Home તાજા સમાચાર gujrati જાડી સાથળને ઉંમર સાથે લેવાદેવા છે, નવું સંશોધન શું કહે છે?

જાડી સાથળને ઉંમર સાથે લેવાદેવા છે, નવું સંશોધન શું કહે છે?

5
0

Source : BBC NEWS

વિશેષજ્ઞોના કહેવા અનુસાર મોટી સાથળોનો સંબંધ લાંબા આયુષ્ય સાથે છે અને તેનું મુખ્ય કારણ તેનું અનોખું બંધારણ છે

ઇમેજ સ્રોત, Getty Images

“કાશ! મારી સાથળ આટલી મોટી ન હોત.”

બ્રિટનનાં દોડવીર તાશા થોમ્પસન પોતાની સાથળ બાબતે જ્યારે પણ વિચારતાં ત્યારે તેમના મનમાં આવો વિચાર આવી જતો હતો.

કેટલાય દેશોમાં સૌંદર્યના માપદંડ તરીકે પાતળા પગ આદર્શ મનાતા રહ્યા છે.

બીબીસી વર્લ્ડ સર્વિસને થોમ્પસને જણાવ્યું, ‘આ અપેક્ષા તમે પરિપૂર્ણ ન કરો તો તમને એમ જ લાગે કે તમે કોઈક રીતે નિષ્ફળ થઈ ગયા છો.”

પણ હવે મોટી સંખ્યામાં થઈ રહેલાં સંશોધનોએ સૂચવ્યું છે કે મોટી સાથળની ટીકા કદાચ ખોટી રીતે કરાતી રહી છે અને તેનો સંબંધ લાંબા આયુષ્ય સાથે હોઈ શકે છે.

25,000 લોકો પર કરાયેલા એક મેટા અભ્યાસમાં જાણવા મળ્યું કે સાથળના પરિઘમાં પ્રત્યેક 5 સેન્‍ટિમીટરનો વધારો ગમે તે રીતે મૃત્યુના જોખમને 18 ટકા સુધી ઘટાડી શકે છે.

પણ એનો અર્થ એવો થાય કે આપણે આપણી સાથળનો આકાર વધારવાના પ્રયત્નો કરવા જોઈએ?

મોટી સાથળ હોવાના ફાયદા શું છે?

જાંઘોને ઉંમર સાથે લેવાદેવા છે, શું કહે છે નવિન સંશોધન? મોટી જાંઘના ફાયદા શું હોય, મોટી સાથળના ફાયદા શું હોય, હેલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Delene Adams

વિશેષજ્ઞોનું માનવું છે કે 2020ના આ મેટા-વિશ્લેષણમાં સમાવિષ્ટ લોકોનું આયુષ્ય લાંબું હોવાનું એક કારણ કદાચ એ હતું કે તેમના પગની માંસપેશીઓ મોટી હતી. આ કારણે તેમની સાથળ પણ સુડોળ હતી.

બ્રિટનની કિંગ્સ કૉલેજ, લંડન (કેસીએલ)નાં પ્રાધ્યાપિકા ક્લેયર સ્ટીવ્સના જણાવ્યા અનુસાર, “એ બાબતના ઘણા મજબૂત પુરાવા છે કે સાથળમાં રહેલી ત્રણ પેશીઓ પૈકીની એક, માંસપેશી, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલી છે.”

શરીરમાં માંસપેશીઓ વધુ હોવાથી બ્લડ શુગરના પ્રમાણને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બને છે. તેનાથી ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય જૂના રોગનું જોખમ ઘટી શકે છે.

બ્રિટીશ મેડિકલ જર્નલમાં 2009માં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું કે નાની સાથળ, પુરુષ અને સ્ત્રીઓ, બન્નેમાં હૃદયરોગ તેમજ મૃત્યુના વધતા જોખમ સાથે સંકળાયેલી છે.

મજબૂત સાથળ શરીરમાં નબળાઈને અટકાવવામાં પણ મદદરૂપ બની શકે છે.

ડૉક્ટર સ્ટીવ્સ ગાય્સ ઍન્ડ સૅન્ટ થૉમસ હૉસ્પિટલમાં સલાહકાર પણ છે. તેઓ જણાવે છે: “ઘડપણમાં રોજિંદું કામ કરવા માટે ક્વાડ્રિસેપ્સની માંસપેશીઓ ખૂબ જરૂરી છે. તેની મદદથી જ ખુરશીમાંથી ઊભા થઈને હરીફરી શકાય છે.”

ઘડપણમાં આપણું મગજ કેટલી બહેતર રીતે કામ કરે છે તેનો સીધો સંબંધ આપણાં પગની શક્તિ સાથે જોડાયેલો છે.

300થી વધુ જોડિયાં બાળકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે પણ જોડિયાં બાળકોના પગ આ અભ્યાસના આરંભે વધુ મજબૂત હતા, એમની વિચારવાની- સમજવાની ક્ષમતા અને માથાની સંરચના દસ વર્ષ પછી બહેતર હતી.

આમ શાથી થાય છે? વિજ્ઞાનીઓનું માનવું છે કે સક્રિય માંસપેશીઓ એવાં રસાયણ બનાવે છે કે જે વધતી જતી વયે થતા સોજાને ઘટાડી શકે છે અને માથાના નેટવર્કનું રક્ષણ કરીને મગજને સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.

અભ્યાસ કરનારાં ડૉ. સ્ટીવ્સે વધુમાં જણાવ્યું, “શારીરિક ગતિવિધિની ઘેરી અસર આપણા રોગપ્રતિકારક તંત્ર પર પણ થાય છે.”

કેસીએલના એક અભ્યાસમાં અતિશય સક્રિય હોય એવા વયસ્ક સાઇકલચાલકોનો સમાવેશ કરવામાં આવેલો. એમાં જાણવા મળ્યું કે તેમનું રોગપ્રતિકારક તંત્ર યુવાનો જેવું હતું. અમુક કિસ્સામાં તો તે 20 વર્ષની વયના લોકો જેવું હતું.

સાથળને કેવી રીતે રીતે મજબૂત બનાવી શકાય?

જાંઘોને ઉંમર સાથે લેવાદેવા છે, શું કહે છે નવિન સંશોધન? મોટી જાંઘના ફાયદા શું હોય, મોટી સાથળના ફાયદા શું હોય, હેલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ella Cuchet

ફીટનેસ કોચ એલિઝાબેથ ડેવિસ પણ માને છે કે લોકોએ પોતાની સાથળનો આકાર બદલવાને બદલે તેની માંસપેશીઓને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ.

‘ટ્રેનિંગ ફોર યોર ઑલ્ડ લેડી બૉડી’નાં લેખિકા ડેવિસ કહે છે, “તમે વરસોથી એમ ઇચ્છતા હો કે તમારી સાથળ નાની, મોટી કે અલગ દેખાય, તો હવે એ વિચારને ત્યજી દેવાનો સમય આવી ગયો છે. આવો, હવે એ બાબત પર ધ્યાન આપીએ કે તમારી સાથળ શું કરી શકે છે.”

તેઓ એ વાત પર ભાર મૂકે છે કે સાથળ ભલે નાની હોય કે મોટી, એ મજબૂત હોઈ શકે છે.

આકારને બદલે મજબૂતી પર ધ્યાન આપવાના આ વિચારને વિજ્ઞાનનું પણ સમર્થન છે. 2006માં 70 વર્ષથી વધુ વયના લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું કે પગની નબળી માંસપેશીઓ નાની માંસપેશીઓની સરખામણીએ વધુ જોખમી સાબિત થઈ શકે છે.

ડેવિસનું કહેવું છે કે સાથળની શક્તિને તમે વધારવા ઇચ્છતા હો તો રેઝિસ્ટન્‍સ ટ્રેનિંગ સૌથી સારો ઉપાય છે. વજન ઉઠાવવાથી હાડકાંની ઘનતા ઉત્તમ બને છે અને ઓસ્ટિયોપોરોસિસથી બચવામાં મદદ મળે છે. એ એવી સ્થિતિ છે કે જેમાં હાડકાં નબળાં અને નાજુક થઈ જાય છે અને તેના તૂટવાનું જોખમ વધી જાય છે.

ડેવિસનું સૂચન છે કે શરૂઆતમાં અઠવાડિયે બે કે ત્રણ વાર પગની કસરત કરવી ઉત્તમ રહેશે.

વધુમાં તેઓ જણાવે છે, “સૌથી અગત્યની વાત એ છે કે તમે તમારી વર્તમાન ક્ષમતાને જાણો અને પછી ધીમે ધીમે પડકારને વધારતા જાવ.”

વજન ઉઠાવવું કદાચ તમારી પસંદગીની કસરત ન હોય, પણ ડેવિસ પોતાના ક્લાયન્‍ટોને આ જ બાબત તેમના નિત્યક્રમનો જરૂરી હિસ્સો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેઓ કહે છે, “મને દાંતમાં ફ્લોસ કરવું પસંદ નથી, પણ એટલા માટે હું એ કરું છું કે મને ખબર છે કે તેનાથી મારા મોંની સફાઈ અને સ્વાસ્થ્ય સારાં રહે છે.”

ડેવિસ આવી નાની નાની બાબતો પર ધ્યાન આપવા માટે જણાવે છે, “એનાથી આપણને સ્ટ્રેન્‍થ ટ્રેનિંગનો આનંદ લેવામાં મદદ મળે છે, કેમ કે, તેનાથી થનારા નક્કર લાભ આપણને અનુભવાય છે.”

તેઓ કહે છે, “હું ઘણી વાર લોકોને એમ કહેતાં સાંભળતી હોઉં છું, ‘હું મારા પૌત્રને ઊંચકીને 100 મીટર લઈ ગયો અને મને એ બહુ સહેલું લાગ્યું. ખાતરને ઢસડીને હું કાર સુધી લઈ ગયો અને પછી સાવ સહેલાઈથી તેને કારની ડીકીમાં ગોઠવી દીધું.”

સાથળની ચરબીનો કશો લાભ થાય છે ખરો?

સાથળની ચરબી શરીરના અન્ય ભાગમાં રહેલી ચરબી જેટલી નુકસાનકારક નથી હોતી. ખાસ કરીને પેટની આસપાસ જામેલી ચરબીની સરખામણીએ તે ઓછી નુકસાનકારક મનાય છે. સ્ટીવ્સના જણાવ્યા મુજબ, પેટની આસપાસની ચરબી વિશેષ સમસ્યાઓ પેદા કરી શકે છે.

અંગોની આસપાસ જામેલી ચરબીને વિસેરલ ફેટ કહેવાય છે. તેનાથી ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદયરોગ અને મેટાબોલિક ડિસ્ફન્‍કશન સાથે સંબંધિત સ્ટીટોહેપેટાઇટિસ (એમ.એ.એસ.એચ.)નું જોખમ વધી શકે છે. એનાથી લિવર ફેઇલ્યોર અને કૅન્‍સરનું જોખમ પણ વધી શકે છે.

વિવિધ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે શરીરના નીચેના ભાગમાં જામેલી ચરબી એક રીતે સુરક્ષા પણ આપી શકે છે. એટલા માટે કે આ ભાગોના ફેટ સેલ્‍સ નુકસાનકારક ફેટી ઍસિડને પોતાની અંદર રોકી લે છે.

આનો અર્થ એ કે શરીરની ચરબી ઘટાડવાથી એલ.ડી.એલ., જેને ‘ખરાબ’ કોલેસ્ટ્રૉલ કહેવામાં આવે છે એ ઘટી શકે છે. એ જ રીતે ‘સારો’ કોલેસ્ટ્રૉલ ગણાતો એચ.ડી.એલ. વધી શકે છે અને બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થઈ શકે છે.

ચરબીનું વધુ એક કામ પણ છે. બીમારી દરમિયાન તે ઊર્જાના આપાતકાલીન ભંડારની જેમ શરીર માટે કામ કરી શકે છે. આ બાબત ખાસ કરીને વૃદ્ધ લોકો માટે મદદરૂપ બની શકે છે.

સાથળમાં રહેલી બીજી મુખ્ય પેશી છે હાડકું. વયના વધવાની સાથે સાર્કોપેનિયા નામની સ્થિતિને કારણે આપણે માંસપેશીઓનું દ્રવ્યમાન અને એની શક્તિને આપણે ગુમાવી શકીએ છીએ.

સાર્કોપેનિયા ઓસ્ટિયોપોરોસિસને વધારી શકે છે. તેનાથી હાડકાં નબળાં અને નાજુક બની જાય છે. આથી વધતી વય સાથે હાડકાં મજબૂત હોવાં પણ લાભદાયી છે. સ્ટીવ્સના જણાવ્યા અનુસાર, રેઝિસ્ટન્‍સ ટ્રેનિંગથી હાડકાં મજબૂત બનવામાં મદદ મળી શકે છે.

પોતાની શક્તિની ઉજવણી કરો

જાંઘોને ઉંમર સાથે લેવાદેવા છે, શું કહે છે નવિન સંશોધન? મોટી જાંઘના ફાયદા શું હોય, મોટી સાથળના ફાયદા શું હોય, હેલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty

બ્લેક ગર્લ્સ ડૂ રન યુકેનાં સંસ્થાપક થોમ્પસન કહે છે, “સાથળને જાડી કે મોટી કહેવાને બદલે એને હું શક્તિશાળી કહું છું.”

તેઓ અલ્ટ્રા મૅરેથૉન અને ટ્રાયથલૉનમાં ભાગ લઈ ચૂક્યાં છે.

વધુમાં તેઓ કહે છે, “આપણે સૌ અલગ-અલગ આકાર અને રૂપ ધરાવીએ છીએ. ખરેખરું મહત્ત્વ એ તમારું શરીર શું કરી શકે છે, ન કે તે કેવું દેખાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS