Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી 22 બાળકોનાં મોત, 7 પૉઝિટિવ દર્દી સારવાર હેઠળ...

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી 22 બાળકોનાં મોત, 7 પૉઝિટિવ દર્દી સારવાર હેઠળ – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસને કારણે 22 બાળકોનાં મોત થયાં છે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસને કારણે થતાં મોતનો સિલસિલો ચાલુ છે. ગુજરાતના આરોગ્ય વિભાગ અનુસાર, અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોનાં ચાંદીપુરા વાઇરસથી મોત થયાં છે.

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે “હાલ રાજ્યની વિવિધ સિવિલ હૉસ્પિટલોમાં 7 પૉઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 6 પૉઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.”

ચાંદીપુરા વાઇરસના ફેલાવા અંગે માહિતી આપતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 ચાંદીપુરા કેસ પૉઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સૅમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે.”

તેમના કહેવા પ્રમાણે, હાલ ગાંધીનગર, સાબરકાંઠા-હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હૉસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને શ્રેષ્ઠ અને સુપર-સ્પેશિયાલિસ્ટ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સામે આવેલા તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે

ઇમેજ સ્રોત, gujarat information department

પ્રફુલ પાનશેરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, “રાજ્યમાં કોઈ એક ચોક્કસ સ્થળે કે ગામમાંથી જ તમામ કેસ નોંધાયા નથી, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે, જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલે સતત સક્રિય રહીને કામગીરી કરી રહી છે.”

તેમના કહેવા પ્રમાણે, હાલમાં ચાંદીપુરા વાઇરસ સામે કોઈ ચોક્કસ રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. આથી તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વાઇરસ માટેની રસી અને અસરકારક દવાની શોધ માટે સઘન સંશોધન કરાઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાચાં મકાનો કે માટીની દીવાલોની તિરાડોનું તુરંત પુરાણ કરાવવું જોઈએ. ઉપરાંત, બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ કે અન્ય કોઈ પણ ગંભીર લક્ષણો જણાતાં જ તરત નજીકની સરકારી જિલ્લા હૉસ્પિટલનો સંપર્ક કરવો.

ચાંદીપુરા વાઇરસ શું છે અને કોને વધુ ચેપ લાગવાની શક્યતા?

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ચાંદીપુરા વાઇરસની માખી કાચાં મકાનોમાં જ રહેતી હોય છે અને ત્યાં રહેતા પરિવારનાં બાળકોને આ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે.

ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.

સૅન્ડ ફ્લાયને કારણે ફેલાતી બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઘરની માખી કરડતી ન હોવા છતાં તે ગંભીર માંદગી ફેલાવી શકવા સક્ષમ છે. ઘરની માખી ગંદકીમાં ઈંડાં મૂકે છે. તે મળ, ઊલટી, ગળફા જેવાં ગંદા દ્રવ્યો પર બેસતી હોવાથી ચેપી અને બિનચેપી રોગ ફેલાવતાં બૅક્ટેરિયા અને વાઇરસ તેના શરીર પર ચોંટી જાય છે.

નિષ્ણાત ડૉક્ટરોના મત અનુસાર, જે બાળકોમાં પૂરતા પોષણની ઊણપ હોય તેવાં બાળકોમાં સામાન્ય રીતે કોઇ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. આથી આ વાઇરસનો ચેપ પણ અપૂરતું પોષણ ધરાવતાં બાળકોમાં વધારે લાગવાની શક્યતા રહેલી છે.

આ વાઇરસનાં લક્ષણોમાં અતિશય તાવ આવે, ઝાડા-ઊલટી, અનિદ્રા, ખેંચ, અર્ધબેભાન અવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.

ડૉક્ટરો સલાહ આપે છે કે આ વાઇરસથી બચવા માટે ઘર અને તેની આસપાસની જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ, ઉકરડા ગામથી દૂર હોવા જોઈએ, મચ્છર ન કરડે એ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ, જેથી માખીનો ઉપદ્રવ ટાળી શકાય.

પાટડીમાં આશ્રમશાળાનાં 136 ભૂલકાં પાણીમાંથી પસાર થઈને ભણવા મજબૂર

પાણી ભરાવાના કારણે હૉસ્ટેલ, ટૉઇલેટ અને બાથરૂમ સુધી પહોંચવા માટે પણ કાદવ અને પાણીમાંથી પસાર થવું પડે છે

ઇમેજ સ્રોત, sachin pithwa/bbc

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની દેગામ આશ્રમશાળાનાં 136 ભૂલકાં ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ ભણવા મજબૂર બન્યાં છે.

બીબીસીના સહયોગી સચીન પીઠવા અનુસાર, પાટડી તાલુકાની દેગામ આશ્રમશાળામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણીનો ભરાવો થતા ધોરણ 1થી 8ના 136 વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે.

આ પરિસ્થિતિ માત્ર આ વર્ષની નહીં, પરંતુ છેલ્લાં દસેક વર્ષથી ચોમાસા દરમિયાન સર્જાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દેગામ આશ્રમશાળામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણીનો ભરાવો થતા ધોરણ 1થી 8ના 136 વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે

ઇમેજ સ્રોત, sachin pithwa/bbc

આ આશ્રમશાળામાં ગરીબ, આર્થિક રીતે નબળા તેમજ નિરાધાર બાળકો નિવાસ કરીને અભ્યાસ કરે છે. પાણી ભરાવાના કારણે હૉસ્ટેલ, ટૉઇલેટ અને બાથરૂમ સુધી પહોંચવા માટે પણ કાદવ અને પાણીમાંથી પસાર થવું પડે છે, જ્યારે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓનો પણ ખતરો રહે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આસપાસ થયેલા બાંધકામને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો છે.

ગ્રામપંચાયત દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS