Home તાજા સમાચાર gujrati ‘ચાર્લ્સને એવું લાગ્યું જાણે તેમણે લૉટરી જીતી હોય’, ડાયનાના મૃત્યુ અંગે તેમના...

‘ચાર્લ્સને એવું લાગ્યું જાણે તેમણે લૉટરી જીતી હોય’, ડાયનાના મૃત્યુ અંગે તેમના ભાઈએ બીબીસીને કહ્યું

4
0

Source : BBC NEWS

પ્રિન્સેસ ડાયેનાનું મૃત્યુ 31 ઑગસ્ટ, 1997ના રોજ પેરિસમાં એક કાર અકસ્માતમાં થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનની દિવંગત પ્રિન્સેસ ડાયનાના ભાઈએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે કે પોતાની બહેનના મૃત્યુના થોડા દિવસ પછી કિંગ ચાર્લ્સ સાથે ફોન પર થયેલી વાતચીત અંગે તેઓ ‘સાચું જ કહી રહ્યા છે’.

પ્રિન્સેસ ડાયનાના ભાઈ અર્લ સ્પેન્સરે પોતાના નવા પુસ્તકમાં આ વાતનો દાવો કર્યો છે. તે સમયે ચાર્લ્સ ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ હતા. ડાયનાના અંતિમ સંસ્કારમાં તેમનાં બન્ને દીકરા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી હાજર રહે કે નહીં એ અંગે ચર્ચા ચાલી રહી હતી. એ દરમિયાન ચાર્લ્સે કહ્યું હતું, “આપણે તેને બહુ જલદી ભૂલી જઈશું.”

બકિંગહામ પેલેસે આ બાબતે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે, “કિંગ એ વાતથી વાકેફ છે કે ભાઈ કે બહેનના મૃત્યુનું દુઃખ માણસની તર્કબદ્ધ રીતે વિચારવાની ક્ષમતાને અસર કરી શકે છે.”

“તે નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરી શકે છે. તે યાદોને એવી રીતે અસર કરી શકે છે કે જે વાત બીજા લોકો વર્ષો પછી પણ સમજી ન શકે.”

જોકે, પોતાના પ્રથમ ઇન્ટરવ્યૂમાં અર્લ સ્પેન્સરે કહ્યું, “હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે તેમણે બરાબર આ જ શબ્દો કહ્યા હતા.”

પેલેસના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં અર્લ સ્પેન્સરે કહ્યું, “તો શું તેઓ નારાજ છે? શું તેઓ બહુ નારાજ છે કે પછી તેઓ શરમ અનુભવી રહ્યા છે?”

પોતાના અલ્થોર્પ એસ્ટેટમાં બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું, “મારી આખી જિંદગીમાં મેં પ્રિન્સ ચાર્લ્સ સાથે ફોન પર માત્ર બે વાર વાત કરી છે.”

તેમણે કહ્યું, “તેમણે જે કંઈ કહ્યું હતું, તે હું ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. અને તેમણે ચોક્કસપણે આ જ શબ્દો કહ્યા હતા. હું તમને સાચું કહી રહ્યો છું, તેમણે બરાબર આમ જ કહ્યું હતું. તેમણે આમ કહ્યું જ નહોતું, એવી વાત હું સ્વીકારી જ શકતો નથી.”

પોતાના દાવાના સમર્થનમાં તેમની પાસે કોઈ પુરાવો છે કે નહીં, એમ પૂછતાં તેમણે કહ્યું કે તેમણે એ સમયે પરિવાર અને મિત્રોને ચાર્લ્સે શું કહ્યું હતું એ જણાવ્યું હતું, “કારણ કે એ વાત એટલી ભયાનક હતી.”

“આપણે તેને બહુ જલદી ભૂલી જઈશું”

નોર્થહેમ્પ્ટનશાયરમાં આવેલા પોતાના અલ્થોર્પ એસ્ટેટમાં અર્લ સ્પેન્સરે બીબીસીનાં લૉરા કુન્સબર્ગ સાથે વાત કરી હતી

પેલેસે તેમની વાત અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં અર્લ સ્પેન્સરે કહ્યું, “તેમણે એ યાદને થોડી ધૂંધળી કરી દીધી છે, ખરું ને? તેમણે કહ્યું છે કે લોકોની યાદો અલગ-અલગ હોઈ શકે છે.”

તેમને પૂછવામાં આવ્યું કે જનતાએ કોની વાત પર વિશ્વાસ કરવો જોઈએ, ત્યારે તેમણે કહ્યું, “હું સાચું કહી રહ્યો છું.”

બકિંગહામ પેલેસે અર્લ સ્પેન્સરની તાજી ટિપ્પણીઓ અંગે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

આ ટિપ્પણીઓથી પેલેસ અને કિંગના પૂર્વ સાળા વચ્ચે ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપ તરફ ફરી એક વાર લોકોનું ધ્યાન ખેંચાઈ શકે છે.

‘ડેઇલી મેઇલ’માં પ્રકાશિત તેમના પુસ્તકના અંશો અનુસાર, અર્લ સ્પેન્સરે દાવો કર્યો છે કે “ફોન પરની આ વાતચીત ત્યારે થઈ હતી, જ્યારે તેમણે કહ્યું હતું કે ડાયના ઇચ્છતી નહોતી કે તેમના બંને નાના દીકરા તેમની અંતિમયાત્રામાં જાય.”

બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, “કિંગ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને થોડા સમય સુધી ગુસ્સામાં બોલતા રહ્યા.”

તેમના જણાવ્યા મુજબ, કિંગ ચાર્લ્સે તેમના પરિવાર પર આરોપ મૂક્યો હતો કે તેમનામાં ફરજ નિભાવવાની પૂરતી ભાવના નથી.

અર્લ સ્પેન્સરે કહ્યું, “પછી તેઓ અચાનક અટકી ગયા. મને લાગ્યું કે હવે તેઓ પોતાને સંભાળશે અને કંઈક વધુ યોગ્ય વાત કહેશે.”

“પરંતુ પછી તેમણે કહ્યું, ‘આપણે તેને બહુ જલદી ભૂલી જઈશું.'”

તેમણે કહ્યું કે એ સમયે ચાર્લ્સના મનમાં શું ચાલી રહ્યું હતું, એ પોતે ચોક્કસ કહી શકતા નથી, કારણ કે “હું તો સાવ અવાક્ થઈ ગયો હતો.”

તેમણે કહ્યું, “થોડી વારની શાંતિ પછી મેં કહ્યું, ‘તમે હમણાં જે કહ્યું એ વાત પર મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો.’ અને મેં ફોન મૂકી દીધો.”

“એમ લાગ્યું જાણે કિંગે લૉટરી જીતી લીધી હોય”

પ્રિન્સેસ ડાયેનાના મૃત્યુ સમયે 15 અને 12 વર્ષના પ્રિન્સ વિલિયમ અને હેરી પોતાની માતાની શબપેટીની પાછળ અર્લ સ્પેન્સર અને તેમના પિતા સાથે. (જૂનો ફોટો)

ઇમેજ સ્રોત, Jeff Overs/BBC

અર્લ સ્પેન્સરનું પુસ્તક ‘સ્વાન સૉન્ગઃ ડાયેના, માય સિસ્ટર’ આવતા અઠવાડિયે પ્રકાશિત થવાનું છે.

આ પુસ્તકમાં શાહી પરિવારની ઘણી ટીકા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

પુસ્તકના અન્ય અંશોમાં તેમણે દાવો કર્યો છે કે ડાયનાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા પછી કિંગે તેમને ફોન કર્યો ત્યારે ચાર્લ્સના અવાજમાં “એક વિચિત્ર પ્રકારની ખુશી” હતી.

તેમના જણાવ્યા મુજબ, ચાર્લ્સનો અવાજ એવો હતો કે જાણે “તેમણે લૉટરી જીતી હોય.”

ડાયનાનું મૃત્યુ 31 ઑગસ્ટ, 1997ના રોજ પેરિસમાં એક કાર અકસ્માતમાં થયું હતું.

ડાયનાને સ્પેન્સર પરિવારના અલ્થોર્પ એસ્ટેટમાં દફનાવવામાં આવ્યાં છે

અર્લ સ્પેન્સરે જણાવ્યું કે તેમને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આવેલા પોતાના ઘરે મધરાતે તેમની બહેન જેને ફોન કરીને આ અકસ્માતની જાણ કરી હતી.

ત્યાર પછી તેમણે જેમને ફોન કર્યા, તેમાં ચાર્લ્સ પણ સામેલ હતા.

અર્લ સ્પેન્સરે દાવો કર્યો છે, “મને ફોન કરનારા બીજા બધા લોકો આઘાતમાં હતા. તેઓ માંડ માંડ પોતાની સંવેદના વ્યક્ત કરી શકતા હતા અને મદદની ઓફર કરી શકતા હતા. પરંતુ કિંગના અવાજમાં એક વિચિત્ર પ્રકારની ખુશી હતી. એ સમયે મને એવું લાગ્યું હતું જાણે તેમણે લૉટરી જીતી હોય.”

ડાયના ખૂબ લોકપ્રિય હતાં અને તેમના મૃત્યુ પછી બ્રિટનમાં વાતાવરણ ખૂબ તંગ બની ગયું હતું.

શાહી પરિવાર પર પોતાની લાગણીઓ અને સંવેદનાઓ વ્યક્ત ન કરવાનો તેમજ જનતાની લાગણીઓને ન સમજી શકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ડાયનાના અંતિમ સંસ્કારમાં અર્લ સ્પેન્સરે ભાવુક અને શાહી પરિવારની ટીકા કરતું વક્તવ્ય આપ્યું હતું. તેમના આ વક્તવ્યથી પણ ડાયનાના મૃત્યુ પછી શાહી પરિવાર સામે ઊભા થયેલા અસંતોષમાં વધારો થયો હતો.

પ્રિન્સ હેરી અગાઉ પણ કહી ચૂક્યા છે કે “12 વર્ષની ઉંમરે પોતાની માતાની શબપેટીની પાછળ ચાલવું એવી બાબત છે, જે કોઈ બાળક પાસે ક્યારેય કરાવવી ન જોઈએ.”

2017માં બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ એમ કહેવા માગતા નથી કે આમ કરવું યોગ્ય હતું કે ખોટું. પરંતુ પાછળ વળીને જોતાં તેમને ખુશી છે કે એ દિવસે તેઓ એ અંતિમયાત્રાનો ભાગ બન્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS