Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Debarchan Chatterjee/NurPhoto via Getty Images
વાંચવાનો સમય: 4 મિનિટ
ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલાં પ્રદર્શનો વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૉંગ્રેસ અને તેના રાજકીય સહયોગીઓ પર નિશાન સાધ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે યુવાનોની ઊર્જાને રાષ્ટ્રનિર્માણમાં લગાડવાના બદલે તેમને અરાજકતા અને રાજકીય ટકરાવનું મોહરું બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજનાથ સિંહે શુક્રવારે લખનૌમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી.
રાજનાથ સિંહે કહ્યું હતું, “દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની છે, તે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એવું લાગે છે કે કૉંગ્રેસ અને તેના રાજકીય સહયોગીઓ સીધા તેમજ પોતાના સમર્થક સંગઠનો મારફતે યુવાનોની ઊર્જાને રચનાત્મક કાર્યો અને રાષ્ટ્રનિર્માણ તરફ દોરવાના બદલે રાજકીય ટકરાવ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
“દેશના યુવાનોને અરાજકતાની રાજનીતિનું મોહરું બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ બાંગ્લાદેશની તર્જ પર સરકાર બદલવા માંગે છે અને એક પ્રેસ વાર્તામાં ખુલ્લેઆમ કહે છે કે તેમને સરકાર બદલવાની પ્રેરણા બાંગ્લાદેશ પાસેથી મળી છે.”
“તો બીજું એક જૂથ ખુલ્લેઆમ સરકારને પાડી દેવાની વાત કરે છે. આ સ્પષ્ટ કરે છે કે તેમનો એકમાત્ર અજેન્ડા લોકશાહી સંસ્થાઓને ધ્વસ્ત કરવાનો અને દેશમાં આગ લગાડવાનો છે.”
રાજનાથે કહ્યું હતું, “‘સરકાર બદલવા’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે દર્શાવે છે કે તેમની લડાઈ ચૂંટણી સુધારા, SIR, જ્ઞાનેશકુમાર અથવા દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નથી. તેમની લડાઈ દેશમાં અરાજકતા પેદા કરીને સત્તા મેળવવાની એક સાજિશ છે.”
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવએ રાજનાથ સિંહની પ્રેસ કૉન્ફરન્સ પર ટિપ્પણી કરતાં તેને ઉત્તર પ્રદેશની રાજનીતિ સાથે જોડી હતી.
તેમણે ઍક્સ પર લખ્યું હતું, “સાંભળવા મળ્યું છે કે સત્તાધારીઓ તરફથી કોઈ મોટી પ્રેસ કૉન્ફરન્સ થઈ રહી છે.”
“લાગે છે કે ‘લખનૌ-ઍક્સપ્રેસ’નું એન્જિન ફેલ થઈ ગયું છે, એટલે જ દિલ્હીના એન્જિને લખનૌની કમાન કોઈ બીજી વ્યક્તિને સોંપવાનો આંતરિક નિર્ણય કરી લીધો છે.”
અખિલેશે વધુમાં લખ્યું હતું, “આ પ્રેસ કૉન્ફરન્સ તો માત્ર દેખાડો છે, અસલી રમત તો લખનૌના એન્જિનને ખટારા સાબિત કરીને તેને કાયમ માટે હટાવવાની છે. હવે લખનૌવાસીઓની રક્ષા કોણ કરશે?”
અભિજિત દીપકેની જાહેરાત બાદ કનૉટ પ્લેસમાં ભારે સુરક્ષા દળોની તહેનાતી, તસવીરો જુઓ
ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 16 ઑક્ટોબરે CJPના તિરંગા ફરકાવવાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે.
દિલ્હી પોલીસના ડીસીપી નેહા યાદવે જણાવ્યું હતું કે CJPએ સોશિયલ મીડિયા અને પ્રેસ કૉન્ફરન્સ દ્વારા લોકોને 16 ઑક્ટોબરે સાંજે 5 વાગ્યે સેન્ટ્રલ પાર્કમાં રાષ્ટ્રીય ધ્વજ સાથે એકત્ર થવાની અપીલ કરી છે.
નેહા યાદવે કહ્યું હતું, “વર્તમાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કનૉટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં છે.”
આ દરમિયાન કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં કનૉટ પ્લેસમાં દુકાનો બંધ જોવા મળી રહી છે અને ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ સ્રોત, ANI
ગાંધીનગરના છત્રાલ જીઆઇડીસી વિસ્તારમાં ફૅક્ટરીમાં વિસ્ફોટ, ચાર કામદારોનાં મોત
ઇમેજ સ્રોત, ians
ગાંધીનગર જિલ્લાની છત્રાલ જીઆઇડીસી ફેઝ-4 વિસ્તારમાં આવેલી એક ફૅક્ટરીમાં ગુરુવારે બપોરે થયેલા વિસ્ફોટમાં ચાર કામદારોનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે. જે. ગઢવીએ જણાવ્યું કે આ ઘટના ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીઆઇડીસી) વિસ્તારમાં આવેલી કોવિકા ડાયઝ ઍન્ડ ઇન્ટરમિડિયેટ્સ નામની ફૅક્ટરીમાં બની હતી. આ કંપની રંગદ્રવ્યોનું ઉત્પાદન અને નિકાસ કરે છે.
તેમના જણાવ્યા અનુસાર, બોઇલર વેસલની નજીક પાઇપ ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટના ચોક્કસ કારણ માટે હાલમાં તપાસ ચાલી રહી છે.
અમેરિકામાં એક પ્રાથમિક શાળામાં 16 વર્ષીય છોકરાનો ગોળીબાર, શિક્ષક અને ત્રણ બાળકનાં મોત
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના ઓરેગન રાજ્યમાં ગુરુવારે એક પ્રાથમિક શાળામાં ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાં છે.
સ્થાનિક પોલીસ અનુસાર, મૃતકોમાં ત્રણ બાળકો અને એક શિક્ષક સામેલ છે. અમેરિકામાં બીબીસી સહયોગી સીબીએસના રિપોર્ટ અનુસાર, ઘટના માટે જવાબદાર ગણાવાતો 16 વર્ષીય સંદીગ્ધ છોકરો પણ માર્યો ગયો છે.
ગોળીબારમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. જેમાં સાત વર્ષનું બાળક અને એક શિક્ષક સામેલ છે. બંનેને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે.
પોલીસ અનુસાર, ગુરુવારે બપોરે ઓરેગનના બૅન્ડમાં આવેલા સિલ્વર રેલ ઍલીમેન્ટ્રી શાળામાં ગોળીબારની માહિતી મળી હતી.
જણાવાઈ રહ્યું છે કે એક અજ્ઞાત સંદિગ્ધે પ્રથમ કાર પર ગોળી ચલાવી અને બાદમાં શાળા પરિસરમાં દાખલ થઈ ગયો હતો.
બૅન્ડ પોલીસ પ્રમુખ માઇક ક્રૅન્ઝે જણાવ્યું, “સંદિગ્ધને એક સ્થાનિક નાગરિકે ગોળી મારી હતી.”
“એ વ્યક્તિએ સંદિગ્ધને શાળામાં પ્રવેશ કરતા જોયો હતો અને તેનો પીછો કરીને ઇમારતમાં પહોંચી ગયો હતો, જ્યાં બંને વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં સંદિગ્ધ માર્યો ગયો.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




