Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુદ્ધ

ઇમેજ સ્રોત, AFP via Getty Images

મેજી અલાબીએ બિયોન્સે, બર્ના બૉય, ડૅવિડો અને સ્ટોર્મઝી જેવાં દુનિયાનાં કેટલાંક ખ્યાતનામ મ્યુઝિક આર્ટિસ્ટ્સના મ્યુઝિક વીડિયોનું દિગ્દર્શન કર્યું છે. પણ આ ગ્રૅમી એવોર્ડ વિજેતા દિગ્દર્શક નાઇજીરિયાના ગૃહયુદ્ધ પરની તેમની નવી ડૉક્યુમેન્ટ્રી માટે બિલકુલ તૈયાર નહોતા.

ચેતવણીઃ આ લેખની કેટલીક વિગતો વાચકોને વ્યથિત કરી શકે છે.

બીબીસી આફ્રિકા આઇ દ્વારા નિર્મિત “સર્વાઇવિંગ બિયાફ્રાઃ વોઇસિસ ફ્રૉમ ધ નાઇજીરિયન સિવિલ વૉર” નામની ડૉક્યુમેન્ટ્રીમાં 1967થી 1970 સુધી ચાલેલા વિનાશક યુદ્ધના મોરચે અગાઉ કદીયે ન જોવા મળ્યાં હોય, એવાં ફૂટેજ સામેલ કરવામાં આવ્યાં છે. તે સમયે વંશીય તણાવોએ પશ્ચિમ આફ્રિકાના આ યુવાન દેશના ટુકડેટુકડા કરી નાખવાની ધમકી આપી હતી.

લંડનમાં નાઇજીરિયન માતા-પિતાના ઘરે જન્મેલા અને પછીથી શાળાકીય અભ્યાસ માટે અમેરિકાના ટેક્સાસ સ્થળાંતર કરી ગયેલા 37 વર્ષના મેજી અલાબી જણાવે છે, “મારા માટે તે આંખો ઉઘાડનારો અનુભવ હતો. મોટો થયો, ત્યાં સુધી યુદ્ધ વિશે કે કોણ કોની સાથે લડી રહ્યું છે, તેની મને ખાસ જાણકારી નહોતી.”

મેજીની કારકિર્દીનો સુવર્ણકાળ પાંચ વર્ષ પહેલાં આવ્યો, જ્યારે તેમણે બિયોન્સેના હિટ ગીત ‘બ્રાઉન સ્કીન ગર્લ’ના મ્યુઝિક વીડિયોના સહ-દિગ્દર્શન બદલ ગ્રૅમી પુરસ્કાર જીત્યો.

જ્યારે તેમણે તેમના કાકા લેકે અલાબી-ઈસામા સાથે મળીને ઇતિહાસ વિશેનો ડૉક્યુમેન્ટ્રી પ્રોજેક્ટ બનાવવાની યોજના ઘડી, ત્યારે તે બંનેને નાઈજીરિયાના આઘાતજનક ભૂતકાળની જાણ થઈ. તેમના કાકા લેકે અલાબી-ઇસામા પણ ફિલ્મસર્જક છે તેમજ તેમની લાગોસ-સ્થિત નિર્માણ કંપની પ્રાયરગોલ્ડ પિક્ચર્સના સહ-સ્થાપક છે.

તેમની પાસે જે કંઈ થોડી-ઘણી માહિતી હતી, તે લેકેના પિતા અને મેજીના દાદા ગોડવિન અલાબી-ઈસામા પાસેથી જાણવા મળી હતી. ગોડવિન લશ્કરના કમાન્ડો હતા અને બિયાફ્રા નામના અલગ રાજ્ય માટે દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં લડી રહેલા વંશીય ઇગ્બો અલગતાવાદી જૂથો સામે સરકારી લશ્કર તરફથી લડ્યા હતા.

નાઇજીરિયામાં લોહિયાળ યુદ્ધ કેમ લડાયું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુદ્ધ

ઇમેજ સ્રોત, Meji Alabi

લેકેએ જણાવ્યું હતું, “મેં તે ગૃહયુદ્ધને ફક્ત નાઈજીરિયન (સરકારી લશ્કરના) દૃષ્ટિકોણથી જ જોયું હતું. મેં કદી તેની ભયાનકતા વિશે જાણ્યું નહોતું. મેં કદી સામા પક્ષની વેદના અને હાડમારી જાણી નહોતી.”

આફ્રિકા આઇ ડૉક્યુમેન્ટ્રીના નિર્માણ દરમિયાન તે સમયે જીવતા બચી ગયેલા લોકો (જેઓ હવે સિત્તેર-એંશી વર્ષ ઉપરના છે)એ તે ગાળામાં જીવવાના અને લડવાના તેમના અનુભવો યાદ કર્યા હતા, જેણે લાખો જિંદગીઓ બદલી નાખી હતી અને તેની અસર હજુયે વર્તાય છે.

ઇગ્બો વંશીય જૂથના જનરલની આગેવાની હેઠળ થયેલા જાન્યુઆરી, 1966ના બળવામાં ઉત્તર નાઇજીરિયાના ડઝનબંધ રાજનેતાઓની હત્યા કરવામાં આવી, તે પછી ઇગ્બો સમુદાય પર હિંસક હુમલાઓનો સિલસિલો શરૂ થયો.

તે પછી લગભગ દસ લાખ ઈગ્બો લોકો દેશના દક્ષિણ-પૂર્વમાં આવેલા તેમના પરંપરાગત વતનમાં પરત ફર્યા, જ્યાં ત્રણ રાજ્યો અલગ પડ્યાં અને સ્વતંત્ર રિપબ્લિક ઑફ બિયાફ્રાની સ્થાપના કરી.

તે પછી નાઈજીરિયન સરકારે યુદ્ધ જાહેર કરી દીધું – જે આફ્રિકા ખંડ પર લડાયેલાં સૌથી લોહિયાળ અને વિભાજનકારી યુદ્ધો પૈકીનું એક હતું.

એક અંદાજ પ્રમાણે, આ યુદ્ધમાં આશરે ત્રણથી પાંચ લાખ લોકો મોતને ભેટ્યા હતા, જેમાં બાળકો મોટા પ્રમાણમાં હતાં. આ યુદ્ધ વિશ્વની એવી પ્રથમ માનવીય હોનારત હતી, જેનું ટીવી પર પ્રસારણ થયું હતું.

યુદ્ધની યાતનાના ઇતિહાસથી સામાન્ય નાઇજીરિયન કેમ અજાણ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુદ્ધ

ઇમેજ સ્રોત, Godwin Alabi-Isama

ભૂખે મરી રહેલાં બાળકોનાં હૃદયદ્રાવક દૃશ્યો પ્રથમ વખત ટીવી મારફત લોકોના લિવિંગ રૂમ સુધી પહોંચ્યાં. 30 મહિના સુધી લડત આપ્યા પછી બિયાફ્રાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

નાઇજીરિયાની મોટા ભાગની પ્રજા પેઢી દર પેઢી ચાલી આવતી કહાણીઓ થકી ઇતિહાસના આ પ્રકરણ વિશે જાણે છે. સપ્ટેમ્બર, 2025 પહેલાંના એક દાયકા કરતાં વધુ સમય સુધી ઇતિહાસ વિષય ઔપચારિક રીતે નાઇજીરિયાના રાષ્ટ્રીય શાળા અભ્યાસક્રમનો ભાગ નહોતો.

દક્ષિણ-પશ્ચિમ નાઇજીરિયાના ઓગુન રાજ્યના અબેઓકુટામાં જન્મેલા અને મોટા થયેલા 44 વર્ષના લેકે માટે આ ઇતિહાસ “પુસ્તકની એક કે બે લાઇન જેટલો જ હતો.”

તેમણે કહ્યું હતું, “લોકો જે યાતનામાંથી પસાર થયા હતા… તે ઇતિહાસને હજુયે સંપૂર્ણ રીતે આવરી લેવાયો નથી. અને મને લાગે છે કે, મારા માટે, નાઇજીરિયા ખુદ તેના પોતાના સત્યનો સામનો કરતાં ડરે છે.”

લેકે અને તેમનાં 23 ભાઈ-બહેન તેમના પિતા ગોડવિન અલાબી-ઈસામા પાસેથી યુદ્ધની કહાણીઓ સાંભળીને મોટાં થયાં હતાં. ગોડવિન અલાબી આ ઘર્ષણ દરમિયાન 3 મરીન કમાન્ડોના બ્રિગેડિયર બેન્જામિન અડેકુન્લેના ચીફ ઑફ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા.

તેમણે કહ્યું હતું, “મને એવું લાગતું હતું કે, મારા પિતા આ નગર અને આ ગામડાંને મુક્ત કરવામાં મદદ કરવા માટે જાણીતા હતા. હું તેમને વૉર હીરો તરીકે જોતો હતો.”

ત્રીસ વર્ષની વય વટાવ્યા પછી લેકેએ જ્યારે યુદ્ધમાં ખરેખર શું બન્યું હતું, તેનું સંશોધન કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને બિયાફ્રાના ભયાનક ભૂખમરા, યુદ્ધમાં તેમના પિતાની વિવાદાસ્પદ ભૂમિકા અને લોકોએ વેઠેલી યાતના વિશે જાણ થઈ.

3 મરીન કમાન્ડો સહિતના સરકારી લશ્કરે બિયાફ્રામાં નાગરિકોને મારી નાખવા સહિતના યુદ્ધના આરોપોનો સામનો કરવો પડ્યો છે.

લેકેએ કહ્યું હતું, “મેં પ્રથમ વખત તે ફૂટેજ જોયાં, જેમાં લોકો, બાળકો ભૂખે મરી રહ્યાં હતાં… એ વિહ્વળ કરી મૂકનારાં દૃશ્યો હતાં. અને મને લાગે છે કે, મારા માટે તે હકીકતનો સામનો કરવાની ક્ષણ હતી.”

“મારા માટે તે એવી ક્ષણ હતી, જ્યાં યુદ્ધની ભયાનકતા હકીકત બનીને સામે આવી. તેને કદાચ આ રીતે વર્ણવી શકાય – “હા, કશુંક ભયંકર બન્યું હતું અને મારા પિતા સામા પક્ષે હતા.””

“જ્યારે તમને ખબર પડે છે કે, તમારું સત્ય એ એકમાત્ર સત્ય નથી, ત્યારે તે વિનમ્રતાભરી ક્ષણ હોય છે.”

લેકે અને મેજીએ કહ્યું હતું કે, તેમને સમજાતું નહોતું કે, નાઇજીરિયન લોકોએ ગૃહયુદ્ધના વિષય પર ઘણી ફિલ્મો શા માટે નથી બનાવી. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, તે યુદ્ધમાં શું બન્યું હતું, તેનો સાચો અહેવાલ શોધવાનું કામ કેટલું અઘરું હતું.

અને સામાન્યપણે આંતરરાષ્ટ્રીય મ્યુઝિક સ્ટાર્સ સાથે કામ કરતી આ બેલડી આ ડૉક્યુમેન્ટ્રી બનાવવા માગે છે, તે પાછળનું એક કારણ આ પણ છે.

ભૂખમરાને કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, યુદ્ધ

ઇમેજ સ્રોત, Meji Alabi

“આ એક એવો વિષય છે, જેના વિશે કોઈ જાહેરમાં બોલતું નથી,” એમ મેજી કહે છે. તેમનાં મ્યુઝિક વીડિયો પ્રોડક્શન્સે નાઇજીરિયાના સંગીતવિશ્વ તરફ દુનિયાનું ધ્યાન દોરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની વિશિષ્ટ, જટિલ કૉરિયોગ્રાફી અને રંગોનો ઉપયોગ લાખો ઓનલાઇન વ્યૂઝ મેળવે છે.

તેમણે કહ્યું હતું, “આ અગાઉ કદી આ વિષય પર સીધો હુમલો કરવામાં આવ્યો નથી અને જિજ્ઞાસુ યુવા પેઢી તરફથી તેની કદી આ રીતે રજૂઆત પણ કરવામાં આવી નથી.”

આ ડૉક્યુમેન્ટ્રી આ પ્રદેશની પ્રતિભાઓને સાથે લાવે છે – ડૉક્યુમેન્ટ્રીમાં સંગીત આપવા માટે મેજીએ ઘાનાના સંગીતકાર રે માઇકલ જેનને મનાવી લીધા હતા, જેમણે ‘બ્લૅક પેન્થરઃ વાકાંડા ફોરેવર’ માટેના સાઉન્ડટ્રૅક પર કામ કર્યું હતું.

આ ઉપરાંત ડૉક્યુમેન્ટ્રી માટે બીબીસીની ઇગ્બો સર્વિસ, ઇગ્બો સમુદાયના ઇતિહાસકારોની મદદ લેવાઈ છે અને યુદ્ધમાં બચી ગયેલા લોકોની આપવીતીને પણ તેમાં સામેલ કરવામાં આવી છે. આ પૈકીના અમુક સર્વાઇવરોએ આ કારમા અનુભવો વિશે અગાઉ ક્યારેય જાહેરમાં વાત કરી નથી.

લેકેએ કહ્યું હતું, “આ પેઢી ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહી છે અને જો આપણે તેમની જુબાનીઓને સાચવીશું નહીં, તો આપણે માત્ર તેમની યાદો જ નહીં, બલ્કે તેની સાથે આ ઇતિહાસનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરવાની તક પણ ગુમાવી દઈશું.”

ડૉક્યુમેન્ટ્રીનાં બે મુખ્ય પાત્રો ભૂતપૂર્વ મહિલા સૈનિકો છે, જેઓ સામ-સામા પક્ષે રહીને યુદ્ધ લડ્યા હતાં. આ ઉપરાંત એક એઇડ વર્કર (સહાયતા કાર્યકર) અને બીબીસીના ભૂતપૂર્વ સંવાદદાતા માર્ટિન બેલના પણ ઇન્ટરવ્યૂ છે. તેમણે બંનેએ આ કટોકટીના આંતરરાષ્ટ્રીય પ્રતિભાવની ટીકા કરી હતી.

લેકે અને મેજીએ અગાઉ ગોડવિન અલાબી-ઈસામા પાસેથી યુદ્ધની ઘણી વાતો સાંભળી હતી, પણ તેઓ કદીયે તેમને આકરા સવાલો પૂછવાની સ્થિતિમાં નહોતા.

3 મરીન કમાન્ડો સામે લગાવવામાં આવેલા યુદ્ધના અપરાધના આરોપો અંગે ભૂતપૂર્વ કમાન્ડર ગોડવિનની પૂછપરછ કરી શકાય, તે સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરવ્યૂની જવાબદારી બીબીસીની સંપાદકીય ટીમે સંભાળી.

સંઘર્ષ દરમિયાન નાઇજીરિયાની સરકારે બિયાફ્રામાં ખાદ્યાન્નનો જથ્થો પહોંચતો પણ અટકાવી દીધો હતો, એટલું જ નહીં, દરિયાઈ બંદરો, ઍરફિલ્ડ્સ સાથેના સંપર્કો તેમજ વિદેશી પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યા હતા.

આ નાકાબંધીને લીધે દુકાળ પડ્યો અને એવું મનાય છે કે, ભૂખમરાને કારણે હજારો લોકો મોતને ભેટ્યા.

લેકેએ એ ક્ષણનું વર્ણન કર્યું હતું, જ્યારે તેમણે તેમના પિતાને અશક્ત બાળકોનાં બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફૂટેજ બતાવ્યાં અને કહ્યું કે, ત્યાં સુધી પોતાના 43 વર્ષના જીવનમાં તેમણે કદીયે તેમના પિતાના અવાજને ધ્રૂજતો નહોતો સાંભળ્યો.

તેમણે કહ્યું હતું, “હું જ્યારે પણ એ ફૂટેજ ફરી-ફરીને જોઉં છું, ત્યારે એ દૃશ્ય આવતાં મારા રૂંવાડા ઊભા થઈ જાય છે.”

ઇન્ટરવ્યૂ દરમિયાન તેમના પિતાએ એ પણ જણાવ્યું કે, સંઘર્ષના સમયે અજાણતાં તેમણે માનવમાંસ ખાધું હતું. માનવભક્ષણની આ ઘટના ત્યારે બની હતી, જ્યારે કબજા હેઠળના બિયાફ્રા પ્રદેશમાં ગામના લોકો દ્વારા તેમના યુનિટને ભોજન પીરસવામાં આવ્યું હતું.

આગામી ડૉક્યુમેન્ટ્રી અંગે પ્રતિક્રિયા આપતાં નાઇજીરિયાની સરકારે કહ્યું હતું કે, આશા છે કે, તે ડૉક્યુમેન્ટ્રી છેલ્લાં 59 વર્ષોમાં દેશે કેટલી લાંબી સફર ખેડી છે, તેની યાદ અપાવશે અને આવનારી પેઢીઓ માટે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં સંવાદ, સમાધાન તથા સહિયારા હેતુનું મહત્ત્વ દર્શાવશે.”

લેકે અને મેજી, બંને પણ આ જ ઈચ્છે છે, અને આનાથી વધુ પણ ઈચ્છે છે.

લેકેએ કહ્યું હતું, “મને આશા છે કે, આ ફિલ્મ નાઇજીરિયનોને આપણા સહિયારા ઇતિહાસનાં અંધકારમય પાસાંઓનો પ્રામાણિકતા અને અનુકંપા સાથે સામનો કરવા માટે પ્રોત્સાહિત કરશે.”

તેમની વાત સાથે સંમત થતાં મેજીએ કહ્યું હતું, “અમે સાચે જ આશા સેવીએ છીએ કે, આ ડૉક્યુમેન્ટ્રી વધુને વધુ સર્વાઇવરોને તેમની આપવીતી જણાવવાની અને આપણા ઇતિહાસનું આગળ દસ્તાવેજીકરણ કરવાની પ્રેરણા પૂરી પાડે. આ કામ કરવાની જવાબદારી આપણી છે.”

વધારાનું રિપોર્ટિંગ ચાર્લી નોર્થકોટ, ઇઝી ફ્લેમિંગ અને એડલાઇન ઓકરે દ્વારા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS