Home તાજા સમાચાર gujrati અમદાવાદ-સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ, તો પણ ગુજરાતના આ જિલ્લામાં વરસાદ કેમ નથી...

અમદાવાદ-સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ, તો પણ ગુજરાતના આ જિલ્લામાં વરસાદ કેમ નથી પડી રહ્યો?

2
0

Source : BBC NEWS

અમદાવાદમાં 23 જુલાઈ, 2026ના રોજ ભારે વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાતા સરેરાશ વરસાદમાં જે ઘટ હતી તે ઓછી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિના દરમિયાન અતિભારે વરસાદના ત્રણ રાઉન્ડ આવી જતા ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તે પ્રાંતમાં અત્યાર સુધીમાં વાર્ષિક સરેરાશ વરસાદના 95 ટકા વરસાદ વરસી ગયો છે તેમ ગુજરાત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીના (જીએસડીએમએ)ના સત્તાવાર આંકડા દર્શાવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે એક કરતાં વધારે વાર પૂરની સ્થિતિ સર્જાઈ છે.

2024માં આ ત્રણેય જિલ્લાઓમાં સરેરાશ 200 ટકા વરસાદ થયો હતો. 2025માં પણ જામનગરમાં 30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 38 ઇંચ અને પોરબંદરમાં 36 ઇંચ વરસાદ સાથે અનુક્રમે 104 ટકા, 116 ટકા અને 117 ટકા વરસાદ નોંધાયો હતો.

પરંતુ આ વર્ષે ચોમાસુ અડધું વીતી ગયું છે અને આ ત્રયેણ જિલ્લામાં ચિત્ર ઊલટું છે. આ ત્રણેય જિલ્લામાં અત્યાર સુધી રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે અમુક વિસ્તારોમાં તો ખેડૂતો વાવેતર પણ નથી કરી શક્યા તેમ અધિકારીઓ જણાવે છે.

જોકે જુલાઈ બાદ વરસાદનો મુખ્ય મહિનો ગણાતો તેવો ઑગસ્ટ હજુ બાકી છે અને ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વરસોથી ચોમાસાના અંત ભાગ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ નોંધાયો હોવાથી આ સ્થિતિ સુધરી શકે છે.

દ્વારકા, પોરબંદર, જામનગરમાં કેટલો વરસાદ નોંધાયો છે?

જુલાઈ 2024માં પોરબંદરમાં આવેલા ભારે વરસાદને કારણે કેટલાંક ઘરોની આસપાસ પાણી ભરાઈ ગયાં હતાં (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ani

જીએસડીએમએની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર 2 ઑગસ્ટ, 2026 સુધીમાં રાજ્યમાં સરેરાશ 25 ઇંચ વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં 1996થી 2025નાં ત્રીસ વરસના સમયગાળામાં વાર્ષિક સરેરાશ 36 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. તે હિસાબે 24 ઇંચ વરસાદ સરેરાશના આશરે 69 ટકા થાય.

સૌરાષ્ટ્ર પ્રાંતના 11 જિલ્લામાં છેલ્લાં ત્રીસ વરસ દરમિયાન વાર્ષિક ધોરણે સરેરાશ 30.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સામે આ વર્ષે 2 ઑગસ્ટ સુધીમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, સૌરાષ્ટ્રમાં સરેરાશના 54 ટકા વરસાદ વરસી ગયો છે. જોકે દેવભૂમિ દ્વારકામાં વાર્ષિક સરેરાશ 34 ઇંચ વરસાદની સામે આ વર્ષે બે ઑગસ્ટ સુધીમાં માત્ર બે ઇંચ વરસાદ જ નોંધાયો છે. એટલે કે સરેરાશ વરસાદના માત્ર 6.24 ટકા થાય.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ, દ્વારકા, ખંભાળિયા અને કલ્યાણપુર એમ ચાર તાલુકા આવેલા છે. જો તાલુકાવાર વરસાદનું વિભાજન જોઈએ તો તેનું ચિત્ર જિલ્લાના ચિત્રથી પણ ખરાબ છે. દ્વારકા તાલુકામાં આ ચોમાસા દરમિયાન અત્યાર સુધી માત્ર 15 મિલીમીટર એટલે કે લગભગ અડધો ઇંચ જ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં સવા ઇંચ (31 મિલીમીટર), ભાણવડમાં ત્રણ ઇંચ (74 મિલીમીટર) અને ખંભાળિયામાં લગભગ પોણા ચાર ઇંચ (90 મિલીમીટર) વરસાદ નોંધાયો છે.

પોરબંદરમાં વાર્ષિક સરેરાશ 34 ઇંચની છે પરંતુ આ વર્ષે તેની સામે અત્યાર સુધી માત્ર છ ઇંચ વરસાદ થયો છે. તે સરેશનો લગભગ 17 ટકા થાય. પરંતુ ત્રણ તાલુકાના બનેલ આ જિલ્લામાં પણ તાલુકાવાર વિભાજનનું ચિત્ર વધારે ખરાબ છે.

પોરબંદર તાલુકામાં માત્ર અઢી ઇંચ (64 મિલીમીટર) અને રાણાવાવ તાલુકમાં ચાર ઇંચ (107 મિલીમીટર) વરસાદ નોંધાયો છે. માત્ર કુતિયાણા તાલુકામાં 10 ઇંચ (258 મિલીમીટર ) વરસાદ નોંધાયો હોવાથી જિલ્લાની સરેરાશ ઊંચી છે.

જામનગર જિલ્લામાં પણ દર વર્ષે સરેરાશ 32 ઇંચ વરસાદ વરસે છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર આઠ ઇંચ એટલે કે સરેરાશનો માત્ર 28 ટકા જ વરસાદ નોંધાયો છે. છ તાલુકા ધરાવતા આ જિલ્લાના દેવભૂમિ દ્વારકાને સીમાડે આવેલા લાલપુર અને જામનગર તાલુકાઓમાં અનુક્રમે પાંચ અને છ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ત્રણ જિલ્લામાં વરસાદ કેમ નથી પડી રહ્યો?

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદની સ્થિતિ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images

જામનગરને અડીને આવેલા મોરબી અને રાજકોટ જિલ્લામાં અનુક્રમે 18 અને 13 ઇંચ વરસાદ વરસી ગયો છે જે તેમની સરેરાશના 77 ટકા અને 44 ટકા થાય છે. તે જ રીતે પોરબંદરને અડીને આવેલા જૂનાગઢ જિલ્લામાં 22.5 ઇંચ વરસાદ વરસી ગયો છે જે તેની સરેરાશના 54 ટકા થાય.

એક જ ભૌગોલિક વિસ્તારમાં વરસાદનું આ અસમાન વિતરણ વિશે વાત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના વડા, પ્રોફેસર ધીમંત વઘાસિયા બીબીસીને કહ્યું કે “આમ તો આ જિલ્લાઓમાં વરસાદની જૂની પૅટર્ન આ વર્ષે પછી ફરી હોય તેમ કહી શકાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાર્ષિક ધોરણે બહુ વરસાદ પડતો ન હતો. પરંતુ છેલ્લાં દસેક વર્ષમાં તે ટ્રેન્ડમાં મોટો ફેરફાર થયો અને દ્વારકા, પોરબંદર, જામનગરમાં સરેરાશ કરતાં બહુ વધારે વરસાદ નોંધાયા હતા. આ વર્ષે વરસાદ અત્યાર સુધી ઓછો પડ્યો છે તેથી એમ કહી શકાય કે જૂની પૅટર્ન પાછી દેખાઈ રહી છે.”

પ્રોફેસર વઘાસિયાએ ઉમેર્યું કે આ વર્ષે ઓછા વરસાદ માટે બે પરિબળો મુખ્ય ભાગ ભજવી રહ્યાં છે. તેમણે કહ્યું, “અલ-નીનોના કારણે આ વર્ષે ભારતનું નૈૠત્યનું ચોમાસુ નબળું રહે તેવી શક્યતા છે. અલ-નીનોની અસર હેઠળ છૂટોછવાયો વરસાદ પાડવાની સંભાવના વધારે રહે છે. તેનો અર્થ એ થાય કે મોટા ભૂભાગમાં એક સાથે વરસાદ થવાની સંભાવના ઘટે છે. વળી, સીમિત ભૌગોલિક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની પણ સંભવના રહેતી હોય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આપણને આવી જ બાબતો નજરે ચડતી દેખાય છે.

“બીજું કારણ છે આ વર્ષે અરબી સમુદ્રની નિષ્ક્રિયતા. અરબી સમુદ્રમાં સર્જાતા હલકા દબાણ ગુજરાતના કાંઠે સારા વરસાદ લઈ આવે છે, પરંતુ આ વર્ષે અરબી સમુદ્રમાં નિષ્ક્રિયતા દેખાય છે.”

ખેતી પર શું અસર પડી છે?

પ્રોફેસર ધીમંત વઘાસિયા કહે છે કે વરસાદની ઘટ માટે અલ-નીનો અને અરબી સમુદ્રની નિષ્ક્રિયતા જવાબદાર છે

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ગુજરાતમાં ખરીફ એટલે કે ચોમાસુ પાકોના વાવેતરની શરૂઆત મે મહિનાથી થાય છે અને આ સિઝનના મુખ્ય બે પાકો તેવા કપાસ અને મગફળીનું વાવણી જુલાઈના મધ્ય સુધીમાં પૂરી થઈ જતી હોય છે. એરંડા અને તુવેરની વાવણી 15 ઑગસ્ટ સુધી ચાલે છે તેમ અધિકારીઓ કહે છે.

ગુજરાતના ખેતી નિયામકની કચેરીની વેબસાઇટ પર ઉપલબ્ધ વાવેતરના અઠવાડિક આંકડા અનુસાર 27 જુલાઈ, 2026 સુધી ગુજરાતમાં 59.26 લાખ હેક્ટર (1 હેક્ટર =6.25 વીઘા)માં વાવેતર નોંધાયું હતું. તેમાં 1.95 લાખ હેક્ટર તુવેરના વિસ્તાર (સરેરાશના 76 ટકા) અને 52,655 હેક્ટર એરંડાના વિસ્તાર (સરેરાશના આઠ ટકા)નો સમાવેશ થતો હતો.

જુલાઈના અંતે નોંધાયેલા 59.26 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પાછલા ત્રણ વરસ દરમિયાન નોંધાયેલ સરેરાશ 85.30 લાખ હેક્ટર વાવેતર વિસ્તારના 69 ટકા થાય. ગયા વર્ષે આ તારીખે 65.56 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. આમ, ગત વરસની સરખામણીએ વાવેતરમાં અત્યારની સ્થિતિએ લગભગ છ લાખ હેક્ટરની ઘટ છે.

દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ દેખીતી રીતે ખરાબ છે. ખેતી નિયામકની કચેરીના આંકડા મુજબ જિલ્લામાં માત્ર 39,900 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે જે પાછલાં ત્રણ વરસની 2.36 લાખ હેક્ટરની સરેરાશના છ ટકા થાય. જિલ્લામાં 34,000 હેક્ટરમાં મગફળી, 1200 હેક્ટરમાં સોયાબીન, 100 હેક્ટરમાં કપાસ, 1100 હેક્ટરમાં શાકભાજી અને 2600 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર નોંધાયું છે.

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદની સ્થિતિ

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC

બીબીસી સાથે વાત કરતા દેવભૂમિ દ્વારકાના જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણિયાએ જણાવ્યું, “દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે. આ વર્ષે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જુલાઈના અંત ભાગ સુધી વાવણીલાયક વરસાદ થયો ન હોવાથી વાવેતર થઇ શક્યું ન હતું.”

તેઓ કહે છે, “દ્વારકા તાલુકામાં વરસાદ ન નોંધાયો હોવાથી તેમજ ખેતી વરસાદ આધારિત હોવાથી ત્યાં વાવેતર થઈ શક્યું નથી. પરંતુ જુલાઈના અંત ભાગ તરફ વરસાદ આવતા ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે અને તેથી આવતા અઠવાડિયે વાવેતર વિસ્તારના આંકડામાં વધારો દેખાશે.”

પોરબંદર અને જામનગર જિલ્લામાં ગત વર્ષે અનુક્રમે 1.16 લાખ હેક્ટર અને 3.45 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. તેની સામે આ વરસે 27 જુલાઈ સુધીમાં અનુક્રમે 85,100 હેક્ટર અને 2.5 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયા છે. ગત વરસની તુલનાએ તે અનુક્રમે 73 ટકા અને 62 ટકા થાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS