Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Rajiv Gandhi Foundation
“એ એવો સમય હતો કે લોકો વીરડામાંથી પાણી લેતાં અને વીરડાની પણ ચોકી કરતા, તેના પર ખાટલો ઢાળીને સૂઈ જતાં. એ દિવસોમાં હું સાંતલપુરના વિસ્તારોમાં ગયેલો. ત્યારે મને એક જગ્યાએ તરસ લાગી અને એક ઘૂંટ પાણી પીધું તો મને લોકોએ ટકોર કરી કે આ પાણી તમારે પીવાનું નહોતું. મેં તેમને પૂછ્યું કે કેમ? તો તેમણે કહ્યું એ ભાઈ ઉછીનું પાણી લાવ્યા હતા. એટલે તમારે તેમને બીજા દિવસે પાણી પાછું આપવું પડશે. લોકોની આવી ખરાબ પરિસ્થિતિ હતી.”
આ શબ્દો બનાસકાંઠાથી પ્રકાશિત થતા ‘સ્વરાજ્ય’ના તંત્રી પ્રદીપભાઈ મહેતાના છે. ગુજરાતમાં વર્ષ 1985-87 દરમિયાન પડેલા ભયાનક દુષ્કાળ વિશે વાત કરતાં તેઓ આવા ઘણાં દાખલા આપે છે.
ગુજરાતમાં વર્ષ 1985થી 87 દરમિયાન સળંગ ત્રણ વર્ષ કારમો દુકાળ પડ્યો હતો. તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી અને ઘાસચારાની ભારે તંગી ઊભી થઈ હતી.
લાખોની સંખ્યામાં પશુઓ મૃત્યુ પામ્યાં હતાં અને પીવાનાં પાણી માટે ટ્રેનો દોડાવવી પડી હતી તથા ઘાસચારા માટે બીજાં રાજ્યો સામે ગુજરાતે હાથ ફેલાવવો પડ્યો હતો.
ગુજરાતનો આ દુષ્કાળ અને સામાજિક સંસ્થાઓ, લોકો અને સરકારની સહિયારી કામગીરીનું ઉદાહરણ મનાય છે જેના થકી આ કારમી આપત્તિમાંથી લોકો બહાર આવી શક્યા.
આ દુષ્કાળ પડ્યો ત્યારે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હતી અને અમરસિંહ ચૌધરી મુખ્ય મંત્રી હતા. કેન્દ્રમાં પણ કૉંગ્રેસની સરકાર હતી અને રાજીવ ગાંધી વડા પ્રધાન હતા. સામાન્ય રીતે દુષ્કાળની સ્થિતિમાં આર્થિક મદદ, સહાયતા, રોજગારી જેવાં પગલાં તો સરકાર ભરતી હોય છે, પરંતુ દેશના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી આ દુષ્કાળમાં ગુજરાતને પડખે રાહતકાર્યોની સાથે જ જાણે ભારે સંવેદનશીલતાથી ઊભા રહ્યા હતા. રાજીવ ગાંધીએ બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્રમાં સતત લોકો સાથે મુલાકાતો કરી હતી અને ખુદ જીપ ચલાવી ગામડાં ખૂંદ્યાં હતાં અને લોકોની સમસ્યાઓ જાણી હતી.
1985-87નો એ ભયાનક દુષ્કાળ
ઇમેજ સ્રોત, Rajiv Gandhi Foundation
1985માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 49 ટકા ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે બાકીના ગુજરાતના વિસ્તારોમાં 28 ટકા ઓછો વરસાદ પડ્યો હતો.
જ્યારે 1986માં પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ અતિશય ખરાબ હતી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો હતો, જ્યારે બાકીના ગુજરાતમાં 31 ટકા ઓછો વરસાદ પડ્યો હતો.
1987માં 1 જૂનથી 30 સપ્ટેમ્બરના સમયગાળામાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 74 ટકા ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે બાકીના ગુજરાતમાં 42 ટકા ઓછો વરસાદ પડ્યો હતો.
1984-87ના ગાળામાં ગુજરાત સિવાય પશ્ચિમી રાજસ્થાન, પૂર્વ રાજસ્થાનના વિસ્તારો, વિદર્ભ, મરાઠવાડા, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો હતો.
1987માં કુલ 586 લાખ હૅક્ટર વિસ્તાર દુષ્કાળથી પ્રભાવિત હતો અને 16 કરોડ ઢોરઢાંખર પ્રભાવિત થયાં હતાં.
1986-87 સુધીમાં વરસાદ ખેંચાવાને કારણે ગુજરાતમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે કેન્દ્ર સરકારે રાજ્યોને દુષ્કાળ માટે આપેલી કુલ 609.34 કરોડની સહાયમાંથી સૌથી વધુ 156.87 કરોડની સહાય ગુજરાતને આપવી પડી હતી.
ધોળા, રાજુલા અને ગાંધીનગરથી રાજકોટ સુધી 46 દિવસ સુધી પાણી લઈને ટ્રેન દોડી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા સાથે બીબીસીએ એ સમયની દુષ્કાળની સ્થિતિ જાણવા માટે વાત કરી હતી.
તેઓ કહે છે કે, “1985થી 87ના દુષ્કાળમાં કચ્છ સૌથી વધુ પ્રભાવિત હતું. ઘાસચારો, પાણીની સ્થિતિ અતિશય ખરાબ હતી અને 1.8 કરોડ ઢોર તેનાથી પ્રભાવિત થયા હતા અને લાખોની સંખ્યામાં મૃત્યુ પણ પામ્યાં હતાં. હાડપિંજરો રસ્તા પર પડ્યા રહેતાં હતાં.”
ઇમેજ સ્રોત, Getty Images
“એ સમયે પંજાબથી ઘાસ લાવવામાં આવતું હતું એ મોટી વાત હતી. સૌરાષ્ટ્રમાં પાણીની અછતને ખાળવા પાણીની ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ દુષ્કાળ સમયે સમાજજીવન ઘણું આગળ આવ્યું હતું અને સરકારને ઘણી મદદ કરી હતી. ઢોરને સાચવવા સામાજિક સંસ્થાઓએ બહુ પાંજરાપોળો, ઢોરવાડા ચલાવ્યા અને સરકાર પણ પશુદીઠ ઘણી સબસિડી આપતી હતી. લોકોને રોજીરોટી અને ખાધાખોરાકીનો પ્રશ્ન ઊભો થયો હતો. એ વખતે દરેક ગામમાં લોકોને રોજીરોટી મેળવવા 2-3 કિમીથી વધારે ચાલવું ન પડે તેના માટે ‘ખાણેતરા’ સિસ્ટમ લાવવામાં આવી અને સરકાર લોકોને કેશ પૅમેન્ટ કરતી હતી. “
રાજીવ ગાંધીની બનાસકાંઠા મુલાકાત
ઇમેજ સ્રોત, Rajiv Gandhi Foundation
2 જૂન, 1987ના રોજ તથા 22 સપ્ટેમ્બર, 1987ના રોજ રાજીવ ગાંધીએ બે વાર બનાસકાંઠાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
‘સ્વરાજ્ય’ના દિવંગત તંત્રી જિતેન્દ્ર મહેતાએ તેમના ‘સંભારણાં’ પુસ્તકમાં રાજીવ ગાંધીની બનાસકાંઠા મુલાકાત વિશે વિગતે લખ્યું છે.
તેઓ લખે છે, “રાજીવ ગાંધીમાં એક ખૂબી હતી. તેઓ ઘેરી વળેલા આગેવાનો, ટોળાં વચ્ચે સિક્યોરિટીની પરવા કર્યા વિના ગમે ત્યારે એકલા નીકળી પડતા હતા અને પરિસ્થિતિની સાચી જાણકારી જાતે જ મેળવી લેતા. દુષ્કાળ વખતે નેતાઓ વિસ્તારોની મુલાકાત લે એવો શિરસ્તો રહ્યો છે. પણ રાજીવ ગાંધીએ ત્રણ મહિના 20 દિવસ પછી ફરી વાર બનાસકાંઠાની મુલાકાત લીધી અને બીજી મુલાકાતમાં તેમણે દુષ્કાળપીડિત ગ્રામજનોની તકલીફો, દુ:ખો અને વ્યથાનો સાચા હમદર્દ બનીને નજરે નિહાળવાનો પ્રયત્ન કર્યો.”
જિતેન્દ્ર મહેતા લખે છે, “બનાસકાંઠામાં રાજીવ ગાંધીએ 300-350 કિમી જેટલો મોટરમાર્ગે પ્રવાસ કર્યો અને તેમાં પણ 200-250 કિમી તેમણે પોતાની વિખ્યાત જોંગા જીપ જાતે હંકારી હતી.”
આ પ્રવાસમાં રાજીવ ગાંધીએ પાલડી, લુવાણા, કુવાળા, સણાવ, બોરૂ, સુઈગામ, મલુપુર, ભાટવર, વડવાસ, જામવાડા, અને સાંતલપુરના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. તત્કાલીન મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી પણ તેમની સાથે હતા.
તેઓ લખે છે, “મને તેમના પ્રવાસમાં ખાસ નવાઈ લાગે છે. કારણ કે દેશની અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા વડા પ્રધાન માત્ર ચાર જ માસમાં બે વખત ધોમધખતા તાપમાં રેતમાં ઊડતી ડમરીઓ વચ્ચે બનાસકાંઠા જેવા પછાત જિલ્લાના દુષ્કાળ પીડિતોને મળવા આવે! અને જ્યાં સામાન્ય રીતે લોકો તેમની તકલીફોની અરજીઓ આપતા રહે અને અરજીઓ ફાઇલમાં મુકાતી રહે એવું તંત્ર હોય ત્યાં રાજીવ ગાંધીએ ઝઝામના ગ્રામજનોની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી દીધો હતો.”
ઝઝામ ગામે જ્યારે રાજીવ ગાંધીએ લોકોને આપેલું વચન પૂરું કર્યું
ઇમેજ સ્રોત, Navin K Patel/FB
22 સપ્ટેમ્બર, 1987ના રોજ રાજીવ ગાંધી બીજીવાર બનાસકાંઠાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા.
સાંતલપુર તાલુકાના વારાહીથી 22 કિમી દૂર અને રણકાંઠે પાકિસ્તાનની સરહદથી માત્ર 15 કિમી દૂર આવેલા ઝઝામ ગામ પાસેથી રાજીવ ગાંધી પસાર થઈ રહ્યા હતા અને ગ્રામજનોએ તેમનું સ્વાગત કરીને એક અરજી આપી હતી.
ઝઝામ ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટર બોલાવવા – સાધન મંગાવવા ટેલિફોન પણ નહોતો. તો ગામલોકોએ ટેલિફોન માટે અરજી આપી હતી.
આ વિશે વાત કરતાં ‘સ્વરાજ્ય’ના હાલના તંત્રી પ્રદીપ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “આવેદન અપાયું અને લોકો તો ભૂલી ગયાં. પણ એક મહિના પછી ટેલિફોન નાખવા માટે એક ટીમ આવી અને ગામના લોકોને નવાઈ લાગી. ગામલોકોએ પૂછ્યું કે ટેલિફોનનું ભાડું કોણ ભરશે? તો અધિકારીઓએ જણાવ્યું કે તમારે માત્ર 12 મહિને 180 રૂપિયા જ ભરવાના છે અને ગામના લોકોને મફત ફોન કરવા મળશે. આ વાત થઈ એ પછી ગામમાં જગજીવનભાઈ ઠક્કરની કરિયાણાની દુકાને આ ટેલિફોન ફિટ કરવામાં આવ્યો.”
પ્રદીપ મહેતા કહે છે કે, “જ્યારે પહેલી વાર તેઓ આવ્યા ત્યારે તેઓ કાફલાથી છૂટા પડીને 70-80 કિમી ગાડી ચલાવીને સ્થિતિ જોવા ચાલ્યા ગયા હતા. પછી તેમણે આ વિસ્તારની સ્થિતિ જોઈને સ્પેશિયલ પાણી યોજના સહિત અનેક મંજૂરી આપી હતી.”
જ્યારે રાજીવ ગાંધીની જીપે અચાનક વળાંક લીધો અને…
ઇમેજ સ્રોત, Dilip Valera/FB
“આટલાં વર્ષો પછી પણ મને રાજીવ ગાંધીની મુલાકાત યાદ રહી ગઈ હોય તો એનું કારણ એ માણસની સંવેદનશીલતા છે.” બનાસકાંઠાના વરિષ્ઠ પત્રકાર ગુલાબસિંહ ભાટીને અમે જ્યારે રાજીવ ગાંધીની મુલાકાત વિશે પૂછ્યું ત્યારે એમણે કંઈક આ રીતે વાત માંડી.
તેઓ એક પત્રકાર તરીકે રાજીવ ગાંધીની મુલાકાત કવર કરવા ગયા હતા અને ‘લોકસંઘ’ નામે અઠવાડિક ચલાવતા હતા.
તેઓ જણાવે છે કે, “એ વખતે દિયોદરથી થરાદ, વાવ અને સાંતલપુર રાજીવ ગાંધી જવાના હતા. અમે દિયોદરથી એમની પાછળની ગાડીમાં હતા. રાજીવ ગાંધી સેલ્ફ ડ્રાઇવ કરી રહ્યા હતા અને તેમની સાથે માત્ર સોનિયા ગાંધી હતાં. દિયોદર નજીક એક મીઠીપાલડી ગામ હતું. એ ગામના સરપંચ હઠીસિંહ વાઘેલાએ મંત્રી બી.કે.ગઢવીને કહ્યું કે રાજીવ ગાંધી એમના ગામ થઈને જાય. તેમણે મંત્રીને કહ્યું કે તમે રાજીવ ગાંધીને કહો કે સરપંચનો આગ્રહ છે કે તમે આ ગામે આવો.”
“રાજીવ ગાંધી સુધી જ્યારે આ વાત પહોંચી તો તેમણે કહ્યું કે સરપંચનો આગ્રહ હોય તો મારે એ દુષ્કાળગ્રસ્ત ગામની મુલાકાતે જવું જોઈએ. દિયોદરથી થરાદ જવાના રસ્તે મીઠીપાલડી આવે અને સરપંચ તેમને ગામમાં લઈ ગયેલા. પછી જ્યારે રાજીવ ગાંધી ત્યાંથી બહાર આવ્યા ત્યારે એક અજબ ઘટના બની.”
ગુલાબસિંહ કહે છે કે, “જાતે જીપ ચલાવી રહેલા રાજીવ ગાંધીએ પછી નિર્ધારિત રૂટથી અલગ જગ્યાએ ટર્ન મારી લીધો અને વચ્ચે બીજાં ગામડાંમાં જતા રહ્યા. તેઓ ચીભડા ગામે ગયા. ગામના ગોંદરે એક ઝૂંપડું હતું. ત્યાં તેમણે ગાડી ઊભી રાખી અને ઝૂંપડામાં ચાલ્યા ગયા. આ મેં મારી નજરે જોયેલું છે. બીજું કોઈ નહોતું એટલે મેં તેમના દુભાષિયા તરીકે કામ કરેલું. ત્યાં રાજીવજીએ એ ડોશીમાંને કહ્યું કે આ શું રાંધો છો? તો ડોશીમાએ કાલિંગડા બાફવા મૂકેલા. ડોશીમાએ કહ્યું કે રોટલા માટે લોટ નથી. આને જ બાફીને ખાવાના છે. આ બધું રાજીવ ગાંધીએ જોયું.”
ગુલાબસિંહ જણાવે છે કે એ સમયે તેમની સાથે કોઈ નહોતું અને સતત કલાક સુધી અધિકારીઓ રાજીવ ગાંધીને શોધતા રહ્યા હતા.
ગુલાબસિંહ કહે છે કે, “થરાદમાં જે રીતે તેઓ મજૂરોને મળ્યા અને તેમના જીવનની નાની-નાની વાતો જાણી એ સંવેદનશીલતાને મેં નજરે જોઈ છે. તેમની બે મુલાકાતો પછી તરત પરિણામો આવ્યાં, નક્કર કામ થયું હતું. “
‘રાજીવ પાસે મજૂરોએ છાશ માગી અને કૉંગ્રેસે બે કરોડ એકઠા કર્યા’
ઇમેજ સ્રોત, Shaktisinh Gohil/FB
કૉંગ્રેસના રાજ્યસભામાં ભૂતપૂર્વ સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલ સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. એ સમયે તેઓ યૂથ કૉંગ્રેસમાં હતા અને ઘણી જગ્યાએ રાજીવ ગાંધીની સાથે હતા.
તેઓ એ સમયની સ્થિતિને યાદ કરતાં કહે છે કે, “એ સમયે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો એવી સ્થિતિ હતી કે દર પાંચમાંથી ત્રણ વર્ષ દુષ્કાળનાં રહેતાં. પીવાના પાણી અને ઘાસચારાની અત્યંત ખરાબ પરિસ્થિતિ હતી. એ સમયે દુષ્કાળમાં સરકાર રાહતકામો શરૂ કરતી હતી. જેમકે તળાવો ખોદવાં, માટીકામ કરવાનું વગેરે કામ સરકાર આપતી અને તેની મજૂરી ચૂકવતી. આવાં ઘણાં કામો સરકારે શરૂ કરેલાં.”
શક્તિસિંહ ગોહિલ કહે છે, “એ સમયે આવાં રાહતકાર્યોની મુલાકાત લેવા અને દુષ્કાળની સમગ્ર સ્થિતિનું અવલોકન કરવા રાજીવ ગાંધી આવ્યા હતા. એ સમયે જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમનો એક રૂટ સુરેન્દ્રનગર પણ હતો. ત્યાં પણ સ્થાનિક સરકારે જે રૂટ બનાવ્યો હતો એ તેમણે ન અનુસર્યો. બીજા નેતાઓને તેઓ પૂછીને, માહિતી મેળવીને અલગ જગ્યાઓએ મુલાકાત લેવા ગયા હતા.”
શક્તિસિંહ ગોહિલ એક બીજો નાનો કિસ્સો જણાવે છે.
એમણે મજૂરો સાથે જ્યારે વાત કરી ત્યારે મજૂરોએ તેમને કહ્યું કે તેઓ છોકરાં લઈને આ મજૂરીકામ કરવા આવે છે તો એમને છાંયડો અને પાણીની વ્યવસ્થા થઈ શકે તો સારું. પછી રાજીવ ગાંધીએ પૂછ્યું કે એ સિવાય તેમને શું જોઈએ છે? તો લોકોએ કહ્યું કે અમને આ સૌરાષ્ટ્રમાં તડકામાં છાશ મળે તો ઘણું સારું રહેશે.
રાજીવ ગાંધીએ કહ્યું કે છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરશે પણ કૉંગ્રેસ પક્ષ તરીકે આપણે પણ કંઈક કરવું જોઈએ. છાશની વ્યવસ્થા પક્ષ કરે. એ સમયે કૉંગ્રેસના પ્રમુખ અહેમદ પટેલ હતા અને તેમણે આ કામ લીધું.
એ સમયે અમિતાભ બચ્ચન કૉંગ્રેસમાં હતા. અમદાવાદમાં ‘અમિતાભ બચ્ચન નાઇટ્સ’ કાર્યક્રમનું આયોજન કરાયું. એ સિવાય કૉંગ્રેસના કાર્યકર્તાઓએ, નેતાઓએ પણ દાન કર્યું અને આ રીતે બે કરોડ રૂપિયા એકઠા થયા અને એમાંથી દરેક રાહતકાર્યની શિબિરોમાં છાશનાં કેન્દ્રો કૉંગ્રેસે ખોલ્યાં.
આ બધો ખર્ચ સરકાર નહીં, પક્ષ ભોગવે એવું રાજીવ ગાંધીએ કહ્યું હતું. રાજીવ ગાંધીના સૂચન અનુસાર કૉંગ્રેસ પાર્ટી તરફથી ઢોરવાડા પણ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાં ગુજરાત બહારથી પણ ઘાસ લવાતું હતું.
કચ્છનાં એક મહિલાએ જ્યારે રાજીવ ગાંધીને હથેળીમાં પડેલા ફોલ્લાં બતાવ્યા
ઇમેજ સ્રોત, Getty Images
દુષ્કાળગ્રસ્ત કચ્છની પણ રાજીવ ગાંધીએ એક જ વર્ષમાં બે વાર મુલાકાત લીધી હતી. કચ્છમાં સ્થિતિ છેક 1989 સુધી ખરાબ હતી એટલે રાજીવ ગાંધી 1987ની મુલાકાત પછી 1989માં પણ બે વખત આવ્યા હતા.
કચ્છના વતની અને શાળાના નિવૃત્ત આચાર્ય અને રાજીવ ગાંધીની 1989ની કચ્છ મુલાકાત વખતે હૉમગાર્ડની ડ્યુટી કરી રહેલા જગદીશચંદ્ર છાયા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ કહે છે કે, “સતત ચાર વર્ષથી કચ્છ દુષ્કાળમાં રિબાઈ રહ્યું હતું. રાજીવ ગાંધીએ કચ્છમાં ચાલતાં રાહતકાર્યોની મુલાકાત લીધી હતી. એમણે રૂબરૂ આવીને ધોમધખતા તાપમાં માટીકામ કરતા, ખામણા ખોદતા લોકોને આશ્વાસન આપ્યું હતું અને દુષ્કાળગ્રસ્ત કચ્છીઓનાં આંસુ લૂછ્યાં હતાં.”
જગદીશચંદ્ર છાયા એ સમયના અમુક કિસ્સાઓ પણ યાદ કરી જણાવે છે.
તેઓ કહે છે કે, “રાજીવ ગાંધી જ્યાં પણ રાહતકામ પર ગયા ત્યાં સ્ત્રીઓએ સતત એવી ફરિયાદ કરી હતી કે ત્રણ-ત્રણ વર્ષથી રાહતકામોમાં માટી ખોદીને તેઓ હતાશ થઈ ગયાં છે. એક જગ્યાએ તો જૈફ વયનાં એક મહિલાએ પોતાની હથેળીઓ ખુલ્લી કરી આંગળામાં પડેલાં ફોલ્લાં જ્યારે બતાવ્યા ત્યારે રાજીવ ગાંધીની આંખમાં પાણી આવી ગયાં હતાં. મને બરાબર યાદ છે કે આ હૃદયસ્પર્શી ઘટના પછી જ કેન્દ્ર સરકારે કચ્છમાં હસ્તકલાના માધ્યમથી રાહત આપવા માટે એક કરોડ રૂપિયાની ખાસ ગ્રાન્ટ ફાળવી હતી.”
રાજીવ ગાંધી કચ્છ આવ્યા ત્યારે નિવૃત્ત પત્રકાર ચંદ્રવદન પટ્ટણી પણ તેમની સાથે થોડો સમય રહેલા.
તેઓ જણાવે છે કે, “6 જૂન,1989ના રોજ તથા 9 ઑક્ટોબર, 1989ના રોજ તેમણે કચ્છના અંતરિયાળ અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતો દરમિયાન તેમણે કોઈપણ ઔપચારિક બ્રીફિંગ વગર ઢોરવાડા અને રાહતશિબિરોની મુલાકાત લીધી હતી.”
તેમનું કહેવું છે કે વહીવટી મંજૂરીઓની રાહ જોયા વગર તત્કાળ લોકોને મદદ મળે તેવા તેમણે પ્રયત્નો કર્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રવદનભાઈનું કહેવું છે કે, “ગુજરાતના આ દુષ્કાળ દરમિયાન કચ્છના 70 ટકાથી વધુ ગામડાં પ્રભાવિત થયાં હતાં. રાજીવ ગાંધીએ રૂઢિગત પ્રોટોકોલ તોડીને અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આનંદપર રાહતકૅમ્પની મુલાકાત લેવા તેઓ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી સાથે ગયા હતા અને મજૂરોની રોજગારીની સ્થિતિ જાણી હતી.”
‘શબાબ’ ઉપનામથી જાણીતા કચ્છના જાણીતા કવિ જયંતિ જોશીએ રાજીવ ગાંધીની કચ્છ મુલાકાત સમયે દુભાષિયા તરીકે કામ કર્યું હતું. તેઓ આકાશવાણીમાં એ સમયે કામ કરતા હતા.
તેઓ જણાવે છે કે, “જવાહરલાલ નેહરુ પણ લોકો વચ્ચે ચાલ્યા જતા અને લોકોને આસાનીથી મળતા અને રાજીવ ગાંધી પણ તેમને અનુસરીને લોકોને મળતા, તેમની પડખે રહેતા. કચ્છ મુલાકાતમાં પણ એ જોવા મળ્યું.”
“એક જગ્યાએ ખામણા ખોદાતા હતા અને એક ઝાડ હતું. ત્યાં એક યુવાન ઊભો હતો અને તેમની સાથે રાજીવ ગાંધીએ વાત કરી હતી. આગળ વધ્યા એ પછી ગામનાં થોડા લોકોને તેમણે સંબોધન કર્યું હતું. મને યાદ છે ત્યાં સુધી પહેલી વાર તેઓ શિકારપુર બાજુ ગયા હતા અને બીજી મુલાકાત વખતે લખપત તરફ ગયા હતા. ખૂબ સહજ રીતે તેઓ લોકો સાથે વાત કરતા. એક વડીલ પૃચ્છા કરવા આવ્યા હોય એ રીતે લોકોને મળતા, અને કોઈ બૉસ જેવી ભાવના નહોતી.”
ચંદ્રવદનભાઈ કહે છે કે, “કચ્છના વહીવટી રેકૉર્ડ્ઝ મુજબ રાજીવ ગાંધીની આ મુલાકાતો માત્ર ઔપચારિક નહોતી. રાત્રે અઢી વાગ્યા સુધી તેઓ વહીવટી સમીક્ષા કરતા હતા અને સવારે ફરી ફીલ્ડ પર નીકળી જતા.”
“એ સમયમાં તેઓ રાજકારણમાં હજુ નવા ગણાય. એટલે પ્રચલિત રાજનીતિથી અલગ સામાન્ય લોકોને છૂટથી મળતા હતા. એ વખતે કચ્છને ઘણો લાભ થયો હતો.”
રાજીવ ગાંધીએ સુરેન્દ્રનગરનાં ગામડાં પણ ખૂંદ્યાં હતાં
ઇમેજ સ્રોત, Getty Images
ખારાઘોડા ગામના પત્રકાર અંબુભાઈ પટેલ કહે છે કે, “વરસાદ પર જ ગુજરાતનો મોટા ભાગનો વર્ગ એ સમયે જીવતો. એ વર્ષો અતિશય ખરાબ હતાં. આ ત્રણ વર્ષોમાં વરસાદ થયો જ નહોતો એવું કહેવાય.”
તેઓ જણાવે છે કે, “મારું આખું ગામ રાહતકાર્યો હેઠળ ચોકડીઓ ખોદવા જતા હતા. સરકાર અનાજ-દાણા આપતી, રોકડ રકમ આપતી. સરકારે ઢોરવાડા પણ ખોલ્યા હતા. સ્થિતિ એવી હતી કે આખેઆખાં ગામડાં જે ગામમાં રાહતકાર્યો થતાં ત્યાં ચાલ્યા જતાં. લોકોએ કાનનાં ઠોરિયા, વારી, વીંટી, વેડલાં વેચીને પશુઓને જીવાડ્યાં હતાં.”
2 જૂન, 1987ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ દુષ્કાળગ્રસ્ત ઝાલાવાડની મુલાકાત લીધી હતી.
‘તવારીખે સુરેન્દ્રનગર’ પુસ્તકમાં જણાવાયું છે એ પ્રમાણે આ મુલાકાતમાં રાજીવ ગાંધીએ વઢવાણની પાંજરાપોળ ઉપરાંત આદલસર, વણા, સાપર, સોમાસર, મોટા કાંધાસર તથા અન્ય અંતરિયાળ ગામડાંની જાતે જીપ ચલાવીને મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગરના જવાહર મેદાનમાં તેમની જાહેરસભા પણ યોજાઈ હતી.
‘નર્મદા યોજનાને રાજીવ ગાંધીએ મંજૂરી અપાવી’
ઇમેજ સ્રોત, Getty Images
દુષ્કાળ સામે ઝઝૂમી રહેલા ગુજરાત માટે પાણી ક્યાંથી લાવવું એ મોટો પ્રશ્ન હતો. લાંબાગાળા સુધી આવું ચાલતું રહે તો શું કરવું એ સવાલ સૌની સામે હતો.
શક્તિસિંહ ગોહિલ કહે છે કે, “નર્મદાનું પાણી મળે તો આ લોકોની પરિસ્થિતિ સુધરે એવું હતું. પરંતુ એ સમયે ટી. એન. શેષન સચિવ હતા અને તેમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આટલા મોટા ડેમની મંજૂરી આપવાની ના પાડી હતી. પરંતુ પછી રાજીવ ગાંધીએ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઑવરરૂલ કરીને બંધ બનાવવા માટેની મંજૂરી આપી હતી.”
ચાણસ્માના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માલજીભાઈ દેસાઈએ પણ ગુજરાત વિધાનસભામાં આ અંગે વાત કરેલી છે.
તેઓ રાજીવ ગાંધીએ જ્યારે બનાસકાંઠાથી લઈને સુરેન્દ્રનગર સુધીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો ત્યારે તેમની સાથે હતા.
માલજીભાઈએ કહ્યું હતું કે, “સુરેન્દ્રનગરના ગેસ્ટહાઉસની અંદર રાજીવ ગાંધીએ જ્યારે પૂછ્યું કે આ સમસ્યાને ઉકેલ શું? ત્યારે અમરસિંહ ચૌધરીએ કહ્યું હતું કે આનો ઉકેલ નર્મદા યોજના છે. ગંગા શિવની જટામાં ફસાઈ છે. તેમ આ સ્કીમ પર્યાવરણને લીધે ફસાઈ છે. તમે કાઢી આપો તો આ કામની શરૂઆત થઈ શકે. તેમના સમયમાં જ મોટું કામ થયું અને પછી જે કંઈ પ્રગતિ થઈ છે એના આપણે સાક્ષી છીએ.”
રાજીવ ગાંધીની આ મુલાકાતો અંગે શક્તિસિંહ ગોહિલ કહે છે કે, “એ સમયે તેઓ લોકોને મળવા સિક્યોરિટી છોડીને જાતે પહોંચી જતા હતા અને કહેતા કે કોઈ ડરને કારણે પ્રજાને મળવામાં બાધા આવતી હોય તો એ ડર છોડી દેવો જોઈએ. લોકોને મળવામાં ક્યારેય પરહેજ ન કરવી એવું એમનું વલણ હતું. માનવતાનો ભાવ અદ્ભુત હતો. કાયમ માટે તેઓ એક જ વાત પૂછતા કે લોકોને શું જોઈએ છે, લોકોની જરૂરિયાત શું છે, લોકો શું માગે છે?”
“તેમણે દુષ્કાળની પરિસ્થિતિ જોઈને તરત પાક વીમા યોજના લાગુ કરી હતી, સંપૂર્ણ દેવામાફી કરી હતી. લોકોને જમીનના પ્રમાણ કરતાં પણ વધુ પૈસા આપ્યા હતા એ વાતનો હું સાક્ષી છું.”
પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા કહે છે કે, “આવા ભયાનક દુષ્કાળમાં લોકો બચી ગયા તેનું મુખ્ય કારણ સરકાર અને સમાજ વચ્ચેનો તાલમેળ અને સહયોગ હતો.”
તેઓ કહે છે કે, “મોટી વાત એ હતી કે રાજીવ ગાંધીએ અધિકારીઓને વધુ નિયમોની આંટીઘૂંટીમાં ન પડવા અને લોકોને મદદ મળે એ માટે પ્રૅક્ટિકલ ઍપ્રોચ અપનાવવા કહ્યું હતું. “
રાજીવ ગાંધીએ ભાષણમાં લોકોને શું કહ્યું હતું?
ઇમેજ સ્રોત, Rajiv Gandhi Foundation
રાજીવ ગાંધીએ દુષ્કાળગ્રસ્ત ગુજરાતની મુલાકાત વખતે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાં લોકોને પણ સંબોધ્યા હતા.
તેમણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ એક વાર પોરબંદરમાં લોકોને સંબોધ્યા હતા. તેમના ભાષણમાં ગુજરાતના દુષ્કાળની અને એ સમયે સરકારે કરેલી કામગીરીની એક ઝલક મળે છે.
રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, “બે દિવસથી હું કચ્છ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યો છું. બે દિવસમાં તમારા જિલ્લા વિશે, વિસ્તારો વિશે ઘણું જોયું, ઘણું શીખ્યું. અહેમદભાઈએ કહ્યું એમ અમારો પ્રવાસ બીજે હતો, પણ ગુજરાતમાં દુષ્કાળના કારણે પરિસ્થિતિ ખરાબ હતી. એટલે જરૂરી હતું કે અમે આવીને જોઈએ કે કામ કેવી રીતે થઈ રહ્યું છે.”
“આજે તમારી સામે ભયંકર દુષ્કાળની સમસ્યા છે. મેં ખુદ જોયું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેવી મુશ્કેલી છે. કેવી રીતે રાહતનાં કામ થાય છે એ પણ જોયું. અમારે જોવાનું છે કે તમને આવતા બે-ત્રણ મહિનામાં કેવી રીતે પાણી મળતું રહે. પણ હજુ વરસાદ ન આવે તો શું કરવું એ પણ અમારે ધ્યાન રાખવાનું છે. પણ સૌથી જરૂરી વાત એ છે કે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિચારીએ કે સૌરાષ્ટ્રમાં કેવી રીતે પાણી પહોંચે.”
રાજીવ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે, “આ બધું કરવામાં સમય લાગશે પણ અત્યારે અમે ગુજરાતને દુષ્કાળનો સામનો કરવા તત્કાળ 35 કરોડ આપીએ છીએ. અમે 10 કરોડનાં નવાં અને જૂનાં ટૅન્કર મોકલીશું. 25 કરોડમાંથી મોટાભાગનો હિસ્સો ગામડાંને મળે એવું કરીશું. રાજ્ય સરકાર પણ આટલાં જ સાધનો લગાવશે. મારી મુખ્ય મંત્રી સાથે વાત થઈ છે. આવનારા મહિનાઓમાં ત્રણ રેલગાડીથી પાણી પહોંચાડીશું. જરૂર પડે તો વધુ મોકલીશું. પશુઓ માટે પણ ચારો નથી મળી રહ્યો. અમે કહ્યું છે કે કોઈ પણ સરકારી રીતે, પ્રાઇવેટ રીતે કે બીજા રાજ્યોમાંથી ચારો કોઈ ગુજરાત મોકલવા ઇચ્છે તો તેનું ભાડું સરકાર આપશે.”
“કપાસની બહુ તકલીફ થઈ રહી છે. તેના ભાવ પડી ગયા છે. એક દિવસમાં અમને જાજો ખ્યાલ ન આવ્યો પણ અમે ઊંડાણથી આ સમસ્યા ઉકેલવા વિચારીશું.”
એ સમયે ગુજરાતમાં રમખાણો અને આંદોલનોને કારણે કૉંગ્રેસની સરકાર માટે કપરી સ્થિતિ પણ હતી. એટલે આ ભાષણમાં રાજીવ ગાંધીએ એ અંગે સૂચક નિવેદન પણ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “આજે સાંપ્રદાયિક શક્તિઓ લઘુમતીઓને ભડકાવી રહી છે. ભારતને નબળું પાડવાની કોશિશ થઈ રહી છે. આપણે જોવાનું છે કે ભારતની એકતાને વધારનારી શક્તિઓ આગળ વધે. જો ભારતે આગળ વધવું હોય તો એક જ રસ્તો છે. પંડિતજી (જવાહરલાલ નહેરુ) એ કહ્યું હતું કે ભારત માટે વચ્ચેનો કોઈ રસ્તો નથી. કાં તો આપણે મજબૂત થઈને દુનિયાને રસ્તો બતાવીશું અથવા તો નબળાં પડીને પડી ભાંગીશું.”
“હું તમને આશ્વાસન આપું છું કે અહીંથી જઈને અમે પૂરી કોશિશ કરીશું કે આપણે દુષ્કાળનો સંપૂર્ણ મુકાબલો કરી શકીએ અને આગળ જતાં આવી તકલીફ ન આવે એવું કરીએ.”
ગુજરાતમાં દુષ્કાળ
ગુજરાત એક એવું ક્ષેત્ર મનાતું હતું કે જ્યાં દર ત્રણ-ચાર વર્ષે દુષ્કાળ પડતો હતો. 1977થી 2012ની વચ્ચે ગુજરાતમાં નવ મોટા દુષ્કાળ પડ્યા હતા.
1985થી 1987ની વચ્ચે પડેલા ભયાનક દુષ્કાળ પછી ગુજરાતમાં મોટો દુષ્કાળ 2002માં પડ્યો હતો.
જોકે, વારંવાર ગુજરાત સરકાર ગુજરાતમાં પીવાનાં પાણીની સ્થિતિમાં સુધારો થયો હોવાનું કહેતી રહે છે અને સરદાર સરોવર ડેમ પ્રૉજેક્ટને તેના માટે જવાબદાર ગણાવે છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વેબસાઇટ પ્રમાણે, 11512 ગામડાં અને 191 શહેરી કેન્દ્રોની તરસ નર્મદાના પાણીથી બુઝાઈ છે અને 4 કરોડ લોકોને તેનાથી ફાયદો થયો છે. સિંચાઈ માટે નર્મદાનું પાણી 17 જિલ્લામાં મળે છે.
આ સિવાય ગુજરાત સરકારે ‘સૌની યોજના‘ મારફતે નર્મદાનું વધારાનું પાણી સૌરાષ્ટ્રના પાણીની તંગી વાળા વિસ્તારોમાં પણ પહોંચાડવાનું શરૂ કર્યું છે. ગુજરાત સરકારે ઑગસ્ટ 2016માં તેની શરૂઆત કરી હતી અને સરકાર અનુસાર, 11 જિલ્લાને તેનાથી ફાયદો થશે.
ગુજરાત સરકારના વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, સરકારે 1371 કિમીનું વોટર ટ્રાન્સફર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ‘સૌની યોજના’ હેઠળ બનાવ્યું છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે, “સૌની યોજના એ ગુજરાતનો નોંધપાત્ર પ્રોજેક્ટ છે જેમાં સાત વર્ષમાં 1203 કિમી પાઇપલાઇન નાખવામાં આવી છે. આ યોજનામાં 18563 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.”
રાજીવ ગાંધીની આ ગુજરાત મુલાકાતને હવે લગભગ 40 વર્ષ થયાં છે. દુષ્કાળ ઓછાં થયાં છે. પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં ફરી આ વર્ષે થોડી દુષ્કાળ જેવી સ્થિતિ છે. ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. અમે જે લોકો સાથે વાત કરી એ સૌનો મત હતો કે નર્મદાને લીધે સારું થયું છે, પણ હજુ ઘણું ખૂટે છે.
બનાસકાંઠાના વરિષ્ઠ પત્રકાર ગુલાબસિંહ ભાટીના શબ્દોમાં જ કહીએ તો, “આજે નર્મદાનાં પાણીને કારણે કદાચ અમારી વેદના ઓછી થઈ છે, પણ એ સંવેદના તો હવે નથી જ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




