Home તાજા સમાચાર gujrati માયાભાઈની વાત કેટલી સાચી અને ભારતના લોકો કેટલો ટૅક્સ ભરે છે?

માયાભાઈની વાત કેટલી સાચી અને ભારતના લોકો કેટલો ટૅક્સ ભરે છે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી જીએસટી ઇનડાયરેક્ટ ટૅક્સ માયાભાઈ આહિર આવકવેરો ઇન્કમટૅક્સ

ઇમેજ સ્રોત, Mayabhai Ahir/Facebook

ગુજરાતના ડાયરા-કલાકાર માયાભાઈ આહિરે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ટિપ્પણી કરી હતી, જેના લીધે વિવાદ થયો છે. માયાભાઈએ કહ્યું હતું કે, “કેટલાક લોકો રેશનિંગનું અનાજ ખાતા હોય, ક્યારેય ટૅક્સ ભર્યો ન હોય અને છતાં પોલીસને કહે છે કે તમે અમારા ટૅક્સમાંથી પગાર ખાવ છો.”

આના કારણે એવો સવાલ થાય છે કે શું ખરેખર જે લોકો ઇન્કમટૅક્સ નથી ભરતા, તેઓ બીજા કેટલા પ્રકારના ટૅક્સ ભરે છે અને સરકારની કુલ ટૅક્સની આવકમાં તેમનો કેટલો હિસ્સો છે?

આંકડા દર્શાવે છે કે ઓછી આવક ધરાવતા લોકો તેમની આવકના પ્રમાણમાં વધારે ટૅક્સ ભરે છે અને ઇનડાયરેક્ટ અથવા પરોક્ષ ટૅક્સમાંથી કોઈ બચી શકતું નથી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવિનાશ તલરેજાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “તમે કોઈપણ ચીજની ખરીદી કરો, તેના ભાવમાં ટૅક્સ આવી જાય છે. આવકના દરેક લેવલ પર વ્યક્તિ કોઈને કોઈ ટૅક્સ ભરતી જ હોય છે. પછી તે માસિક 10 હજારની કમાણી કરતી હોય કે પછી લાખો રૂપિયા કમાતી હોય.”

તમે કોઈ બિસ્કિટ ખાવ જેનું રો મટિરિયલ વિદેશથી આયાત કરવામાં આવ્યું હોય તો 10થી 12 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી પણ લાગે છે. તમે બીમાર હોવ અને દવાઓ ખરીદો તો તે પણ જીએસટી હેઠળ આવે છે.

તેમણે કહ્યું કે, “ઇન્કમટૅક્સ ન ભરતા હોય તેવા લોકોએ પણ પોતાના કામ મુજબ પ્રોફેશનલ ટૅક્સ ભરવો પડતો હોય છે. દર વર્ષે લગભગ 2500 રૂપિયા જેટલો પ્રોફેશનલ ટૅક્સ હોય છે. આ ઉપરાંત જીએસટીમાં સૌથી વધારે રકમ જાય છે.”

‘ટૅક્સ તો બધા જ લોકો ચુકવે છે’

બીબીસી ગુજરાતી જીએસટી ઇનડાયરેક્ટ ટૅક્સ માયાભાઈ આહિર આવકવેરો ઇન્કમટૅક્સ

ઇમેજ સ્રોત, Avinash Talreja/Facebook

અમદાવાદસ્થિત અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ પ્રોફેસર હેમંતકુમાર શાહ જણાવે છે કે ભારતમાં સોયથી લઈને મોંઘી કાર સુધીની કોઈપણ ચીજની ખરીદી પર જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) લાગે છે. હકીકતમાં આવકનો કેટલો હિસ્સો ટૅક્સમાં જાય છે તે જોવામાં આવે તો ધનાઢ્યો કરતાં ગરીબો પોતાની આવકનો વધારે હિસ્સો ટૅક્સમાં આપે છે.

તેમણે કહ્યું કે, “સૌથી ગરીબ વ્યક્તિ પાંચ રૂપિયાના બિસ્કિટનું પૅકેટ ખરીદે અથવા 10 રૂપિયાની ચા પીવે તો પણ તેમાં ટૅક્સ આવી જાય છે. કારણ કે ચા પીવો ત્યારે તેમાં વપરાતી ખાંડ, ચા, ગૅસ પર ટૅક્સ લાગેલો હોય છે.”

સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનોમી (CMIE)ના આંકડા પ્રમાણે ભારતના જીડીપીમાં જીએસટીનો હિસ્સો લગભગ 6.5 ટકાથી સાત ટકા જેટલો છે અને ઇનડાયરેક્ટ ટૅક્સનો તે સૌથી મોટો સ્રોત છે.

એક ઉદાહરણ આપતાં અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે જણાવ્યું કે, “ધારો કે સરકાર ખેડૂતોને પાંચ લાખ રૂપિયાના ટ્રૅક્ટર પર એક લાખ રૂપિયાની સબસિડી આપે તો પણ તેમાં ટૅક્સ આવી જ જાય છે. મોટી ચીજની વાત જવા દો, સાવ નાની સોય અથવા દિવાસળીનું બૉક્સ કે શર્ટનું બટન ખરીદો તો તેમાં પણ ટૅક્સ સામેલ હોય છે.”

તેઓ કહે છે કે આ દેશનો ગમે તેટલો ગરીબ અથવા ગમે તેટલી ઓછી માસિક આવક ધરાવતો માણસ પણ ટૅક્સ ચુકવે જ છે.

પ્રોફેસર શાહના કહેવા મુજબ, “ભારતમાં લગભગ 25 કરોડ પરિવારો એવા છે જેઓ રાશનનું અનાજ ખાય છે અને તેઓ પણ આડકતરી રીતે ટૅક્સ ભરે જ છે. ભારતના જીડીપીમાં આવા લોકોએ ભરેલા ઇનડાયરેક્ટ ટૅક્સનો મહત્ત્વનો હિસ્સો છે.”

કઈ ચીજ પર કેટલો ટૅક્સ લાગે છે?

બીબીસી ગુજરાતી જીએસટી ઇનડાયરેક્ટ ટૅક્સ માયાભાઈ આહિર આવકવેરો ઇન્કમટૅક્સ

ઇમેજ સ્રોત, Hemant Kumar Shah/FB

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ ઑઇલનો જીએસટી હેઠળ સમાવેશ કરવામાં નથી આવ્યો. તેથી તેના પર સેન્ટ્રલ ઍક્સાઇઝ ડ્યૂટી અને રાજ્યોનો વેટ (વેલ્યૂ એડેડ ટૅક્સ) લાગે છે. વેટના દર દરેક રાજ્ય મુજબ 6 ટકાથી લઈને 39 ટકા સુધી હોઈ શકે છે.

જેમ કે ગુજરાતમાં પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને ચાર ટકા સેસ લાગે છે, જ્યારે ડીઝલ પર 14.9 ટકા વેટ અને ચાર ટકા સેસ લાગે છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર 25 ટકા વેટ અને લીટર દીઠ 5.12 રૂપિયા વધારાનો સેસ લાગુ પડે છે, જ્યારે ડીઝલ પર 21 ટકા વેટ લાગે છે. એટલે કે વાહનનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ પરોક્ષ રીતે આટલો ટૅક્સ ભરે છે, ભલે તે ઇન્કમટૅક્સ ભરતા ન હોય.

તમે એસી, ફ્રીઝ, વોશિંગ મશીન, ડિશવોશર, ટીવી, માઈક્રોવેવ ઓવન ખરીદો તો તેના પર 18 ટકા જીએસટી લાગે છે. સાઈકલ જેવી સામાન્ય ચીજ અને તેના સ્પેરપાર્ટ્સ પર પણ પાંચ ટકા જીએસટી લાગે છે.

બાળકને ભણાવો ત્યારે પણ ટૅક્સ ભરવો પડે છે, પછી તે નોટબુક, ચોપડા, શૂઝ કે સ્ટેશનરી પરનો જીએસટી હોય કે પછી કોચિંગ ક્લાસિસ પર લાગતો ટૅક્સ હોય. શાળા કે કૉલેજની ટ્યુશન ફી જીએસટીથી મુક્ત છે, પરંતુ ઓનલાઇન કોર્સ, ઍજ્યુકેશન ટૅક્નૉલૉજીના પ્લેટફૉર્મ, કોચિંગ ક્લાસ વગેરે પર 18 ટકા જીએસટી લાગે છે.

નોટબુક પર 12 ટકા જીએસટી લાગે છે, જ્યારે પેન, પેન્સિલ, સ્કૂલ યુનિફોર્મ પર 18 ટકા સુધી જીએસટી હોય છે.

જીએસટીમાં છેલ્લે સુધારા કરવામાં આવ્યા ત્યાર પછી વ્યક્તિગત અથવા ફેમિલી પોલિસીના પ્રીમિયમ પર જીએસટી નથી લાગતો, પરંતુ કોર્પોરેટ પ્લાન હેઠળ ગ્રૂપ હેલ્થ ઇન્શ્યોરન્સ પર 18 ટકા જીએસટી લાગે છે.

નાની-મોટી દરેક ચીજ પર જીએસટી

બીબીસી ગુજરાતી જીએસટી ઇનડાયરેક્ટ ટૅક્સ માયાભાઈ આહિર આવકવેરો ઇન્કમટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

આરોગ્યની વાત કરીએ તો ડૉક્ટરના કન્સલ્ટેશન, સર્જરી, ડાયગ્નોસ્ટિક ટૅસ્ટ, ઍમ્બ્યુલન્સ સર્વિસ પર ટૅક્સ નથી. પરંતુ નોન-મેડિકલ સારવાર અને બીજી પ્રોસિઝર પર ટૅક્સ લાગે છે.

જેમ કે જનરલ વોર્ડમાં દર્દીને દાખલ કરવામાં આવે તો રૂમના ભાડા પર ટૅક્સ નથી, પરંતુ 5000 રૂપિયાથી વધારે દૈનિક ભાડું હોય તેવા નોન-આઈસીયુ રૂમ પર પાંચ ટકા જીએસટી લાગે છે. કોસ્મેટિક અને ઇલેવેટિવ સર્જરી (જેમ કે જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ઑર્થોપેડિક સર્જરી) પર 18 ટકા સુધી જીએસટી લાગે છે.

રોજિંદી ઘરવપરાશની ચીજ જેવી કે સાબુ, શેમ્પૂ, તેલ, ટૂથબ્રશ પર આપણે પાંચ ટકા જીએસટી ચુકવીએ છીએ.

વિમાન પ્રવાસ દરમિયાન ઇકૉનોમી ક્લાસની ટિકિટ માટે પાંચ ટકા અને બિઝનેસ ક્લાસ/ફર્સ્ટ ક્લાસ માટે 18 ટકા જીએસટી લાગે છે.

તેવી જ રીતે મોબાઈલ ફોનના બિલ, વીજળીના બિલ, ઇન્ટરનેટ બિલ વગેરેમાં જીએસટી સામેલ હોય છે.

તમારી પાસે ભલે વાહન ન હોય, પણ તમે બસમાં બેસીને હાઈવે પર જાવ ત્યારે તેનો ટોલ ટૅક્સ તમારી ટિકિટમાં આવી જાય છે. ફિલ્મની ટિકિટનો ભાવ 100 રૂપિયાથી ઓછો હોય તો પાંચ ટકા અને તેનાથી વધારે હોય તો 18 ટકા સુધી જીએસટી લાગે છે.

ગરીબોની આવકનો મોટો હિસ્સો જીએસટીમાં જાય

બીબીસી ગુજરાતી જીએસટી ઇનડાયરેક્ટ ટૅક્સ માયાભાઈ આહિર આવકવેરો ઇન્કમટૅક્સ

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા એક દાયકામાં દેશમાં ઇન્કમટૅક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યા બમણા કરતાં વધુ થઈ છે, પરંતુ તેમાંથી મોટા ભાગના શૂન્ય ટૅક્સ ભરે છે અથવા ટીડીએસ રિફંડ મેળવવા માટે રિટર્ન ફાઇલ કરે છે.

ભારતમાં ખરેખર ત્રણ ટકાથીટકાથી પણ ઓછા લોકો આવકવેરો ભરે છે તે વાત સાચી, પરંતુ તેનું મુખ્ય કારણ એ છે કે 97 ટકા લોકોની આવક જ એટલી નથી કે તેમણે ઇન્કમટૅક્સ ભરવો પડે.

હાલમાં નવી ટૅક્સ સિસ્ટમમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત રાખવામાં આવી છે, જ્યારે પગારદાર લોકોએ 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટૅક્સ ભરવો પડતો નથી.

જોકે, ઇનડાયરેક્ટ ટૅક્સમાંથી કોઈ બચી શકતું નથી. ઓક્સફામ ઇન્ટરનૅશનલના રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારતમાં મોટા ભાગનો ઇનડાયરેક્ટ ટૅક્સ ગરીબો દ્વારા ભરવામાં આવે છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી ગરીબ 50 ટકા લોકો જ 66 ટકાથી વધારે જીએસટી ચુકવે છે.

આવકવેરા વિભાગના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં સરકારે ડાયરેક્ટ ટૅક્સ પેટે 28.12 લાખ કરોડની આવક મેળવી હતી, જેમાં ઇન્કમટૅક્સ, કોર્પોરેટ ટૅક્સ, કેપિટલ ગેઇન્સ ટૅક્સ વગેરે સામેલ છે.

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સરકારે 23.11 લાખ કરોડની આવક જીએસટી તરીકે મેળવી હતી જે એક રેકોર્ડ છે. સરકારની જીએસટીની આવક સતત વધતી જાય છે. જેમ કે જૂન 2026માં 1.94 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે જીએસટીની આવક થઈ હતી.

હેમંતકુમાર શાહના કહેવા પ્રમાણે, “વિકસીત દેશોની તુલનામાં ભારતમાં ધનાઢ્ય લોકો પર બહુ ઓછો ટૅક્સ છે. ભારતમાં હાલમાં વારસામાં સંપત્તિ આપવા પર કોઈ ટૅક્સ નથી, જ્યારે યુરોપના કેટલાક દેશોમાં 50 કે 55 ટકાથી પણ વધારે વારસાઈ વેરો છે. તેથી ભારતે ધનાઢ્યો પર વધારે ઊંચો વેરો નાખવો જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS