Home તાજા સમાચાર gujrati દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શનમાં રાહુલ ગાંધીની ગેરહાજરી શું સૂચવે...

દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શનમાં રાહુલ ગાંધીની ગેરહાજરી શું સૂચવે છે?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શનમાં રાહુલ ગાંધીની ગેરહાજરી શું સૂચવે છે?

કૉક્રોચ જનતા પાર્ટી (CJP)એ રવિવારે પણ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધપ્રદર્શન યોજવાની હાકલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે આ પ્રદર્શન રવિવારે પણ યથાવત્ છે. જોકે, વિરોધ કરનારાઓને જંતર-મંતર સુધી પહોંચતા રોકવા માટે દિલ્હી પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે.

આમ છતાં, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, સામાન્ય નાગરિકો અને રાજકારણીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. શનિવારે અનેક લોકોને અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા લોકોમાં અભિજીત દીપકે અને નેહા બોરા ઉપરાંત મમતા બેનરજી, વૃંદા કરાત, દીપંકર ભટ્ટાચાર્ય અને અરવિંદ કેજરીવાલ જેવા રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે.

ધ્રુવ રાઠી, અભિજિત દીપકેને છોડી મૂકવામાં આવ્યા છે.

પરંતુ આ બધાની વચ્ચે એક મહત્ત્વની વાત એ છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં નહોતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સેંકડો કિલોમીટર દૂર ચેન્નાઈમાં કૉંગ્રેસના ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. આ પહેલાં તેમણે તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય સાથે મુલાકાત પણ કરી હતી.

શનિવારે સાંજે તેમણે ઍક્સ પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું: “તમામ નેતાઓની ધરપકડ કરો. તમામ યુવાનોની ધરપકડ કરો. અમારી બધાની ધરપકડ કરો. અમે તમને ચારે તરફથી ઘેરી લીધા છે અને પીછેહઠ કરવાના નથી. મારા શબ્દો યાદ રાખજો: અમને જોઈતી માહિતી અમારી પાસે પહેલેથી જ છે.”

જોકે, દિલ્હીમાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

દિલ્હી પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા છતાં આજનું વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે. તેને કારણે જંતર-મંતર સુધી પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. દિલ્હી પોલીસે એક દિવસ અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવી નથી. 10 ઑક્ટોબરે દિલ્હી આવતી અને દિલ્હીથી ઊપડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. મેટ્રોનાં 45 સ્ટેશન બંધ કરવામાં આવ્યાં હતાં. દિલ્હીની સરહદો પર વાહનોની ચકાસણી વધુ સઘન બનાવવામાં આવી હતી અને ઠેરઠેર આડશો ઊભી કરવામાં આવી હતી. અનેક લોકોને તેમના ઘરેથી પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

6થી 8 ઑક્ટોબર દરમિયાન રાહુલ ગાંધી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના અન્ય નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં દિલ્હીના રસ્તાઓ પર દેખાવ કર્યા હતા. તે દરમિયાન તેમને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ સંજોગોમાં, આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની દિલ્હીમાં ગેરહાજરીથી અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.

અનેક લોકોએ તેમની ગેરહાજરી અંગે એક્સ પર ટિપ્પણીઓ કરી હતી.

કન્ટેન્ટ ક્રિએટર અમિત કિલહોરે લખ્યું, “દિલ્હીમાં આટલો તણાવ છે ત્યારે રાહુલ ગાંધી ચેન્નાઈ કેમ ગયા છે?”

પત્રકાર ભૂપેન્દ્ર ચૌબેની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં વલસાડના સાંસદ ધવલ પટેલે કટાક્ષ કરતાં લખ્યું: “નિર્ણાયક દિવસે, વિરોધપ્રદર્શનના તમારા પોસ્ટર બૉય રાહુલ ગાંધી ચેન્નાઈ ભાગી ગયા.”

કૉંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી : કેટલી નિકટતા, કેટલું અંતર?

બીબીસી ગુજરાતી રાહુલ ગાંધી અને સીજેપી એક જ મુદ્દા પર અલગ-અલગ પ્રદર્શનો કરે છે.

કૉંગ્રેસ અને કૉક્રોચ જનતા પાર્ટીના મુદ્દા સરખા છે, પરંતુ સામાન્ય રીતે તેઓ આ મુદ્દાઓને અલગ અલગ રીતે ઉઠાવે છે.

જૂન અને જુલાઈમાં નીટની પરીક્ષાનું પેપર લીક થવાના વિરોધમાં કૉક્રોચ જનતા પાર્ટીએ કરેલાં પ્રદર્શનોમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો નહોતો. એ સમયગાળા દરમિયાન તેમનું ધ્યાન દેશભરમાં નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા આયોજિત ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમો પર કેન્દ્રિત રહ્યું હતું.

“જોકે, 20 જુલાઈએ કૉક્રોચ જનતા પાર્ટીએ કૂચનું આયોજન કર્યું હતું. એ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધીએ 21 જુલાઈએ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણાં કર્યાં હતાં.”

સીજેપી આમ આદમી પાર્ટીની નજીક હોવાનું પણ માનવામાં આવે છે. કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને સહસંયોજક આશુતોષ રાંકા અગાઉ આમ આદમી પાર્ટી સાથે કામ કરી ચૂક્યા છે.

જોકે, વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસે કહ્યું, “મને ખાતરી છે કે એનએસયુઆઈના કાર્યકરો આ આંદોલનને ટેકો આપી રહ્યા છે. આ અંગે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ અત્યારે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કૉક્રોચ જનતા પાર્ટીથી દૂર રહેવાનું જોખમ લઈ શકે નહીં.”

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં રાજકીય વિજ્ઞાનના સહયોગી પ્રાધ્યાપક અજય ગુડાવર્થી કહે છે કે રાહુલ ગાંધી અગાઉ ક્યારેય ‘કોક્રોચ’ આંદોલનનો હિસ્સો રહ્યા નથી. તેમના મતે, રાહુલ ગાંધી દિલ્હીમાં હોત તો પણ બહુ મોટો ફરક પડ્યો ન હોત.

તેમણે કહ્યું, “એમાં કશું રહસ્ય નથી કે કૉંગ્રેસ અને કૉક્રોચ જનતા પાર્ટી ક્યારેય એકસાથે આવ્યાં નથી. બંને સરખા મુદ્દા ઉઠાવે છે, પરંતુ કૉંગ્રેસ માને છે કે કૉક્રોચ જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના મહોરા તરીકે કામ કરે છે.”

વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસ કહે છે કે, કૉક્રોચ જનતા પાર્ટી પણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવા માગતી નથી.

તેઓ કહે છે, “કૉક્રોચ જનતા પાર્ટીને ડર છે કે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાથી તે એવા યુવાનોનો ટેકો ગુમાવી શકે છે, જેઓ ભાજપને ટેકો આપે છે, પરંતુ અત્યારે ભાજપથી નારાજ છે. આ યુવાનો કૉક્રોચ જનતા પાર્ટીને ટેકો આપી શકે છે, પરંતુ કૉંગ્રેસને નહીં.”

‘રાહુલ ગાંધી હીરો બનવા માગતા નથી’

બીબીસી ગુજરાતી સીજેપી દ્વારા અપાયેલા પ્રદર્શનના કોલ બાદ સીજેપીના સમર્થકો અને વિપક્ષી દળોના નેતાઓ પણ વિરોધપ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અટકાયત કરીને લઈ જતી પોલીસની તસવીર.

અમે જે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી, તેમણે એમ પણ સૂચવ્યું કે, રાહુલ ગાંધીની દિલ્હીમાં ગેરહાજરી પાછળ કોઈ ચોક્કસ વ્યૂહરચના હોઈ શકે છે.

રાજકીય વિશ્લેષક ગિલ્સ વર્નિયર્સ કહે છે કે, રાહુલ ગાંધી દિલ્હીના રસ્તાઓ પર વિરોધપ્રદર્શનોનું નેતૃત્વ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેઓ ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ અને સાંસદો સાથે કૂચમાં જોડાયા હતા. એ પ્રસંગોએ તેઓ લોકસભામાં વિપક્ષના નેતા તરીકેની પોતાની ભૂમિકા નિભાવી રહ્યા હતા. પરંતુ આજનું વિરોધપ્રદર્શન નાગરિક સમાજનું આંદોલન છે, પક્ષીય રાજકારણની કવાયત નથી.

તેમણે કહ્યું, “મને લાગે છે કે અત્યારે વિપક્ષના નેતાની ભૂમિકા ઘણી નાજુક છે અને રાહુલ ગાંધી આ ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. તેઓ એવી છાપ ઊભી કરવા માગતા નથી કે તેમની હીરો તરીકે પૂજા થવી જોઈએ અથવા દરેક આંદોલન તેમની આસપાસ જ કેન્દ્રિત હોવું જોઈએ.”

આ સંદર્ભમાં, વિરોધપ્રદર્શનમાં જોડાવાને બદલે પક્ષના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ વાતને ઉજાગર કરે છે કે, આ આંદોલન રાહુલ ગાંધી કે વિપક્ષના રાજકારણ વિશે નથી, પરંતુ દેશનાં વ્યાપક હિતો વિશે છે.

નાગરિક સમાજના આંદોલનને ટેકો આપવો મહત્ત્વનો છે અને મને લાગે છે કે, રાહુલ ગાંધીએ આમ કરવામાં ઘણી હદ સુધી સફળતા મેળવી છે. કૉંગ્રેસના કાર્યકરો સાથેની તેમની મુલાકાત પણ આ સમજીવિચારીને અપનાવેલા અભિગમને પ્રતિબિંબિત કરે છે. તેઓ એવી છાપ ઊભી કરવા માગતા નથી કે સમગ્ર આંદોલનના કેન્દ્રમાં તેઓ જ છે.

આજે દિલ્હી પહોંચ્યા બાદ વિમાનમાંથી બહાર આવતાં જ દિલ્હી પોલીસે કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓ અભિજીત દીપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસને અટકાયતમાં લીધા હતા. કન્ટેન્ટ ક્રિએટર ધ્રુવ રાઠીને ગુરુગ્રામમાં તેમના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અને કાવ્યા કર્ણાટકને પણ અટકાયતમાં લેવામાં આવ્યાં હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. નેહા બોરા, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને દીપંકર ભટ્ટાચાર્યને પણ અટકાયતમાં લેવામાં આવ્યાં હોવાના અહેવાલો હતા. અનેક પત્રકારોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આ સંદર્ભમાં, પ્રાધ્યાપક ગુડાવર્થી કહે છે કે રાહુલ ગાંધીની પણ અટકાયત થઈ શકી હોત.

તેમણે કહ્યું, “મને લાગે છે કે આજે રાહુલ ગાંધીની ધરપકડ થઈ શકી હોત. તેમની પણ અટકાયત કરવામાં આવી હોત, તો સમગ્ર આંદોલન નેતૃત્વવિહોણું બની ગયું હોત.”

તેમણે ઉમેર્યું, “રાહુલ ગાંધી આને લાંબા ગાળાના અને સતત ચાલનારા આંદોલન તરીકે પણ જોઈ રહ્યા છે. આ એવું એક દિવસનું વિરોધપ્રદર્શન નથી કે આજે પ્રદર્શન થાય અને આવતી કાલે રાજીનામું પડી જાય. રાહુલ આ આંદોલનને સાવ અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS