ કરતું મહાલાનોબીસ નૅશનલ સેન્ટર ફૉર ક્રૉપ ફોરકાસ્ટ દેશમાં પાકની સ્થિતિ વિશે વર્તારા કરવા માટે તાલુકા કક્ષાએ વાનસ્પતિક આવરણ, જમીનમાં ભેજની માત્ર વગેરે પર નજર રાખે છે.

આ સેન્ટરના તાજેતરના અહેવાલ અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં 21 ઑગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન વાનસ્પતિક આવરણના તફાવતનો સામાન્ય આંક અગાઉનાં પાંચ વર્ષની સાપેક્ષ 30 ટકા જેટલો નીચો હતો, જ્યારે પોરબંદરમાં પણ લગભગ તેવી જ સ્થિતિ હતી.

જમીનની સપાટી પરના ભેજનો આંકમાં પણ તેવો જ તુલનાત્મક ઘટાડો નોંધાયો છે અને પાકોના છોડના મૂળ જે ઊંડાઈએથી ભેજ ખેંચી શકે તે ઊંડાઈએ પણ ભેજનું પ્રમાણમાં પાછલાં 10 વર્ષની સરખામણીએ 20થી 30 ટકા જેટલો ઘટાડો હોવાથી સૂકી સ્થિતિ પ્રવર્તી રહી છે તેમ રિપોર્ટમાં જણાવ્યું છે. વળી, આ રિપોર્ટમાં જણાવાયું છે કે ગુજરાતમાં ઑગસ્ટ દરમિયાન વાયરા પણ ફૂંકાયા હતા.

સત્તાવાર દુષ્કાળ જાહેર કર્યા બાદ જ કોઈ રાજ્ય સરકાર પોતાના રાજ્ય આપત્તિ રાહત ભંડોળનાં નાણાં રાહતકાર્યો માટે વાપરી શકે છે. મેન્યુઅલમાં જણાવ્યું છે કે ખરીફ ઋતુનો દુષ્કાળ મોડામાં મોડો 31 ઑક્ટોબરે જાહેર કરી દેવો પડે અને તે સપ્ટેમ્બરમાં પણ જાહેર કરી શકાય.

મેન્યુઅલમાં કહેવાયું છે કે રાજ્ય સરકારોએ દુષ્કાળ જાહેર કરવામાં મોડું ન કરવું જોઈએ, કારણ કે આવી જાહેરાત થયા પછી કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિનો તાગ મેળવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમ મોકલે છે અને તે ટીમ તેનો અહેવાલ સોંપે ત્યાર બાદ જ કેન્દ્ર સરકાર રાહત કાર્યો માટે રાજ્ય સરકારને રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળમાંથી નાણાં ફાળવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS