Home તાજા સમાચાર gujrati તમે વજન ઘટાડવા માગો છો કે શરીરની ચરબી, શું રોટલી-ભાત ખાઈને પણ...

તમે વજન ઘટાડવા માગો છો કે શરીરની ચરબી, શું રોટલી-ભાત ખાઈને પણ આવું કરી શકાય?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

વાંચવાનો સમય: 9 મિનિટ

વજન ઘટાડવાનો પ્રયાસ શરૂ થતાં જ સલાહોનો ઢગલો થઈ જાય છે. કોઈ રોટલી અને ભાત છોડી દેવાનું કહે છે, તો કોઈ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાની સલાહ આપે છે.

કેટલાક લોકો ભૂખ્યા રહેવાને અથવા માત્ર પ્રવાહી પદાર્થો લેવાને વજન ઘટાડવાનો સૌથી ઝડપી ઉપાય ગણાવે છે.

પરંતુ ફિટ રહેવા માટે મનપસંદ ખોરાક છોડવો અને સતત ભૂખ્યા રહેવું જરૂરી છે? શું વજન ઘટવું અને શરીરની ચરબી ઘટવી બંને એક જ વાત છે? અને જો બંને અલગ હોય, તો શરીરમાંથી ખરેખર ચરબી ઘટી રહી છે કે માત્ર સ્નાયુઓ અને પાણીનું વજન ઘટી રહ્યું છે, એ કેવી રીતે જાણી શકાય?

આ સવાલોના જવાબ જાણવા માટે બીબીસી હિન્દીના સંપાદક નીતિન શ્રીવાસ્તવે મેડિકલ ડૉક્ટર અને આહાર નિષ્ણાત ડૉક્ટર શિખા શર્મા સાથે વાતચીત કરી.

વજન ઘટાડવું અને ચરબી ઘટાડવી એમાં શો તફાવત છે?

ડૉક્ટર શિખા શર્મા કહે છે કે વજન ઘટાડવા અને ચરબી ઘટાડવા વચ્ચે “જમીન-આસમાનનો તફાવત” છે.

આ સમજાવવા માટે તેઓ બે અલગ-અલગ ચિત્રોની કલ્પના કરવાનું કહે છે. પહેલા ચિત્રમાં એવી વ્યક્તિ છે, જેનું વજન તો ઘટી ગયું છે, પરંતુ તેના સ્નાયુઓ નબળા છે, ચહેરા પર ચમક નથી અને તે બીમાર દેખાય છે.

બીજા ચિત્રમાં એવી વ્યક્તિ છે, જેના ચહેરા પર ચમક છે, સ્નાયુઓ મજબૂત છે અને તેના ઊઠવા-બેસવાની રીત પરથી શરીરની તાકાત જણાઈ આવે છે. આ વ્યક્તિ માત્ર પાતળી જ નહીં, પણ તંદુરસ્ત અને ફિટ દેખાય છે.

તેમના મતે, લોકો સામાન્ય રીતે કહે છે કે તેમને પોતાનું વજન ઘટાડવું છે. ત્યાર પછી તેઓ એવા રસ્તા અપનાવે છે, જેનાથી શરીરનું કુલ વજન ઘટે, પરંતુ ખરેખર તો તેઓ શરીરની વધારાની ચરબી ઘટાડીને ફિટ દેખાવા માગતા હોય છે.

તેઓ કહે છે, “તમારે ચરબી ઘટાડવી હોય, તો માત્ર વજન ઘટાડવા પર નહીં, ચરબી ઘટાડવા પર ધ્યાન આપો.”

કોઈ વ્યક્તિ વજનકાંટા પર ઊભી રહે, ત્યારે વજનકાંટો માત્ર ચરબીનું વજન માપતો નથી. તેમાં હાડકાં, શરીરમાં રહેલું પાણી, આંતરિક અવયવો અને સ્નાયુઓનું વજન પણ સામેલ હોય છે.

ડૉક્ટર શર્મા ચરબીની સરખામણી રૂ સાથે કરે છે. તેમના મતે, ચરબીનું વજન ઓછું હોય છે, પરંતુ તે શરીરમાં વધુ જગ્યા રોકે છે. તેથી શરીરની ચરબી કેટલી ઘટી છે તે જાણવા માટે તેઓ વજનકાંટાને બદલે ઇંચટેપ વાપરવાની સલાહ આપે છે.

આ જ કારણ છે કે ઘણી વાર વ્યક્તિનું વજન પહેલાં જેટલું જ રહે છે, પરંતુ તેનાં કપડાં ઢીલાં થવા લાગે છે. ડૉક્ટર શર્માના મતે, આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તેના શરીરની ચરબી ઘટી રહી છે.

તેઓ કહે છે, “લોકોને ઘટાડવી હોય છે, પરંતુ તેઓ વજન ઘટાડે છે.”

શું કૅલરી ઘટાડવી એ જ ઉપાય છે?

વજન ઘટાડવાની વાત આવે ત્યારે કૅલરીની ગણતરીની ચર્ચા અચૂક થાય છે. મોબાઇલ ઍપ જણાવે છે કે ખોરાકમાંથી કેટલી કૅલરી મળી અને ચાલવાથી કે કસરત કરવાથી કેટલી કૅલરી ખર્ચાઈ.

પરંતુ કૅલરી પર આટલું ધ્યાન આપવાની વાત સાથે ડૉ. શિખા શર્મા ખાસ સહમત નથી. તેમનું કહેવું છે કે માત્ર ખોરાકનું પ્રમાણ અને કૅલરી ઘટાડવાથી શરીરની ચરબીની સાથે સ્નાયુઓ પણ ઘટી શકે છે. પરિણામે વ્યક્તિ નબળી દેખાઈ શકે છે અને તેને નબળાઈનો અનુભવ પણ થઈ શકે છે.

તેઓ કૅલરીના ખ્યાલના ઇતિહાસને સ્ટીમ (વરાળથી ચાલતા) એન્જિન સાથે સાંકળે છે. તેમના મતે, એન્જિનના શરૂઆતના સમયમાં કોલસો બાળવાથી કેટલી ઊર્જા મળે છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ખોરાક અને માનવશરીરને પણ આ જ રીતે સમજવાનો પ્રયાસ થયો.

ડૉક્ટર શર્માની દલીલ છે કે સ્ટીમ એન્જિનમાં બળતણના દહનની પ્રક્રિયા અને માનવ શરીરમાં ખોરાકનું ઊર્જામાં રૂપાંતર થવાની પ્રક્રિયા એકસરખી નથી. શરીરમાં ખોરાકનું રૂપાંતર થવાની પ્રક્રિયાને મેટાબોલિઝમ કહેવામાં આવે છે, જ્યારે એન્જિનમાં બળતણના દહનની પ્રક્રિયા અલગ છે.

તેઓ એક ઉદાહરણ આપે છે. કોઈ વ્યક્તિને નક્કી કરેલી કેલરીની મર્યાદામાં માત્ર આઇસક્રીમ અથવા હૉટ ચોકલેટ ફજ આપવામાં આવે, તો માત્ર કૅલરી ઘટાડવાથી શરીરની ચરબી તંદુરસ્ત રીતે ઘટાડી શકાતી નથી.

તેમના મતે, લાંબા ગાળે સફળ પરિણામ મેળવવા માટે ખોરાકના પ્રમાણની સાથે તેની ગુણવત્તા અને શરીરની જરૂરિયાતોને સમજવી પણ જરૂરી છે.

શું શરીરમાં જમા થતી દરેક પ્રકારની ચરબી એકસરખી હોય છે?

શરીરની ચરબીને સમજાવતાં ડૉ. શિખા શર્મા ત્વચાની નીચે જમા થતી ચરબી અને શરીરના આંતરિક અવયવોની આસપાસ જમા થતી ચરબી વચ્ચેનો તફાવત સમજાવે છે. બીજા પ્રકારની ચરબીને વિસેરલ ફૅટ કહેવામાં આવે છે.

ત્વચાની નીચે જમા થતી ચરબીને કારણે ચહેરો અને શરીર ભરાવદાર દેખાઈ શકે છે. બીજી તરફ, વિસેરલ ફૅટ શરીરના અંદરના અવયવોની આસપાસ જમા થાય છે. આથી કોઈ વ્યક્તિના હાથ-પગ પાતળા હોય, પરંતુ પેટ બહાર નીકળેલું દેખાય એવું બની શકે છે.

ડૉ. શર્માના મતે, પેટની આસપાસ જમા થતી આ આંતરિક ચરબી સ્વાસ્થ્ય માટે વધુ જોખમી છે. તેઓ તેને હૃદયરોગ, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રૉલનું પ્રમાણ વધવા જેવી સમસ્યાઓ સાથે સાંકળે છે.

તેમના કહેવા મુજબ, શરીરમાં કયા ભાગે ચરબી જમા થશે, એમાં વ્યક્તિનો શારીરિક બાંધો અને ડીએનએની ભૂમિકા હોઈ શકે છે. આ ઉપરાંત, તેઓ આંતરડાંનું સ્વાસ્થ્ય, યકૃત અને હોર્મોન્સને પણ મહત્ત્વનાં ગણે છે.

સ્ત્રીઓમાં સમય જતાં હોર્મોન્સમાં ફેરફાર થતા રહે છે. જ્યારે પુરુષોમાં સ્નાયુઓનું પ્રમાણ ઘટવાની સાથે હોર્મોન્સ અને શરીરમાં ચરબી જમા થવાની રીતમાં પણ ફેરફાર થઈ શકે છે.

વાતચીત દરમિયાન નીતિન શ્રીવાસ્તવે નૅશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા ટાંકીને જણાવ્યું કે લગભગ 30 ટકા સ્ત્રીઓ અને 27 ટકા પુરુષોમાં વધુ વજનની સમસ્યા નોંધાઈ છે.

ડૉ. શર્મા આ સ્થિતિને ગંભીર માને છે. તેમના કહેવા મુજબ, જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો ડાયાબિટીસ, હૃદયરોગ અને કિડનીને લગતી બીમારીઓનું પ્રમાણ વધી શકે છે.

તેઓ ખેતીમાં વપરાતાં રસાયણો, જંતુનાશકો, રિફાઇન્ડ તેલ અને લાંબા સમય સુધી સાચવી શકાય એ રીતે તૈયાર કરવામાં આવતા પ્રોસેસ્ડ ખોરાકને પણ આ સમસ્યા વધવાનાં કારણોમાં ગણે છે.

તેમણે પૅકેટમાં મળતી ફ્રેન્ચ ફ્રાઇઝ, સલામી, સોસેજ, કોલ્ડ ડ્રિન્ક અને એનાલૉગ પનીરનાં ઉદાહરણ આપ્યાં. તેમના કહેવા મુજબ, વ્યક્તિ કેટલું ખાય છે એટલું જ જોવું પૂરતું નથી. તે કેવો ખોરાક ખાય છે, એ જોવું પણ જરૂરી છે.

શું ચરબી ઘટાડવા માટે રોટલી અને ભાત છોડી દેવાં પડશે?

બીબીસી ગુજરાતી

વજન ઘટાડવા માગતા લોકોને આ સવાલ ઘણી વાર થાય છે. રોટલી અને ભાત છોડી દેવાની સલાહ એટલી બધી વાર આપવામાં આવે છે કે ઘણા લોકોને એમ લાગે છે કે ઘણા લોકોને તો એવું જ લાગે છે કે રોટલી અને ભાત ખાવાનું બંધ કરીએ તો જ ચરબી ઘટે.

પરંતુ ડૉ. શર્માનો સીધો જવાબ છે, “રોટલી-ભાત છોડશો નહીં, તેના બદલે તેમાં ફેરફાર કરો.”

તેઓ કહે છે કે રોટલી બનાવવા માટે એવો લોટ વાપરવો જોઈએ જેમાં થૂલુ (દાણાનું બહારનું પડ) હોય. ઘઉંના લોટમાં જવ, બાજરી અથવા ચણાનો લોટ ભેળવી શકાય. તેમના મતે, આમ કરવાથી રોટલીમાં પ્રોટીન અને પોષકતત્ત્વોનું પ્રમાણ વધી શકે છે.

તેમનું કહેવું છે કે ઘઉં ખાધા પછી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી શકે છે. તેથી રોટલી સાવ બંધ કરી દેવાને બદલે તેના લોટમાં ફેરફાર કરી શકાય.

ભાત બાબતે તેઓ પૉલિશ કરેલા ચોખાને બદલે ઓછા પૉલિશ કરેલા અથવા પૉલિશ ન કરેલા જૂના ચોખા વાપરવાની સલાહ આપે છે. તેમના કહેવા મુજબ, આયુર્વેદમાં નવા ચોખા કરતાં જૂના ચોખાને વધુ સારા ગણવામાં આવ્યા છે.

તેઓ માને છે કે નવા ચોખાથી શરીરમાં પાણી અને ગૅસનું પ્રમાણ વધી શકે છે, જ્યારે જૂના ચોખાનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે.

આ વાત સમજાવવા તેઓ કાચી કેરી અને પાકી કેરીનું ઉદાહરણ આપે છે. જેમ કાચી અને પાકી કેરીના ગુણધર્મો અલગ હોય છે, તેમ સમય જતાં ચોખામાં પણ ફેરફાર થાય છે.

ખાવાનો યોગ્ય સમય કયો?

બીબીસી ગુજરાતી

“સવારનો નાસ્તો રાજાની જેમ, બપોરનું ભોજન રાણીની જેમ અને રાતનું ભોજન ગરીબની જેમ”—ડૉ. શર્મા આ જૂની કહેવતને યોગ્ય માને છે.

તેમના કહેવા મુજબ, શરીરની પાચનશક્તિ સવારે સક્રિય થવા લાગે છે, બપોરની આસપાસ તેની ક્ષમતા સૌથી વધુ હોય છે અને સૂર્ય આથમવા લાગે તેમ ધીમે ધીમે ઘટતી જાય છે.

તેઓ સવારે ઊઠીને પહેલાં કંઈક હળવું લેવાની અને ત્યાર પછી નાસ્તો કરવાની સલાહ આપે છે. બપોરનું ભોજન 12થી 1 વાગ્યાની વચ્ચે લેવું જોઈએ. સાંજે ભૂખ લાગે તો મગફળી અથવા શેકેલા ચણા ખાઈ શકાય. રાત્રિભોજન સાંજે સાત વાગ્યા સુધીમાં લઈ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેમના કહેવા મુજબ, મોડું થઈ જાય તો રાત્રે ભારે ભોજન કરવાને બદલે હળવો ખોરાક લેવો વધુ સારો. જોકે, સાંજે સાત કે આઠ વાગ્યા પછી કંઈ પણ ખાવાનું સાવ બંધ કરી દેવું જરૂરી નથી. આ સમયે એવો ભારે ખોરાક ન લેવો જોઈએ, જેને પચાવવા માટે શરીર પર વધુ બોજ પડે.

ડૉ. શર્મા કહે છે કે આજે ઘણા લોકો સવારે બરાબર ખાતા નથી. તેઓ બિસ્કિટ જેવા પ્રોસેસ્ડ અને રિફાઇન્ડ ખાદ્ય પદાર્થો ખાતા રહે છે. બપોરનું ભોજન બે કે ત્રણ વાગ્યે અને રાત્રિભોજન રાત્રે 11 વાગ્યે લે છે. તેમના મતે, આ રીત શરીરના સ્વાભાવિક લયથી વિરુદ્ધ છે.

દિવસભરના ખોરાકમાં શું લઈ શકાય?

ડૉ. શર્મા એમ પણ કહે છે કે દરેક વ્યક્તિનો શારીરિક બાંધો અલગ હોય છે. એક વ્યક્તિ માટે જે ખોરાક યોગ્ય હોય એવો જ ખોરાક બીજા માટે પણ યોગ્ય હોય એ જરૂરી નથી.

તેમ છતાં, તેઓ દિવસની શરૂઆત હર્બલ પીણાથી કરવાની સલાહ આપે છે. તેમાં તુલસી, આદુ, તજ, એલચી અને વરિયાળીનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી ચા કે કૉફી પી શકાય.

તેઓ સવારે ફળ ખાવાની અને દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક ફળ લેવાની સલાહ આપે છે. નાસ્તામાં ઘણી બધી વાનગીઓ રાખવાને બદલે બે વાનગીઓ પૂરતા પ્રમાણમાં ખાવાનું તેઓ સૂચવે છે.

નાસ્તામાં મગફળીવાળા પૌઆ, ચણાના લોટનો કે મગની દાળનો પૂડો, શાકભાજી ભરેલાં પરાઠાં, ઇડલી, રાગીની ઇડલી, ઢોકળાં અથવા બાફેલા ચણા લઈ શકાય.

બપોરના ભોજનમાં મલ્ટિગ્રેઇન રોટલી, લીલાં પાંદડાંવાળું એક શાક અને બીજું એક શાક લઈ શકાય. દાળના પાણીથી લોટ બાંધવાનો વિકલ્પ પણ તેમણે સૂચવ્યો છે.

સાંજે શેકેલા ચણા અથવા મગફળી ખાઈ શકાય. રાત્રિભોજનની શરૂઆત સૂપથી કરવાની સલાહ આપતાં તેઓ કહે છે કે આમ કરવાથી ખૂબ ભૂખ લાગી હોય ત્યારે જરૂર કરતાં વધારે ખાઈ લેવાનું ટાળી શકાય છે.

તેઓ કાકડી, ટામેટાં જેવી કાચી વસ્તુઓ ખાવા પર પણ ભાર મૂકે છે. આ ઉપરાંત, સફરજન, બીટ અને ગાજરની સ્મૂધીનું ઉદાહરણ આપીને તેઓ કહે છે કે તે હૃદય, આંતરડાં અને યકૃતના સ્વાસ્થ્ય માટે સારી હોઈ શકે છે.

આહાર મહત્ત્વનો કે કસરત?

બીબીસી ગુજરાતી

ડૉ. શર્મા વારંવાર સ્પષ્ટ કરે છે કે વાત માત્ર વજન ઘટાડવાની નહીં, પણ શરીરની ચરબી ઘટાડવાની છે.

તેમના મતે, શરૂઆતમાં ખાવા-પીવામાં ફેરફાર કરવાથી ચરબીના ઘટાડામાં ઝડપથી ફરક જોવા મળી શકે છે. પરંતુ આને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે કસરત જરૂરી છે.

તેઓ કહે છે કે કસરતથી સ્નાયુઓ મજબૂત બને છે અને શરીરનું મેટાબોલિઝમ સુસ્ત હોય સ્થિતિમાંથી સક્રિય બને છે. માત્ર કસરત કરીને સમોસા-કચોરી ખાતા રહેવું અથવા માત્ર ખોરાકમાં ફેરફાર કરીને કોઈ શારીરિક પ્રવૃત્તિ વિના તંદુરસ્ત રહેવાની આશા રાખવી-બંને વાત ખોટી છે.

દિવસમાં દસ હજાર ડગલાં ચાલવા વિશે તેઓ કહે છે કે ચાલવું એ શરીરની સૌથી સામાન્ય શારીરિક પ્રવૃત્તિઓમાંની એક છે. આ લક્ષ્ય સહેલું છે અને મોટા ભાગના લોકો માટે નુકસાનકારક પણ નથી. તેઓ જિમ, ઍરોબિક્સ કે યોગ કરવાની ના પાડતાં નથી, પરંતુ તેમનું કહેવું છે કે કોઈ વ્યક્તિ આમાંથી કંઈ ન કરી શકતી હોય, તો તેણે ઓછામાં ઓછાં દસ હજાર ડગલાં ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઝડપથી વજન ઘટાડવું કેટલું યોગ્ય?

બીબીસી ગુજરાતી

ડૉ. શર્મા માને છે કે વજનમાં ધીમે ધીમે અને સતત થતો ઘટાડો વધુ સારો છે. તેમના મતે, ઝડપથી વજન ઘટાડવામાં આવે તો સૌથી પહેલાં સ્નાયુઓ ઘટી શકે છે, અને તેમને ફરીથી વિકસાવવા સહેલા નથી.

તેઓ કહે છે કે ઝડપથી વજન ઘટાડનારા કેટલાક લોકોમાં તેમણે કિડની અથવા પિત્તાશયમાં પથરીની સમસ્યા જોઈ છે.

તેમના મતે, નાની ઉંમરે શરીર એક વાર ઝડપથી થતા ફેરફારને સહન કરી શકે છે, પરંતુ આવું વારંવાર કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. એટલે તેઓ ખોરાકની ગુણવત્તા સુધારવાની, યોગ્ય ખોરાક પસંદ કરવાની અને શારીરિક પ્રવૃત્તિ વધારવાની સલાહ આપે છે. તેમના મતે, આ રીત વધતી ઉંમર સુધી શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને સપ્તાહના અંતે ખૂબ વધારે ખાવું

ડૉ. શર્મા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને વજન ઘટાડવાનો ‘ચોક્કસ ઉપાય’ માનવા સાથે સહમત નથી.

તેમનું કહેવું છે કે લોકો 16 કલાક ભૂખ્યા રહ્યા પછી કૉફી, કડક ચા, તળેલો ખોરાક, રિફાઇન્ડ ખાદ્ય પદાર્થો અથવા સેન્ડવિચ ખાઈને ઉપવાસ તોડે છે. આમ કરવાથી પહેલાં શરીરને ભૂખ્યું રાખીને પછી જંક ફૂડ આપવાથી શરીરને આંચકો લાગે છે.

તેઓ કહે છે કે જુદી જુદી સંસ્કૃતિઓમાં ઉપવાસ હળવી વસ્તુઓ ખાઈને છોડવામાં આવે છે. તેમાં ખજૂર, નાળિયેર પાણી, લીંબુ પાણી અથવા ફળોનો સમાવેશ થઈ શકે છે.

તેમના મતે, ખોટી રીતે કરવામાં આવતા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી સ્નાયુઓ ઘટી શકે છે. તેનાં પરિણામો થોડા સમય પૂરતાં જ જોવા મળે અને પછી નિરાશા થઈ શકે છે.

અઠવાડિયાના પાંચ દિવસ ખૂબ કડક ડાયટ પાળવું અને પછી સપ્તાહના અંતે ખૂબ વધારે ખાવા વિશે પણ તેઓ આમ જ કહે છે. લગ્નપ્રસંગ કે તહેવારમાં ક્યારેક થોડું વધારે ખાઈ લેવા બાબતે તેમને વાંધો નથી. પરંતુ દર અઠવાડિયે આવું કરવું એટલે શરીરને વારંવાર આંચકો આપવો.

તેમના મતે, શરીર સાથે આટલા બે અંતિમના પ્રયોગો કરવાને બદલે સંતુલન જાળવવું જોઈએ.

ચરબી ઘટાડવાની શરૂઆત કાલથી જ કરવાની હોય તો શું કરવું?

ડૉ. શર્મા સૌથી પહેલાં ઘરના વાતાવરણમાં ફેરફાર કરવાની વાત કરે છે. તેઓ ફ્રીઝમાં સલાડ અને ફળો રાખવાની તથા ઘરમાંથી ચોકલેટ અને મીઠાઈના ડબ્બા દૂર કરવાની સલાહ આપે છે.

તેમનું કહેવું છે કે લલચામણી વસ્તુઓ સામે જ હશે, તો મન પર કાબૂ રાખવો મુશ્કેલ બનશે. બીજી મહત્ત્વની બાબત છે, શરીરમાં પાણીની ઊણપ ન થવા દેવી. પાણી ઉપરાંત હર્બલ પીણાં, લીંબુ પાણી અથવા નાળિયેર પાણી પી શકાય. તેઓ સાથે પાણીની બૉટલ રાખવાની અને દર કલાકે થોડું પાણી પીતા રહેવાની સલાહ આપે છે.

તેમનું કહેવું છે કે ઘણી વાર શરીરને પાણીની જરૂર હોય છે, પરંતુ વ્યક્તિ તેને ભૂખ સમજીને ચિપ્સ કે ચોકલેટ ખાવા લાગે છે. ત્રીજી વાત, ખાવાને સજા કે તપશ્ચર્યા ન બનાવવી. ગળ્યું ખાવાની ઇચ્છા થાય તો અંજીર, કિસમિસ, કેરી અથવા કુદરતી રીતે ગળ્યાં હોય એવા બીજા વિકલ્પો પસંદ કરી શકાય.

તેઓ કહે છે કે માત્ર બાફેલાં તુરિયાં કે દૂધી જેવો સ્વાદ વગરનો ખોરાક લાંબા સમય સુધી ખાઈ શકાય નહીં. ભોજન સ્વાદિષ્ટ હોવું જોઈએ, પરંતુ સ્વાદિષ્ટ ખોરાક એટલે માત્ર ચોકલેટ અને ચિપ્સ જ નહીં.

ડૉ. શર્માના મતે, ડાયટનો અર્થ ઓછું ખાવું એવો નથી, પરંતુ એક નિર્ધારિત અને વ્યવસ્થિત રીતથી ખાવું એ છે. તેમનો સંદેશ છે, ‘ખાવાને તપશ્ચર્યા ન બનાવો.’

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS