Home તાજા સમાચાર gujrati ભારતીય શૅરબજારમાં રોકાણકારોના રૂપિયા ધોવાયા, માર્કેટ ઘટવાનાં ચાર કારણો કયાં છે?

ભારતીય શૅરબજારમાં રોકાણકારોના રૂપિયા ધોવાયા, માર્કેટ ઘટવાનાં ચાર કારણો કયાં છે?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

ક્રૂડઑઇલના ઊંચા ભાવ, ડૉલર સામે રૂપિયાની નબળાઈ અને જિયોપૉલિટિકલ વગેરે કારણોથી ભારતીય બજાર સતત ઘટતું જાય છે. અમેરિકા, સાઉથ કોરિયા અને ચીનનાં શૅરબજારો ઘણો સારો દેખાવ કરી રહ્યાં છે, ત્યારે ભારતીય શૅરમાર્કેટનો દેખાવ તેની સરખામણીમાં નબળો રહ્યો છે.

30 શૅરનો સેન્સેક્સ છેલ્લા એક વર્ષમાં લગભગ 9.5 ટકા જેટલો ઘટ્યો છે, જ્યારે છેલ્લાં બે વર્ષમાં સેન્સેક્સે લગભગ 15 ટકાનું નૅગેટિવ રિટર્ન આપ્યું છે.

29 સપ્ટેમ્બર, 2025ના રોજ સેન્સેક્સ 80,364 પૉઇન્ટ પર બંધ આવ્યો હતો જે એક વર્ષ પછી 29 સપ્ટેમ્બર 2026ના રોજ 72,200ની આસપાસ હતો.

બીબીસી ગુજરાતીએ શૅરબજારના નિષ્ણાતો સાથે વાત કરીને માર્કેટના ઘટાડાનાં કારણો જાણવા પ્રયાસ કર્યો છે.

ભારતીય શૅરમાર્કેટ કેમ ઘટતું જાય છે?

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

ભારતીય બજાર સતત ઘટવા માટેનું એક મુખ્ય કારણ રૂપિયાનો નબળો દેખાવ છે. એક વર્ષ અગાઉ ડૉલરનો ભાવ 88 રૂપિયાથી સહેજ વધારે હતો, જ્યારે હાલમાં ડૉલરનો ભાવ 96 રૂપિયાને પાર કરી ગયો છે.

ઑઇલના ભાવ વધવાના કારણે ડૉલર સામે રૂપિયાનો ભાવ બે મહિનાના તળિયે ચાલે છે. ભારત મોટા ભાગના ક્રૂડઑઇલની આયાત કરે છે ત્યારે ક્રૂડનો ઊંચા ભાવથી આયાત બિલ વધતું જાય છે અને વિદેશી હૂંડિયામણનું રિઝર્વ ઘટે છે.

સ્ટૉક માર્કેટ રિસર્ચર ગુંજન ચોક્સીએ જણાવ્યું કે “છેલ્લાં ત્રણ વર્ષથી ડૉલર સામે રૂપિયો નબળો દેખાવ કરી રહ્યો છે. ભારતીય શૅરબજારમાં જે કંઈ રિટર્ન મળ્યું તે ભારતીય રોકાણકારોને મળ્યું છે, ડૉલર મોંઘો થયો તેના કારણે વિદેશી રોકાણકારોને રિટર્ન મળ્યું જ નથી, તેના કારણે તેઓ ભારતીય બજાર છોડી રહ્યા છે.”

તેઓ કહે છે કે “એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ને છેલ્લાં ચાર વર્ષથી ભારતમાં કોઈ વળતર નથી મળ્યું, કારણ કે તેઓ ભારતમાંથી ઍક્ઝિટ કરે ત્યારે રૂપિયો નબળો હોવાથી ડૉલરમાં વળતર દેખાતું નથી. શૅરનો ભાવ વધ્યો હોય તો પણ તેમને કોઈ ફાયદો થતો નથી. તેથી ભારતમાં ડૉલરનો ઇનફ્લો નહીં આવે ત્યાં સુધી રૂપિયો નબળો રહેશે અને બજાર નબળું રહેશે. તેવી જ રીતે બજારમાં તેથી નહીં આવે ત્યાં સુધી ભારતમાં ડૉલર નહીં આવે. આ એક ચક્ર જેવું છે.”

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

ક્રૂડઑઇલના ભાવમાં વધારો

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

મિડલ ઇસ્ટમાં હજુ શાંતિના કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા, જેના કારણે ક્રૂડઑઇલના ભાવ રહ્યા છે. સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ પ્રમાણે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ પ્રતિ બેરલ 1.49 ડૉલર વધીને 106.77 ડૉલર થયો છે.

ગુંજન ચોક્સી કહે છે કે બજારના હાલના નબળા દેખાવ માટે જિયોપૉલિટિકલ કારણો મુખ્યત્વે જવાબદાર છે. મધ્યપૂર્વમાં અશાંતિ છે જેના કારણે ક્રૂડઑઇલનો ભાવ વધતો જાય છે. ક્રૂડનો ભાવ 95 ડૉલર પ્રતિ બેરલથી ઉપર રહેશે ત્યાં સુધી તેજી આવવી મુશ્કેલ છે.

ક્રૂડના ઊંચા ભાવના કારણે ભારતનું આયાત બિલ વધે છે જેની અસર વિદેશી હૂંડિયામણની અનામત એટલે કે ફૉરેન ઍક્સ્ચેન્જ પર પડે છે.

રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાના ડેટાને ટાંકીને પીટીઆઈનો અહેવાલ જણાવે છે કે 18 સપ્ટેમ્બરે સમાપ્ત થયેલા અઠવાડિયામાં ભારતનું ફૉરેન ઍક્સ્ચેન્જ 14.881 અબજ ડૉલર ઘટીને 766 અબજ ડૉલર થયું હતું. તેનાથી અગાઉના અઠવાડિયામાં ફોરેક્સમાં લગભગ 4.92 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો.

વિદેશી પૉર્ટફોલિયો રોકાણકારો ભારતીય બજારમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં એફપીઆઈએ લગભગ 20,695 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે. બે મહિના સુધી ખરીદી કર્યા પછી એફઆઈઆઈ ફરીથી રૂપિયા પાછા ખેંચી રહ્યા છે. અમેરિકન બૉન્ડની ઊંચી યીલ્ડ અને ભારતીય આઈપીઓ માર્કેટ કરતાં વધુ સારી તક હોવાથી આ વલણ જળવાઈ શકે છે.

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

‘ભારત એઆઈમાં પાછળ રહી ગયું’

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

શૅરમાર્કેટના ઍનાલિસ્ટ નિકુંજ મહેતા કહે છે કે ભારતીય બજારની અનિશ્ચિતતા અને વિદેશમાં સારા વળતરની તકના કારણે વિદેશી ઇન્વેસ્ટરો ભારતમાંથી મૂડી બહાર કાઢી રહ્યા છે.

વિદેશી રોકાણકારોને ભારત કરતાં અમેરિકન બૉન્ડમાં વધુ સારું વળતર મળી રહ્યું છે. અત્યાર સુધી ચીન, સાઉથ કોરિયા અને બ્રાઝિલ જેવા દેશો કરતા ભારતીય શૅરના ભાવ વધુ હતા, તેથી આ સેલિંગ આવશે તેવી અપેક્ષા હતી.

“આ ઉપરાંત એક સમયે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી આધારિત કંપનીઓનો જમાનો હતો, તેવી રીતે હવે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો જમાનો છે, જેના કારણે તેઓ વિદેશમાં તક શોધી રહ્યા છે જે ભારતમાં ઉપલબ્ધ નથી.”

ગુંજન ચોક્સી કહે છે કે “કોવિડ પછી પહેલી વખત ભારતીય બજારમાં આટલો ઘટાડો થયો છે. બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં તાજેતરમાં ઉછાળો આવ્યો છે અને તે મોટા ભાગે એઆઈ આધારિત કંપનીઓના લીધે છે. ભારત એઆઈની બસ ચૂકી ગયું છે એમ કહી શકાય, કારણ કે મોટા રોકાણકારો એઆઈ ડેટા સેન્ટરો, ચીપ ઉત્પાદક કંપનીઓ. એઆઈ લેબ વગેરેમાં કરોડો ડૉલર ઠાલવે છે. જ્યારે ભારતમાં ટોચની કંપનીઓ એઆઈમાં ક્યાંય દેખાતી નથી.”

તેઓ કહે છે કે “આપણી આઈટી કંપનીઓ પાસે પુષ્કળ કેશ હતી, છતાં તેઓ એઆઈમાં રિસર્ચ કરવાનું ચૂકી ગઈ. આજે કોઈને એઆઈ આધારિત કંપનીઓમાં રોકાણ કરવું હોય તે તેણે અમેરિકન કંપનીઓમાં કરવું પડે, ભારતમાં આવી કંપનીઓ છે જ નહીં.”

નિયમોમાં સતત ફેરફાર

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

કેટલાક નિષ્ણાતોના માનવા મુજબ ભારતીય શૅરબજારમાં છેલ્લાં પાંચ વર્ષથી વારંવાર નિયમો બદલાઈ રહ્યા છે અને તેના કારણે પણ બજારના મૂડને અસર થાય છે.

ગુંજન ચોક્સી કહે છે કે “ભારતમાં દરેક ક્વાર્ટરમાં નવા નવા પ્રયોગ થાય છે જેમાં ટ્રેડર કૉમ્યુનિટીની અવગણના થાય છે. હકીકતમાં ટ્રેડરો જ બજારમાં લિક્વિડિટી વધારવાનું કામ કરે છે.

તેઓ કહે છે કે, “બજારમાં લિક્વિડિટી હશે તો એઆઈઆઈ અને ડીઆઈઆઈને યોગ્ય ભાવે વસ્તુ મળે. અગાઉ વિકલી ઍક્સપાયરી બંધ કરવામાં આવી, ત્યાર પછી માર્જિન અપગ્રેડ કરવામાં આવ્યા અને હવે સેટલમેન્ટમાં સીએએસના નવા નિયમ આવ્યા છે. આ બધાનો વિરોધ થઈ રહ્યો છે. બજાર નબળું હોય ત્યારે તેને સપોર્ટ આપવો જોઈએ તેના બદલે સરકાર પ્રયોગ કરતી રહે છે.”

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

વિદેશી રોકાણકારોના પ્રોત્સાહનમાં ઊણપ

બીબીસી ગુજરાતી ભારતીય શૅરબજાર મંદી ડૉલર રૂપિયા ક્રૂડ ઑઇલ સેન્સેક્સ બીએસઈ

ગુંજન ચોક્સીના માનવા પ્રમાણે ભારતની ટૅક્સ સિસ્ટમ પણ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપે તેવી નથી જેના કારણે મોટા ઇન્વેસ્ટરો વિદેશ જઈ રહ્યા છે.

તેઓ કહે છે કે, “બીજા દેશોથી વિપરીત આપણે ત્યાં રોકાણકારોને ડબલ ટૅક્સ લાગે છે. અહીં એસટીટી (સિક્યૉરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ)ની સાથે સાથે લૉંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટૅક્સ (એલટીસીજી) અને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટૅક્સ (એસટીસીજી) પણ છે.”

“સરકારે ડેટ ફંડને ટૅક્સના લાભો આપ્યા, ત્યારે આશા હતી કે બજેટ અગાઉ ઇક્વિટીને કોઈ રાહત આપશે પરંતુ એવું થયું નથી. એસટીટી લાગુ થયો ત્યારે એવી ચર્ચા હતી કે હવે એલટીસીજી અને એસટીસીજી દૂર થશે. તેની સામે એસટીટી વધતો જાય છે અને ઇક્વિટીમાં લૉંગ ટર્મ અને શૉર્ટ ટર્મ ગેઇન ટૅક્સ પણ ચાલુ છે. તેથી એઆઈઆઈ માટે ભારતમાં રોકાણ કરવું આકર્ષક નથી.”

તેઓ કહે છે કે, “હાલમાં ઇન્વેસ્ટરોને સમજાતું નથી કે સરકાર ખરેખર શું કરવા માગે છે. સ્થિરતા ન હોય ત્યારે ઇન્વેસ્ટરો અને ટ્રેડરો બજાર છોડી જાય છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ઘણા મોટા ઇન્વસ્ટરો દુબઈ શિફ્ટ થઈ ગયા છે.”

બીજી તરફ નિકુંજ મહેતાનું માનવું છે કે, “કોઈ પણ બજારમાં ચાર-પાંચ વર્ષની તેજી પછી દોઢેક વર્ષ આવી રીતે નરમાઈના પણ આવતા હોય છે. તેથી માત્ર છેલ્લાં બે વર્ષના દેખાવના આધારે માર્કેટમાં મંદી છે એમ કહી ન શકાય. 2020થી 2023 સુધી જેમણે રોકાણ કર્યું હોય તેઓ હજુ પણ સારા એવા ફાયદામાં છે, પરંતુ 2023 પછી રોકાણ કર્યું હોય તેમને નુકસાન ગયું હોઈ શકે છે.”

(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોએ રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS