Home તાજા સમાચાર gujrati સુરતમાં વરસાદે ફરી કેર વર્તાવ્યો, 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,...

સુરતમાં વરસાદે ફરી કેર વર્તાવ્યો, 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ

3
0

Source : BBC NEWS

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 24 ઇંચ વરસાદ, આજે અમદાવાદ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, Nachiket Maheta

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 31મી જુલાઈના રોજ અનેક જિલ્લાઓમાં રેડ ઍલર્ટને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

સુરતના અંબિકા તાલુકામાં 24.06 ઇંચ વરસાદ પડવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. રાજ્યના ત્રણ તાલુકામાં 16 ઇંચથી વધુ જ્યારે કે 9 તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. સુરત, તાપી, ખેડા સહિત 9 જિલ્લામાં ભયંકર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. હવામાન ખાતાની જાણકારી પ્રમાણે રાજ્યના કુલ 255 તાલુકામાં અતિભારે વરસાદ નોંધાયો હતો.

આજે ફરીથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને લઈને બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 સહિત કુલ 50 ટીમો તહેનાત કરાઈ છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં આર્મીની બે ટીમો ઉતારવામાં આવી છે. શાળા-કૉલેજોમાં પણ રજાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક તરફ નજર કરીએ તો સુરતના અંબિકામાં છેલ્લા 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના તલોદમાં 7 ઇંચ વરસાદ મહીસાગરમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સિવાય વડોદરાના સિનોરમાં સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અને અમદાવાદના ધંધુકા અને દેત્રોજ-રામપુરામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.

તે સાથે જ નર્મદા જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ અતિ ભારે વરસાદ જોવા મળ્યો.

ત્યારે આજે ફરી હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, દક્ષિણ મધ્યપ્રદેશથી આવી રહેલી સિસ્ટમની શું સ્થિતિ છે જાણો આ અહેવાલમાં.

છેલ્લા 24 કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં 24 ઇંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 24 ઇંચ વરસાદ, આજે અમદાવાદ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, Daxesh Shah

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર, સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24.06 ઇંચ ભારે વરસાદ નોંધાયો છે.

આ સિવાય તાપીના ડોલવણ તાલુકામાં 16.73 ઇંચ, ખેડાના વસો તાલુકામાં 16.38 ઇંચ અને નવસારીના વાંસદા તાલુકામાં 16.26 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત માંગરોળ (10.71 ઇંચ), અરેઠ (9.17 ઇંચ), ઓલપાડ (8.70 ઇંચ), પલસાણા (8.43 ઇંચ) અને બારડોલી (7.87 ઇંચ) માં પણ નોંધપાત્ર વરસાદ રહ્યો છે.

આ ઉપરાંત આણંદમાં (10.67 ઇંચ), ખંભાત (10.16 ઇંચ), મહુધા (9.72 ઇંચ), બોરસદ (9.21 ઇંચ), સોજિત્રા (9.09 ઇંચ), પેટલાદ (9.06 ઇંચ) અને તારાપુર (8.70 ઇંચ) જેવા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.

તેમજ ડાંગ (વાઘઈ 10.94 ઇંચ, સુબિર 10.24 ઇંચ), ભરૂચ (નેત્રંગ 13.03 ઇંચ), વલસાડ (ધરમપુર 11.02 ઇંચ) અને નર્મદા (ગરુડેશ્વર 8.58 ઇંચ અને સાગબારા 7.91 ઇંચ) જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના તલોદમાં 7 ઇંચ વરસાદ મહીસાગરમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સિવાય વડોદરાના સિનોરમાં સાડા પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ડભોઇમાં પાંચ ઇંચ તેમજ અમદાવાદના ધંધુકા અને દેત્રોજ-રામપુરામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.

આમ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ટૂંકા સમયગાળામાં પડેલા આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 24 ઇંચ વરસાદ, આજે અમદાવાદ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, imd

આજે એક ઑગસ્ટના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે, અમદાવાદ અને આણંદ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં થોડાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા સાથે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેમજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, મોરબી અને કચછ જિલ્લાઓમાં થોડાં સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં થોડાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે બે ઑગસ્ટની આવતીકાલની પરિસ્થિતિને લઈને આગાહી કરી છે કે, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લાઓના છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

આવતી કાલે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

તેમજ આજ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનાં છૂટાંછવાંયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ત્રણ અને ચાર ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓનાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

પાંચ ઑગસ્ટના દિવસને લઈને પણ હવામાન વિભાગે આજ પ્રકારની આગાહી કરી છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ નબળી પડી?

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 24 ઇંચ વરસાદ, આજે અમદાવાદ અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, બીબીસી

ઇમેજ સ્રોત, daxesh shah

હવામાન વિભાગ અનુસાર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ પરનું ડીપ ડિપ્રેશન ગઇકાલે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું. તે સિસ્ટમ અમરાવતી (મહારાષ્ટ્ર)થી વર્ધા (મહારાષ્ટ્ર)થી 60 કિમી ઉત્તરપશ્ચિમમાં બેતુલ (મધ્ય પ્રદેશ) પર હતી.

આજે આ સિસ્ટમ દક્ષિણ મધ્ય પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને નબળા પડીને ‘વેલ-માર્ક્ડ લો પ્રેશર’માં ફેરવાઈ જવાની સંભાવના છે.

ચોમાસાનો ટ્રફ હવે જેસલમેર, ઉદયપુર, ઇન્દોર, દક્ષિણ મધ્ય પ્રદેશ પરના ડિપ્રેશનના કેન્દ્ર, ગોપાલપુર થઈને બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ લંબાયેલી જોવા મળી રહી છે.

તેમજ શિયર ઝોન હવે મધ્યપ્રદેશ પરના ડિપ્રેશન સાથે સંકળાયેલા એક સાયક્લોનિક સરક્યુલેશન તરીકે જોવા મળે છે.

મધ્ય ટ્રોપોસ્ફિયરિક પવનોમાં એક ટ્રફ તરીકે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઑફ-શોર ટ્રફ (Of-Shore trough) યથાવત્ છે.

ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશન ઓછું પ્રભાવશાળી બન્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS