Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
હરિદ્વાર પોલીસના જણાવ્યા અનુસાર, 2006ના નિઠારી સિરિયલ મર્ડર કેસમાં 2025માં સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરાયેલા સુરિન્દર કોલી હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.
સુરિન્દર કોલી છેલ્લા કેટલાક મહિનાઓથી હરિદ્વારમાં રહેતા હતા. તે લાલ માતા મંદિરની સામે એક નાનો ચાનો સ્ટોલ ચલાવતા હતા. ત્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા છે.
સુરિન્દર કોલી અલ્મોડાના ભીકિયાસૈન વિસ્તારના રહેવાસી હતા. પોલીસે તેમના પરિવારને ઘટનાની જાણ કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે મૃતદેહને કબજે લીધો છે અને તપાસ શરૂ કરી છે.
ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે નિઠારી હત્યાકાંડના મુખ્ય આરોપી સુરિન્દર કોલીને આ કેસ સાથે સંબંધિત છેલ્લા કેસમાં નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતા.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, અગાઉની અદાલતો દ્વારા જે પુરાવાઓના આધારે સુરિન્દર કોલીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સજા ફટકારવામાં આવી હતી, તે પુરાવાઓ કાયદાકીય રીતે ગેરકાયદેસર, અવિશ્વસનીય અને વિરોધાભાસી હતા.
આ કેસમાં અન્ય એક આરોપી મોનિન્દરસિંહ પંઢેરને કોર્ટે પહેલાંથી જ નિર્દોષ જાહેર કરી દીધા હતા.
નોઇડાના સેક્ટર 31માં આવેલા નિઠારી ગામમાં પીડિત બાળકોના ફક્ત ચાર પરિવારો જ બચ્યા છે. મોટાભાગના પરિવારોએ ગામ પણ છોડી દીધું છે અને કોર્ટની લડાઈથી પણ મોં ફેરવી લીધું છે.
પોલીસને આત્મહત્યાની શંકા
ઇમેજ સ્રોત, Asif Ali
બીબીસીના સહયોગી પત્રકાર આસિફ અલીના જણાવ્યા અનુસાર, સુરિન્દર કોલીની લાશ ઉત્તર હરિદ્વારના સપ્તઋષિ, ભૂપતવાલા વિસ્તારમાંથી મળી આવી હતી.
હરિદ્વાર પોલીસ અધિકારી શિશુપાલસિંહ નેગીએ જણાવ્યું હતું કે, “સપ્તઋષિ વિસ્તારમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ સુરિન્દર કોલી હોવાની માહિતી મળી છે. પ્રથમ દૃષ્ટિએ આ મામલો આત્મહત્યાનો લાગે છે. એફએસએલ ટીમ સ્થળની તપાસ કરી રહી છે અને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ ડૉક્ટરોની પૅનલ દ્વારા કરવામાં આવશે.”
પોલીસના જણાવ્યા અનુસાર, મુક્ત થયા પછી સુરિન્દર કોલી હરિદ્વારમાં ચાની દુકાન ચલાવતા હતા. ઘટના બાદ, ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા હતા. જોકે, ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો તમે ભારત સરકારની ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન 18002333330 પરથી મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
મામલો શું હતો?
ઇમેજ સ્રોત, Getty Images
મોનિન્દર પંઢેર અને સુરિન્દર કોલી બંનેને 2009માં ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે બળાત્કાર, હત્યા, પુરાવાનો નાશ કરવા અને અન્ય આરોપો સંબંધિત કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી.
કોલી 11 કેસોમાં એકમાત્ર આરોપી હતા અને બે કેસમાં તેમને પંઢેર સાથે સહ-આરોપી બનાવવામાં આવ્યા હતા.
2023માં અલ્હાબાદ હાઇકોર્ટે કોલીને આ કેસ સાથે સંબંધિત 12 ગુનાઓમાં નિર્દોષ જાહેર કર્યા હતા. મોનિન્દરને તેની સામે દાખલ કરાયેલા બે કેસોમાં પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે તપાસ ખરાબ રીતે હાથ ધરવામાં આવી હતી અને ‘પુરાવા એકત્ર કરવાનાં મૂળભૂત ધોરણોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.’
કોર્ટનો નિર્ણય અને સવાલો
ઇમેજ સ્રોત, ANI
કોર્ટના નિર્ણય અંગે વકીલ પારસનાથસિંહે કહેલું કે, “આ કેસમાં કોઈ પરિસ્થિતિ અનુસાર પુરાવા નહોતા. તેથી, કોર્ટે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કોલીના કબૂલનામાને વિશ્વસનીય માન્યું નથી. કાયદા અનુસાર આ કબૂલનામું સ્વેચ્છાએ કરવું જોઈએ, કોઈ ડર કે દબાણ હેઠળ નહીં.”
અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની 308 પાનાંની નકલના પાના નંબર 47માં જણાવાયું છે કે, “કોલી 60 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં હતા પરંતુ આ 60 દિવસ દરમિયાન તેની ક્યારેય તબીબી તપાસ કરવામાં આવી ન હતી, જે શારીરિક ત્રાસની શક્યતા અંગે શંકા ઊભી કરે છે.”
“ફક્ત 2007માં જ એક તબીબી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની સત્યતા ચકાસવા માટે ડૉક્ટરને રજૂ કરવામાં આવ્યા ન હતા.”
નિર્ણયમાં લખવામાં આવ્યું છે કે જે મૅજિસ્ટ્રેટ સમક્ષ કોલીની કથિત કબૂલાત નોંધવામાં આવી હતી. તેમણે પણ એ હકીકત પર સંતોષ વ્યક્ત કર્યો ન હતો કે આરોપીએ કોઈના દબાણ વિના આ કહ્યું હતું.
હાઇકોર્ટે એ વાત પર ભાર મૂક્યો હતો કે ફરિયાદી પક્ષ સમયાંતરે પોતાનું વલણ બદલતો રહે છે.
શરૂઆતનો કેસ કોલી અને ઘર નંબર ડી-5 ના માલિક મોનિન્દર પંઢેર સામે નોંધવામાં આવ્યો હતો.
સ્થળ પરથી મળેલી વસ્તુઓ માટે પણ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
પરંતુ સમય જતાં, કોલીને દરેક બાબત માટે દોષિત ઠેરવવામાં આવવા લાગ્યા.
તપાસના વિવિધ તબક્કામાં ફરિયાદ પક્ષના પુરાવા બદલાતા રહ્યા અને આખરે એકમાત્ર આધાર કોલીની કબૂલાત બાકી રહી, જેની વિશ્વસનીયતા પહેલાથી જ પ્રશ્નાર્થમાં હતી.
11 નવેમ્બર, 2025ના રોજ, કોલી સામેના છેલ્લા પૅન્ડિંગ કેસમાં ચુકાદો આપતી વખતે, સીજેઆઈ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, “કોલીને જે પુરાવાના આધારે 12 કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, તેના આધારે એક જ કેસમાં દોષિત ઠેરવવા બંધારણીય રીતે યોગ્ય નથી, તેને અપૂરતું અને અવિશ્વસનીય ગણાવ્યું હતું.”
કોર્ટે સ્વીકાર્યું કે નિઠારીમાં થયેલા ગુનાઓ ભયાનક હતા અને જે પરિવારોએ પોતાનાં બાળકોને ગુમાવ્યાં હતાં તેઓ અવર્ણનીય રીતે દુઃખદ હતા. જોકે, આટલી લાંબી તપાસ પછી પણ, ચોક્કસ પુરાવા સાથે સાચા ગુનેગારો સ્થાપિત થયા નથી.
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, “કાયદો ફક્ત શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકતો નથી. શંકા ગમે તેટલી મજબૂત હોય, કોર્ટને નક્કર પુરાવાની જરૂર હોય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે ન્યાય આપવા માટે દબાણ હેઠળ કાનૂની નિયમોને તોડી શકાય નહીં.”
કોર્ટે આખરે પોલીસ અને એજન્સીઓની તપાસ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા.
કોર્ટે કહ્યું, “જો તપાસ સમયસર, વ્યાવસાયિક રીતે અને બંધારણીય ધોરણો અનુસાર કરવામાં આવે, તો સૌથી મુશ્કેલ કેસોમાં પણ સત્ય બહાર આવી શકે છે. પરંતુ નિઠારી કેસમાં આવું બન્યું નહીં. બેદરકારી અને વિલંબથી સમગ્ર તપાસ નબળી પડી અને વાસ્તવિક ગુનેગાર સુધી પહોંચવાનો રસ્તો અવરોધાયો.”
પરિણામ એ આવ્યું કે મોનિન્દરસિંહ પંઢેર અને સુરિન્દર કોલી બંને બધા કેસોમાં નિર્દોષ સાબિત થયા અને તેમને છોડી મૂકવામાં આવ્યા.
નિઠારી હત્યાકાંડ શું હતો?
ઇમેજ સ્રોત, Getty Images
2005-06 ના સમયગાળામાં દિલ્હીને અડીને આવેલા નોઇડાના નિઠારી ગામમાં એક પછી એક ઘણાં બાળકો અને યુવતીઓના ગુમ થવાના બનાવો પ્રકાશમાં આવ્યા.
આ છોકરાઓ અને છોકરીઓના પરિવારોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે ફરિયાદો નોંધાવી હતી, પરંતુ પોલીસ પર મહિનાઓ સુધી તેમને અવગણવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે પોલીસે આખરે તપાસ શરૂ કરી, ત્યારે પંઢેરના ઘરની પાછળના નાળામાંથી 19 હાડપિંજર મળી આવ્યાં. મોનિન્દરસિંહ પંઢેર અને સુરિન્દર કોલીની ધરપકડ કરવામાં આવી.
આ મામલો સીબીઆઈ સુધી પહોંચ્યો, તેની તપાસ દરમિયાન તપાસ એજન્સીને માનવ હાડકાંના ભાગો અને માનવ અંગો ધરાવતાં 40 પેકેટ મળ્યાં જે ગટરમાં ફેંકી દેવામાં આવ્યાં હતાં.
તપાસ આગળ વધી અને 2009માં ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે બંનેને એક કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી.
પરંતુ બાદમાં, આ કેસ અલ્હાબાદ હાઇકોર્ટ થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે પોતાના નિર્ણયમાં બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




