Home તાજા સમાચાર gujrati ‘વ્યૂઝ અને ફૉલોઅર્સ’ના ઝઘડામાં મોટી બહેને નાની બહેનની હત્યા કેમ કરી નાખી?

‘વ્યૂઝ અને ફૉલોઅર્સ’ના ઝઘડામાં મોટી બહેને નાની બહેનની હત્યા કેમ કરી નાખી?

5
0

Source : BBC NEWS

ગુજરાનવાલામાં ટિકટૉક બે બહેનો વચ્ચે 'વ્યૂઝ અને ફોલોઅર્સ' માટે શરૂ થયેલો ઝઘડો હત્યામાં કેવી રીતે પરિણમ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના પંજાબના ગુજરાનવાલા જિલ્લામાં બે બહેનો વચ્ચે કથિત રીતે ટિકટૉક વ્યૂઝ લઈને શરૂ થયેલા સામાન્ય ઝઘડાનો અંત એક બહેનની હત્યામાં પરિણમ્યો છે.

લધેવાલા વારૈચ પોલીસે યુવતીઓના પિતાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે, જેમાં 15 વર્ષની ઝુબિયા મનહિલની હત્યાના આરોપસર તેમની જ 18 વર્ષની મોટી બહેનની ધરપકડ કરવામાં આવી છે.

લધેવાલા વારૈચ પોલીસ સ્ટેશનના એસએચઓ મુહમ્મદ અફઝલે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે આરોપી પાસેથી હત્યાનું હથિયાર મળી આવ્યું છે.

એફઆઈઆરમાં શું લખ્યું છે?

લધેવાલા વારાઇચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફરિયાદી અબ્દુલ શકુર ખાન છે જે આરોપી અને મૃતક બંનેના પિતા છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ વ્યવસાયે ડ્રાઇવર છે અને તેમને છ પુત્રીઓ અને એક પુત્ર છે.

એફઆઈઆરમાં જણાવાયું છે કે મહેમાનો તેમના ઘરે આવ્યા હતા અને આખો પરિવાર આંગણામાં બેસીને વાતો કરી રહ્યો હતો ત્યારે અચાનક છત પરથી અવાજ આવ્યો. જ્યારે પરિવાર છત પર પહોંચ્યો ત્યારે તેમણે જોયું કે બંને બહેનો ‘પૈસાની લેવડ દેવડ બાબતે એકબીજા સાથે દલીલો કરી રહી હતી.’

“આ દરમિયાન મોટી દીકરીએ રસોડામાં પડેલી છરી ઉપાડી અને ઝુબિયાને છરી મારી જે તેને પીઠમાં વાગી અને તેના લીધે તે ગંભીર રીતે ઘાયલ થઈને નીચે પડી ગઈ અને તેનું લોહી વહેવા લાગ્યું.”

ગુજરાનવાલામાં ટિકટૉક બે બહેનો વચ્ચે 'વ્યૂઝ અને ફોલોઅર્સ' માટે શરૂ થયેલો ઝઘડો હત્યામાં કેવી રીતે પરિણમ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

એફઆઈઆરમાં અનુસાર, પરિવારજનોએ ઝુબિયાને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધુ લોહી વહી જવાથી ઝુબિયાનું મોત થયું..”

ફરિયાદીનું કહેવું છે કે તેમની મોટી દીકરીએ તેની નાની બહેન ઝુબિયા મીનાહિલની ખોટી રીતે હત્યા કરી છે અને આ એક ગંભીર ગુનો છે.

હત્યા કેવી રીતે થઈ?

પોલીસે તૈયાર કરેલા પ્રાથમિક અહેવાલમાં ઘટના પાછળના હેતુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ અહેવાલ એસએચઓ મુહમ્મદ અફઝલ દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને બહેનો ટિકટૉક પર વીડિયો બનાવતી હતી અને આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ જ તેમના ગંભીર પ્રકારના ઝઘડાનું કારણ બન્યું.

અહેવાલ મુજબ, આ દલીલ દરમિયાન, આરોપીએ તેની બહેન, ઝુબિયા મનહિલ, ઉર્ફે આયશાને પીઠ પર તીક્ષ્ણ છરી મારીને મોતને ઘાટ ઉતારી હતી.”

એસએચઓ મોહમ્મદ અફઝલે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે તેમણે કસ્ટડીમાં લીધેલા આરોપીના પ્રાથમિક નિવેદન મુજબ, ફૉલોઅર્સ વધારે હતા જ્યારે મોટી બહેનના ફૉલોઅર્સ ઓછા હતા. મોટી બહેનનો આરોપ હતો કે “તું મારા ફૉલોઅર્સ ચોરી કરે છે”, જેના લીધે વિવાદ વધ્યો હતો.

જોકે, તેમના સંબંધી ગુલામ રસૂલે જણાવ્યું કે બંને બહેનો આર્થિક રીતે પગભર થવા માટે ટિકટૉક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.

“બંને છોકરીઓ તેમનાં માતાપિતા પ્રત્યે ખૂબ જ વિનમ્ર અને આજ્ઞાકારી હતી.”

“તેઓ પોતાના પગ પરભર થવા માંગતી હતી તેથી જ તેઓ ઘણીવાર ફૂડ વ્લોગિંગ કરતી હતી અને વિવિધ સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર સક્રિય રહેતી હતી.”

ગુલામ રસૂલે ઉમેર્યું, “આ પરિવાર માટે મોટો ફટકો છે કારણ કે એક પુત્રીનું મૃત્યુ થયું છે અને બીજી પોલીસ કસ્ટડીમાં છે.”

“માતાપિતાને માટે એવું લાગી રહ્યું છે કે તેમની દુનિયા ઉજળી ગઈ છે, તેઓ સમજી શકતા નથી કે શું કરવું અને શું ન કરવું.”

ફરિયાદી તરીકે પિતા અબ્દુલ શકુરે કહ્યું કે તેઓ પોતાની મોટી દીકરીને સજા અપાવવા માંગે છે અને હવે તેનો કોઈ કેસ નહીં લડે.

તેમણે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે તેમણે પોતાની મોટી પુત્રીને પોતે પોલીસને સોંપી દીધી છે અને હવે તેનો કોઈ કેસ નહીં લડે.

“જે વ્યક્તિએ મારા ખુશહાલ ઘરને તબાહ કર્યું, તેની સાથે હવે મારે કોઈ સંબંધ નથી.”

‘જો આરોપી પાસે વકીલ ન હોય તો સરકારી વકીલ આપવામાં આવશે’

ગુજરાનવાલામાં ટિકટૉક બે બહેનો વચ્ચે 'વ્યૂઝ અને ફોલોઅર્સ' માટે શરૂ થયેલો ઝઘડો હત્યામાં કેવી રીતે પરિણમ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ફોજદારી કાયદાના નિષ્ણાત એડવોકેટ શેખ ઉસ્માન કહે છે કે પાકિસ્તાની કાયદા અનુસાર, “અટકાયત કરાયેલા શંકાસ્પદ વ્યક્તિને વકીલ વિના છોડી શકાય નહીં કારણ કે તેનો કેસ ચલાવવા માટે કોઈ સંબંધી કે અંગત વકીલ નથી.”

એડવોકેટે શેખ ઉસ્માન બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે બંધારણ અને કાયદો આરોપીને વકીલ દ્વારા બચાવ કરવાનો અધિકાર આપે છે અને જો કોઈ વ્યક્તિ જેલમાં હોય, તેનો પરિવાર હાજર ન હોય અથવા તેની પાસે વકીલ ન હોય તો કોર્ટ આ વાતને અવગણતી નથી અને આરોપીને સરકારી વકીલ પૂરો પાડવામાં આવે છે જે રાજ્યના ખર્ચે આરોપીનો બચાવ કરે છે.

“પંજાબમાં એક મફત કાનૂની સહાય સમિતિ પણ કાર્યરત છે, જેમાં પંજાબ બાર કાઉન્સિલ અને જિલ્લા બાર ઍસોસિએશનના વકીલોનો સમાવેશ થાય છે.”

“લાયક કેદી, સંબંધિત જેલ અધિક્ષકને અરજી કરી શકે છે, ત્યારબાદ અરજી વકીલને મોકલવામાં આવે છે.”

“પંજાબ કાનૂની સહાય અધિનિયમ 2018 હેઠળ, પંજાબ પબ્લિક પ્રોસિક્યુશન વિભાગ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને કાનૂની સહાય પણ પૂરી પાડે છે.”

ટિકટૉકનો વધતો ક્રેઝ

પાકિસ્તાનમાં ડિજિટલ મીડિયાના સંશોધક અરહમ શફીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે “નવી પેઢીએ ટિકટૉક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી પૈસા કમાવવાનું કૌશલ્ય શીખી લીધું છે અને તે તેમના માટે આવકનો એક સરળ સ્ત્રોત બની ગયો છે તેથી જ યુવકો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર શક્ય તેટલા વધુ ફૉલોઅર્સ અને વ્યૂઝ મેળવવાનો પ્રયાસ કરે છે.”

ડિજિટલ મીડિયા ઍક્સપર્ટના મતે, ટિકટૉક તેના મૉનિટાઇઝેશન પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાનમાં સીધી ચુકવણી કરે છે.

“જે લોકોના ટિકટૉક ઍકાઉન્ટ મૉનિટાઇઝ્ડ છે તેમને દર હજાર વ્યૂ માટે ચાલીસ સેન્ટથી એક ડૉલર મળે છે, જેનો સીધો અર્થ એ થાય કે દરેક 10 લાખ વ્યૂસ માટે ચારસોથી એક હજાર ડૉલરની કમાણી કરી શકાય છે, જે પાકિસ્તાની ચલણમાં ખૂબ સારી રકમ છે.”

અરહમ શફીએ વધુમાં કહ્યું, “પાકિસ્તાનમાં મોટાભાગના લોકો અમેરિકા અથવા બ્રિટનમાં નોંધાયેલા ઍકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે કારણ કે તેમને ત્યાં વધુ ચુકવણી મળે છે.”

“પાકિસ્તાનમાં હાલની આર્થિક સ્થિતિ અંગે સૌ જાણે છે પરંપરાગત નોકરીઓના અભાવને કારણે સોશિયલ મીડિયા આવકનો ઉત્તમ પાર્ટ-ટાઇમ કે ફુલ-ટાઇમ સ્ત્રોત બની ગયું છે.”

“ટિકટૉક પર તમને સંપત્તિ અને ખ્યાતિ બંને મળે છે. પરંતુ આ બધો ખેલ ફક્ત ‘વ્યુઝ અને ફૉલોઅર્સ’નો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS