Home તાજા સમાચાર gujrati સ્વામિનારાયણ પ્રતિનિધિમંડળની ઍફિલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ખસેડતાં વિવાદ, મામલો શું...

સ્વામિનારાયણ પ્રતિનિધિમંડળની ઍફિલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ખસેડતાં વિવાદ, મામલો શું છે?

6
0

Source : BBC NEWS

સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના કેટલાક સદસ્યોએ પેરિસમાં સીન નદી પર આયોજિત ધાર્મિક ઝાંખી પહેલા ઍફિલ ટાવર સામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ઇમેજ સ્રોત, Kenzo TRIBOUILLARD / AFP via Getty Images

ફ્રાન્સનો પ્રખ્યાત ઍફિલ ટાવર સોમવારે તેના કર્મચારીઓની હડતાળને કારણે બંધ રહ્યો હતો.

તેના કર્મચારીઓ અને મૅનેજમૅન્ટના જણાવ્યા અનુસાર, એક હિન્દુ ધાર્મિક સમૂહે જ્યારે તેની મુલાકાત લીધી એ દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના કામની જગ્યાએથી હઠાવી દેવાયાં હતાં.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે સંકળાયેલા લગભગ 100 લોકોના પ્રતિનિધિમંડળે ગત શનિવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ પ્રખ્યાત સ્થળની મુલાકાત લીધી હતી.

ત્યાંના કર્મચારી યુનિયનના પ્રતિનિધિ ડાયેન ડેવોઇને જણાવ્યું હતું કે આ સંસ્થાનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ત્યારે મહિલાઓને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું હતું.

તેમણે સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, “આ પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલાઓને તેમના કાર્યસ્થળો છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું જેથી તેમના બદલે પુરુષોને ત્યાં તહેનાત કરી શકાય.”

ડેવોઇને એમ પણ કહ્યું કે મૅનેજમૅન્ટે બાદમાં આ ઘટના બદલ કર્મચારીઓની માફી માગી છે.

‘મહિલાઓનું અપમાન થયું’

ઍફિલ ટાવરના સાઇન બૉર્ડ પર લખેલું જોવા મળ્યું હતું કે ટાવરને ખોલવામાં વાર લાગશે

ઇમેજ સ્રોત, Reuters

ડાયન ડેવોઇને જણાવ્યું હતું કે, “આનાથી કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને ખૂબ દુઃખ થયું છે. જે બન્યું અને કેટલીક મહિલાઓ સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો તેનાથી તેઓ અપમાનિત થયાં હોવાનું અનુભવે છે.”

તેમણે કહ્યું કે, “પછી વીકેન્ડમાં તણાવ વધતો રહ્યો. આથી, મંગળવારે સવારે કર્મચારીઓએ એક બેઠક યોજવાનું નક્કી કર્યું. તેમનો પહેલો ઉદ્દેશ્ય મૅનેજમૅન્ટ સાથે વાતચીત શરૂ કરવાનો હતો અને બીજો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે કંપનીમાં મહિલાઓ સાથે ફરી ક્યારેય આ પ્રકારનો વ્યવહાર ન થાય.”

સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર પેરિસમાં ઍફિલ ટાવરનું સંચાલન કરતી કંપની એસઇટીઇએ પુષ્ટિ કરી છે આ લોકોના (સ્વામિનારાયણ સંસ્થાના) પ્રતિનિધિમંડળે વિનંતી કરી હતી કે તેમની મુલાકાત એવી રીતે ગોઠવવામાં આવે કે જેમાં મહિલાઓ સાથે ઓછામાં ઓછી વાતચીત થાય.

કંપનીએ એએફપીને જણાવ્યું હતું કે “આ શરતો અમારે સ્વીકારવી જોઈતી ન હતી.”

કંપનીએ કહ્યું કે જે બન્યું તે એસઇટીઇનાં મૂલ્યો અને પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતાના સિદ્ધાંતો સાથે સુસંગત નથી.

આ કંપનીના પ્રમુખ એરિએલ વેઇલે કહ્યું કે, “આ સ્પષ્ટપણે સ્વીકાર્ય નથી. હું લોકશાહી મૂલ્યો અને પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતા પ્રત્યે એફિલ ટાવરની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું.”

બીબીસીએ ટિપ્પણી માટે યુનિયનનો પણ સંપર્ક કર્યો છે.

બીએપીએસ સંસ્થાએ શું કહ્યું?

પેરિસમાં આયોજિત કાર્યક્રમની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાએ ગત રવિવારે પેરિસમાં તેના પ્રથમ મોટા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

પેરિસસ્થિત બીએપીએસ મંદિરે ઍક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની ઍફિલ ટાવરની મુલાકાત એ સામાન્ય રીતે ટાવર જ્યારે ખૂલે છે એ શરૂઆતના સમયમાં આયોજિત કરવામાં આવી હતી જેથી કરીને બીજા લોકોને પરેશાની ન થાય.

બીએપીએસ મંદિરે આનાથી થયેલી કોઈ પણ અસુવિધા બદલ માફી માગી હતી.

તેણે નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પરસ્પર સન્માન અને સેવાનાં સાર્વત્રિક મૂલ્યોમાં માનીએ છીએ.”

પોતાની વેબસાઇટ પર બીએપીએસ પોતાને હિન્દુ મૂલ્યોથી સમાજને ઉત્તમ બનાવવા માટે કામ કરનારી એક આધ્યાત્મિક અને વૉલન્ટિયર્સથી ચાલનારી સંસ્થા ગણાવે છે.

ગુજરાત સહિત લંડન, લૉસ ઍન્જલસ અને સિડની સહિત વિશ્વનાં ઘણાં મોટાં શહેરોમાં તેનાં મંદિરો છે.

ફ્રાન્સમાં નેતાઓએ આ ઘટનાની નિંદા કરી

સોમવારે ઍફિલ ટાવરને કર્મચારીઓની હડતાળ પછી બંધ કરી દેવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, Reuters

પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે જણાવ્યું હતું કે મુલાકાતની આસપાસની પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવશે.

તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, “હું ઍફિલ ટાવરના કર્મચારીઓનો ગુસ્સો સમજું છું અને હું તેમને કહેવા માગું છું કે તેમનો અસંતોષ વાજબી છે.”

“સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની સમાનતા ક્યારેય આપણા ઐતિહાસિક સ્મારકોની સામે અથવા તો આ શહેરમાં બીજે ક્યાંય પણ અટકવી જોઈએ નહીં. આ સમાનતા દરેક જગ્યાએ અને દરેકને લાગુ પડવી જોઈએ.”

ફ્રાન્સના જમણેરી નેતા મરીન લે પેને કહ્યું, “ફ્રાન્સમાં અમે ક્યારેય સ્વીકારીશું નહીં કે મહિલાઓની હાજરીને ‘સીમિત’ કરી દેવામાં આવે.”

ફ્રાન્સના પૂર્વ સેન્ટ્રિસ્ટ-જમણેરી વડા પ્રધાન ગૅબ્રિયલ અત્તાલે કહ્યું હતું કે, “કોઈ સંસ્કૃતિ, કોઈ શ્રદ્ધા કે કોઈ પૂજાનું સ્વરૂપ ફ્રાન્સમાં મહિલાઓનું સ્થાન શું છે તે નક્કી કરવાનો અધિકાર આપી શકતું નથી.”

ફ્રૅન્ચ નૅશનલ ઍસૅમ્બલીના પ્રમુખ જેલ બ્રોન-પાઇવે જણાવ્યું હતું કે, “વિદેશી મુલાકાતીઓની માગણીઓ પૂરી કરવા માટે મહિલાઓને પીછેહઠ કરવાની ફરજ પાડવામાં આવે તે હું સ્વીકારીશ નહીં.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS