Home તાજા સમાચાર gujrati ચોતરફ સોના વચ્ચે જ્યારે 3000 વર્ષ બાદ કબર ખોલાઈ, ‘રાજાના શ્રાપ અને...

ચોતરફ સોના વચ્ચે જ્યારે 3000 વર્ષ બાદ કબર ખોલાઈ, ‘રાજાના શ્રાપ અને બદલા’ની કહાણી

4
0

Source : BBC NEWS

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Alamy

બીબીસીની 1936ની એક દસ્તાવેજી ફિલ્મમાં, પુરાતત્ત્વવિદ્ હોવર્ડ કાર્ટર 12 ફેબ્રુઆરી, 1924ની એ ક્ષણનું વર્ણન કરે છે, જ્યારે તેઓ અને તેમની ટીમ 3,300 વર્ષ પછી પહેલી વાર ઇજિપ્તના યુવાન રાજાને મળ્યા હતા.

“અમે જે ભૂમિ પર ઊભા હતા, તેના પર છેલ્લે માનવના પગ પડ્યાને 33 સદીઓ વીતી ગઈ હતી. છતાં, અમારી આસપાસ કોઈ માણસ તાજેતરમાં અહીં આવી ગયો હોવાની નિશાનીઓ હતી.”

લગભગ 90 વર્ષ પછી આજે હોવર્ડ કાર્ટરનો સ્પષ્ટ અંગ્રેજી અવાજ જાણે કે કોઈ બીજા જમાનાનો હોય તેવો લાગે છે. બીબીસી રેડિયો પર 1936માં તેમણે વાત કરી હતી, ત્યારે ઇજિપ્તના રાજા તુતનખામુનની ખજાનાથી ભરેલી કબર શોધ્યાને 14 વર્ષ થઈ ગયાં હતાં.

કાર્ટર અને તેમની નિષ્ણાત ટીમે લગભગ ચમત્કારિક કહી શકાય એવી આ શોધ કરી હતી. યુવાન રાજાની કબરને કોઈ નુકસાન થયું નહોતું. આ શોધથી કાર્ટર વિશ્વભરમાં જાણીતા બની ગયા.

આ શોધથી પ્રાચીન ઇજિપ્ત પ્રત્યે પણ લોકોનો ભારે રસ જાગ્રત થયો. એક કાર્યક્રમમાં 1924ની એ ઘટનાઓ અંગે વાત કરતાં તેમણે પોતાની એ વિચિત્ર લાગણીનું વર્ણન કર્યું હતું. 12 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ આખરે તુતનખામુનની પથ્થરની શબપેટી સુધી પહોંચ્યા, ત્યારે તેમને આ લાગણી અનુભવાઈ હતી. આ શબપેટીને ‘સરકોફેગસ’ કહેવામાં આવે છે. હજારો વર્ષોથી રાજાનું શરીર એ પથ્થરની શબપેટીમાં જેમનું તેમ સચવાયેલું હતું.

“અડધી ભરેલી ચૂનાની કથરોટ, કાળો પડી ગયેલો દીવો અને સુથારે બેદરકારીથી જમીન પર છોડી દીધેલા લાકડાના ટુકડા” જેવી વિગતો કાર્ટર યાદ કરે છે, ત્યારે તેમનો આશ્ચર્યભાવ આજે પણ એવો જ તાજો લાગે છે.

“અમે બે ઓરડામાં પ્રવેશ્યા હતા. પરંતુ જ્યારે અમે સોનાના મંદિર જેવા આવરણ સુધી પહોંચ્યા, ત્યારે તેના દરવાજા બંધ અને સીલ કરેલા હતા. એ જોઈને અમને ખ્યાલ આવ્યો કે હવે અમે એવું દૃશ્ય જોવાના હતા, જે અમારા સમયમાં બીજા કોઈએ કદી જોયું નહોતું,” તેમણે જણાવ્યું હતું. કિંમતી સીલ હટાવીને દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે તેની અંદર બીજું એક આવરણ હતું. તેના પરનું કોતરકામ અગાઉના આવરણ કરતાં પણ વધુ અદ્ભુત હતું.

દરવાજો ધીમે ધીમે ખૂલતાં તેમની નજર સામે “વિશાળ પીળા ક્વાર્ટઝાઇટ પથ્થરનો સરકોફેગસ” દેખાયો.

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Universal History Archive/Universal Images Group via Getty Images

તેમાંથી આગળ જવાનો બીજો કોઈ રસ્તો નહોતો. તેના માટે લગભગ 2,500 પાઉન્ડ એટલે કે 1,130 કિલોગ્રામ વજનનું પથ્થરનું ઢાંકણું ઊંચકવું પડે તેમ હતું.

કેટલાક મહાનુભાવો અને આમંત્રિત લોકોની હાજરીમાં એક ખાસ યાંત્રિક વ્યવસ્થાની મદદથી પથ્થરનું ઢાંકણું ઊંચકવામાં આવ્યું. કાર્ટરે પથ્થર હટાવ્યો ત્યારે પ્રકાશ શબપેટીની અંદર પહોંચ્યો.

“અમારી આંખો સામે જે દેખાયું તે એટલું અદ્ભુત હતું કે અમારા મોંમાંથી આશ્ચર્યના ઉદ્ગાર સરી પડ્યા. યુવાન રાજાની સોનાની પ્રતિમા, તેના ભવ્ય કોતરકામ સાથે, શબપેટીની આખી અંદરની જગ્યા ભરી દેતી હતી. ત્રણ શબપેટીઓ પૈકી સૌથી બહારની શબપેટીનું આ ઢાંકણું હતું. આ ત્રણેય શબપેટીઓ એકની અંદર એક મૂકવામાં આવી હતી.”

“યુવાન રાજા તુતનખામુનનું શરીર એ ત્રણ શબપેટીઓની અંદર મૂકવામાં આવ્યું હતું,” તેમણે કહ્યું.

વિશ્વની સૌથી મોટી પુરાતત્ત્વ શોધો પૈકીની એક શોધ કર્યા છતાં, કાર્ટરે 15 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી. તેમણે પુરાતત્ત્વવિદ્યાની કોઈ ઔપચારિક તાલીમ લીધી નહોતી.

ચિત્ર દોરવાની તેમની આવડત જોઈને એક ઉમરાવ પરિવારનું ધ્યાન તેમના તરફ ગયું. આ પરિવાર નોર્ફોકના ગ્રામ્ય વિસ્તારમાં કાર્ટરના ઘરની નજીક રહેતો હતો. પરિવારે આ એકલવાયા યુવાનને મદદ કરી.

એમ્હર્સ્ટ પરિવારનું ઘર, ટિડલિંગ્ટન હૉલ, બ્રિટનમાં ઇજિપ્તની વસ્તુઓનો સૌથી મોટો ખાનગી સંગ્રહ ધરાવતું હતું અને કાર્ટર તેમની સાથે જોડાયેલી કથાઓથી ખૂબ પ્રભાવિત હતા.

ચિત્ર દોરવાની આવડતને કારણે 17 વર્ષની ઉંમરે, તેમને ઇજિપ્તમાં નકશા બનાવનાર અને પ્રાચીન ચિત્રો-લેખોની નકલ તૈયાર કરનાર તરીકે કામ કરવાની તક મળી.

તેઓ એવા સમયે ઇજિપ્ત ગયા હતા, જ્યારે પુરાતત્ત્વના ક્ષેત્રમાં ઝડપથી નવાં સંશોધનો થઈ રહ્યાં હતાં. આ સંશોધનો માટેનો મોટાભાગનો ખર્ચ રસ ધરાવતા ધનવાનો અને બ્રિટિશ ઉમરાવો ઉઠાવતા હતા.

તેમણે કામ કરતાં કરતાં 20 વર્ષથી વધુ સમય સુધી તાલીમ મેળવી.

તુતનખામુનની કબરની શોધમાં તકદીરે પણ મોટી ભૂમિકા ભજવી હતી.

કાર્ટર વર્ષોથી કોઈ મોટી સફળતા વિના ‘વેલી ઑફ ધ કિંગ્સ’માં શોધખોળ કરી રહ્યા હતા. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે આવેલું આ સ્થળ પ્રાચીન ઇજિપ્તવાસીઓ માટે ફેરોની કબરોનું મુખ્ય સ્થળ હતું.

કબરનું પ્રવેશદ્વાર ઘણા સમયથી પ્રાચીન કાટમાળ અને માટી નીચે ઢંકાઈ ગયું હતું. તેથી કબર લૂંટનારાઓ અને પુરાતત્ત્વવિદો બંને માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બની ગયું હતું.

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Evening Standard/Hulton Archive/Getty Images

રાજા તુતની આરાધના

આ શોધમાં મોટો વળાંક નવેમ્બર 1922માં આવ્યો, જ્યારે કાર્ટરે હાથમાં મીણબત્તી પકડીને એક નાના દરવાજામાંથી અંદરના અંધકારમાં ડોકિયું કર્યું.

તેમના ધનવાન આશ્રયદાતા લોર્ડ કાર્નાર્વન નજીકમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે પૂછ્યું કે અંદર કંઈ દેખાય છે કે કેમ. કહેવાય છે કે કાર્ટરે જવાબ આપ્યો હતો, “હા, અદ્ભુત વસ્તુઓ.”

તેમણે પોતાની ખોદકામની નોંધપોથીમાં લખ્યું હતું, “મારી આંખો પ્રકાશથી ટેવાતી ગઈ તેમ, ઓરડાની વસ્તુઓ ધીમે ધીમે ધુમ્મસમાંથી બહાર આવતી હોય તેમ દેખાવા લાગી. વિચિત્ર પ્રાણીઓ, મૂર્તિઓ અને સોનું. નજર પડે ત્યાં સોનાની ચમક.”

આ બધી કિંમતી વસ્તુઓ તુતનખામુન મૃત્યુ પછીના જીવનમાં જાય ત્યારે તેની સાથે લઈ જવા માટે રાખવામાં આવી હતી.

ઇજિપ્તના 18મા રાજવંશના 11મા ફેરો તુતનખામુનનું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર આશરે 17 વર્ષની હતી. એમ માનવામાં આવે છે કે તેણે આઠ કે નવ વર્ષની ઉંમરે રાજગાદી સંભાળી હતી.

તેના મૃત્યુનું કારણ હજુ પણ જાણી શકાયું નથી. તેના વિશે હત્યાથી લઈને શિકાર કરતી વખતે થયેલા અકસ્માત સુધીની અનેક ધારણાઓ છે.

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Alamy

12 ફેબ્રુઆરી, 1924ના રોજ હોવર્ડ કાર્ટર એ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તુતનખામુનની પથ્થરની શબપેટી હજારો વર્ષોથી રાખવામાં આવી હતી.

નવેમ્બર 1922માં થયેલી શોધ તો માત્ર શરૂઆત હતી. તેમાં બહારનો એક નાનો ઓરડો મળ્યો હતો. કાર્ટરે તેને ‘એન્ટિરિયર ચેમ્બર’ એટલે કે ‘આગળનો ઓરડો’ નામ આપ્યું હતું. સરકોફેગસ સુધી પહોંચવામાં ટીમને બીજા 15 મહિના લાગ્યા.

‘ધ ટાઇમ્સ’ અખબારે વિશ્વભરમાં એક ખાસ અહેવાલ પ્રકાશિત કર્યો. તેમાં આ શોધને “આ સદીની સૌથી રોમાંચક ઇજિપ્તીય પુરાતત્ત્વીય શોધ” ગણાવવામાં આવી હતી. ત્યારથી રાજા તુતને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા ફેલાઈ.

1920ના દાયકામાં ઇજિપ્ત બાબતે લોકોમાં ભારે ઘેલછા જોવા મળી. તેની અસર કપડાંની ડિઝાઇનથી લઈને પિરામિડ અને કમળનાં ફૂલોની આકૃતિ ધરાવતી આર્ટ ડેકો ડિઝાઇન, મૂંગી ફિલ્મો અને જૅઝ ગીતો સુધી જોવા મળી.

કાર્ટર અને કાર્નાર્વન આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બની ગયા. પરંતુ શોધના થોડા જ મહિનાઓ પછી કાર્નાર્વનનું નસીબ સાથ છોડી ગયું. કોઈ જીવજંતુના કરડવાથી લાગેલા ઝેરના કારણે તેમનું મૃત્યુ થયું.

તેમના મૃત્યુથી તુતનખામુનની કહાની બાબતે લોકોમાં વધુ ઉત્તેજના ફેલાઈ. મમીનો શ્રાપ અને તુતનખામુનનો બદલો જેવી વાતોએ આ શોધની આસપાસ ઊભી થયેલી માન્યતાઓને વધુ વેગ આપ્યો.

આ બધું ઇજિપ્તમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાના સમયગાળા દરમિયાન બન્યું હતું. 1882થી ઇજિપ્ત બ્રિટિશ કબજા હેઠળ હતું, પરંતુ 1922ની શરૂઆતમાં તેને અમુક અંશે સ્વતંત્રતા મળી હતી.

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Gustavo Caballero/Getty Images

કાર્ટરનો સ્વભાવ જલદી ગુસ્સે થઈ જવાનો હતો. તેમની ખોદકામની કામગીરી પર દેખરેખ રાખતી ઇજિપ્શિયન પુરાતત્ત્વ સેવા સાથે તેમના સંબંધો ઘણી વાર તંગ રહેતા હતા.

તુતનખામુન ઇજિપ્તને વસાહતી શાસનમાંથી મુક્ત કરાવવાની લડતનું પ્રતીક બની ગયો હતો. બીજી તરફ, આ શોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અનેક ઇજિપ્તવાસીઓના જ્ઞાન અને સ્થાનિક અનુભવની નોંધ આ કહાનીમાં લેવાઈ નહીં.

કબરનું સ્થળ સાફ કરનારા કામદારો ઉપરાંત, કાર્ટરે અહમદ કેરીગર, ખત હસન, હુસેન અબુ અવાદ અને હુસેન અહમદ સૈયદ જેવા કુશળ દેખરેખકર્તાઓ સાથે પણ કામ કર્યું હતું.

તુતનખામુનનું મમીફિકેશન કરાયેલું શરીર ‘વેલી ઑફ ધ કિંગ્સ’માં જ રહ્યું.

પરંતુ તેની અન્ય ઘણી કિંમતી વસ્તુઓ શરૂઆતમાં કૈરો મ્યુઝિયમમાં લઈ જવામાં આવી હતી.

તેમાં રણશિંગા જેવાં બે વાદ્યો પણ હતાં. તેમાંથી એક ચાંદીનું અને બીજું કાંસાનું હતું. 1939માં બીબીસીના એક અસાધારણ રેડિયો કાર્યક્રમમાં એ બંને વગાડવામાં આવ્યાં હતાં.

રેડિયોના જાણીતા નિર્માતા રેક્સ કીટિંગે ઇજિપ્તીય પુરાતત્ત્વ સેવા પાસેથી પરવાનગી મેળવી હતી. આ પરવાનગી પછી બીબીસી પર 3,000 વર્ષ પછી પહેલી વાર આ પ્રાચીન વાદ્યોનો અવાજ સંભળાવવાનો હતો.

2011માં આ કાર્યક્રમ અંગેની બીબીસીની એક દસ્તાવેજી ફિલ્મમાં પુરાતત્ત્વવિદ્ ક્રિસ્ટિના ફિને કહ્યું હતું, “3,000 વર્ષ જૂનું વાદ્ય ખરેખર વગાડવાનો વિચાર આજે અશક્ય જેવો લાગે. પરંતુ 20મી સદીની શરૂઆતમાં પુરાતત્ત્વીય સંશોધન ઝડપથી આગળ વધી રહ્યું હતું, ત્યારે આવી બાબતોની એટલી ચિંતા કરવામાં આવતી નહોતી.”

બૅન્ડના સભ્ય જેમ્સ ટેપર્નને આ કાર્યક્રમમાં એ વાદ્ય વગાડવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. એવી અપેક્ષા હતી કે દુનિયાભરમાં આશરે 15 કરોડ લોકો આ કાર્યક્રમ સાંભળશે.

તેઓ વગાડવાનું શરૂ કરે એ પહેલાં કીટિંગે શ્રોતાઓને ચેતવણી આપી હતી કે બંને વાદ્યોમાંથી અવાજ કાઢવો સરળ નહીં હોય.

પરંતુ તેની ચિંતા કરવાની જરૂર પડી નહીં. બંને પ્રાચીન વાદ્યોમાંથી નીકળેલો રહસ્યમય અવાજ સ્પષ્ટ અને ઊંચો સંભળાયો.

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Marc Deville/Getty Images

કીટિંગને હાશ થઈ અને તેમણે કાર્યક્રમનું સમાપન નાટકીય અંદાજમાં કર્યું.

“3,000 વર્ષ કરતાં વધુ સમય શાંત રહ્યા પછી, ઇજિપ્તના ભવ્ય ભૂતકાળના આ બે નાદ સમગ્ર વિશ્વમાં ગુંજી ઊઠ્યા છે,” તેમણે કહ્યું.

પરંતુ કાર્ટર આ કાર્યક્રમ સાંભળી શક્યા નહોતા.

તેના થોડાં અઠવાડિયાં પહેલાં જ 64 વર્ષની ઉંમરે કેન્સરને કારણે તેમનું મૃત્યુ થયું હતું. 1970ના દાયકામાં ‘ટ્રેઝર્સ ઑફ તુતનખામુન’ પ્રદર્શનને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી સફળતા થકી તુતનખામુન પ્રત્યેનો ઉન્માદ ફરી જાગ્રત થયો. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ તેનો સોનાનો મુખવટો હતો. 1972માં બ્રિટિશ મ્યુઝિયમમાં આ મુખવટો જોવા માટે 16 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા.

આજ સુધીમાં આ મ્યુઝિયમમાં સૌથી વધુ લોકોએ આ જ પ્રદર્શનની મુલાકાત લીધી છે. ત્યાર પછી આ પ્રદર્શન બે વર્ષ માટે સોવિયેત સંઘમાં ગયું. એ પછી 1976થી 1979 દરમિયાન તેને અમેરિકાનાં છ શહેરોમાં લઈ જવામાં આવ્યું.

અમેરિકામાં પણ આ પ્રદર્શનને ખૂબ મોટી સફળતા મળી. તેનાથી કોમેડિયન સ્ટીવ માર્ટિનને પોતાનું રમૂજી ગીત “કિંગ તુત” બનાવવાની પ્રેરણા મળી.

‘સેટરડે નાઇટ લાઇવ’ના કાર્યક્રમમાં તેમણે તદ્દન સપાટ ચહેરે પ્રેક્ષકોને કહ્યું, “મને લાગે છે કે તુતનખામુનને નાની-નાની વસ્તુઓ, રમકડાં, ટી-શર્ટ અને પોસ્ટરોમાં ફેરવીને જે રીતે વેપારની વસ્તુ બનાવી દેવામાં આવ્યો છે, એ આપણા દેશ માટે શરમજનક વાત છે.” ત્યાર પછી તેમણે રમૂજી નૃત્ય રજૂ કર્યું.

'3,000 વર્ષ જૂના બે નાદ ફરી સંભળાયા': એક સદી પછી પણ તુતનખામુનની કબરનાં રહસ્યો અકબંધ

ઇમેજ સ્રોત, Universal History Archive/Universal Images Group via Getty Images

લોકપ્રિય સંસ્કૃતિથી લઈને ગંભીર શૈક્ષણિક અભ્યાસો સુધી, તુતનખામુનની કહાની આજે પણ લોકોમાં રસ પેદા કરે છે.

તુતનખામુનની કબર શોધાયાને એક સદી કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં, કબરમાંથી મળેલી વસ્તુઓમાં રહેલાં ઘણાં રહસ્યો હજુ ઉકેલાવાના બાકી છે. બીબીસીના ‘ઇન અવર ટાઇમ’ કાર્યક્રમમાં વાત કરતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના એલિઝાબેથ ફ્રૂટે 2019માં કહ્યું હતું કે કબરમાંથી મળેલી વસ્તુઓમાંથી ત્રીજા ભાગ કરતાં પણ ઓછી વસ્તુઓનો સંપૂર્ણ અભ્યાસ થયો છે.

“ત્યાં 5,000થી વધુ અલગ અલગ વસ્તુઓ છે. મને લાગે છે કે આટલી બધી વસ્તુઓ સંભાળવી મુશ્કેલ છે. આ સંગ્રહમાં રહેલી અલગ અલગ પ્રકારની વસ્તુઓનું વ્યવસ્થાપન કરવું ખૂબ મુશ્કેલ છે, આના જેવું બીજું કંઈ નથી,” તેમણે કહ્યું હતું.

કબરમાંથી મળેલી તમામ વસ્તુઓને આખરે 2025માં ગીઝાના એક નવા સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવી. આ સંગ્રહાલય પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની એક, ખૂફુની મહાન પિરામિડ નજીક બનાવવામાં આવ્યું છે.

ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમના ભૂતપૂર્વ વડા ડૉ. તારિક તૌફિકે બીબીસીને કહ્યું હતું: “તુતનખામુનને નવેસરથી કેવી રીતે રજૂ કરી શકાય, એ વિશે મારે વિચારવું પડ્યું.. કારણ કે 1922માં કબર મળી ત્યારથી અત્યાર સુધી તેમાં રહેલી 5,500થી વધુ વસ્તુઓમાંથી ફક્ત આશરે 1,800 વસ્તુઓ જ પ્રદર્શિત કરવામાં આવી હતી. આખી કબરની તમામ વસ્તુઓને એક સાથે પ્રદર્શિત કરવાનો વિચાર મને આવ્યો. એટલે કે, આમાંથી એક પણ વસ્તુ સંગ્રહમાં રાખવામાં નહીં આવે અને બીજી કોઈ જગ્યાએ કે બીજા કોઈ સંગ્રહાલયમાં પણ મોકલવામાં નહીં આવે. આ રીતે લોકોને આખી કબરનો એવો અનુભવ મળી શકે, જેવો અનુભવ આજથી 100 વર્ષ પહેલાં હોવર્ડ કાર્ટરને થયો હતો.”

તુતનખામુનનો સોનાનો મુખવટો સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે, પરંતુ તેનું મમી હજુ પણ ‘વેલી ઑફ ધ કિંગ્સ’માં છે. કાર્ટર અને તેમની ટીમે ત્યાં આશ્ચર્યચકિત થઈને “તાજેતરમાં માણસો આવ્યા હોવાની અનેક નિશાનીઓ” જોઈ હતી.

બીબીસી રેડિયો પરના પોતાના કાર્યક્રમમાં કાર્ટરે સરકોફેગસના સોનાના બહારના ઢાંકણ પર મૂકેલા ફૂલોના એક નાના ગજરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, કદાચ આ “યુવાન રાણીએ પોતાના પતિને અંતિમ વિદાય આપવા માટે ધરાવેલી ભેટ” હતી.

“એટલા બધા રાજવી વૈભવની વચ્ચે એ થોડાં કરમાઈ ગયેલાં ફૂલો કરતાં વધુ સુંદર બીજું કંઈ નહોતું. એ ફૂલોએ અમને સમજાવ્યું કે 3,300 વર્ષનો સમય પણ ખરેખર બહુ લાંબો નથી,” તેમણે ઉમેર્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS