Home તાજા સમાચાર gujrati ગુજરાતને અડીને આવેલું એ હિલ સ્ટેશન જ્યાં સ્ટ્રૉબેરીનો મબલખ પાક લેવાઈ રહ્યો...

ગુજરાતને અડીને આવેલું એ હિલ સ્ટેશન જ્યાં સ્ટ્રૉબેરીનો મબલખ પાક લેવાઈ રહ્યો છે

5
0

Source : BBC NEWS

ભારત સ્ટ્રોબેરીની વેરાયટી માટે અમેરિકા અને યૂરોપ પર નિર્ભર છે

ઇમેજ સ્રોત, Krishan Bhilare

પશ્ચિમ ભારતનો પર્વતીય પ્રદેશ મહાબળેશ્વર ભારતનાં મોટાભાગનાં સ્ટ્રોબેરી ફાર્મનું ઘર છે.

ભારતમાં સ્ટ્રોબેરીની કુલ પૈકીની 85 ટકા ખેતી અહીં થાય છે.

તેની 1,000 મીટર (3,280 ફૂટ) કરતાં વધુની ઊંચાઈ આ પ્રદેશને નવેમ્બરથી માર્ચની વચ્ચે લાંબી અને ઠંડી આબોહવા આપે છે, જે પાકને એકદમ માફક આવે છે.

વધુમાં, અહીંની હલ્કી અને પાણીના નિકાલવાળી જમીન સ્ટ્રોબેરીની ખેતી માટે સાનુકૂળ છે.

જોકે, તેનો અર્થ એ નથી કે, ખેડૂતોનું જીવન સરળ છે – બલ્કે આ કામ ઘણો શ્રમ માગી લેનારું છે અને આજીવિકા રળવા માટે તે જોખમી રસ્તો છે.

પોતાના ત્રણ એકરના ખેતરના અડધા ભાગમાં પતિ સાથે મળીને સ્ટ્રોબેરી ઉગાડતાં શીતલ દાનવલે કહે છે, “ધારો કે તમારું ખેતર સ્ટ્રોબેરીથી ભરેલું હોય અને એકાએક ભારે વરસાદ તૂટી પડે, તો આખો પાક નષ્ટ થઈ જાય છે અને મોટું નુકસાન વેઠવું પડે છે.”

સ્ટ્રોબેરીના છોડ દરેક સિઝનમાં બદલવા પડે છે અને તે બીજમાંથી ઉગાડવામાં આવતા નથી. તેને બદલે, ખેડૂતો સપ્લાયરો પાસેથી છોડ ખરીદે છે. દાનવલે માટે, તેમના નાના ખેતરમાં તેની પાછળ દર વર્ષે આશરે 2 લાખ કરતાં વધારેનો ખર્ચ થાય છે.

તેઓ જણાવે છે, “જો સિઝન સારી રહે, તો તમે રોકાણ કરતાં બેવડી આવક રળી શકો છો. પણ હવામાન આ ખેતીને મોટો જુગાર બનાવી દે છે.”

મહાબળેશ્વર પ્રદેશમાં હજ્જારો ખેડૂતો સ્ટ્રોબેરી ઉગાડે છે, જે આ ફળને પશ્ચિમ ભારતના સૌથી નફાકારક બાગાયતી પાકો પૈકીનું એક બનાવે છે.

ભારતમાં કોઈ છોડ વિકસાવેલો નથી

શીતલ દાનવલે કહે છે કે સ્ટ્રોબેરીની ખેતી કરવી એ મોટો જુગાર સાબિત થઈ શકે છે

ઇમેજ સ્રોત, Sheetal Danavle

આટલી સફળતા મળવા છતાં આ ઉદ્યોગ હજુયે કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઇટાલી અને સ્પેનમાંથી આયાત કરવામાં આવતી વેરાયટીઓ પર નિર્ભર છે, કારણ કે, ભારતમાં કોઈએ હજી સુધી સ્થાનિક છોડ વિકસાવ્યો નથી.

અમેરિકા અને યૂરોપના સંવર્ધકોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ફળ વિકસાવતાં 10થી 15 વર્ષ લાગી શકે છે અને તેઓ તેમની વેરાયટીની પેટન્ટ કરાવી લે છે.

લાઇસન્સ ધરાવતા સ્ટ્રોબેરી પ્રોપગેટર (છોડ સંવર્ધક) તારા ફાર્મ્સ ફ્રેશના સ્થાપક તથા ડિરેક્ટર નેલ્સન સિક્વેરા કહે છે, “અમે વિદેશના સંવર્ધક પાસેથી પ્રમાણિત મધર પ્લાન્ટની આયાત કરીએ છીએ.”

આયાત કરાયા બાદ તે છોડને નર્સરીમાં વાવતાં પહેલાં સરકારી ક્વૉરેન્ટીનમાંથી પસાર કરવામાં આવે છે. ત્યાં મધર પ્લાન્ટ (મુખ્ય છોડ)માંથી ડોટર પ્લાન્ટ્સ (પેટા-છોડ) તૈયાર થાય છે અને પછી તે છોડ ખેડૂતોને વેચવામાં આવે છે.

સિક્વેરા કહે છે, “એક સિંગલ આયાતી મધર પ્લાન્ટ એન્જિન બની જાય છે. તે એક જ મધર પ્લાન્ટ સરેરાશ 20 ડોટર પ્લાન્ટ્સ (પેટા-છોડ) તૈયાર કરે છે અને કેટલાક અત્યાધુનિક ખેડૂતો તે આંકડો 30 કે 40 ડોટર પ્લાન્ટ્સ સુધી પહોંચાડે છે.”

તે હાઇ-ટૅક અને ચોકસાઈપૂર્ણ કામગીરી છે.

સિક્વેરા સમજાવે છે, “છોડ જમીનને સ્પર્શતા નથી. અમે લાંબાં ગોળાકાર કન્ટેનર્સ બનાવવા માટે વચ્ચેથી અડધી કાપેલી વિશાળ ઔદ્યોગિક પાઇપોનો ઉપયોગ કરીએ છીએ.”

સ્ટ્રૉબેરીમાં કેવું સંશોધન થઈ રહ્યું છે?

નવી સ્ટ્રૉબેરીના પ્લાન્ટ દર વર્ષે ઉગાડવામાં આવે છે

ઇમેજ સ્રોત, Tara Farms Fresh

“માટીને બદલે અમે આ કન્ટેનરમાં નાળિયેરનાં છોતરાંમાંથી બનાવેલી ખાસ કોકો-પીટ સબસ્ટ્રેટ ભરી દઈએ છીએ. તે પછી અમે સૂક્ષ્મ આબોહવાને નિયંત્રિત કરવા માટે અત્યંત ચોકસાઈપૂર્ણ ટપક સિંચાઈ અને ફોગિંગ સિસ્ટમ ગોઠવીએ છીએ.”

સિક્વેરા અને અન્ય સંવર્ધકો હાલના તબક્કે વિદેશથી આવતા મધર પ્લાન્ટ્સ પર નિર્ભર છે.

પરંતુ, મહારાષ્ટ્રની ખેતીકીય યુનિવર્સિટી મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ (એમપીકેવી) ખાતે ચાલી રહેલું કાર્ય આ સ્થિતિ બદલી શકે છે.

એમપીકેવીએ સંવર્ધન પ્રયોગ માટે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી) સાથે ભાગીદારી કરી છે.

સંશોધકો સ્થિર જિનેટિક મ્યુટેશન થાય, તે માટે છોડની પેશીઓ પર નિયંત્રિત, ઓછા ડોઝવાળા ગૅમા રેડિયેશનનો ઉપયોગ કરી રહ્યા છે.

એમપીકેવી ખાતે હોર્ટિકલ્ચરના સહાયક પ્રોફેસર ડૉક્ટર દર્શન શશાંક કદમ કહે છે, “અમારું લક્ષ્યાંક ભારતની પ્રથમ સ્વદેશી, આબોહવા સામે પ્રતિરોધક સ્ટ્રોબેરીની જાત વિકસાવવાનો છે, જે કુદરતી રીતે ભારતનાં હીટવેવને સહન કરી શકે અને સાથે જ તે વિદેશની સ્ટ્રોબેરીના મોટા કદ અને મજબૂત વેરાયટીઓ સાથે મેળ ખાતી હોય.”

તેમણે કબૂલ્યું હતું કે, આ એક લાંબી પ્રક્રિયા હોઈ શકે છે અને તેનાં પરિણામો કદાચ 10 કે 15 વર્ષમાં જોવા મળશે. પણ નજીકના ગાળામાં તેઓ ખેડૂતોને બીજી રીતે મદદ કરી રહ્યા છે.

તેઓ કહે છે, “અમે ખેડૂતો માટે પદ્ધતિઓનાં વૈજ્ઞાનિક પેકેજ વિકસાવી રહ્યા છીએ. અમે મહાબળેશ્વરની આબોહવાને ધ્યાનમાં રાખીને વાવણીના શિડ્યૂલ, ખાતર વિશેની ભલામણો અને વૃદ્ધિ નિયંત્રક કાર્યોને પહેલેથી જ સ્ટાન્ડર્ડાઇઝ કરી દીધા છે.”

નવી ટૅક્નૉલૉજીથી સ્ટ્રૉબેરીની ખેતી

બેરી ફ્રેશ ઍગ્રોટેક આખું વર્ષ સ્ટ્રૉબેરી ઉગાડે છે

ઇમેજ સ્રોત, Berry Fresh Agrotech

વધુ સંસાધનો ધરાવતાં મોટાં ખેતરો નવી ટૅકનોલોજીમાં રોકાણ કરી રહ્યાં છે.

કેતન યશવંત સોઢા બૅરી ફ્રેશ એગ્રોટૅકના સ્થાપક અને સીઇઓ છે. શરૂઆતમાં તેમણે પરંપરાગત ખુલ્લા ખેતરોમાં ખેતી કરી હતી, પણ આબોહવાને લીધે થતા નુકસાનને કારણે તેઓ હતાશ થઈ ગયા હતા.

“છેલ્લાં 10 વર્ષોથી અમારી પીક સિઝન – નવેમ્બર, ડિસેમ્બર તથા જાન્યુઆરીના પહેલા અઠવાડિયા દરમિયાન ભારતમાં સતત વરસાદ પડતો હોય છે. જ્યારે તમારો પાક ખુલ્લા ખેતરમાં હોય અને તેની મોસમ બરાબર ખીલી હોય, ત્યારે એક જ વરસાદ આખા પાકનો નાશ કરી નાખે છે,” એમ તેઓ કહે છે.

આથી, 2022માં તેમણે હાઇડ્રોપોનિક્સ સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. તે એક પ્રકારની નિયંત્રિત ખેતી છે, જેમાં માટીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ તેમાં પાણી, પોષક તત્ત્વો, પ્રકાશ અને તાપમાન પર ચુસ્ત નિયંત્રણ રાખવામાં આવે છે.

તેમને મળેલાં પ્રારંભિક પરિણામો એટલાં પ્રોત્સાહક નહોતાં.

“મને ભારે નુકસાન ગયું અને ઘણી વખત નિષ્ફળતા સાંપડી,” એમ સોઢા જણાવે છે.

“માટી નાની ભૂલો માફ કરી દે છે, પણ હાઇડ્રોપોનિક્સ માફ નથી કરતું. જો તમે આજે ભૂલ કરશો, તો આવતીકાલે તમારી સામે મોટી આફત ઉભી હશે અને હાઇડ્રોનિક્સમાં પાકને સુધારવાનો સમય માટી કરતાં બમણો હોય છે.”

નવા પ્રયોગો, નફો પણ વધ્યો

સ્ટ્રૉબેરી

ઇમેજ સ્રોત, Getty Images

પણ આ ભૂલોમાંથી મળેલા બોધપાઠનાં ફળ હવે ચાખવા મળી રહ્યાં છે.

“અમે દુર્લભ પ્રકારની જાપાનની એક વેરાયટી સહિતની 19 વેરાયટીની ટ્રાયલ કરી છે અને આ સિઝનમાં નેધરલૅન્ડ્ઝની એક ખાસ વેરાયટીની ટ્રાયલ કરનાર અમે એકમાત્ર ભારતીય ફાર્મ છીએ.”

સોઢા કહે છે કે, રોજનું 75 મિલી પાણી આપવાથી “પાણીથી ભરેલાં, ફિક્કાં ફળોને બદલે સમૃદ્ધ, રસદાર, મીઠાં તથા સુગંધિત ફળો આવે છે.”

આ ઉપરાંત તેમની ટીમ પાક પર નિયમિત “બ્લડ વર્ક” પણ કરે છે, જેમાં પોષક તત્ત્વોનું ચોક્કસ પ્રમાણ માપવા માટે પાંદડાં અને પાંદડાંને ડાળી સાથે જોડતી દાંડીનું લૅબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ રીતે તેઓ જાણી શકે છે કે, પાણીમાં કયાં પોષક તત્ત્વો અને રસાયણો ઉમેરવાની જરૂર છે.

અને સેમી-ઓપન પોલીહાઉસનો ઉપયોગ કરીને સ્ટ્રોબેરી આખું વર્ષ ઉગાડી શકાય છે. “અમારા માટે તે સિઝનલ ફળ નથી,” એમ સોઢા જણાવે છે.

હવે તેઓ આ કામનો વ્યાપ વધારવા માટે સજ્જ છે.

“અમે ટ્રાયલ સુવિધા ઊભી કરી છે, એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) તૈયાર કરી છે અને ફાર્મ મેન્યુઅલ તૈયાર કર્યું છે. અમે હવે પાંચ એકરની સુવિધા સુધી વિસ્તરણ કરવા માટે રોકાણકારો સાથે વાતચીત કરી રહ્યાં છીએ, જેમાં 2,00,000 પ્લાન્ટ્સ સમાવી શકાશે.”

ક્રિશન ભિલારેનો પરિવાર મહાબળેશ્વરમાં પેઢીઓથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે.

તેમને યાદ છે કે, 1992માં જ્યારે પહેલી અમેરિકન વેરાયટી વાવવામાં આવી હતી, ત્યારે તેના ફળનું કદ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ભિલારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) નેટવર્કનો ભાગ છે. એફપીઓએ તેની જમીન પર ચાર વ્યૂહાત્મક જગ્યાએ ટાવર લગાવ્યા છે. આ ટાવર આબોહવાની સ્થિતિ પર નજર રાખે છે.

આ સિસ્ટમ એઆઇનો ઉપયોગ કરે છે, જે વરસાદ ક્યારે પડશે, એ નક્કી કરવા માટે હવામાનના ડેટાનો ઉપયોગ કરે છે. ખેડૂતોને તે પછી તેમના પાક પર જંતુનાશકોનો મોડો છંટકાવ કરવાની સલાહ આપી શકાય છે, જેથી મોંઘાં રસાયણો ધોવાઈ ન જાય.

એફપીઓ ઊભા ટાવરો પણ બનાવી રહ્યું છે, જ્યાં કોકો-પીટ સબસ્ટ્રેટ પર પાંચ સ્તર ઊંડે સુધી સ્ટ્રોબેરી ઉગાડી શકાય છે.

ભિલારે કહે છે, “એક જ ઊભા ટાવર પર પાંચ કુંડાને એકમેક પર ગોઠવીને આપણે એક એકરમાં છોડની સંખ્યા 25,000થી વધારીને 1,25,000 કરી શકીએ છીએ. અમે એ જ જમીનના ટુકડા પર અમારી ઉત્પાદન ક્ષમતા પાંચ ગણી વધારી રહ્યાં છીએ.”

પણ આવાં રોકાણો કાં તો નાનાં ખેતરોની ક્ષમતા બહારનાં હોય છે અથવા તો તેની સાથે જોખમ સંકળાયેલું હોય છે.

2017માં દાનવલે અને તેમના પતિએ હાઇડ્રોપોનિક સ્ટ્રોબેરી ખેતીનો પ્રયોગ કર્યો હતો.

“તે પ્રયોગ 100 ટકા સફળ રહ્યો હતો અને અમે ઉગાડેલાં ફળો સંપૂર્ણપણે ઓર્ગેનિક હતાં. તેના લીધે અમારી ઘણી મહેનત બચી ગઈ. મજૂરોએ સતત વાંકા વળવું પડતું નહોતું કે કાપણી નહોતી કરવી પડતી અને દવાઓ તથા ખેતરના ખાતરનો ઘણો ખર્ચ બચી ગયો હતો.”

પણ તેમના દુર્ભાગ્યે, તે વર્ષે મહાબળેશ્વરમાં એક જોરદાર વાવાઝોડું ફૂંકાયું હતું.

“વાવાઝોડાએ અમારી આખી હાઇડ્રોપોનિક વ્યવસ્થાને ધરાશયી કરી દીધી. એ પછી અમારામાં તે વ્યવસ્થા ફરી ઊભું કરવાની હિંમત નહોતી રહી.”

આથી શીતલ સ્ટ્રોબેરી ઉગાડવાની પરંપરાગત પદ્ધતિ તરફ પરત ફર્યાં, પણ એક નવા અંદાજ સાથે.

“મેં સોશિયલિ મીડિયાની મદદ લીધી. મેં કોઈ વ્યક્તિ સ્ટ્રોબેરી કેવી રીતે ઉગાડી શકે તેના વીડિયો પોસ્ટ કર્યા અને પ્રવાસીઓને મારા સ્ટ્રોબેરી ફાર્મની મુલાકાત લેવા, ફળ વિશે સમજૂતી મેળવવા અને ફળ જાતે તોડવા માટે આમંત્રિત કર્યા. હવે તેઓ સીધા ખેતરમાંથી જ ખરીદી કરે છે. તેના લીધે વચેટિયાઓની ભૂમિકા અદૃશ્ય થઈ ગઈ છે અને અમારો નફો વધ્યો છે. આથી, હવે હું ઇન્ફ્લુએન્સર અને ઉદ્યોગસાહસિક છું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS