Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ વગેરે તાલુકાના કેટલાંય ગામોના લોકો વ્યવસાયે માછીમાર છે.
અહીંના લોકો કહે છે કે ખેતીવાડીમાં કામ કરતા મજૂરને મહિને આશરે 10,000થી 12,000 રૂપિયા મજૂરી મળે છે. પરંતુ જો કોઈ પુરુષ માછીમારી કરવા જાય તો તેને આશરે 15,000 રૂપિયા જેટલો પગાર દર મહિને મળે છે.
જોકે, દરિયાનું ખેડાણ જોખમ ભરેલું છે.
પાકિસ્તાનની જળસીમામાં કથિત રીતે ગેરકાયદેસર પ્રવેશી માછીમારી કરવા બદલ દર વર્ષે ગીર સોમનાથ જિલ્લાના કેટલાય માછીમારો પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સીના હાથે પકડાઈ જાય છે.
પકડાયા પછી તેમને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રહેવું પડે છે અને તેમના પરિવારનું જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. માછીમારોની પત્નીઓ પર બાળકોને એકલા હાથે મોટાં કરવાની અને પતિની ગેરહાજરીમાં આજીવિકા રળવાની, એમ બેવડી જવાબદારી આવી પડે છે.
દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ પાકિસ્તાન તેની જેલોમાં રહેલા ભારતીય નાગરિકો કે માનવામાં આવતા ભારતીય નાગરિકોની યાદી ભારતને સોંપે છે અને તે જ રીતે ભારત તેની જેલોમાં રહેલા પાકિસ્તાની નાગરિકો કે માનવામાં આવતા પાકિસ્તાની નાગરિકોની યાદી પાકિસ્તાનને સોંપે છે.
પાકિસ્તાને 1 જાન્યુઆરી, 2026 ના રોજ ભારત સરકારને સોંપેલી યાદી અનુસાર હાલ 198 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં છે અને તેમાના મોટા ભાગના ગીર સોમનાથ જિલ્લાના છે.
જો કોઇ માછીમાર દરિયામાં માછલી પકડતી વખતે તેના જીવનમાં પ્રથમ વાર પાકિસ્તાનના હાથે પકડાઈ જાય તો ગુજરાત સરકાર તેના પરિવારને દર મહિને 9,000 રૂપિયાની રોકડ સહાય ચૂકવે છે. પરંતુ માછીમારોની પત્નીઓ કહે છે કે, મોંઘવારીના આ જમાનામાં સહાયની આટલી રકમ ઓછી પડે છે. તેમનું એમ પણ કહેવું છે કે, આ રકમ ઓછી પડવાને કારણે તેમને તેમનાં બાળકોને શાળાએ જતાં રોકી મજૂરીનાં કામોમાં જોતરવાની ફરજ પડી રહી છે.
પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોની પત્નીની માઠી દશા
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઉના તાલુકાના ખાણ ગામના માછીમાર કરશનભાઇ પરમાર 2022માં પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયા હતા. તેમની અનુપસ્થિતિમાં તેમની બે દીકરીઓ અને બે દીકરાનું પાલન તેમનાં પત્ની રાજીબહેન એકલા હાથે કરી રહ્યાં છે.
કરશનભાઇના મોટા ભાઈ મનુભાઈ પણ માછીમાર જ છે અને બીબીસી ગુજરાતીએ 17 એપ્રિલ, 2026ના રોજ ખાણ ગામની મુલાકાત લીધી ત્યારે તેઓ માછીમારી કરવા માટે દરિયામાં હતા.
બંને ભાઈઓના પિતા રામભાઈ હયાત નથી. જયારે માતા કડવીબહેન વૃદ્ધ છે. બંને ભાઈઓનો પરિવાર બાજુ-બાજુમાં આવેલાં મકાનોમાં અલગ-અલગ રહે છે.
રાજીબહેન કહે છે કે તેમની એક દીકરી નવમા ધોરણમાં ભણે છે અને દરરોજ વહેલી સવારે નજીકના શહેરમાં આવેલી શાળાએ જવા નીકળી પડે છે. નાની દીકરી જયોત્સના સાતમા ધોરણમાં અને સૌથી નાનો દીકરો નવલ ચોથા ધોરણમાં ભણે છે. તે બંને ખાણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણે છે. પરંતુ હવે 16 વરસનો થઇ ગયેલો મોટો દીકરો ખેતીવાડીમાં મજૂરીએ જાય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજીબહેન કહે છે કે, 9,000 રૂપિયાની સરકારી સહાય અને તેમને ખેતીવાડીમાં મજૂરી કરવાથી દૈનિક ધોરણે મળતા 200 રૂપિયા પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચલાવવા માટે અપૂરતા સાબિત થતા હતા. તેથી તેમણે તેમના મોટા દીકરાને શાળાએ જતો અટકાવી ખેતીવાડીમાં મજૂરીએ મોકલવાની ફરજ પડી હતી.
રાજીબહેન કહે છે, “તે ભણતો હતો પરંતુ મેં તેને ઉઠાડી લીધો. દાડી (મજૂરી) 200 રૂપિયા છે. પરંતુ અત્યારે જાવું-આવવું, ખવરાવવું-પીવરાવવું… પાંચ પાંચના ડેબા ભરવા (ભરણપોષણ કરવું) તો દાડીયે તો જાવું પડે ને?”
ઇમેજ સ્રોત, Karshan Bambhaniya family
રાજીબહેન એક સ્થાનિક લેબર કૉન્ટ્રેક્ટરના માધ્યમથી વીસથી ચાલીસ કિલોમીટર દૂર આવેલાં ગામોમાં મજૂરી કરવા દરરોજ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળે છે અને સાંજે 7 વાગ્યે પરત ફરે છે.
તેઓ કહે છે કે, આખો દિવસ તેમને તેમનાં ત્રણ નાનાં બાળકોની ચિંતા રહે છે.
રાજીબહેન જણાવે છે, “પાંચ વાગ્યે ઉઠીએ, ટિફિન કરીને દાડીએ જઈએ, છોકરાને તૈયાર કરીને ભણવા મોકલી દઈએ. સાંજે પાછા સાત વાગ્યે આવીને રાંધીએ, છોકરાંને ગોતીએ-ભેગાં કરીએ, ભેગાં મળીને પછી ખાઈએ અને પછી તેમને સુવડાવી દઈએ. પાછું બીજે દિવસે સવારે ટિફિન લઈને દાડીએ જઈએ. બસ્સો રૂપિયા મજૂરીમાં મળે. બસ્સો રૂપિયામાં તો શું કરી લેવું? છોકરાનું દિવસે તો કોણ ધ્યાન રાખે? ભગવાન ભરોસે રખડે ને રઝળે. સાંજે આવીને ગોતણ કરીએ.”
પાકિસ્તાને 1 જાન્યુઆરી, 2026 ના રોજ ભારત સરકારને સોંપેલ યાદી અનુસાર કરશનભાઇની ત્રણ મહિનાની જેલની સજા 17 નવેમ્બર, 2022ના રોજ પૂર્ણ થઇ ગઈ હતી. પરંતુ રાજીબહેનનો આરોપ છે કે, સજા પૂર્ણ થયાં બાદ ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થયાં છતાં પણ કરશનભાઈને પાકિસ્તાને છોડ્યા નથી.
રાજીબહેન કહે છે કે પતિની ગેરહાજરીમાં તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
રડતાં રડતાં તેઓ કહે છે, “ઘણું અઘરું છે પણ શું કરવું? રાત જાય તો દી જાય નહીં અને દી જાય તો રાત જાય નહીં. માણસોને મોઢે રડીએ તો શું કહે? રડીનેય બતાવાય નહીં… કમાઈએ ને ખાઈએ. પેટમાં બળતું હોય તે તો ન જોવા આવે ને કોઈ આપણે ઘરે.”
પાંચ વર્ષનો દીકરો માછીમાર પિતાને ઓળખશે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ખાણ ગામથી 30 કિલોમીટર દૂર ઉના તાલુકાના લેરકા ગામના ભાવનાબહેન સોલંકી પણ ચાર વર્ષથી તેમના બે દીકરા અને વૃદ્ધ સસરાની સંભાળ એકલા હાથે રાખી રહ્યાં છે.
ભાવનાબહેનને ભય છે કે તેમનો પાંચ વર્ષનો દીકરો વિહાન તેના પિતા મહેશને ઓળખી નહીં શકે.
ભાવનાબહેન કહે છે,” જયારે મહેશ બોટમાં પાકિસ્તાન દ્વારા પકડાયા ત્યારે નાનો છોકરો પાંચ મહિનાનો હતો. ત્યારથી અમે કોઈ કોઈને જોયા નથી. વિહાન તેના પપ્પાને અત્યારે ઓળખતો જ નથી, જરા પણ નહીં. અત્યારે આપણને કહે કે ‘મમ્મી, મારા પપ્પા ક્યાં છે, ક્યારે આવશે?’ આપણે એમ કહીએ કે પાકિસ્તાન ખાતે પકડાઈ ગયા. તો કહે કે ‘ક્યારે આવશે મારા પપ્પા?’ મોટો છે તે પણ. તેના પપ્પાને યાદ કરે તો તે માંદો પડી જાય. આ પણ માંદો પડી જાય. ઘરની અંદર એવી સ્થિતિ આવી જાય કે મારે માંગીને ખાવાનો વારો આવે.”
ભાવનાબહેનના સસરા લાખાભાઇ વૃદ્ધ છે અને હવે કામ કરી શકતા નથી અને ભાવનાબહેને તેમની પણ સંભાળ રાખવી પડે છે.
આંખોમાં આંસુ સાથે ભાવનાબહેન કહે છે, “પાંચ મહિનાના છોકરાને મૂકીને મારે ક્યાં કામે જાવું? મજૂરી તો કરવીને? તો પછી આજુબાજુવાળા છોકરાને રાખે, તો હું નાનું-મોટું કામ કરવા જતી અથવા છોકરાને ભેગો લઈને જતી.”
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પાકિસ્તાન સરકારે 1 જાન્યુઆરીએ પુરી પાડેલી માહિતી અનુસાર મહેશભાઈ 2022માં પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયા હતા અને કોર્ટે ફટકારેલી અમુક મહિનાની જેલની સજા 16 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થઇ ગઈ હતી. પરંતુ ચાર વર્ષ બાદ પણ મહેશભાઇને મુક્ત કરવામાં આવ્યા નથી.
ભાવનાબહેન કહે છે કે તેમના જેવી અન્ય માછીમારની પત્નીઓએ સાથે મળીને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડને અને ડિસેમ્બર, 2025માં ગાંધીનગર જઈ ગુજરાતના કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીને આવેદનપત્ર આપી તેમના પતિઓને છોડાવવા વિનંતી કરી હતી, પરંતુ હજુ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી.
મૃત માછીમારની બે દીકરીઓને કોણ સાચવશે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
લેરકા નજીક ચીખલી ગામનાં વનીતાબહેન બાંભણીયાના પતિ ભગાભાઇ બાંભણીયા 10 વર્ષની અંદર બે વાર પાકિસ્તાન દ્વારા પકડાઈ ગયા હતા.
2022માં ભગાભાઇને પાકિસ્તાને બીજી વાર પકડી લીધા પછી વનીતાબહેન પોતાના પતિનું મોઢું જોઈ ન શક્યાં, કારણ કે 37 વરસના ભાગાભાઈનું બિમારીના કારણે 16 જાન્યુઆરી, 2026ના રોજ પાકિસ્તાનની જેલમાં જ મોત થઇ ગયું.
વનીતાબહેન કહે છે, “તે બે વખત પકડાણા. એક વખત પકડાઈ ગયા ત્યારે મુક્ત થયા. એટલે મેં તેમને માછીમારી છોડી દેવા કહ્યું. પરંતુ તે ન માન્યા. ના પાડીએ તોય તેમને તો એ જ ધંધો ફાવતો હતો. આવું બની જશે તેવું વિચાર્યું પણ નહોતું. બીજી વાર પકડાઈ ગયા પછી મને તેમની ક્યારેય કોઈ ખબર ન મળી. તેઓ જયારે બીમાર પડ્યા તેનો એક વીડીયો આવ્યો હતો. ત્યારે ખબર પડી કે તેમની તબિયત સારી નથી. તેમનું મોત થઇ ગયું, તેના સમાચાર પણ મને કોઈએ ન આપ્યા. જયારે તેમનો મૃતદેહ (6 જાન્યુઆરી, 2026ના રોજ) અમારા ગામ આવ્યો ત્યારે ખબર પડી. ત્યારે પણ હું મારા પતિનું મોઢું છેલ્લી વાર પણ ન જોઈ શકી. કોઈએ મૃતદેહની પેટી ખોલી જ નહીં.”
ભગાભાઈની મોટી દીકરી સંજના આ વર્ષથી શાળાએ જવાનું શરૂ કરવાની છે. જ્યારે નાની દીકરી રાજલ પાંચ વર્ષની છે.
ભગાભાઇના પિતા હયાત નથી અને માતા વૃદ્ધ છે. તેમના મોટા ભાઈ ગભાભાઇ પણ માછીમાર છે અને તેમના પરિવાર સાથે રહે છે. વનીતાબહેનના પિતા પણ માછીમાર છે અને તેઓ પણ પાકિસ્તાનમાં જેલની સજા ભોગવી ચૂક્યા છે. વનિતાબહેનનાં વૃદ્ધ માતા ભનીબહેનને હવે તેમની દીકરી અને બે દોહિત્રીઓની ચિંતા છે.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ખેતીમાં કામ કરતા ભનીબહેન બીબીસી ગુજરાતીને જણાવે છે, “પરિવારમાં જમાઈની તો બહુ જ ઉપાધિ હતી. કારણ કે એકવાર પકડાઈ ગયા ત્યારે મેં છોડીઓને સાચવી હતી. પછી આ પાછા પકડાઈ ગયા પછી મેં ફરી પાંચ વર્ષ સાચવી. વનિતા પોતે પણ બીમાર રહે છે અને તેની પણ દવા ચાલુ છે. મને તો રાત્રે પૂરતી ઊંઘ નથી આવતી. મને ઉપાધિ છે. મેં મારા છોકરા તો મોટા કર્યા. રખડી, રઝળી ને મલકના શેઢા ભાટકીને. પણ હવે આ છોકરીઓને હું કઈ રીતે મોટી કરું? આ છોકરીઓ કાલ સવારે ભખડીયું (યુવાન) થશે, મારાથી પહોંચાય નહીં. હું સાવ છેલ્લે, આખરે આવી ગઈ છું.”
પકડાયેલા માછીમારના પરિવારને હોડી માલિક મદદ કરે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગુજરાતમાં માછીમારી કરવા માટે અંગ્રેજીમાં Trawler (ટ્રૉલર) કહેવાતી મોટી Boat (બોટ) એટલે કે મશીનથી ચાલતી મોટી હોડીનો વ્યાપક ઉપયોગ થાય છે.
આવી બોટના માલિક પણ માછીમાર હોય છે. પરંતુ સામાન્ય રીતે બોટના માલિક પોતે માછીમારી કરવા દરિયામાં જતાં નથી. તેઓ બોટ ચલાવવા માટે ટંડેલ અને માછીમારીનું કામ કરવા માટે ખલાસીને પગારદાર તરીકે રાખે છે. આવા ટંડેલ અને ખલાસીઓ ઘણી વાર પાકિસ્તાન દ્વારા પકડાઇ જાય છે.
માછીમારોના કલ્યાણ માટે કામ કરતી કોડીનારની ‘સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ’ નામની સંસ્થાના પ્રમુખ બાલુભાઈ સોચા કહે છે કહે છે કે, ગીર સોમનાથમાં માછીમારો મોટા ભાગે વિભક્ત કુટુંબમાં રહે છે અને જો માછીમાર પકડાઈ જાય તો તેમનાં પત્ની અને બાળકો દયાજનક સ્થિતિમાં મુકાય છે.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બાલુભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે, “માછીમારીની સિઝન સપ્ટેમ્બરમાં શરુ થાય. પછી સ્થાનિક લેવલે બે મહિના ફિશિંગ કરે. પછી કાંઈ મેળ ન પડે, નુકસાન જાય તો ભારત-પાકિસ્તાનની જળ સીમા ઓળંગીને માછલી પકડવા જાય. હવે તેમાં માલિકોને કંઈ લેવાદેવા નથી. માલિક તો કહે કે માલ જોઈએ, તેના સિવાય તે તો આરોપી બનતો નથી. ગામડાંમાંથી થોડું બાનું લઈને ઘરે આપીને ગયા પછી માછીમાર પકડાઈ જાય તો એમનાં જે બાળકો અને પત્ની હેરાન થાય છે તેની કોઈ સીમા નથી હોતી. એક-એક ઘરે જઈને તો આપણને થાય કે શું કરી શકીએ તેમના માટે! બહુ દયાજનક સ્થિતિ હોય છે.”
બાલુભાઈ આગળ જણાવે છે, “એક દાખલો આપું કે હું, મારી પત્ની અને નાનાં ત્રણ બાળકો છે. હું પાકિસ્તાનમાં પકડાઈ ગયો. મારી પત્નીને મારાં સગાં-સંબંધીઓ હોય. તે પણ સાંભળતા ન હોય. તેમનાં સાસરિયાંવાળાની પણ સ્થિતિ ખરાબ હોય. તેમનાં બાળકો નાનાં છે, શિક્ષણ મળી શકે નહીં, રોજગારી ન મળી શકે. આવી પરિસ્થિતિ થઇ જાય છે.”
તેઓ ઉમેરે છે, “સામાન્ય રીતે બોટ માલિકો પકડાઈ ગયેલા માછીમારોને વધારે આર્થિક મદદ કરી શકતા નથી. કારણ કે, બોટ પકડાઈ જવાથી તેમની લાખો રૂપિયાની સંપત્તિ જાય છે. પાકિસ્તાન હવે પકડાઈ ગયેલી બોટ ભારતીય માછીમારોને પરત કરતું નથી. બીજું એ કે બોટ પકડાઈ જવાથી બોટ માલિકની આવક પણ બંધ થઇ જાય છે.”
સરકાર શું કહે છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઉના વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસી રાઠોડ કહે છે કે, સરકાર માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા સતત પ્રયાસો કરતી રહે છે.
તેઓ કહે છે કે આ મુદ્દે તેઓ પોતે અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સરકારને સતત રજૂઆતો કરતા રહે છે.
કેસી રાઠોડે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “જે કાંઠાળ પટ્ટાની અંદર અમારો સમાજ છે તે માછીમારી સાથે સંકળાયેલો છે. બાકીની રોજીરોટી છે તે ખેતીની છે. આ વિસ્તારના લોકો અવારનવાર પાકિસ્તાનની જેલમાં પકડાઈ જાય તે મોટો સવાલ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી સરહદ ઓળંગીને તેની હદમાં જાય છે, તેના કારણે આમ બને છે. કેન્દ્ર સરકાર આ બાબતે ચિંતિત છે. ધારાસભ્ય તરીકે અમે પણ અનેક રજૂઆતો કરીએ છીએ. અમારા સાંસદ છે. તેઓ પોતે પણ ત્યાં રજૂઆત કરે જ છે. સમયાંતરે, નિયમો-કાયદાને ધ્યાનમાં રાખીને અવારનવાર પ્રાથમિકતા પ્રમાણે જે ખલાસીઓ પાકિસ્તાનની જેલમાં છે તેને કેન્દ્ર સરકાર ભારત પરત લાવવાનું કામ કરે છે.”
છેલ્લે ફેબ્રુઆરી, 2025 માં પાકિસ્તાને ભારતના 23 બીમાર માછીમારોને ત્યાંની જેલમાંથી મુક્ત કર્યા હતા. તેમાંથી એક ખાણ ગામના મોહનભાઇ બાંભણીયા પણ હતા. જેલમાંથી છૂટ્યા બાદ મોહનભાઇએ માછીમારીનો વ્યવસાય છોડી દીધો હતો.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




