Home તાજા સમાચાર gujrati સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસ : સુપ્રીમ કોર્ટે જુબાનીમાં ફરી ગયેલા સાક્ષીઓને તપાસવા...

સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસ : સુપ્રીમ કોર્ટે જુબાનીમાં ફરી ગયેલા સાક્ષીઓને તપાસવા કહ્યું

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસ સુપ્રીમ કોર્ટ નિર્દોષ ચુકાદો ગુજરાત પોલીસ

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં બહુ ચર્ચાસ્પદ બનેલા સોહરાબુદ્દીન શેખ હત્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં 92 સાક્ષીઓ હોસ્ટાઇલ (ફરી ગયા) થયા તે ગંભીર ચિંતાનો વિષય છે.

આ કેસમાં 22 લોકોને નિર્દોષ છોડવા વિરુદ્ધ એક અરજી થઈ છે, જે મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ ઇસ્યૂ કરી છે. 22માંથી 21 પોલીસ કર્મચારીઓ છે.

પીટીઆઈના અહેવાલ મુજબ 22 આરોપીઓને નિર્દોષ છોડવાના બૉમ્બે હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવી છે, જેને તપાસવા માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા વી મોહનની બેન્ચે સોહરાબુદ્દીન શેખના ભાઈ નાયબુદ્દીન શેખ દ્વારા કરાયેલી અરજી પર નોટિસ આપી હતી. તેમાં સાતમી મેના હાઇકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

બેન્ચે કહ્યું કે તે કેટલાક સાક્ષીઓનાં નિવેદનોને ચકાસશે. ‘લાઇવ લૉ’ના અહેવાલ પ્રમાણે જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરી કે “આ કેસમાં 92 સાક્ષી હોસ્ટાઇલ થયા તે બહુ ગંભીર ચિંતાનો વિષય છે. આ સમવર્તી તારણ હતું, પરંતુ તે યોગ્ય અને ન્યાયી કાર્યવાહી હતી કે કેમ તે જોવાનું રહે છે.”

2005માં ઍન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીન શેખનું મોત થયું હતું. ત્યાર પછી તેમનાં પત્ની કૌસરબીની પણ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું, અને તેમના સાથીદાર તુલસીરામ પ્રજાપતિનું પણ ઍન્કાઉન્ટર થયું હતું.

આખો કેસ શું હતો?

બીબીસી ગુજરાતી સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસ સુપ્રીમ કોર્ટ નિર્દોષ ચુકાદો ગુજરાત પોલીસ

અમદાવાદમાં 2005માં રાજસ્થાનના સોહરાબુદ્દીન શેખનું રાજસ્થાન અને ગુજરાત પોલીસે જૉઇન્ટ ઑપરેશનમાં ઍન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે કરેલું આ ઍન્કાઉન્ટર ખોટું હોવાના આરોપો લાગવાના કારણે સમગ્ર કેસ વિવાદાસ્પદ બન્યો હતો.

2006માં આ કેસ આગળ વધ્યો અને સોહરાબુદ્દીન શેખના સાગરિત તુલસી પ્રજાપતિનું પણ પોલીસનાં ઍન્કાઉન્ટરમાં મોત થયું હતું. એ ઍન્કાઉન્ટર પણ ખોટું હોવાના આક્ષેપો ગુજરાત પોલીસ પર થયા હતા.

આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તે પહેલાં ગુજરાત સીઆઇડી ક્રાઇમ અને 2010માં સીબીઆઈ આ કેસમાં સામેલ થઈ હતી.

આ કેસમાં ગુજરાત ભાજપના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગુલાબચંદ કટારિયાને પણ આરોપી બનાવાયા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશથી આ કેસ સાંભળી રહેલી મુંબઈ સીબીઆઈ કોર્ટે અમિત શાહ સહિત આ કેસ સાથે સંકળાયેલા સિનિયર પોલીસ ઑફિસરો અને રાજનેતાઓને ટ્રાયલ પહેલાં ડિસ્ચાર્જ કરી દીધા હતા.

મુંબઈ કોર્ટ દ્વારા ટ્રાયલ પહેલાં છોડવામાં આવેલા 16 આરોપીઓમાં નેતાઓ, બૅન્કરો, ઉદ્યોગપતિ અને આઇપીએસ અધિકારીઓ હતા. ત્યાર પછી પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કૉન્સ્ટેબલોને જ આ કેસનો સામનો કરવાનો રહ્યો હતો.

સાક્ષીઓ જુબાનીમાં ફરી ગયા

પ્રતીકાત્મક તસવીર

સોહરાબુદ્દીન કેસ સુપ્રીમ કોર્ટના હુકમથી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ પ્રામાણિકપણે ચાલે તે માટે કેસને ગુજરાત બહાર ચલાવવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ માગણી માન્ય રાખી કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો. આ કેસમાં કુલ 38 વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈએ જ્યારે કેસ ટ્રાન્સફરની રજૂઆત કરી ત્યારે તેની દલીલ હતી કે સાક્ષીઓ ઉપર દબાણ ન આવે અને સાક્ષી ફરી જાય નહીં તે માટે કેસ ગુજરાત બહાર ચલાવવો જોઈએ.

પરંતુ મુંબઈ સીબીઆઈ કોર્ટમાં રજૂ થયેલા કુલ 45 સાક્ષીમાંથી 38 સાક્ષીઓ પોતાની જુબાનીમાંથી ફરી ગયા હતા.

આ તમામ સાક્ષીઓએ કોર્ટેને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતું કે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા સાક્ષી નિવેદન અંગે તેઓ કંઈ જાણતા જ નથી.

છેલ્લે બૉમ્બે હાઈકોર્ટમાં શું થયું?

21 ડિસેમ્બર, 2018ના રોજ એક ટ્રાયલ કોર્ટે ગુજરાત અને રાજસ્થાનના 22 પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કર્યા હતા. તેની સામે સોહરાબુદ્દીન શેખના ભાઈએ રુબાબુદ્દીન શેખ અને નાયાબુદ્દીન શેખે બૉમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

પરંતુ 7 મે 2026ના રોજ બૉમ્બે હાઇકોર્ટે 22 આરોપીઓની મુક્તિને માન્ય રાખી હતી અને સોહરાબુદ્દીન શેખના ભાઈઓની અપીલ કાઢી નાખી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS