Home તાજા સમાચાર gujrati પ્રેમ વત્સ : આઠ ડૉલર લઈને ઘર છોડી જનાર આ વ્યક્તિએ 52...

પ્રેમ વત્સ : આઠ ડૉલર લઈને ઘર છોડી જનાર આ વ્યક્તિએ 52 હજાર કરોડમાં કેવી રીતે ખરીદી લીધી IDBI બૅન્ક?

4
0

Source : BBC NEWS

પ્રેમ વત્સ ભારતીય મૂળના કૅનેડાના ઉદ્યોગપતિ છે

ખિસ્સામાં માત્ર આઠ ડૉલર લઈને હૈદરાબાદથી કૅનેડા ગયેલા અબજોપતિ ઉદ્યોગપતિ પ્રેમ વત્સ હવે આઇડીબીઆઇ બૅન્કના માલિક બનશે.

ધ લાઇવ મિન્ટ અનુસાર, પ્રેમ વત્સને ‘કૅનેડાના વૉરેન બફેટ’ કહેવામાં આવે છે અને તેઓ 100 અબજ ડૉલરના ફેરફેક્સ ફાઇનાન્સિયલ હૉલ્ડિંગ્સના માલિક છે.

1985માં એક નાની વીમા કંપની તરીકે શરૂ થયેલી ફેરફેક્સ, પ્રેમ વત્સની વ્યાવસાયિક કુશળતા, દૂરદૃષ્ટિ અને શિસ્તને કારણે એક વિશાળ નાણાકીય કંપનીમાં પરિવર્તિત થઈ છે.

પ્રેમ વત્સની આ કંપની આઇડીબીઆઇ બૅન્કમાં 60.72 ટકા હિસ્સા માટે 52878 કરોડ રૂપિયા ચૂકવશે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, આ ભારતનો સૌથી મોટો ક્રૉસ-બૉર્ડર બૅન્કિંગ સોદો છે.

ચાલો જાણીએ કે પ્રેમ વત્સ કોણ છે અને તેમણે આટલું મોટું વ્યાપારી સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું.

‘કૅનેડાના વૉરેન બફેટ’

પ્રેમ વત્સ 'વેલ્યુ ઇન્વેસ્ટર' તરીકે જાણીતા છે

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અને પ્રેમ વત્સના પુસ્તક ‘ધ ફેરફેક્સ વે’ અનુસાર, તેઓ ભારતીય મૂળના ઉદ્યોગપતિ છે અને 1970ના દાયકામાં હૈદરાબાદથી કૅનેડા આવ્યા હતા.

આ અહેવાલ મુજબ વત્સ ચુપચાપ તેમનું કામ કરે છે. તેઓ એક એવી વ્યક્તિ છે જે મીડિયાની ઝલકથી દૂર રહે છે. તેમણે ફેરફેક્સમાં તેમના પહેલાં 15 વર્ષ દરમિયાન ભાગ્યે જ કોઈ પત્રકારો સાથે વાત કરી હતી.

તેમણે 2001માં રોકાણકારો સાથે કૉન્ફરન્સ કૉલ કરવાનું પણ શરૂ કર્યું. પ્રેમ વત્સ એક વેલ્યૂ ઇન્વેસ્ટર તરીકે જાણીતા છે.

તેમના માર્ગદર્શક જ્હૉન વોટસને તેમને બેન્જામિન ગ્રેહામના વેલ્યૂ ઇન્વેસ્ટિંગના સિદ્ધાંતો શીખવ્યા હતા.

બેન્જામિન ગ્રેહામનો સિદ્ધાંત એવું કહે છે કે, “મજબૂત પાયો ધરાવતી એ કંપનીમાં રોકાણ કરો કે જેમની કિંમત ઓછી આંકવામાં આવી રહી છે. તેમાં લાંબા સમય સુધી ટકી રહો.”

વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંના એક વૉરેન બફેટ પણ વત્તે-ઓછે અંશે આવા જ રોકાણના હિમાયતી છે.

આ સિદ્ધાંતોને અનુસરીને પ્રેમ વત્સે આવી ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું જે આજે તેમના માટે સોનાની ખાણ સાબિત થઈ રહી છે.

આ જ કારણથી વત્સને ‘કૅનેડાના વૉરેન બફેટ’ કહેવામાં આવે છે.

ભારતથી કૅનેડા સુધીની સફર

આઈડીબીઆઈ બૅન્ક

1950માં ભારતના હૈદરાબાદમાં એક શિક્ષકના ઘરે જન્મેલા પ્રેમ વત્સે હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું.

આ એ જ શાળા છે જ્યાં માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, એડોબના સીઇઓ શાંતનુ નારાયણ અને વર્લ્ડ બૅન્ક ગ્રૂપના ચૅરમૅન અજય બંગાએ અભ્યાસ કર્યો છે.

શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી વત્સે આઇઆઇટી મદ્રાસમાં અભ્યાસ કર્યો અને પછી આઇઆઇએમની પરીક્ષા પાસ કરી.

પણ વત્સનું ભાગ્ય કંઈક બીજે ક્યાંક લખાયેલું હતું.

વત્સના મોટો ભાઈ કૅનેડામાં રહેતા હતા અને તેમના પિતા ઇચ્છતા હતા કે તેમનો નાનો દીકરો પણ કૅનેડા જાય અને ત્યાં કારકિર્દી બનાવે.

વત્સે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, “મને કૅનેડામાં કોઈ રસ નહોતો. હું ભારત છોડવા માગતો ન હતો, પણ 22 વર્ષની ઉંમરે તમારે તમારા પિતાની વાત સાંભળવી પડે છે.”

કૅનેડા પહોંચ્યા પછી તેમણે યુનિવર્સિટી ઑફ વેસ્ટર્ન ઑન્ટારિયોમાંથી એમબીએ કર્યું હતું. તેમણે પોતાના અભ્યાસ માટે ભંડોળ ભેગું કરવા માટે ઍર કંડિશનર અને ફરનેસ (ભઠ્ઠી) વેચી દીધી.

પ્રેમ વત્સના મતે એક સેલ્સમેનની નમ્રતા અને મહેનત પાછળથી તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ.

પ્રેમ વત્સ એ કૌટુંબિક મૂલ્યોને ખૂબ મહત્ત્વ આપે છે.

ઇકૉનૉમિક્સ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, પ્રેમ વત્સના પિતા કહેતા હતા કે ‘એવી રીતે મહેનત કરો કે જાણે બધું તમારા પર નિર્ભર હોય અને એવી નિષ્ઠાથી પ્રાર્થના કરો કે જાણે બધું ભગવાન પર નિર્ભર હોય.’

પ્રેમ વત્સે 1974માં કન્ફેડરેશન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રિસર્ચ ઍનાલિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

1984માં તેમણે પોતાની કંપની હૅમ્બલિન વત્સ ઇન્વેસ્ટમેન્ટની સ્થાપના કરી હતી. એક વર્ષ પછી તેમણે ડૂબી રહેલી કંપની ટ્રક ઇન્સ્યોરન્સ કંપની મર્કેલ ફાઇનાન્સિયલને હસ્તગત કરીને મોટી સફળતા મેળવી.

સફળતાનું સૂત્ર

ફેરફેક્સની બિઝનેસ સ્ટ્રેટેજી કામયાબ રહી છે

પ્રેમ વત્સની સફળતાનું સૌથી મોટું સૂત્ર મજબૂત પાયા ધરાવતી પણ સંઘર્ષ કરી રહેલી કંપનીઓમાં છુપાયેલું હતું.

તેમની પાસે આવી કંપનીઓને ઓળખવાની જબરદસ્ત ક્ષમતા હતી અને લાંબા સમય સુધી તેમાં રોકાણ જાળવી રાખવાની ધીરજ પણ હતી.

પ્રેમ વત્સ જાણે કે સમયની નાડ પારખવામાં પણ પારંગત છે. સંકટનો અંદાજો તેમને દૂરથી જ આવી જાય છે.

આ ક્ષમતાને કારણે, તેમણે 1987ના આંતરરાષ્ટ્રીય શૅરબજારના ક્રેશ (જેને બ્લૅક મન્ડે તરીકે ઓળખવામાં આવે છે), 1990માં જાપાની અર્થતંત્રનું પતન અને 2008ની આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટી એટલે કે સબપ્રાઇમ કટોકટીને ઓળખી કાઢી હતી.

પ્રેમ વત્સે આ સમયગાળા દરમિયાન અમેરિકન મંદીનો લાભ લીધો અને ખૂબ જ ઓછા ભાવે એવી કંપનીઓના શૅર ખરીદ્યા જેમાં ભવિષ્યમાં સારો દેખાવ કરવાની ક્ષમતા હતી.

જોકે, ફેરફેક્સને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કૅલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ સાથે વાવાઝોડાં હાર્વે, ઇર્મા અને મારિયાએ નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું.

કોવિડ-19 તેમના માટે એક મોટો પડકાર સાબિત થયો અને તેમના વીમાના વ્યવસાયને ભારે નુકસાન થયું.

પરંતુ પ્રેમ વત્સની આ અડચણોને પાર કરવાની ક્ષમતાએ ફેરફેક્સને પાછું પાટા પર લાવી દીધું.

ઑક્ટોબર 2022 ની સરખામણીમાં 2025માં ફેરફેક્સનું મૂલ્ય ચાર ગણું વધી ગયું.

ફેરફેક્સની વ્યાપાર વ્યૂહરચના સફળ રહી છે.

કંપની ક્લૅઇમ પહેલાં જ એટલું વીમા પ્રીમિયમ એકત્રિત કરવામાં અને તેને એવી કંપનીઓમાં રોકાણ કરવામાં સફળ રહી છે જેના ફંડામેન્ટલ્સ મજબૂત છે પણ શૅર સસ્તા છે.

પ્રેમ વત્સને વ્યવસાય અને ઉદ્યોગમાં તેમના અસાધારણ યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

પ્રેમ વત્સનો ભારતમાં કારોબાર

નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંત સાથે પ્રેમ વત્સ (ફાઇલ તસવીર)

આઇડીબીઆઇ બૅન્કમાં રોકાણ એ ફેરફેક્સનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે.

જોકે, આ ગ્રૂપે 2014માં ફેરફેક્સ ઇન્ડિયા હૉલ્ડિંગ નામથી ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો.

પ્રેમ વત્સના પુત્ર બેન વત્સ માર્વેલ કેપિટલ નામની ફંડ મૅનેજમૅન્ટ કંપની ચલાવે છે, જે ફક્ત ભારતીય કંપનીઓના શૅરમાં જ રોકાણ કરે છે.

ફેરફેક્સે ભારતમાં આઇઇએફએલને એવા સમયે પૈસા આપ્યા હતા જ્યારે તે તેના ગોલ્ડ લોન વ્યવસાયમાં રેગ્યુલેટરી સમસ્યાઓનો સામનો કરી રહી હતી.

કંપની બૅંગલુરુ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડમાં પણ બહુમતી હિસ્સો ધરાવે છે. તેણે સમર કૅમિકલ્સ અને અન્ય ઘણી ઉત્પાદન કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.

જોકે, રેગ્યુલેટરી જરૂરિયાતોને કારણે તેમણે સીએસબી બૅન્કમાં તેના અગાઉના રોકાણમાં ઘટાડો કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS