Home તાજા સમાચાર gujrati સુરત : માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઑર્ડરનો...

સુરત : માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઑર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક?

4
0

Source : BBC NEWS

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઑર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, Getty Images

બાળકોમાં વધતો ગેમિંગ ક્રેઝ અને મોબાઇલ ઍડિક્શન દરેક માતાપિતા માટે ચિંતાનો વિષય છે.

આવા ગંભીર બનાવો ફક્ત સુરતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કર્ણાટક, ગાઝિયાબાદ, તામિલનાડુ સહિત ઘણા વિસ્તારોમાં આ પ્રકારના બનાવો નોંધાયા છે.

જૂન, 2026માં કર્ણાટકના એક કિશોર, જેને મોબાઇલ ગેમિંગનું વ્યસન હતું, તેણે પિતા અને બહેનની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી, અને ખુદ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આવા બનાવો માતાપિતા માટે એક ભયાનક પડકાર સ્વરૂપે આવે છે, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) દ્વારા પણ ગેમિંગ ડિસઑર્ડરને મેન્ટલ હેલ્થની ગંભીર સ્થિતિ તરીકે માન્યતા આપવામાં આવી છે.

નિષ્ણાંતો કહે છે, ગેમિંગ ડિસઑર્ડર અને મોબાઇલ ઍડિક્શન પર યોગ્ય નિયંત્રણનો અભાવ પાછળથી કેટલાક કિસ્સાઓમાં બાળકોમાં ‘સેલ્ફ હાર્મ’થી લઈને ‘આત્મહત્યા’ સુધીની ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે.

ત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે મોબાઇલ ઍડિક્શન કે ગેમિંગ છોડાવતી વખતે બાળકો આટલું તીવ્ર કે આત્યંતિક પગલું શા માટે ભરે છે? અને બાળકોમાં ગેમિંગ કે સ્ક્રીન ઍડિક્શનનાં પ્રારંભિક લક્ષણો કયાં હોય છે?

ઉપરાંત માતાપિતાએ કેવી સાવચતીઓ રાખવી જોઈએ અને પોતાના બાળકને ગેમિંગ ડિસઑર્ડર છે કે નહીં તે કેવી રીતે ખ્યાલ આવે, તેના ઉપાયો શું છે? આ બધું આ અહેવાલમાં જાણીશું.

સુરતમાં બાળકે શા માટે આત્મહત્યા કરી?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઑર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતીએ આ મામલે તપાસ કરનાર હેડ કૉન્સ્ટેબલ ભરતસિંહ સોલંકી સાથે વાત કરી હતી. તેમણે બીબીસીને જણાવ્યું કે સુરતના રાંદેર વિસ્તારની એક શાળામાં ભણતા 13 વર્ષીય કિશોરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

“કિશોર આઠમા ધોરણમાં ભણતો હતો અને તેને મોબાઇલના ઉપયોગને કારણે માતાએ નારાજ થઈને ઠપકો આપ્યો હતો ત્યાર પછી માતા ઘરની સામાન્ય રીતે બહાર પડોશનાં મહિલાઓ સાથે વાત કરતાં હતાં તે દરમિયાન દિકરાએ આત્મહત્યા કરી લીધી હતી.”

જોકે, આ મામલે રાંદેર પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધ્યો હોવાથી તેની એફઆઈઆર થઈ નથી.

ત્યારે મોબાઇલ અને ગેમિંગના કારણે બનતી આવી કરૂણ ઘટનાઓને લઈને વાલીઓએ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે બાબતે બીબીસીએ મેન્ટલ હેલ્થ બાબતોના કેટલાક નિષ્ણાંતો સાથે વાત કરી હતી.

સૌ પ્રથમ જાણીએ કે ગેમિંગ ડિસઑર્ડર શું છે, ડબલ્યુએચઓએ તેને લઈને શું કહ્યું છે?

ગેમિંગ ડિસઑર્ડર શું છે?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઑર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, Getty Images

ડબલ્યુએચઓ દ્વારા ગેમિંગ ડિસઑર્ડરને માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ તરીકે માન્યતા આપવામાં આવી છે.

પરંતુ ગેમિંગ ડિસઑર્ડર સમજતા પહેલાં ઇન્ટરનૅશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ એટલે કે આઇસીડી શું છે તે સમજવું જરૂરી છે.

ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ, સાઇકૉથેરાપિસ્ટ અને ડિજિટલ ડિટૉક્સ એક્સ્પર્ટ જય મકવાણા બીબીસી ગુજરાતીને જણાવે છે કે આ મેન્ટલ ડિસઑર્ડર માટેનું એક ડાયગ્નોસ્ટિક મૅન્યુઅલ છે. અત્યારે તેનું 11મું વર્ઝન ચાલી રહ્યું છે, તે કલ્ચરનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે નિદાન માટેની ગાઇડલાઇન પૂરી પાડે છે.

ડબલ્યુએચઓ અનુસાર, ઇન્ટરનૅશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝ (ICD-11)ના 11મા વર્ઝનમાં ગેમિંગ ડિસઑર્ડરને ગેમિંગ વર્તણૂક (‘ડિજિટલ ગેમિંગ’ અથવા ‘વીડિયો ગેમિંગ’) ના એક પ્રકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર, “ડબલ્યુએચઓની વ્યાખ્યા અનુસાર, ગેમિંગ ડિસઑર્ડર એટલે ગેમિંગ પર અનિયંત્રણ થવું તેમજ ગેમિંગને અન્ય પ્રવૃત્તિઓની સરખામણીમાં વધુ પ્રાથમિકતા આપવી. આ ઉપરાંત ગેમિંગ જ્યારે રોજની દૈનિક પ્રવૃત્તિઓ પર હાવી થઈને નકારાત્મક પરિણામો આપે છતાં ગેમિંગ ચાલુ રાખવું અને તેમાં સતત વધારો થવો જેવી બાબતો સામેલ છે.”

ગેમિંગ ડિસઑર્ડર છે કે નહીં તે કેવી રીતે ખબર પડે?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઑર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, Getty Images

ડબલ્યુએચઓ અનુસાર, ગેમિંગ ડિસઑર્ડર છે કે નહીં તે માટે તેની પૅટર્ન જોવી જોઈએ, આમ ગેમિંગની પૅટર્ન એટલી ગંભીર હોય કે જેના પરિણામે વ્યક્તિના વ્યક્તિગત જીવન, કૌટુંબિક, સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક જીવન કે અન્ય મહત્ત્વપૂર્ણ કામકાજમાં નોંધપાત્ર નુકસાન થતું હોય તો તે ગેમિંગ ડિસઑર્ડર છે, જો કે આ પૅટર્ન સામાન્ય રીતે ઓછામાં ઓછા 12 મહિનાથી દેખાતી હોવી જોઈએ.

ડિજિટલ ડિટૉક્સ એક્સ્પર્ટ જય મકવાણા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે ગેમિંગ ડિસઑર્ડર થયેલી વ્યક્તિને 12 મહિનાથી તેના વર્તનમાં સતત પરિવર્તન જોવા મળતું હોય છે, તે વ્યક્તિ ગેમ રમવા માટે બીજી પ્રવૃતિને ગૌણ ગણે છે, જેમ કે ઍજ્યુકેશન, ફેમિલી ટાઇમ.

બાળકોમાં તેનાં લક્ષણોને લઈને જય મકવાણા કહે છે, જ્યારે બાળક ગેમ ન રમતું હોય છતાં પણ તે બાળકને ગેમના વિચાર આવ્યા કરે.

“જેમ કે બાળક સતત વિચાર્યા કરે કે હું આ ગેમ ક્યારે રમીશ. એનું પ્લાનિંગ કર્યા કરે, અને ગેમ પત્યા પછી પણ સતત ગેમ વિશે વિચારીને તેની ક્રેવીંગ અને ઇન્ટેન્સિટી દર્શાવતું હોય છે.”

“કેટલાક કિસ્સાઓમાં બાળક ગેમિંગ ડિસઑર્ડરમાં ગેમ રમવા માટે ખોટું બોલી લે છે.”

“જેમ કે બાળક કહે ‘આજે હોમ વર્ક નથી મને મોબાઇલમાં ગેમ રમવા દો’ અથવા એવું કહે કે ‘આજે હું મોબાઇલ અડ્યો જ નથી મને મોબાઇલ લેવા દો’, તેમ કહીને મોબાઇલની ક્રેવિંગ પૂરી કરે.”

“અથવા રાતે બાળક માતાપિતાની સુવાની રાહ જોવે કે ક્યારે વાલી ઊંઘે તો ત્યારે તે ફોન લઈ લે, અમુક પ્રકારની ગેમનાં સબસ્ક્રિપ્શન્સ લેવા બાળક ચોરી સુધી વિચાર કરી શકે.”

ત્યારે ગેમિંગ ડિસઑર્ડર કેટલી મહત્ત્વપૂર્ણ ચિંતા છે તેના અભ્યાસો તરફ નજર કરીએ.

ગેમિંગ ડિસઑર્ડર કેટલો ગંભીર હોય શકે છે?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઓર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, Getty Images

પેપર અનુસાર, જે બાળકો ગેમિંગ ઍડિક્શનની સારવાર હેઠળ હતાં, તેમાં ગેમિંગ ડિસઑર્ડરનું પ્રમાણ 50. 42%થી 79.25% જેટલું ઊંચું નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે ડબલ્યુએચઓ પણ આ રિસર્ચ પેપરના અભ્યાસનાં પરિણામોને ધ્યાને રાખ્યાં છે.

આ અભ્યાસમાં સામે આવ્યું છે કે ગેમિંગ ડિસઑર્ડરથી પીડાતા લોકોમાં અમુક માનસિક લક્ષણો અને રોગો સૌથી વધુ જોવા મળે છે જે નીચે મુજબ છે:

  • ડિપ્રેશન
  • ઇન્ટરનેટ ઍડિક્શન
  • ઍંગ્ઝાયટિ
  • ઇમ્પલસિવનેસ/આવેગ પર નિયંત્રણ ન રહેવું
  • એડીએચડી (અટેન્શન-ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર)

સાઇકોલૉજિસ્ટ ડૉ. ચિન્મય દેસાઇ જણાવે છે, સ્માર્ટ સ્ક્રીન સામે વધુ સમય એ ચોક્કસ રીતે મગજ અને વર્તન ઉપર અસર કરે છે.

તેમના અનુસાર, “વ્યક્તિની અંદર ચીડિયાપણું આવે છે જે ઇમોશનલ રેગ્યુલેશન રિલેટેડ સમસ્યા ઊભી કરે છે જેમ કે, યોગ્ય નિર્ણય ન લઈ શકવા, ધ્યાનમાં સમસ્યા અનુભવવી અને યોગ્ય સમયમાં તેનો ઉકેલ ન આવે તો તે બીજી ગંભીર માનસિક સમસ્યાઓને પણ નોતરે છે.”

“ગેમિંગ ડિસઑર્ડરના કિસ્સામાં મોબાઇલ ગેમ છોડાવતી વખતે બાળક એનો એટલો આદી બની ચૂક્યો હોય છે કે બાળક તેને એક રીવર્ડ પૅટર્ન તરીકે જુએ છે.”

“મોબાઇલથી તેને રીવર્ડ મળી રહ્યો છે જો તે બંધ થઈ જાય તો હતાશા, ભાવનાત્મક સમસ્યાઓ, સેલ્ફ હાર્મિંગ, અતિશય ગુસ્સો આવવો જેવા વર્તન પણ સામે આવે છે.”

“આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં ક્યારેક બાળકો માતાપિતાને મરી જવાની પણ ધમકી આપતા હોય છે, તો ક્યારેક તેના ઘરના લોકોને ઈજા પહોંચાડવાનો પણ પ્રયત્ન કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં ઘર છોડી દેવાની પણ ધમકી આપતા હોય છે. તેથી આવા કિસ્સાઓમાં એક યોગ્ય મદદ લેવી જરૂરી છે.”

શું ગેમિંગ કરતા તમામ લોકોને ગેમિંગ ડિસઑર્ડર છે?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઓર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, jay makwana

ડબલ્યુએચઓ અનુસાર, અભ્યાસો સૂચવે છે કે ગેમિંગ ડિસઑર્ડર ડિજિટલ કે વિડીયો-ગેમિંગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેલા લોકોમાંથી ખૂબ જ ઓછા લોકોને અસર કરે છે.

“પરંતુ જે લોકો ગેમિંગમાં ભાગ લે છે તેઓએ ગેમિંગ પ્રવૃત્તિઓમાં કેટલો સમય વિતાવવો તે અંગે સતર્ક રહેવું જોઈએ.”

“જે લોકો ગેમ રમતા અન્ય દૈનિક પ્રવૃત્તિઓને બાકાત રાખવાની વાત કરતાં હોય, તેમજ તેમના શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક કામગીરીમાં કોઈપણ દખલગીરી ગેમિંગને કારણે થતી હોય તો તેમણે ગેમિંગ ડિસઑર્ડર છે તેવી ચિંતા કરવી જોઈએ.”

  • ગેમિંગ માટે સતત વિચારો આવવા કે તેમાં જ પરોવાયેલા રહેવું.
  • ગેમ ન રમવા દેતાં ચીડિયાપણું, ગુસ્સો કે ઉદાસી આવવી.
  • સંતોષ મેળવવા વધુ ને વધુ સમય ગેમ રમવાની જરૂર પડવી.
  • ગેમિંગ ઘટાડવા કે બંધ કરવાના અસફળ પ્રયાસો કરવા.
  • અન્ય શોખ કે પ્રવૃત્તિઓમાં રસ ગુમાવી દેવો.
  • નકારાત્મક પરિણામો છતાં ગેમિંગ ચાલુ રાખવું.
  • ગેમિંગના સમય બાબતે વાલીઓ કે અન્યોથી જૂઠું બોલવું.
  • ખરાબ મૂડ, તણાવ કે સમસ્યાઓથી ભાગવા માટે ગેમિંગનો ઉપયોગ કરવો.
  • ગેમિંગના કારણે સંબંધો, શિક્ષણ કે કારકિર્દી જોખમમાં મૂકવી.

ડિજિટલ ડિટૉક્સિફિકેશન : મોબાઇલ બંધ કરવો તેનો ઉપાય છે?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઓર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, neha pandya

સાયકોલૉજિસ્ટ નેહા પંડયાએ બીબીસીને જણાવ્યું, બાળકોને કોઈ આનો કોઈ વિકલ્પ આપવો પડશે. માત્ર “મોબાઇલ બંધ કરો” એમ કહેવાથી કદાચ એ મોબાઇલ મૂકી પણ દે, પણ તેની મોબાઇલ વાપરવાની ઇચ્છા ઓછી નહીં થાય. એટલે “મોબાઇલ મૂકી દે” ની બદલે બાળકને કહી શકાય “ચાલો, હવે શું નવું કરવું છે.”

નેહા જણાવે છે, આમાં બાળકને પ્રોત્સાહિત કરવા માતાપિતાએ તેમના માટે સમય કાઢીને બૉર્ડ ગેમ્સ, સાયકલિંગ, બહાર રમવાનું, વગેરે પ્રવૃત્તિઓ કરવી જોઈએ.

નેહા જણાવે છે કે “પરંતુ બાળકનો અચાનક સ્ક્રીન ટાઇમ સાવ બંધ ન કરવો જોઇએ. એનાથી બાળક આક્રમક થઈ શકે છે. ધીરે-ધીરે એને ઓછો કરતા જોઈએ. જેમ કે ત્રણ કલાકથી અઢી કલાક, પછી બે કલાક.

સાયકોલૉજિસ્ટ ડૉ. ચિન્મય દેસાઇ જણાવે છે, ડિજિટલ શિસ્તનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે જેમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ફોનનો ઉપયોગ કરવો, જમતી વખતે કે સૂતાં પહેલાં કે અભ્યાસની પ્રવૃત્તિ સમયે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

“ચોક્કસ એક સમય નક્કી કરવો જોઈએ. જેમાં ઘરના વડીલોથી લઈને બાળકનાં માતાપિતાએ પણ આ નિયમનું પાલન કરવું જોઈએ જેને ‘નો મોબાઇલ ઝોન’ કહી શકાય.”

ડૉ. ચિન્મય જણાવે છે “જ્યારે વ્યક્તિ સતત મોબાઇલ વાપરે છે ને ત્યારે તેને હાઇસ્ટિમ્યુલેશન અને રીવર્ડ કન્ટેન્ટ મળતું હોય છે જેનાથી વ્યક્તિને એક ઇમોશનલ અનુભૂતિ થતી હોય છે.”

“જેને પરિણામે ફ્રી સમયમાં મોબાઇલ વાપરવું એક આદત બની જતી હોય છે. પરંતુ તેને મોબાઇલ વાપરવા માટે રોકવામાં આવે તો તેની ઇમ્પલ્સિવિટી એટલે કે તેની અંદર ગુસ્સો સક્રિય થઈ જાય છે, તેથી તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.”

માતાપિતા શું કરી શકે, શું છે તેના ઉપાયો?

સુરત: માતાએ ગેમ ન રમવા કહ્યું બાળકે આત્મહત્યા કરી, ગેમિંગ ડિસઓર્ડરનો વધતો ક્રેઝ કેટલો ઘાતક, શું છે તેના શરૂઆતી સંકેતો?

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. ચિન્મય દેસાઇ જણાવે છે, જેમ બાળક માતાપિતાની સામે મોબાઇલને લઈને ગુસ્સો કરતું હોય છે ત્યારે માતાપિતાએ પણ બાળક સામે બૂમો પાડવી જોઈએ નહીં, બાળકનું અપમાન કરવું જોઈએ નહીં, તેની અન્ય કોઈ સાથે સરખામણી કરવી જોઈએ નહીં, તેને વારંવાર સમજાવવા માટે લાંબા લેક્ચર પણ ન આપવા જોઈએ.

“તેના બદલે બાળકની તે માનસિક સ્થિતિને સમજીને તેના ઇમોશન્સને સ્વીકારવાં જોઈએ. તેમની બાઉન્ડ્રી જાળવવા માટે અલ્ટરનેટીવ ઑપ્શન્સ આપવા જોઈએ.”

“વાલીએ પોતે પણ ફ્રી સમયમાં બિનજરૂરી મોબાઇલ ઉપયોગ ટાળવો જોઈએ આવી કેટલી કૉમ્યુનિકેશન સ્ટાઈલ એ ચોક્કસ રીતે બાળકને મદદ કરશે.”

જય મકવાણા કહે છે, ઉપરાંત માતાપિતા ફોનમાં પેરેન્ટલ કંટ્રોલ આવતું હોય છે. તેનો પણ ઉપયોગ કરી શકે છે. પેરેન્ટ્સે તેમનું ડિજિટલ નૉલેજ વધારવું જોઈએ.”

“આમ બાળકને ગેમ નહીં જ રમવા દઈએ, તે પણ કોઈ સમાધાન નથી પણ તે બાબતે સ્વસ્થ પરિપ્રેક્ષ્યમાં બાળક સાથે સંવાદ કરવો જોઈએ.”

“ઉપરાંત એક કરતાં વધારે મલ્ટી પ્લેયર જોડાઈને રમાતી ગેમ્સ વધારે ઍડિકટિવ હોય છે, તેથી એવી ગેમ્સ પણ બને તો ન રમવાનું ટાળવું જોઈએ.”

“વાલીઓએ બાળક મોબાઇલમાં સૌથી વધારે કઈ બાબતો ઉપયોગ કરે છે, તે ચાર્ટ પર પણ નજર રાખવી જરૂરી છે.”

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઈન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS